પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવમાં પ્રારંભિક સંબોધન કર્યું


નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય દેશને અર્પણ કર્યા

નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટાન્ડર્ડ્સ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો

સીએસઆઇઆરને વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કરીને તેમને ભવિષ્યના વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરવા અપીલ કરી

ભારતીય નિર્દેશક દ્રવ્યની 'સર્ટિફાઇડ રેફરન્સ મટિરિયલ સિસ્ટમ'થી ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે

વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગના ‘મૂલ્ય નિર્માણ ચક્ર’ને પ્રોત્સાહન આપવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી
મજબૂત સંશોધન મજબૂત બ્રાન્ડ ઇન્ડિયા તરફ દોરી જશે: પ્રધાનમંત્રી

Posted On: 04 JAN 2021 1:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021માં પ્રારંભિક સંબોધન કર્યું હતું. તેમણે આજે દેશને નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી અર્પણ કરી હતી તેમજ વીડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ એન્વાયર્સમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો. આ કોન્ક્લેવનું આયોજન વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (સીએસઆઇઆર-એનપીએલ), નવી દિલ્હીએ એની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી સ્વરૂપે કર્યું હતું. આ કોન્ક્લેવની થીમ છે – ‘દેશની સર્વસમાવેશક વૃદ્ધિ માટે મેટ્રોલોજી.’ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. વિજય રાઘવન પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ નવા વર્ષમાં બે ભારતીય કોવિડ રસીઓ સફળતાપૂર્વક વિકસાવવા માટે ભારતીય સંસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતનો કોવિડ રસીકરણ કાર્યક્રમ દુનિયામાં સૌથી મોટો છે અને શરૂ થવાની અણી પર છે. તેમણે દેશને સામનો કરવા પડેલા દરેક પડકારનું સમાધાન શોધવા એકમંચ પર આવવા માટે સીએસઆઇઆર સહિત દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આજની કોન્ક્લેવ ભૂતકાળની સફળતાઓ ચર્ચા કરવામાં અને ભવિષ્યના પડકારોને ઝીલવાની સંસ્થાની તૈયારીમાં મદદરૂપ થશે. તેમણે સંસ્થાને આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને પાર પાડવા નવા ધારાધોરણો અને નવા માપદંડો સ્થાપિત કરવા આગળ આવવા અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ સીએસઆઇઆરને સંસ્થાના પ્રયાસો વિશે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એનાથી તેમને ભવિષ્યમાં વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. તેમણે દેશના વિકાસમાં પરિવર્તન લાવવા અને એનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ સીએસઆઇઆર એનપીએલની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, ભારતના ટાઇમકીપર તરીકે સીએસઆઇઆર-એનપીએલ ભારતનું ભવિષ્ય બદલવાની જવાબદારી પણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓથી ભારત ગુણવત્તા અને માપ માટે વિદેશી ધારાધોરણો પર નિર્ભર હતું. પણ હવે ભારતની ઝડપ, પ્રગતિ, વિકાસ, છાપ અને ક્ષમતાનો નિર્ણય આપણા પોતાના ધારાધોરણો દ્વારા થશે. તેમણે જણાવ્યું હતું કે, માપનનું વિજ્ઞાન મેટ્રોલોજી કોઈ પણ વૈજ્ઞાનિક સફળતા માટે પાયો પણ નાંખે છે. કોઈ પણ સંશોધન માપન વિના આગળ વધી ન શકે. આપણી સફળતાને પણ કેટલાંક માપદંડો પર તોળવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં દેશની વિશ્વસનીયતા એની મેટ્રોલોજીની વિશ્વસનીયતા પર નિર્ભર છે. મેટ્રોલોજી દુનિયામાં આપણા પોતાના ધારાધોરણોનો દર્પણ છે, જે આપણને સુધારાવધારાની સંભવિતતા વિશે જાણકારી આપે છે. આ પ્રસંગે તેમણે યાદ અપાવી હતી કે, આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માપ અને ગુણવત્તા બંને અનિવાર્ય આવશ્યકતા છે. તેમણે દુનિયાને ભારતીય ઉત્પાદનોથી ભરી દેવાને બદલે ભારતીય ઉત્પાદનોની ખરીદી કરતાં દરેક ગ્રાહકોનું દિલ જીતવા અપીલ કરી હતી. તેમણે એ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો કે, ભારતમાં બનતાં ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય માગને પૂર્ણ કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય પણ બનવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય નિર્દેશક દ્રવ્ય આજે દેશને અર્પણ થયું છે, જે ‘સર્ટિફાઇડ રેફરન્સ મટિરિયલ સિસ્ટમ મજબૂત કરીને ઉદ્યોગને ભારે ધાતુઓ, જંતુનાશકો, ફાર્મા અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ઉદ્યોગ નિયમન કેન્દ્રિત અભિગમને બદલે ઉપભોક્તાલક્ષી અભિગમ તરફ અગ્રેસર છે. તેમણે જણાવ્યું હતું કે, આ નવા ધારાધોરણો સાથે દેશભરના જિલ્લાઓમાં સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનું અભિયાન ચાલી રહ્યું છે, જે આપણા એમએસએમઈ ક્ષેત્રને વિશેષ લાભદાયક બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરવાથી મોટી વિદેશી ઉત્પાદક કંપનીઓને ભારતમાં સ્થાનિક પુરવઠાની સાંકળ શોધવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, ગુણવત્તાના નવા ધારાધોરણો નિકાસ અને આયાત એમ બંનેમાં સુનિશ્ચિત કરવા પડશે. એનાથી ભારતના સામાન્ય ઉપભોક્તાને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળશે અને નિકાસકારોની મુશ્કેલીઓમાં પણ ઘટાડો થશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ પણ દેશની પ્રગતિ એનાં વિજ્ઞાનમાં પ્રગતિના પ્રયાસો સાથે સીધો સંબંધ ધરાવે છે. તેમણે આને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગનું મૂલ્ય સંવર્ધન ચક્ર’ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુ વિગતવાર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક સંશોધન ટેકનોલોજીનું સર્જન કરે છે અને ટેકનોલોજી ઉદ્યોગના વિકાસ તરફ દોરી જાય છે. પરિણામે ઉદ્યોગ નવા સંશોધન માટે વિજ્ઞાનમાં વધારે રોકાણ કરે છે. આ ચક્ર આપણને નવી સંભવિતતાઓની દિશામાં દોરી જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સીએસઆઇઆર-એનપીએલએ આ મૂલ્ય ચક્રને આગળ વધારવા મુખ્ય ભૂમિકા ભજવી છે.

જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને પાર પાડવા આગેકૂચ કરી રહ્યો છે, ત્યારે હાલની દુનિયામાં સામૂહિક સર્જનમાં વિજ્ઞાનનું આ મૂલ્ય સંવર્ધન ચક્ર વધારે મહત્ત્વ ધરાવે છે. સીએસઆઇઆરએ આમાં એની ભૂમિકા ભજવવી પડશે.

પ્રધાનમંત્રીએ સીએસઆઇઆર-એનપીએલ નેશનલ એટોમિક ટાઇમસ્કેલ પર ખુશી વ્યક્ત કરી હતી, જે તેમણે આજે માનવજાતને અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત નેનો સેકન્ડની રેન્જની અંદર સમય માપવામાં આત્મનિર્ભર બન્યો છે. 2.8 નેનો સેકન્ડની સચોટતાનું સ્તર હાંસલ કરવું એક મોટી ક્ષમતા અને સફળતા છે. અત્યારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ 3 નેનો સેકન્ડથી પણ ઓછી સચોટતાની રેન્જ સાથે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઇમ જેટલી સચોટતા ધરાવે છે. આ ઇસરો જેવી સંસ્થા માટે હરણફાળ ભરવામાં મદદરૂપ થશે, જે અત્યાધુનિક ટેકનોલોજી સાથે કામ કરે છે. બેંકિંગ, રેલવે, સંરક્ષણ, સ્વાસ્થ્ય, ટેલીકોમ, હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત અત્યાધુનિક ટેકનોલોજી અને ઘણા ક્ષેત્રોને આ સફળતામાંથી મોટો ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ ઇન્ડસ્ટ્રી 4.0માં ભારતની ભૂમિકાને મજબૂત કરવામાં ટાઇમસ્કેલની ભૂમિકા પર પણ વાત કરી હતી. ભારત પર્યાવરણના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન લેવા આગેકૂચ કરી રહ્યો છે. હવાની ગુણવત્તા અને ઉત્સર્જનનું પ્રમાણ જાણવા ટેકનોલોજી અને સાધનો માટે ભારત હજુ પણ અન્ય દેશો પર નિર્ભર છે. આ સફળતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ દોરી જશે તથા પ્રદૂષણના નિયંત્રણ માટે વધારે અસરકારક અને સસ્તાં સાધનો બનાવવા તરફ દોરી જશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ હવાની ગુણવત્તા અને ઉત્સર્જનની ટેકનોલોજી સાથે સંબંધિત ટેકનોલોજીઓના બજાર માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો હિસ્સો પણ વધારશે. આપણે આ સફળતા આપણા વૈજ્ઞાનિકોના સતત અને અથાક પ્રયાસો થકી મેળવી છે.

પ્રધાનમંત્રીએ વિગતવાર વિવિધ નોલેજ ક્ષેત્રોમાં સંશોધનની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ પ્રગતિશીલ સમાજમાં સંશોધનથી સ્વાભાવિક આદત બદલાય છે, જે કુદરતી પ્રક્રિયા છે. તેમણે જણાવ્યું હતું કે, સંશોધનની અસર વાણિજ્યિક કે સામાજિક સ્તરે થઈ શકશે અને સંશોધનથી આપણી જાણકારી અને સમજણમાં વધારો કરવામાં મદદ પણ મળશે. ભવિષ્યની દિશાની અને નિર્ધારિત અંતિમ લક્ષ્યાંકથી અલગ રીતે સંશોધનનો ઉપયોગ કરવાની ધારણા બાંધવી હંમેશા શક્ય નથી. એક જ વાત નક્કી હોય છે કે, સંશોધન જ્ઞાનના નવા પ્રકરણ તરફ દોરી જશે અને સંશોધન ક્યારેય નકામું નહીં જાય. પ્રધાનમંત્રીએ ઉત્ત્પત્તિશાસ્ત્ર કે આનુવંશિક વિજ્ઞાનના પિતા ગણાતા મેન્ડેલ અને નિકોલસ ટેસ્ટાનું ઉદાહરણ આપ્યું હતું, જેમના કાર્યને બહુ વર્ષો પછી માન્યતા મળી હતી. ઘણી વાર સંશોધનથી તાત્કાલિક લક્ષ્યાંક પાર ન પડે એવું બની શકે છે, પણ એ જ સંશોધન અન્ય કેટલાંક ક્ષેત્ર માટે પથપ્રદર્શક બની શકે છે. પ્રધાનમંત્રીએ આ મુદ્દો સમજાવવા જગદીશચંદ્ર બોઝ ઉદાહરણ ટાંક્યું હતું, જેમની માઇક્રોવેવ થિયરીને વાણિજ્યિક ધોરણે આગળ વધારી ન શકાય, પણ અત્યારે સંપૂર્ણ રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ એના પર આધારિત છે. તેમણે વિશ્વયુદ્ધો દરમિયાન થયેલા સંશોધનોના ઉદાહરણો પણ આપ્યાં હતાં, જેમણે પછી વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. ઉદાહરણ તરીકે, યુદ્ધ માટે ડ્રોન્સ બનાવવામાં આવ્યાં હતાં. અત્યારે ડ્રોન ફોટોશૂટ અને ચીજવસ્તુઓની ડિલિવરી કરે છે. એ જ કારણસર આપણા વૈજ્ઞાનિકોએ, ખાસ કરીને યુવાન વૈજ્ઞાનિકોએ સંશોધનની બીજા ક્ષેત્રોમાં સંભવિતતા ચકાસવી જોઈએ. તેમના ક્ષેત્રની બહાર તેમના સંશોધનના ઉપયોગની સંભવિતતા હંમેશા તેમની સામે હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ વીજળીનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે, એક નાનું સંશોધન દુનિયામાં કેટલું મોટું પરિવર્તન કરી શકે છે. આજે તમામ ચીજવસ્તુઓ ઇલેક્ટ્રિકથી ચાલે છે, પછી એ પરિવહનનું માધ્યમ હોય, સંચારનું માધ્યમ હોય, ઉદ્યોગ હોય કે રોજિંદા જીવન સાથે જોડાયેલી વપરાશની ચીજવસ્તુઓ હોય. એ જ રીતે સેમિ-કંડક્ટર જેવી શોધથી ડિજિટલ પરિવર્તન થયું છે અને આપણું જીવન વધારે સમૃદ્ધ અને સુવિધાયુક્ત થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘણી સંભવિતતાઓ આપણા યુવાન સંશોધકો સામે છે, જેઓ તેમના સંશોધન અને શોધ સાથે સંપૂર્ણ અલગ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરશે.

પ્રધાનમંત્રી ભવિષ્ય માટે સજ્જ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી. ભારતે ગ્લોબલ ઇનોવેશન રેન્કિંગમાં ટોચના 50 દેશોમાં સ્થાન મેળવ્યું છે, ભારતે પીયર રિવ્યૂડ સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ પબ્લિકેશન્સમાં દુનિયાના ટોચના 3 દેશોમાં સ્થાન મેળવ્યું છે, જે મૂળભૂત સંશોધન પર મૂકવામાં આવેલા ભારને દર્શાવે છે. ઉદ્યોગ અને સંસ્થાઓ વચ્ચે જોડાણ મજબૂત થઈ રહ્યું છે. દુનિયાની તમામ મોટી કંપનીઓ ભારતમાં તેમની સંશોધન સુવિધાઓ સ્થાપિત કરી રહી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્રકારની સુવિધાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવા પેઢી માટે સંશોધન અને ઇનોવેશનની સંભવિતા અનંત છે. એટલે ઇનોવેશનનું સંસ્થાકીયકરણ ઇનોવેશન જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. આપણી યુવા પેઢીએ બૌદ્ધિક સંપદાનું રક્ષણ કેવી રીતે કરવું એ સમજવું પડશે. આપણે યાદ રાખવું પડશે કે આપણી પેટન્ટ જેટલી વધારે હશે એટલો એનો ઉપયોગ વધશે. જે ક્ષેત્રોમાં સંશોધનો મજબૂત છે અને સતત નવા સીમાચિહ્નો સર કરે છે એમાં આપણી ઓળખ વધારે મજબૂત થશે. તેમણે કહ્યું હતું કે, આ મજબૂત બ્રાન્ડ ઇન્ડિયા તરફ દોરી જશે.

વૈજ્ઞાનિકોને કર્મયોગીઓ ગણાવીને પ્રધાનમંત્રીએ પ્રયોગશાળામાં તેમના ભગીરથ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ 130 કરોડ ભારતીયોની આશા અને આકાંક્ષાઓનું પ્રતીક છે.

 

SD/GP/BT

 



(Release ID: 1685969) Visitor Counter : 277