સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા SARS-CoV-2ના મ્યૂટન્ટ વેરિઅન્ટની જીનોમ શ્રૃંખલાના પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા

Posted On: 29 DEC 2020 9:33AM by PIB Ahmedabad

ભારત સરકારે યુકેમાંથી SARS- CoV-2 વાયરસના મ્યૂટન્ટ વેરિઅન્ટ આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં લઇને સક્રિયતા દાખવી છે અને મ્યૂટન્ટ વેરિઅન્ટને શોધી કાઢવા તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે પૂર્વ સક્રિય અને નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વ્યૂહનીતિમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે, જોકે તે માત્ર આટલા મર્યાદિત નથી :-

  1. યુકેથી આવી રહેલી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી 23 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે.
  2. યુકેથી પરત આવી રહેલા તમામ મુસાફરોનું ફરજિયાત RT-PCR પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકેથી પરત આવેલા જે પ્રવાસીઓમાં RT-PCR પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવે તેમના નમૂનાની 10 સરકારી લેબોરેટરી એટલે કે INSACOGની કન્સોર્ટિયમ દ્વારા જીનોમ શ્રૃંખલા કરવામાં આવે છે.
  3. પરીક્ષણ, સારવાર, દેખરેખ અને કન્ટેઇન્મેન્ટની વ્યૂહનીતિ અંગે વિચાર કરવા અને ભલામણ કરવા માટે 26 ડિસેમ્બર 2020ના રોજ કોવિડ-19 માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની બેઠક યોજવામાં આવી હતી.
  4. SARS-CoV-2ના મૂટન્ટ વેરિઅન્ટને નિયંત્રણમાં લેવા માટે 22 ડિસેમ્બર 2020ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અનુપાલન કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે.

 

સમગ્ર મુદ્દાનું 26 ડિસેમ્બર 2020ના રોજ NTF દ્વારા સંપૂર્ણ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને NTF દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, મ્યૂટન્ટ વેરિઅન્ટના સંદર્ભમાં પ્રવર્તમાન અમલીકૃત રાષ્ટ્રીય સારવારના પ્રોટોકોલ અથવા પ્રવર્તમાન પરીક્ષણના પ્રોટોકોલમાં કોઇ ફેરફાર કરવાની જરૂરિયાત નથી. NTF દ્વારા એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે, વર્તમાન દેખરેખની વ્યૂહનીતિ ઉપરાંત, વધારેલી જીનોમિક દેખરેખ રાખવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે.

25 નવેમ્બરથી 23 ડિસેમ્બર 2020ની મધ્યરાત્રી સુધીમાં, અંદાજે 33,000 મુસાફરોનું યુકેથી ભારતમાં અલગ અલગ હવાઇમથકો પર આગમન થયું હતું. તમામ મુસાફરોને જે-તે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા RT-PCR પરીક્ષણો માટે ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. આજદિન સુધીમાં તેમાંથી 114 મુસાફરો પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. તમામ પોઝિટીવ નમૂનાને 10 INSACOG લેબોરેટરી (NIBMG કોલકાતા, ILS ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CDFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS બેંગલુરુ, IGIB દિલ્હી, NCDC દિલ્હી) ખાતે જીનોમ શ્રૃંખલા માટે મોકલવામાં આવ્યા છે.

યુકેથી પરત આવેલા મુસાફરોના 6 સેમ્પલમાં યુકેમાં મળી આવેલા નવા વેરિઅન્ટના વાયરસથી દર્દી પોઝિટીવ થયા હોવાનું મળી આવ્યું છે. આમાંથી, 3 નમૂના NIMHANS, બેંગલુરુ ખાતે, 2 નમૂના CCMB, હૈદરાબાદ ખાતે અને 1 નમૂનો NIV, પૂણે ખાતે પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.

તમામ દર્દીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ ખાતે એક અલગ રૂમમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નીકટવર્તી સંપર્કોને પણ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સહ-મુસાફરો, તેમના પારિવારિક સંપર્કો અને અન્ય લોકોનું પણ સઘન અને વ્યાપક સંપર્ક ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય નમૂના માટે પણ જીનોમ શ્રૃંખલાનું કામ ચાલી રહ્યું છે.

સમગ્ર પરિસ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને ઉન્નત દેખરેખ, કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને INSACOG લેબોરેટરીઓને નમૂના રવાના કરવા અંગેની સલાહો નિયમિત ધોરણે રાજ્યોને આપવામાં આવી રહી છે.

અહીં ખાસ નોંધનીય છે કે, આજદિન સુધીમાં ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વિડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ યુકેમાં મળી આવેલા વેરિઅન્ટની ઉપસ્થિતિ હોવાનું નોંધાઇ આવ્યું છે.



(Release ID: 1684329) Visitor Counter : 301