પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-જર્મનીના નેતાઓ વચ્ચે વીડિયો ટેલિકોન્ફરન્સ યોજાઇ

प्रविष्टि तिथि: 06 JAN 2021 7:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના તેમના સમકક્ષ સંઘીય ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે વીડિયો ટેલિકોન્ફરન્સ યોજી હતી.

પ્રધાનમંત્રીએ યુરોપીયન અને વૈશ્વિક તબક્કે લાંબા સમય સુધી સ્થિર અને મજબૂત નેતૃત્ત્વ આપવામાં ચાન્સેલર મર્કેલની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને ભારત-જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે માર્ગદર્શન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા, દ્વિપક્ષીય જોડાણો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને ભારત-ઇયુ વચ્ચેના સંબંધો સહિત વિવિધ પારસ્પરિક મહત્તા ધરાવતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ચાન્સેલર મર્કેલને રસી બાબતે ભારતમાં થઇ રહેલા વિકાસ અંગે માહિતી આપી હતી અને ચાન્સેલર મર્કેલને ખાતરી આપી હતી કે, સમગ્ર દુનિયાના લાભાર્થે ભારત પોતાની તમામ ક્ષમતાઓ કામે લગાડવા માટે કટિબદ્ધ છે. તેમણે જર્મની અને અન્ય યુરોપિયન દેશોમાં સંક્રમણનું નવું મોજું બહુ ઝડપથી નિયંત્રણમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)માં જોડાવાના જર્મનીના નિર્ણયને પ્રધાનમંત્રીએ આવકાર્યો હતો અને આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન (CDRI)ના મંચ હેઠળ જર્મની સાથે વધુ મજબૂત સહકાર સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત થયાનું આ 70મું વર્ષ છે અને વ્યૂહાત્મક ભાગીદારીનું 20મું વર્ષ છે તેની નોંધ લેતા બંને નેતાઓ 2021ના પ્રારંભિક તબક્કામાં છઠ્ઠી આંતર સરકાર વાટાઘાટો (IGC) યોજવા માટે અને આના માટે મહત્વાકાંક્ષી એજન્ડા નિર્ધારિત કરવા માટે સંમત થયા હતા.

SD/GP/BT


(रिलीज़ आईडी: 1686683) आगंतुक पटल : 339
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam