પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી


આ પાઇપલાઇન કેરળ અને કર્ણાટકના લોકોના જીવનધોરણને સરળ બનાવામાં સુધારો લાવશે: પ્રધાનમંત્રી

બ્લ્યુ ઇકોનોમી આત્મનિર્ભર ભારતનો મહત્વપૂર્ણ સ્રોત બનવા જઇ રહી છે: પ્રધાનમંત્રી

Posted On: 05 JAN 2021 1:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી - મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમ 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'ના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન તરીકે અંકિત થશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આ દિવસને કેરળ અને કર્ણાટક બંને રાજ્યોના લોકો માટે એક સીમાચિહ્નરૂપ દિવસ ગણાવ્યો હતો કારણ કે આ બંને રાજ્યો આ કુદરતી ગેસની પાઇપલાઇન દ્વારા એકબીજા સાથે જોડાઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ પાઇપલાઇનના કારણે બંને રાજ્યોના આર્થિક વિકાસ પર સકારાત્મક પ્રભાવ પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગેસ આધારિત અર્થતંત્રનું ઝડપી વિસ્તરણ કરવું આવશ્યક છે અને 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'ને સરકાર દ્વારા આપવામાં આવી રહેલા બળ પાછળ આ જ કારણ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પાઇપલાઇનના ફાયદાઓ ગણાવતી વખતે તેમણે જણાવ્યું હતું કે, આ પાઇપલાઇનથી બંને રાજ્યોના લોકોના જીવનધોરણને સરળ બનાવવામાં સુધારો આવશે અને તેનાથી ગરીબો, મધ્યમવર્ગના લોકો અને બંને રાજ્યોના ઉદ્યોગ સાહસિકોના ખર્ચમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું હતું કે, આ પાઇપલાઇનના સંખ્યાબંધ શહેરોમાં ગેસ વિતરણ પ્રણાલીનો આધાર બની જશે અને તેનાથી આ શહેરોમાં CNG આધારિત પરિવહન પ્રણાલીનું પણ સર્જન થશે. તેમણે જણાવ્યું હતું કે, પાઇપલાઇન મેંગલોર રિફાઇનરીને સ્વચ્છ ઉર્જા પૂરી પાડશે અને બંને રાજ્યોમાં પ્રદૂષણ ઘટાડવામાં તેની ભૂમિકા ખૂબ મોટી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રદૂષણમાં ઘટાડો થવાથી લાખો વૃક્ષો ઉછેરવાથી પ્રદૂષણમાં થતા ઘટાડાની સમકક્ષ અસર પાઇપલાઇનના કારણે પ્રત્યક્ષરૂપે જોવા મળશે અને તેનાથી લોકોના આરોગ્યમાં સુધારો આવશે તેમજ તેમના આરોગ્ય સંબંધિત ખર્ચાઓમાં પણ ઘટાડો થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, ઓછા પ્રદૂષણ અને સ્વચ્છ હવાના કારણે આ શહેરોમાં વધુને વધુ પ્રવાસીઓ આકર્ષિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પાઇપલાઇનના બાંધકામના કારણે 1.2 મિલિયન માનવ દિવસોની રોજગારીનું સર્જન થયું છે અને તે કાર્યરત થવાથી રોજગારીની તેમજ સ્વરોજગારીની નવી ઇકોસિસ્ટમનું સર્જન થશે અને તેનાથી ખાતર, પેટ્રોકેમિકલ તેમજ ઉર્જા ક્ષેત્રને મદદ મળી રહેશે. આ પાઇપલાઇનથી ભારતને દેશ માટે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવવામાં પણ મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાભરના નિષ્ણાતો કહે છે કે, 21મી સદીમાં, જે પણ દેશ સૌથી વધુ કનેક્ટિવિટી અને સ્વચ્છ ઉર્જા પર વધુમાં વધુ ભાર મૂકશે તે દેશ નવી ઊંચાઇઓ સુધી પહોંચી શકશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશમાં કનેક્ટિવિટીના મોરચે હાલમાં અભૂતપૂર્વ વેગ સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને અગાઉના દાયકાઓમાં આટલી ઝડપે ક્યારેય કામ થયું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2014 પહેલાંના 27 વર્ષ દરમિયાન દેશમાં ફક્ત 15 હજાર કિલોમીટર કુદરતી ગેસની પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં સમગ્ર દેશમાં 16 હજાર કિલોમીટરથી વધુ લંબાઇની ગેસની પાઇપલાઇનનો નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 5થી 6 વર્ષમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. તેમણે વર્તમાન સરકાર દ્વારા CNG ઇંધણના સ્ટેશનોમાં વૃદ્ધિ, PNG જોડાણોમાં ઉમેરો અને LPG જોડાણોની ડિલિવરીના ઉદાહરણો આપની કહ્યું હતું કે, આટલું કામ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું હતું કે, જોડાણોમાં થયેલી આ વૃદ્ધિના કારણે કેરોસીનની અછતમાં ઘટાડો થયો છે અને સંખ્યાબંધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોએ હવે પોતાને કેરોસીન મુક્ત જાહેર કરી દીધા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2014થી સરકાર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સંખ્યાબંધ સુધારા લાવી છે જેમાં ઉત્ખનન અને ઉત્પાદન, કુદરતી ગેસ, માર્કેટિંગ અને વિતરણ પણ આવરી લેવામાં આવ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે, સરકાર 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'નું લક્ષ્ય પ્રાપ્ત કરવાની અને ગેસ આધારિત અર્થતંત્રમાં સ્થળાંતરિત થવાની યોજનામાં છે કારણ કે આ ગેસના કારણે પર્યાવરણ સંબધિત સંખ્યાબંધ ફાયદા થાય છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ભારતના ઉર્જા બાસ્કેટમાં હાલમાં કુદરતી ગેસનો હિસ્સો 6 ટકા છે તે વધારીને 15 ટકા સુધી લઇ જવા માટે નીતિગત પહેલો હાથ ધરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “GAILની કોચી - મેંગલુરુ કુદરતી ગેસની પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરવાનો આ પ્રસંગ એક રાષ્ટ્ર એક ગ્રીડની દિશામાં આગળ વધવાની આપણી સફરનો જ એક હિસ્સો છે. બહેતર ભવિષ્ય માટે સ્વચ્છ ઉર્જા ખૂબ મહત્વપૂર્ણ છે. આ પાઇપલાઇનથી સ્વચ્છ ઉર્જાની પહોંચમાં સુધારો લાવવામાં મદદ મળી રહેશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને સંતોષવા માટે તૈયારીઓ કરવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, એક તરફ કુદરતી ગેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ, ઉર્જાના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે ગુજરાતમાં પ્રસ્તાવિત દુનિયાના સૌથી મોટા અક્ષય ઉર્જાના પ્લાન્ટનું ઉદાહરણ આપીને આ મુદ્દો સમજાવ્યો હતો અને જૈવિક ઇંધણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે પ્રેક્ષકોને માહિતી આપી હતી કે, ચોખા અને શેરડીમાંથી ઇથેનોલ મેળવવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રત્યેક નાગરિકને પરવડે તેવું, પ્રદૂષણ મુક્ત ઇંધણ અને વીજળી આપવા માટે કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રી દરિયાકાંઠો ધરાવતા આ બંને રાજ્યો અંગે વાત કરી રહ્યાં હતાં ત્યારે તેમણે દરિયાકાંઠાના ઝડપી અને સંતુલિત વિકાસ અંગે પોતાની દૂરંદેશી પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટક અને કેરળ તેમજ દક્ષિણ ભારતમાં આવેલા દરિયાકાંઠો ધરાવતા અન્ય રાજ્યોમાં બ્લ્યુ ઇકોનોમીનો વિકાસ કરવા માટે એક વ્યાપાક યોજના ઘડવામાં આવી છે અને હાલમાં તે અમલીકરણના તબક્કામાં છે. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે બ્લ્યુ ઇકોનોમી એક મોટો સ્રોત બનવા જઇ રહી છે. મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને બંદરો અને દરિયાકાંઠાના માર્ગોને જોડવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અમે આપણા દરિયાકાંઠાના પ્રદેશોને ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગના રોલ મોડલમાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા માછીમાર સમુદાયને પણ સ્પર્શ્યા હતા કે જેઓ માત્ર સમુદ્રી સંપત્તિ પર નિર્ભર નથી બલ્કે તેના રખેવાળ પણ છે. આ માટે, સરકારે દરિયાકાંઠાની ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવા અને તેને સમૃદ્ધ કરવા માટે ઘણા પગલાં લીધા છે. ઊંડા દરિયામાં માછીમારી, અલગ મત્સ્ય ઉદ્યોગ વિભાગ, જળચર સૃષ્ટિ સાથે જોડાયેલા લોકોને પરવડે તેવું ધિરાણ અને કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે માછીમારોને મદદરૂપ થતા પગલાંઓથી ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય માછીમારો બંનેને મદદ મળી શકી છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી 20 હજાર કરોડની મત્સ્ય સંપદા યોજના વિશે પણ વાત કરી હતી જે કેરળ અને કર્ણાટકમાં લાખો માછીમારોને પ્રત્યક્ષરૂપે લાભ અપાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત મત્સ્ય ઉદ્યોગ સંબંધિત નિકાસમાં ઝડપથી પ્રગતી કરી રહ્યું છે. ભારતને ગુણવત્તાપૂર્ણ પ્રસંસ્કરણ કરેલા સી-ફુડનું હબ બનાવવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભારત, આગામી સમયમાં સી-વીડની વધતી માંગને પહોંચી વળવા માટે ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે કારણ કે, ખેડૂતોને સી-વીડ ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 

SD/GP/BT



(Release ID: 1686237) Visitor Counter : 286