મંત્રીમંડળ

મંત્રીમંડળે માળખાગત સુવિધા, કર્મચારીઓ અને અન્ય સંસાધનોનું સુયોજન કરીને પાંચ ફિલ્મ મીડિયા એકમોને વિલિન કરીને એક નિગમ રચવાની મંજૂરી આપી

Posted On: 23 DEC 2020 4:48PM by PIB Ahmedabad

વર્ષમાં 3000થી વધારે ફિલ્મોનું નિર્માણ કરવાની સાથે ભારત દુનિયામાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરનાર દેશ છે. આપણા દેશમાં ફિલ્મઉદ્યોગ ખાનગી ક્ષેત્રના હાથમાં છે. ફિલ્મ ક્ષેત્રને ટેકો આપવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ફિલ્મ ડિવિઝન, ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ, નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા અને ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી એમ સરકારના ચાર ફિલ્મ મીડિયા યુનિટનું વિલિનીકરણ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી – રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ)માં કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ માટે એનએફડીસીની રચનાની કલમોના કરાર (એમઓએ)માં વધારો કરવામાં આવશે, જે પછી આ નિગમ ઉપરોક્ત ચાર સંસ્થાઓની તમામ કામગીરીઓને હાથ ધરશે. ફિલ્મ મીડિયા એકમોનું એક નિગમમાં વિલિનીકરણ વિવિધ પ્રવૃત્તિઓ તથા સંસાધનોના સમન્વય તરફ દોરી જશે તેમજ શ્રેષ્ઠ સંકલન સ્થાપિત થશે, જેના પગલે દરેક મીડિયા યુનિટની કામગીરીઓ પાર પાડવા સમન્વય અને કાર્યદક્ષતા સુનિશ્ચિત થશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત ઓફિસ ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી કાર્યક્રમોના પ્રચાર માટે દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ કરવાનો અને સમાચાર સામાયિકો પ્રકાશિત કરવાનો તેમજ ભારતીય ઇતિહાસનો સિનેમેટિક રેકોર્ડ જાળવવાનો હતો.

ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી, ભારત, એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1955માં સોસાયટીઝ ધારા હેઠળ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ફિલ્મોના માધ્યમ થકી બાળકો અને યુવાનોને મૂલ્ય-આધારિત મનોરંજન પ્રદાન કરવાનો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત ઓફિસ નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના વર્ષ 1964માં મીડિયા એકમ તરીકે થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સિનેમેટિક વારસાને મેળવવાનો અને એને જાળવવાનો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની સંલગ્ન ઓફિસ તરીકે ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સની સ્થાપના વર્ષ 1973માં ભારતીય ફિલ્મો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે થઈ હતી.

એનએફડીસી કેન્દ્ર સરકારનું જાહેર સાહસ છે, જેની રચના વર્ષ 1975માં થઈ હતી. એનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ફિલ્મ ઉદ્યોગના આયોજિત, કાર્યદક્ષ અને સંકલિત વિકાસ માટે આયોજન કરવાનો અને એને પ્રોત્સાહન આપવાનો છે.

મંત્રીમંડળે એની બેઠકમાં આ તમામ મીડિયા એકમોનું વિલિનીકરણ કરવાની મંજૂરી આપી હતી. મંત્રીમંડળે આ તમામ એકમોની અસ્કયામતો અને કર્મચારીઓનું હસ્તાંતરણ કરવા તથા વિલિનીકરણની કામગીરીના તમામ પાસાઓ પર નજર રાખવા એક ટ્રાન્ઝેક્શન એડવાઇઝર (વ્યવહાર માટેનો સલાહકાર) અને લીગલ એડવાઇઝર (કાયદેસર સલાહકાર)ની નિમણૂક કરવાની મંજૂરી પણ આપી હતી.

જ્યારે આ વિલિનીકરણની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે સરકારે તમામ સંબંધિત મીડિયા એકમોના કર્મચારીઓના હિતો જાળવવાની ખાતરી આપી છે અને કોઈ કર્મચારીને છૂટો નહીં કરવાની બાયંધરી આપી છે.

ફિલ્મ મીડિયા એકમોનું વિલિનીકરણ થવાને પરિણામે મુખ્ય સંસ્થા બનેલી એનએફડીસી ફિલ્મ કન્ટેન્ટના પ્રોત્સાહન, નિર્માણ અને એની જાળવણી સાથે સંબંધિત વિશિષ્ટ સંસ્થા બની જશે – તમામ કામગીરીઓનું વ્યવસ્થાપન એકછત હેઠળ કરશે. નવી સંસ્થા પાછળનો વિચાર ભારતીય સિનેમાના સંતુલિત અને કેન્દ્રિત વિકાસને સુનિશ્ચિત કરવાનો રહેશે, જે તમામ પ્રકારની અને તમામ પેઢીઓની ફિલ્મોને પ્રોત્સાહન આપશે અને એનું નિયમન કરશે, જેમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પરથી પ્રસારિત થતી ફિલ્મો/કન્ટેન્ટ, બાળકોની સામગ્રી, એનિમેશન, ટૂંકી ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો સામેલ છે.

એક નિગમ હેઠળ ફિલ્મ મીડિયા એકમોનું વિલિનીકરણ માળખાગત સુવિધા અને કર્મચારીઓના શ્રેષ્ઠ અને અસરકારક ઉપયોગની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કે કામગીરીઓ વચ્ચે સમન્વય તરફ દોરી જશે. એનાથી કામગીરીઓનું ડુપ્લિકેશન ઘટશે અને સરકારી ખર્ચમાં સીધી બચત થશે.

 

SD/GP/BT



(Release ID: 1683023) Visitor Counter : 263