સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી


આગામી સમયમાં આવી રહેલા લોહરી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ વગેરે તહેવારો પછી 16 જાન્યુઆરી 2021થી રસીકરણ કવાયતનો આરંભ થશે

આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કામદારોને પ્રાથમિકતા અપાશે, અંદાજે 3 કરોડ લોકોને તેમાં આવરી લેવાશે

ત્યારબાદ, 50 વર્ષથી વધુ ઉંમરના અને સહ-બીમારી ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના અંદાજે 27 કરોડ લોકોને રસી આપવામાં આવશે

Posted On: 09 JAN 2021 4:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓને આવરી લેતા કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિગતવાર અને વ્યાપક સમીક્ષા કરી હતી. સલામતી અને રોગ પ્રતિકારકતા સ્થાપિત કરનારી બે રસી (કોવીશિલ્ડ અને કોવેક્સિન)ને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવા માટે અધિકૃતતા અથવા ત્વરીત મંજૂરી રાષ્ટ્રીય નિયામક દ્વારા આપવામાં આવી છે.

આદરણીય પ્રધાનમંત્રીએ નજીકના ભવિષ્યમાં જ રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો હોવાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે સહયોગ દ્વારા કેન્દ્રની તૈયારીઓની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી હતી. સમગ્ર રસીકરણની કવાયત લોકોની સહભાગીતા; ચૂંટણીના અનુભવ (બૂથ વ્યૂહરચના) અને સાર્વત્રિક રોગ પ્રતિકારકતા કાર્યક્રમ (UIP)ના અનુભવના ઉપયોગ; ખાસ કરીને હાલના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સહિત પહેલાંથી અસ્તિત્વમાં હોય તેવી આરોગ્ય સંભાળ સેવાઓ બાબતે કોઇ જ બાંધછોડ નહીં; વૈજ્ઞાનિક અને નિયમનકારી માપદંડો, અન્ય SOP બાબતે કોઇ જ સમાધાન નહીં; અને ટેકનોલોજીની મદદથી ક્રમબદ્ધ રીતે અને સરળતાથી અમલીકરણ વગેરે સિદ્ધાંતોના આધારે હાથ ધરવામાં આવશે.

કોવિડ-19 રસીકરણના અમલમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કામદારોને પ્રાથમિકતા આપવામાં આવશે જેની અંદાજિત સંખ્યા 3 કરોડ છે અને ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના તેમજ સહ-બીમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે જેની અંદાજિત સંખ્યા 27 કરોડ છે.

પ્રધાનમંત્રીએ Co-WIN રસી ડિલિવરી વ્યવસ્થાપન પ્રણાલીની પણ માહિતી મેળવી હતી. આ અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ રસીનો સ્ટોક, તેના સંગ્રહનું તાપમાન અને કોવિડ-19 રસીના લાભાર્થીઓના વ્યક્તિગત ટ્રેકિંગની વાસ્તવિક સમયમાં માહિતી પૂરી પાડશે. આ પ્લેટફોર્મ અગાઉથી નોંધણી કરવામાં આવેલા લાભાર્થીઓ માટે સ્વયંચાલિત સત્ર ફાળવણી, તેમના રસીકરણ અને રસીનું શિડ્યૂલ સફળતાપૂર્વક પૂરું થઇ ગયા પછી ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરવામાં તમામ સ્તરે કાર્યક્રમ સંચાલકોને મદદ કરશે. આ પ્લેટફોર્મ પર 79 લાખથી વધારે લાભાર્થીએ પહેલાંથી જ નોંધણી કરાવી છે.

સમગ્ર રસીકરણની કવાયતમાં વેક્સિનેટર્સ અને રસી આપનારની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હોવાથી તેમની તાલીમની પ્રક્રિયાની વિગતો આપવામાં આવી હતી. તાલીમ આપનારાઓ દ્વારા યોજવામાં આવેલી રાષ્ટ્રીય સ્તરની તાલીમમાં 2,360 સહભાગીઓને તાલીમ આપવામાં આવી હતી જેમાં રાજ્યના ઇમ્યુનાઇઝેશન અધિકારીઓ, કોલ્ડ ચેઇન અધિકારીઓ, IEC અધિકારીઓ, વિકાસ ભાગીદારો વગેરે સામેલ થયા હતા. 61,000થી વધારે કાર્યક્રમ વ્યવસ્થાપકો, 2 લાખ વેક્સિનેટર્સ અને 3.7 લાખ અન્ય રસીકરણ ટીમના સભ્યોને આજદિન સુધીમાં તાલીમના ભાગરૂપે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે તાલીમ પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં યોજવામાં આવેલા ડ્રાય રનના ત્રણ તબક્કાની પણ માહિતી મેળવી હતી. ત્રીજી ડ્રાય રન ગઇકાલે 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 615 જિલ્લામાં યોજીને 4895 સત્ર સાઇટ્સને આવરી લેવામાં આવી હતી.

વિગતવાર સમીક્ષા કર્યા પછી, આગામી સમયમાં આવી રહેલા લોહરી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ વગેરે તહેવારો પૂરાં થયા પછી એટલે કે 16 જાન્યુઆરી, 2021થી દેશભરમાં કોવિડ-19 રસીકરણ કવાયત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

SD/GP/BT


(Release ID: 1687379) Visitor Counter : 361