સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કોવિડ-19 રસીકરણ માટે પૂર્વાભ્યાસ કવાયત હાથ ધરવામાં આવી


ડૉ. હર્ષવર્ધને પૂર્વાભ્યાસની સમીક્ષા કરવા શાહદરાની જીટીબી હોસ્પિટલ અને દરિયાગંજમાં યુપીએચસીની મુલાકાત લીધી

દેશવાસીઓને ખાતરી આપી કે, રસીની સલામતી, કાર્યદક્ષતા અને અસરકારકતા સાથે ક્યારેય સમાધાન નહીં કરવામાં આવે

લોકોને અફવાઓ અને અટકળોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી

આ રસીકરણ કાર્યક્રમ હાથ ધરવા વિસ્તૃત માર્ગદર્શિકા ઘડવામાં આવી છેઃ ડૉ. હર્ષવર્ધન

કો-વિન પ્લેટફોર્મ અતિ મહત્વપૂર્ણ પુરવાર થશે

Posted On: 02 JAN 2021 3:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે દિલ્હીમાં કોવિડ-19 રસીકરણ માટે બે પૂર્વાભ્સાયસ કવાયતની સમીક્ષા કરવા બે સાઇટની મુલાકાત લીધી હતી.

સૌપ્રથમ તેમણે શાહદરામાં જીટીબી હોસ્પિટલની અને પછી દરિયાગંજનમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર (યુપીએચસી)ની મુલાકાત લીધી હતી.

રસીકરણનું વાસ્તવિક અભિયાન શરૂ થાય એ અગાઉ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે સંપૂર્ણ કામગીરીનું પરીક્ષણ કરવા 285 સેશન સાઇટ પર રાષ્ટ્રવ્યાપી પૂર્વાભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં કોવિડ19 રસીકરણનું અભિયાન સરળતાપૂર્વક શરૂ થાય એ માટે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં ટૂંક સમયમાં રસીકરણ અભિયાન શરૂ થાય એવી અપેક્ષા છે.

દેશના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લાઓમાં રસીકરણ અભિયાનની આ પૂર્વાભ્યાસ કવાયત દુર્ગમ વિસ્તારો સાથે શહેરી અને ગ્રામીણ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી હતી.

ડૉ. હર્ષવર્ધને જીટીબી હોસ્પિટલમાં તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, રસીકરણ પ્રક્રિયાની સંપૂર્ણ કવાયત વ્યવસ્થિત રીતે આગળ વધારવામાં આવી છે, જેમાં રસીકરણ માટે કર્મચારીઓની તાલીમ સામેલ છે. વિગતવાર ચર્ચાવિચારણા કર્યા પછી તમામ પક્ષો સાથે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં જેમાં નાના નાના દરેક અને તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ આ ભગીરથ રસીકરણ અભિયાનની કામગીરીની સફળતા માટે છેલ્લાં થોડાં મહિનાઓથી સતત કામ કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે તમામ પક્ષોએ કરેલા અવિરત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, ઇ-વિન પ્લેટફોર્મમાં પુનઃઉદ્દેશ માટે બનાવવામાં આવેલું કો-વિ ડિજિટલ પ્લેટફોર્મ ખરાં અર્થમાં ગેમચેન્જર સાબિત થયું છે, જેના પર રસીના સ્ટોક, એના સંગ્રહ માટેના તાપમાન અને કોવિડ-19 રસીના લાભાર્થીઓ પર વ્યક્તિગત રીતે નજર રાખવા સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે. આ વિશિષ્ટ પ્લેટફોર્મ અગાઉથી નોંધણી થયેલા લાભાર્થીઓ માટે ઓટોમેટિક ફાળવણી, લાભાર્થીઓની ખરાઈ દ્વારા તમામ સ્તરે પ્રોગ્રામ મેનેજરોને મદદ કરશે તેમજ રસીકરણનું શીડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ થતા ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ કરશે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કો-વિન પ્લેટફોર્મ પર 75 લાખથી વધારે લાભાર્થીઓની નોંધણી થઈ છે.

દેશના અંતરિયાળ વિસ્તારમાં પણ રસી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટેની તૈયારી પર બોલતા ડૉ. વર્ધને જણાવ્યું હતું કે, દેશમાં કોલ્ડ ચેઇન માળખાને સુધારવામાં આવ્યું છે, જેથી રસી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે એવી સુનિશ્ચિતતા થાય. આ માટે સીરિન્જ અને અન્ય લોજિસ્ટિક્સનો પર્યાપ્ત પુરવઠો પણ પ્રદાન કરવામાં આવ્યો છે.

ડૉ. હર્ષવર્ધને નાગરિકોને કોવિડ19 રસીની સલામતી અને અસરકારકતા સાથે સંબંધિત અફવાઓ અને અધૂરી માહિતીઓથી ન દોરવાઈ જવા સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે રસીની આડઅસરો સાથે સંબંધિત જનતાના મનમાં શંકાઓ પેદા કરતા સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને નકારી કાઢી હતી. તેમણે મીડિયાને સાવચેતી રાખવા અને કોઈ પણ અહેવાલો પ્રકાશિત કે પ્રસારિત કરતાં અગાઉ તમામ હકીકતો ચકાસવા અને જવાબદારી સાથે કામ કરવા અપીલ કરી હતી.

આ પ્રકારનાં મોટા રસીકરણ અભિયાન હાથ ધરવા દેશની ક્ષમતા સાથે સંબંધિત શંકાઓ દૂર કરીને ડૉ. હર્ષવર્ધને સમજાવ્યું હતું કે, ભારત રસીકરણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે અને દુનિયામાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમો દેશમાં અગાઉ સફળતાપૂર્વક પાર પડ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતનાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. તેમણે કહ્યું હતું કે, ભારતે પોલિયો, ઓરી-અછબડાં અને શીતળા માટે કેટલાંક સફળ રસીકરણ અભિયાનો હાથ ધર્યા છે. તેમણે 1990ના દાયકાથી દેશમાંથી પોલિયોની નાબૂદી માટે શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં એમના અંગતો અનુભવો વિશે પણ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, આપણી કટિબદ્ધતા અને સાતત્યપૂર્ણ પ્રયાસોને પરિણામે વર્ષ 2014માં ભારતને પોલિયો-મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. પોલિયો માટે રસીકરણ અભિયાન સહિત અગાઉના રસીકરણ અભિયાનોમાંથી આપણને ઘણું શીખવા મળ્યું છે, જે હાલ રાષ્ટ્રવ્યાપી કોવિડ19 રસીકરણ અભિયાનમાં ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે.

ડૉ. હર્ષવર્ધને દરિયાગંજમાં યુપીએચસીમાં કોવિડ19 રસીની સલામતી, અસરકારકતા અને કાર્યદક્ષતાના સંબંધમાં અગાઉ આપેલી ખાતરી પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર તમામ નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. એક પ્રશ્રના જવાબમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 1994માં પોલિયો નાબૂદી અભિયાનમાં મને બહોળો અનુભવ મળ્યો હતો. ચોક્કસ, અત્યારે કોવિડ19 રસી વિશે કેટલાંક લોકો અફવાઓ ફેલાવી રહ્યાં છે. પણ દેશની જનતાને અફવાઓ કરતાં રસીના વિજ્ઞાનમાં વધારે વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યું હતું કે, સંપૂર્ણ કામગીરી અને આઇટી પ્લેટફોર્મનું 28 અને 29 ડિસેમ્બર, 2020ના રોજ ચાર રાજ્યોમાં ફિલ્ડમાં પરીક્ષણ થયું છે તથા એમાં પ્રાપ્ત થયેલા પ્રતિભાવોને અનુરૂપ વ્યવસ્થામાં ચોક્કસ સુધારાવધારા કરવામાં આવ્યાં છે. આ પૂર્વાભ્યાસ હાથ ધરવા માટે રાજ્ય અને જિલ્લાકક્ષાના તમામ અધિકારીઓને પર્યાપ્ત તાલીમ આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ કોવિડ19 રસી માટે સંપૂર્ણ અસરકારક વ્યવસ્થા ઊભી કરવાનો છે. આ પૂર્વાભ્યાસને અંતે જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજવામાં આવશે, જેમાં આ કવાયત દરમિયાન ઊભા થયેલા પડકારો વિશે ચર્ચા થશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પ્રતિભાવો વહેંચવા વિનંતી કરવામાં આવી છે, જેનું વાસ્તવિક અમલીકરણમાં કોઈ પણ ખામી દૂર કરવા માટે વિશ્લેષણ કરવામાં આવશે તેમજ વાસ્તવિક પ્રક્રિયાઓને સુધારવા માટે ઉપયોગ થશે.

ડૉ. હર્ષવર્ધને એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ભારતનાં સક્રિય અને તકેદારીનાં પગલાંની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતે લોખંડી રાજકીય મનોબળ પ્રદર્શિત કર્યું છે. આ મનોબળના પગલે ભારતે અસરકારક નિરીક્ષણ અને પરીક્ષણનો અભિગમ અપનાવ્યો છે, જેના પરિણામે દેશમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સાજા થયા છે અને કોવિડને પગલે દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત સામેલ થયું છે.

 

SD/GP/BT



(Release ID: 1685705) Visitor Counter : 296