સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ સંબંધિત અપડેટ


ડૉ. હર્ષવર્ધને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે વાર્તાલાપ કર્યો અને 8 જાન્યુઆરીએ ભૂલ મુક્ત ડ્રાય રનમાં વ્યક્તિગત રીતે નેતૃત્ત્વ સંભાળવા માટે સૌને અનુરોધ કર્યો

આવતીકાલે બીજી દેશવ્યાપી ડ્રાય રન 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 736 જિલ્લામાં યોજાશે

ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને મંજૂરી આપવામાં આવેલી રસી સંબંધિત ખોટી માહિતીના પ્રસાર પર વ્યક્તિગત રીતે નજર રાખવા માટે વિનંતી કરી: “ખરાબ તત્વો આખી કવાયતને આડા પાટે લઇ જઇને દેશને કેટલાય વર્ષો પાછળ ધકેલી શકે છે”

“ભારતના પોલિયો મુક્ત દરજ્જાને જાળવી રાખવા માટે ચાલો 17 જાન્યુઆરીએ અસરકારક રાષ્ટ્રીય રોગ પ્રતિરક્ષા દિવસ સુનિશ્ચિત કરીએ”

Posted On: 07 JAN 2021 5:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યમંત્રીઓ અને અગ્ર સચિવો/ અધિક મુખ્ય સચિવો સાથે વાર્તાલાપ કરીને આવતીકાલે દેશભરમાં યોજાનારી કોવિડના રસીકરણની દેશવ્યાપી મોક ડ્રીલ સંબંધિત પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે આ આખી કવાયતમાં નેતૃત્ત્વ સંભાળવા માટે તમામ લોકો દ્વારા દેખરેખ અને વ્યક્તિગત ધોરણે સહભાગીતા માટે પણ અનુરોધ કર્યો હતો. કોવિડ-19ના રસીકરણ માટે બીજી મોક ડ્રીલ 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 736 જિલ્લામાં ત્રણ સત્ર સ્થળો પર યોજવામાં આવશે.

કોવિડ-19ના રસીકરણ માટેની આ મોક ડ્રીલ યોજવાનો મૂળ ઉદ્દેશ વાસ્તવિક રસીકરણના કાર્યક્રમને સાદૃશ્ય કરવાનો છે જેથી તેમાં સંકળાયેલા તમામ લોકો વાસ્તવિક સ્થિતિ માટે તૈયાર રહે. રસીકરણની આ કવાયતના સમગ્ર આયોજનમાં લાભાર્થીની નોંધણી, સુક્ષ્મ સ્તરનું આયોજન અને પૂર્વાયોજિત સત્ર સાઇટ્સ પર રસીકરણ સહિતની તમામ કામગીરીને આવરી લેવામાં આવી છે જેની જિલ્લા કલેક્ટર/ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના નેતૃત્ત્વમાં કસોટી કરવામાં આવશે. ડ્રાય રનના કારણે રાજ્યો, જિલ્લા, તાલુકા અને હોસ્પિટલના અધિકારીઓ કોવિડ-19 રસીકરણ સંબંધિત તમામ પાસાથી પરિચિત થશે. આ પ્રવૃત્તિથી પ્રશાસકોને વાસ્તવિક અમલીકરણ પહેલાં આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગના વ્યવસ્થાતંત્ર વચ્ચેના સંકલનમાં તેમજ કોઇપણ બાકી રહેલા પડકારોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે અને તેના કારણે રસીકરણ કવાયતના સરળતાથી અમલીકરણને શક્ય બનાવવા માટે તમામ સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોમાં આત્મવિશ્વાસ જાગશે.

બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી (આરોગ્ય પોર્ટફોલિયો પણ સંભાળે છે) શ્રી વિપ્લવકુમાર દેવ, આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી અલ્લ કાલી ક્રિશ્ના શ્રીનિવાસ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, બિહારના આરોગ્ય મંત્રી શ્રી મંગલ પાંડે, સિક્કિમના આરોગ્ય મંત્રી ડૉ. એમ.કે. શર્મા, તમિલનાડુના આરોગ્ય મંત્રી ડૉ. સી. વિજયભાસ્કર, તેલંગાણાના આરોગ્ય મંત્રી શ્રી ઇટેલા રાજેન્દ્ર, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે, મણીપુરના આરોગ્ય મંત્રી શ્રી લંગપોકલકપમ જયંતકુમારસિંહ, કેરળના આરોગ્ય મંત્રી શ્રીમતી કે.કે. શૈલેજા ટીચર, ગોવાના આરોગ્ય મંત્રી શ્રી વિશ્વજીત રાણે, કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. કેશવ રેડ્ડી સુધાકર, છત્તીસગઢના આરોગ્ય મંત્રી શ્રી ટી.એસ. સિંહ દેવ, દિલ્હીના આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર કુમાર જૈન, મધ્યપ્રદેશના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. પ્રભૂરામ ચૌધરી, રાજસ્થાનના મેડિકલ અને આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા, ઓડિશાના પંચાયતીરાજ અને પીવાલાયક પાણી, કાયદો, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી પ્રતાપ જેના, આસામના રાજ્યમંત્રી (આરોગ્ય) શ્રી પીજુશ હઝારિકા ઉપસ્થિત રહ્યાં હતા.

ડૉ. હર્ષવર્ધને વાર્તાલાપના પ્રારંભમાં સૌને યાદ અપાવ્યું હતું કે, 8 જાન્યુઆરી 2020ના રોજ MoHFW દ્વારા રચવામાં આવેલા કોવિડ માટેના સંયુક્ત દેખરેખ સમૂહ (JMG)ની પ્રથમ બેઠકના આયોજન બાદ દેશે મહામારી સામેની લડાઇમાં એક વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. પાયાના સ્તરે અવિરત અને અથાક સેવા આપનારા અગ્ર હરોળના યોદ્ધાઓના કામ અને સહકારની પ્રશંસા કરતા તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ અને અડગ નેતૃત્ત્વએ ભારતમાં સમગ્ર દુનિયાનો સર્વાધિક રિકવરી દર સુનિશ્ચિત કર્યો અને મહામારીના નિયંત્રણ માટે N95 માસ્ક, PPE કિટ્સ માટે ભારતની નિકાસ પર નિર્ભર હોય તેવા દેશો માટે ભારત એક આશાનું કિરણ પણ બન્યું. તેમણે આ પરિવર્તનને આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્ત્વમાં આત્મનિર્ભર યોજનાના માર્ગે ભારતની આગેકૂચનો શ્રેય આપ્યો

ડૉ. હર્ષવર્ધને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ અને તબીબી સમુદાય કે જેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં આવી રહેલી રસીકરણની કવાયત પર વિગતવાર માર્ગદર્શિકાઓ તૈયાર કરી અને તેનો પ્રસાર કર્યો, રસી આપનારાઓને તાલીમ આપી તે સહિત તમામ બહુવિધ હિતધારકોએ કરેલા અવરિત પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે થોડા દિવસ પહેલાં જ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની અધિકૃતતા પ્રાપ્ત કરનારી દેશમાં બે રસી તૈયાર કરવા માટે અથાક અને અવિરત કામ કરનારા વૈજ્ઞાનિક સમુદાયના પ્રયાસો પ્રત્યે પણ કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.

ઓરાગ્ય મંત્રીએ e-VIN પ્લેટફોર્મમાંથી પુનઃહેતુસર તૈયાર કરવામાં આવેલા Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશ પાડ્યો હતો જે રસીના જથ્થા, તેના સંગ્રહનું તાપમાન અને કોવિડ-19 રસીના લાભાર્થીઓના વ્યક્તિગત ટ્રેકિંગની તમામ માહિતી વાસ્તવિક સમયના ધોરણે પૂરી પાડશે. આ પ્લેટફોર્મ તમામ સ્તરોએ કાર્યક્રમ વ્યવસ્થાપકોને પૂર્વ-નોંધણી કરાયેલા લાભાર્થીઓને સ્વયંચાલિત સત્ર ફાળવણી કરવામાં, તેમની ખરાઇ કરવામાં અને રસીનું શિડ્યૂલ સરળતાપૂર્વક પૂરું થયા પછી ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરવામાં મદદરૂપ થશે. 78 લાખથી વધારે લાભાર્થીઓએ પહેલાંથી જ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી દીધી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને ખાતરી આપી હતી કે, છેવટના લોકો સુધી રસીની ડિલિવરી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દેશમાં કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા પ્રમાણમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે અને કહ્યું હતું કે સિરિંજ અને અન્ય લોજિસ્ટિક્સનો પૂરતો પૂરવઠો પણ પૂરો પાડવામાં આવ્યો છે: “ભારત રોગ પ્રતિરક્ષા દ્વારા અજોડ અનુભવ ધરાવે છે અને દુનિયામાં સૌથી મોટા સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમોમાંથી એક એવો કાર્યક્રમ ચલાવે છે જેના મજબૂત વ્યવસ્થાતંત્રની સમગ્ર દુનિયાએ પ્રશંસા કરી છે.” તેમણે પોલિયો, રુબેલા અને ઓરીના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી ઘણી સફળ રોગ પ્રતિરક્ષા કવાયતોનો સંદર્ભ આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, નેવુંના દાયકાના પ્રારંભિક સમયમાં લાખો ભારતીયોના ઉજળા પ્રયાસોનો તેમનો પોતાનો અંગત અનુભવ છે જેના કારણે દેશમાંથી તબક્કાવાર રીતે પોલિયો નાબૂદ થઇ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, “UIP અને પોલિયો વિરોધી અભિયાનમાં દેશના બહોળા અનુભવનો ઉપયોગ કોવિડ 19ના રસીકરણને વધુ મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.”

આ પછી, તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓને યાદ અપાવ્યું હતું કે, 17 જાન્યુઆરી 2021ના રોજ આવી રહેલા રાષ્ટ્રીય રોગ પ્રતિરક્ષા દિવસ (NID)ને પણ એટલું જ મહત્વ અપાય તેવું સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ બિન-કોવિડ આવશ્યક સેવાઓને કોઇપણ પ્રકારે વિપરિત અસર ના પડે તે સુનિશ્ચિત કરે. તેમણે જણાવ્યું હતું કે, “રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહિયારા પ્રયાસો અને બહુવિધ ભાગીદારોના સહકારના પરિણામે જ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશમાં WHOના અન્ય 11 દેશોને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારતનો પોલિયો મુક્ત દેશ તરીકેનો દરજ્જો જાળવી રાખવા માટે આપણા પ્રયાસો યથાવત રહેવા જોઇએ.” કેટલાક પડોશી દેશોમાં હજુ પણ જંગલી પોલિયોના કેસો નોંધાઇ રહ્યાં હોવા પર સૌનું ધ્યાન દોરતા તેમણે કહ્યું હતું કે, NIDનો અસરકારક રીતે અમલ કરવામાં આવે તે ઘણું મહત્વપૂર્ણ છે.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19 રસીના પરિચય અને અમલીકરણ માટે આપણા માનવ સંસાધનોની ક્ષમતા મજબૂત કરવા માટે તબીબી અધિકારીઓ, વેક્સિનેટર્સ, વૈકલ્પિક વેક્સિનેટર્સ, કોલ્ડ ચેઇન સંચાલકો, સુપરવાઇઝરો, ડેટા વ્યવસ્થાપકો, ASHA સંયોજકો અને સંપૂર્ણ અમલીકરણ પ્રક્રિયામાં અલગ અલગ સ્તરે સામેલ હોય તેવા અન્ય તમામ લોકો સહિત રસીનું સંચાલન કરનારાઓ અને આપનારા માટો વિગતવાર તાલીમ મોડ્યૂલ વિકસાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે બીજા રાષ્ટ્રીય ડ્રાય રન પૂર્વે સંપૂર્ણ પરિચાલન આયોજન અને IT પ્લેટફોર્મનું અનેક વાર ફિલ્ડના સ્તરે પરીક્ષણ કરવામાં આવ્યું છે. અગાઉ 2 જાન્યુઆરી 2021ના રોજ યોજવામાં આવેલી રાષ્ટ્રીય મોક ડ્રીલના કારણે છેવટના અમલીકરણમાં સંભવિત હોય તેવી કોઇપણ ભૂલોને દૂર કરવામાં અને પરિચાલન પ્રક્રિયાઓના વધુ સુયોજિત કરવામાં મદદ મળી શકી છે. મોટાભાગના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેસોમાંથી ડ્રાય રનના આયોજન અંગે સંતોષકારક પ્રતિસાદો મળી રહ્યાં છે.

સૌને આવતીકાલે યોજાનારી રાષ્ટ્રીય ડ્રાય રનમાં વ્યક્તિગત સહભાગીતા, નેતૃત્ત્વ અને દેખરેખનો અનુરોધ કરતા ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19 રસીની સલામતી અને કાર્યદક્ષતાના સંબંધમાં ફેલાવવામાં આવતી કોઇપણ અફવાઓ અને ખોટી માહિતીના પ્રસારની ઝુંબેશો પર તેઓ સતત ચાંપતી નજર રાખે. રસીની આડઅસરો અંગે સામાન્ય જનતાના મનમાં શંકાઓ ઉભી કરતી રહેલી સોશિયલ મીડિયામાં ફરતી થોડી અફવાનું ખંડન કરતા તેમણે જણાવ્યું હતું કે, “આવા ખરાબ તત્વો આખી કવાયતને આડા પાટે લઇ જઇને દેશને કેટલાય વર્ષો પાછળ ધકેલી શકે છે.” તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓને વિનંતી કરી હતી કે, સાચી માહિતાનો પ્રસાર કરવા માટે અને કોવિડ-19 અંગે ફેલાવવામાં ખોટી અફવાઓ અને જુઠ્ઠાણાઓ દૂર કરવા માટે તેઓ બહુવિધ હિતધારકો અને યુવાનો સાથે સામ કરે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓએ તેમના પ્રતિભાવો આપ્યા હતા અને અગાઉની ડ્રાય રન કવાયત વિશે તેમના અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું તેમજ આવતીકાલની કવાયતની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે વેક્સિનેટર્સ, લાભાર્થીઓના ડેટાબેઝ અપડેટ કરવાની કામગીરી, કોલ્ડ ચેઇન વ્યવસ્થાપન, સત્રની ફાળવણી, રોગ પ્રતિરક્ષાના પગલે વિપરિત ઘટના (AEFI)ની જાણ વગેરે અંગે યોજવામાં આવેલા તાલીમ સત્રો વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે નિયમિત ધોરણે યોજવામાં આવી રહેલી બેઠકોની પણ પ્રશંસા કરી હતી. રસી વિશે સાચી માહિતીનો પ્રસાર કરવા માટે રાજ્યો દ્વારા અસરકારક કમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, AS & MD (NHM) સુશ્રી વંદના ગુરનાની, અધિક સચિવ (આરોગ્ય) શ્રી મનોહર અગનાની, સંયુક્ત સચિવ (આરોગ્ય) શ્રી લવ અગ્રવાલ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

SD/GP/BT



(Release ID: 1686960) Visitor Counter : 253