પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કર્યો


કોરોના સામે ભારતની પ્રતિક્રિયા તેના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા છે: પ્રધાનમંત્રી

દુનિયાએ આજ સુધીમાં આટલા મોટા સ્તરની રસીકરણ કવાયત જોઇ નથી: પ્રધાનમંત્રી

કોરોના સામે ભારતની પ્રતિક્રિયાને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી છે: પ્રધાનમંત્રી

અગ્ર હરોળના કોરોના યોદ્ધાઓને વંદન કર્યા

Posted On: 16 JAN 2021 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશને આવરી લેતી આ કવાયત દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આના માટે કુલ 3006 સત્ર સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રારંભ વખતે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ આ રસી તૈયાર કરવામાં સંકળાયેલા વૈજ્ઞાનિકો પ્રત્યે આભાર વ્યક્ત કરીને પોતાના સંબોધનનો પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇપણ રસી તૈયાર કરવામાં વર્ષોનો સમય લાગી જાય છે પરંતુ આટલા ટૂંકા સમયમાં, એક નહીં પણ બે મેડ ઇન ઇન્ડિયા રસી રજૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ લોકોને બે ડોઝ લેવામાં ચૂક ના થાય તેની કાળજી રાખવા માટે સતર્ક કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બે ડોઝ વચ્ચે એક મહિનાનો સમય રહેશે. તેમણે લોકોને રસી લીધા પછી પણ પોતાની સુરક્ષા માટે તમામ તકેદારી રાખવા કહ્યું હતું કારણ કે બીજો ડોઝ લીધા પછી બે અઠવાડિયા બાદ માનવ શરીરમાં કોરોના સામે જરૂરી પ્રતિકારક શક્તિ આવશે.

પ્રધાનમંત્રીએ રસીકરણ કવાયતને અભૂતપૂર્વ સ્તરની ગણાવતા જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં જ આ કવાયતમાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે જે દુનિયામાં ઓછામાં ઓછા 100 દેશોમાં કુલ વસ્તી કરતા મોટો આંકડો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે વૃદ્ધો અને ગંભીર સહ-બિમારી ધરાવતા લોકોને પણ રસી માટે આવરી લેવામાં આવશે ત્યારે આ આંકડો વધારીને 30 કરોડ સુધી લઇ જવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, માત્ર ત્રણ જ દેશ – ભારત, USA અને ચીન છે જ્યાં કુલ વસ્તી 30 કરોડથી વધારે છે.

પ્રધાનમંત્રીએ લોકોને કહ્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકો, તબીબી પ્રણાલી અને ભારતીય પ્રક્રિયાઓ તેમજ સંસ્થાગત વ્યવસ્થાતંત્ર રસીના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ભરોસાપાત્ર છે અને આ ભરોસો સતત ટ્રેડ રેકોર્ડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો છે માટે રસી અંગે ફેલાવવામાં આવતી કોઇપણ અફવા અને ષડ્યંત્રકારી જુઠ્ઠાણાઓ કોઇએ પર ધ્યાન આપવું જોઇએ નહીં.

પ્રધાનમંત્રીએ કોરોના સામેની જંગ એકજૂથ રહીને હિંમતપૂર્વક લડવા બદલ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોરોના સામેની ભારતની પ્રતિક્રિયાને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા હતી. તેમણે કોઇપણ સંજોગોમાં આત્મવિશ્વાસ નબળો ના પડવા દેવાના દરેક ભારતીયના સંકલ્પની નોંધ લીધી હતી. તેમણે ડૉક્ટરો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના ડ્રાઇવરો, ASHA કામદારો, સફાઇ કામદારો, પોલીસ અને અગ્ર હરોળમાં સેવા આપતા એવા તમામ લોકો કે જેઓ પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવવામાં કાર્યરત છે તેમનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દુઃખ સાથે કહ્યું હતું કે, તેમાંથી કેટલાક લોકો તો વાયરસ સામેની આ જંગમાં ઘરે પરત ફરી શક્યા નથી અને પોતાના જીવનું બલિદાન આપી દીધુ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દહેશત અને ભયના માહોલ વચ્ચે અગ્ર હરોળના યોદ્ધાઓએ લોકોમાં આશા જગાવી હતી અને આજે, સૌથી પહેલાં તેમને રસી આપીને દેશ કૃતજ્ઞતાપૂર્વક તેમના આ યોગદાનને સ્વીકારી રહ્યો છે.

કટોકટીના સમયના પ્રારંભિક દિવસોને યાદ કરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતે યોગ્ય સમયે સતર્કતા દાખવીને સાચા નિર્ણયો લીધા છે. ભારતમાં 30 જાન્યુઆરી 2020ના રોજ પ્રથમ કેસ મળ્યો તેના બે સપ્તાહ પહેલાં, ભારતે આ બાબતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી દીધી હતી. ભારતે બરાબર એક વર્ષ પહેલાં આજના દિવસે જ યોગ્ય દેખરેખનો પ્રારંભ કરી દીધો હતો. 17 જાન્યુઆરી 2020ના રોજ ભારતે પ્રથમ એડવાઇઝરી બહાર પાડી હતી અને હવાઇમથકો પર આવી રહેલા મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરનારા પ્રથમ દેશોમાંથી એક ભારત પણ છે.

પ્રધાનમંત્રીએ પડાકારના આ સમયને પસાર કરવામાં તેમજ જનતા કરફ્યૂ દરમિયાન શિસ્ત અને ધીરજ જાળવવામાં દેશવાસીઓએ આપેલા સહકાર બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટાંક્યું હતું કે, આ કવાયતે દેશને માનસિકરૂપે લૉકડાઉન માટે તૈયાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તાલી-થાળી અને દીપ પ્રાગટ્ય જેવા અભિયાનોથી લોકોનું મનોબળ ખૂબ જ મજબૂત થયું હતું.

પ્રધાનમંત્રીએ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે સમયે દુનિયામાં સંખ્યાબંધ દેશોએ ચીનમાં ફસાયેલા પોતાના નાગરિકોને તરછોડી દીધા હતા તેવા સમયમાં ભારતે માત્ર પોતાના જ નહીં બલકે અન્ય દેશોના નાગરિકોને પણ ત્યાંથી બહાર કાઢ્યા હતા. તેમણે ભારતીયોને પરત લાવવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા દેશોમાં આખી લેબ મોકલવાની કામગીરીને પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કટોકટીના સમય દરમિયાન ભારતે આપેલી પ્રતિક્રિયાને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્યો, સ્થાનિક સરકારો, સરકારી કચેરીઓ, સામાજિક સંગઠનોએ એકજૂથ થઇને આપેલા એકીકૃત અને સહિયારા પ્રયાસોનું આ દૃષ્ટાંત છે.

પ્રધાનમંત્રીએ સંબોધન આપ્યા પછી, ટ્વીટ કરી હતી કે, “ભારતમાં દુનિયાની #LargestVaccineDrive નો પ્રારંભ. આ દિવસ ગૌરવનો છે, આપણા વૈજ્ઞાનિકોના મહાન પ્રયાસો અને આપણા તબીબી સમુદાય, નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને સફાઇ કામદારોના સખત પરિશ્રમની ઉજવણીનો છે.

સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી શુભકામના.” સૌના સ્વાસ્થ્ય અને દુઃખથી મુક્તિ માટે તેમણે વૈદિક મંત્ર પણ લખ્યો હતો -

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्दुःख भाग्भवेत्।।

 

SD/GP/BT 



(Release ID: 1689055) Visitor Counter : 402