ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, વિશ્વ ભારતી અને શાંતિનિકેતન એ ભારતીય અને વિદેશીઓ એમ બંનેમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે
દેશના સાંસ્કૃતિક વારસા, કળા અને પરંપરામાં નવા વિચારો હોય, કે પછી દેશની સ્વતંત્રતા માટેનો સંગ્રામ હોય, બંગાળ દરેક પાસામાં દેશના અન્ય વિસ્તારોથી હંમેશા 50 વર્ષ આગળ રહ્યું છે
વિશ્વ ભારતીની સ્થાપનાના 100મા વર્ષની ઉજવણી કરવા આ સંસ્થામાંથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવો પડશે
શાંતિનિકેતન અને વિશ્વ ભારતીએ દેશની શૈક્ષણિક વ્યવસ્થાના માળખાને ગુણવત્તાયુક્ત બનાવવામાં પ્રદાન કર્યું છે
જ્યારે આપણે 50 વર્ષ પછી વિશ્વ ભારતીની સ્થાપનાનાં 150મા વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ હોય એવા ઓછામાં ઓછા 10 લોકોને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ તેમજ ગુરુદેવ ટાગોરના વિચારો સમગ્ર દેશમાં ફેલાવવા જોઈએ તથા આ વિચારોને જીવન અને સમાજમાં સામેલ કરવા જોઈએ
વિશ્વ ભારતી માનવતાનો સંદેશ આપવા જ્ઞાતિ, ધર્મ અને વર્ગથી પર થઈને કામ કરવા હંમેશા આતુર રહી છે
Posted On:
20 DEC 2020 7:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, એમણે સ્થાપિત કરેલી જગપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિશ્વ ભારતી અને શાંતિનિકેદન એ ભારતીયો અને વિદેશીઓમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આજે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયમાં ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને બૌદ્ધિકોને સંબોધન કરીને શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશના સાંસ્કૃતિક વારસા, કળા અને પરંપરામાં નવા વિચારો હોય, કે સ્વતંત્રતાનો સંગ્રામ હોય, બંગાળ દરેક પાસામાં દેશના અન્ય વિસ્તારોથી હંમેશા 50 વર્ષ આગળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, વિશ્વ ભારતી એના 100 વર્ષ પૂર્ણ કરવા અગ્રેસર છે. જ્યારે એની સ્થાપના થઈ હતી, ત્યારે ગુરુદેવ એના ઉદ્દેશને લઈને કેટલાંક નક્કર વિચારો ધરાવતા હતા તથા અત્યારે સંસ્થાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાની સાથે આ સંસ્થામાંથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, શાંતિનિકેતન અને વિશ્વ ભારતીએ દેશમાં શિક્ષણ વ્યવસ્થાના માળખામાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 1901માં બ્રહ્મચર્ય આશ્રમથી શરૂઆત થયેલી આ સફરે ભારતના સાંસ્કૃતિક વારસામાં પુષ્કળ પ્રદાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુરુવદેવે કહ્યું હતું કે, શિક્ષણનો ઉદ્દેશ તમામ પ્રકારની વૈચારિક સંકીર્ણતા છોડીને વ્યક્તિને નિર્ભય બનાવવાનો છે. જો અહીં જન્મેલા વિચારો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આપેલા મંત્ર મુજબ આપણી શૈક્ષણિક વ્યવસ્થામાં પરિવર્તન લાવશે, તો વિશ્વ ભારતીની આ સફરને સફળ ગણવામાં આવશે. શ્રી શાહે એવું પણ કહ્યું હતું કે, શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિત્વને વિકસાવવાનો છે. જ્યારે વ્યક્તિ શાંતિની શોધમાં ભવ્ય જીવન, લગાવ અને તમામ પ્રકારના સામાજિક બંધનોથી મુક્ત થશે, ત્યારે શિક્ષણનો ખરો ઉદ્દેશ પાર પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેઓ સતત સત્યની શોધ કરવા આતુર છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ ભારતીએ દેશને કેટલાંક લોકોની ભેટ ધરી છે, જેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. વિશ્વભારતીના 100મા વર્ષમાં આપણે સંકલ્પ કરવો પડશે કે આ પરંપરા જળવાઈ રહેશે અને 50 વર્ષ પછી પણ જ્યારે આપણે વિશ્વભારતીની સ્થાપનાના 150મા વર્ષની ઉજવણી કરીએ, ત્યારે આપણો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 10 લોકોને પ્રોત્સાહન આપવાનો અને ગુરુદેવ ટાગોરના વિચારોને દેશભરમાં ફેલાવવાનો તથા એને જીવન અને સમાજનું અભિન્ન અંગ બનાવવાનો હોવો જોઈએ.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં બંગાળના ઘણા સપૂતોએ મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. રાજા રામમોહન રૉય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ, રામક્રિષ્ન પરમહંસ અને સુભાષચંદ્ર બોઝ જેવા ઘણા મહાનુભાવોએ 19મી સદીના પુનર્જાગરણ દરમિયાન ભારતના વારસાને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું હતું. ગુરુદેવ ટાગોરના વિચારોનો પ્રભાવ અને તેમના વ્યક્તિત્વની મહાનતા એ હકીકત પરથી જાણી શકાશે કે બે વિવિધ વિચારસરણી ધરાવતા મહાનુભાવો – મહાત્મા ગાંધીથી લઈને સુભાષચંદ્ર બોઝ – બંનેએ ગુરુદેવ ટાગોરમાંથી પ્રેરણા લીધી હતી. આ ગુરુદેવ ટાગોરના વિચારોની વ્યાપકતા દર્શાવે છે. શ્રી શાહે એવું પણ જણાવ્યું હતું કે, ગુરુદેવ ટાગોર દુનિયામાં એકમાત્ર મહાન વ્યક્તિ છે, જેમની બે રચનાઓ બે દેશોમાં રાષ્ટ્રગીત બની છે. આ ગુરુદેવના વિચારો, સંસ્કૃતિ, નૈતિકતા અને કળાના મહાન વારસાનો પુરાવો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ ભારતીએ જ્ઞાતિ, ધર્મ અને વર્ગથી હંમેશા ઉપર ઊઠીને કામ કર્યું છે તથા સંસ્થા માનવતાનો સંદેશ આપવા આતુર રહી છે. ભારતીય ધર્મમાં ફિલોસોફી, સાહિત્ય, સંગીત અને કળાનું સંરક્ષણ કરવાને અને એને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા છે તથા વિશ્વ ભારતીએ આપણા વેદોની વિશ્વ બંધુત્વની ભાવનાને પરિપૂર્ણ કરવા મૂળ મંત્ર “सर्वेभवंतुसुखिनः, सर्वेसंतुनिरामया” (બધા ખુશ રહે, કોઈ ક્યારેય દુઃખી ન થાય એવી પ્રાર્થના)ને ધ્યાનમાં રાખીને યુરોપિયન અને અન્ય દેશોના સાહિત્ય અને ફિલોસોફીનો સુભગ સમન્વય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી ગ્રામીણ વિકાસના આપણા વિઝનને નવેસરથી નહીં અપનાવીએ, ત્યાં સુધી આપણે આધુનિક રીતે તરફ અગ્રેસર નહીં થઈએ, દેશનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ નહીં થઈ શકે, જેની શરૂઆત ગુરુદેવે વિશ્વ ભારતી દ્વારા કરી હતી. અહીંથી સ્વાસ્થ્ય, સ્વચ્છતા, હસ્તકળાઓ અને ટેકનોલોજી જેવા તમામ વિચારો આગળ વધ્યાં હતાં.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુરુદેવએ જીવનના અંત સુધી તેમની અંદર રહેલી જિજ્ઞાસાવૃત્તિને જીવિત રાખી હતી અને તેમણે 70 વર્ષની વયે ચિત્રકામની શરૂઆત કરીને તેમનું અવસાન થયું ત્યાં સુધી 3,000થી વધારે ચિત્રોનું સર્જન કર્યું હતું. આ રીતે તેમણે દુનિયાને પ્રેરક સંદેશ આપ્યો હતો કે, વ્યક્તિએ છેલ્લાં શ્વાસ સુધી શીખવાની પ્રક્રિયા જાળવી રાખવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુરુદેવની પરંપરાને આગળ વધારવા કામ કરવું પડશે, જે માટે વિશ્વભારતીને ઉદારતા અને નિખાલસતા સાથે આગળ આવવું પડશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુરુદેવે ઉત્કૃષ્ટ ગદ્ય અને પદ્ય સાહિત્યની રચના કરવા ઉપરાંત આ પ્રકારની મોટી શૈક્ષણિક સંસ્થાનું સંચાલન પણ કર્યું હતું, જે ખરેખર પ્રશંસનીય છે અને એક વાર ફરી ટાગોરની પ્રગતિશીલ વિચારસરણી તરફ પરત ફરવાનો સમય પાકી ગયો છે. વિશ્વ ભારતીએ દેશને ઘણા વિદ્વાનોની ભેટ ધરી છે. મહાશ્વેતા દેવી, નંદલાલ બોઝ, ગાયત્રી દેવી, સત્યજીત રે અને વિનોદ બિહારી મુખર્જી સહિત ઘણા લોકોએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આજે ચાલો આપણે સંકલ્પ કરીએ કે આ પરંપરા જળવાઈ રહેશે.
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતના મહાન ફિલસૂફ અને તત્ત્વચિંતક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શાંતિનિકેતનમાં શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી અમિત શાહે વિશ્વ ભારતી યુનિવર્સિટીના પ્રસિદ્ધ સંગીત ભવનની મુલાકાત પણ લીધી હતી.
SD/GP/BT
(Release ID: 1682304)
Visitor Counter : 284