પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અવકાશ ક્ષેત્રના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યો


અવકાશ ક્ષેત્રમાં સુધારા માત્ર ઇઝ ઓફ ડુંઇગ સુનિશ્ચિત કરવા પૂરતાં નથી; પ્રત્યેક તબક્કે મદદ પૂરી પાડવામાં આવી રહી છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે, દેશ ટૂંક સમયમાં અવકાશ અસ્કયામતોના વિનિર્માણનું કેન્દ્ર બનશે

અવકાશ કાર્યક્રમના લાભો ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પણ પહોંચે તે સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો છે: પ્રધાનમંત્રી

જે પ્રકારે IT ક્ષેત્રમાં ભારતીય પ્રતિભાવાન લોકોએ દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે તેવી જ રીતે અવકાશક્ષેત્રમાં પણ તેઓ આવું જ કરી શકશે: પ્રધાનમંત્રી

Posted On: 14 DEC 2020 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અવકાશ ક્ષેત્રના મુખ્ય ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓમાં તેમને વધુને વધુ સહભાગી થવા માટે પ્રેરિત કરવાના આશયથી તેમણે આ વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જૂન 2020માં અવકાશ ક્ષેત્રને ખુલ્લું મુકવાનો અને અવકાશ ક્ષેત્રની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભારતીય ખાનગી ક્ષેત્રની સહભાગિતા સક્ષમ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રોત્સાહન અને પ્રમાણીકરણ કેન્દ્ર (IN-SPACe)ની રચના સાથે, આ સુધારા ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપને આ ક્ષેત્રમાં પોતાની રીતે આગળ વધવાનું મોકળું મેદાન પૂરું પાડશે. તેના પરિણામે, કેટલાક ઔદ્યોગિક સાહસો દ્વારા અવકાશ વિભાગ હેઠળ IN-SPACe સમક્ષ પ્રસ્તાવો દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવોમાં ઉપગ્રહ જોડાણ (સેટેલાઇટ કોન્સ્ટેલેશન), નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો, ગ્રાઉન્ડ સ્ટેશન, જીઓસ્પેટિઅલ સેવાઓ, પ્રોપલ્શન સિસ્ટમ્સ અને એપ્લિકેશન પ્રોડક્ટ્સ સહિત ખૂબ જ વિશાળ રેન્જમાં વિવિધ પ્રવૃત્તિઓ સમાવી લેવામાં આવી છે.

અવકાશ ક્ષેત્રમાં ભારતની શક્તિઓને છુટી કરવી

પ્રધાનમંત્રીએ તમામ સહભાગીઓને તેમના અત્યાર સુધીના અનુભવોના પ્રતિભાવ આપવા અંગે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં ભારતની તમામ શક્તિઓને છુટી કરવાના નિર્ણયથી આ ક્ષેત્રમાં પબ્લિક – પ્રાઇવેટ ભાગીદારીના એક નવા યુગનો ઉદય થયો છે. તેમણે તમામ સહભાગીઓને ખાતરી આપી હતી કે, આ પ્રયાસોમાં તેમને સરકાર તરફથી સંપૂર્ણ અને દિલથી જરૂરી સહકાર પૂરો પાડવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, સરકારની નીતિઓ તેમજ નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં વ્યાવસાયિકતા અને પારદર્શિતા, અવકાશ ક્ષેત્રમાં જોડાઇ રહેલી કંપનીઓ માટે લાભદાયી પૂરવાર થશે.

રોકેટ અને ઉપગ્રહો બનાવવાની કંપનીની યોજનાઓની નોંધ લઇને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ એક મોટું પરિવર્તન દર્શાવે છે જે અવકાશ ક્ષેત્રમાં ભારતની યાત્રાને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું હતું કે, આમાં ખાનગી ક્ષેત્રના રોકાણથી હાઇ-ટેક નોકરીઓનું સર્જન થશે જેથી IIT/NIT તેમજ અન્ય ટેકનિકલ સંસ્થાઓમાં રહેલા ભારતીય પ્રતિભાવાન યુવાનો માટે નવી તકો ઉભી થશે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ દૃઢપણે માને છે કે, જે પ્રકારે IT ક્ષેત્રમાં ભારતના પ્રતિભાવના લોકોએ સમગ્ર દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવી જ રીતે તેઓ અવકાશ ક્ષેત્રમાં પણ પ્રગતિ કરશે.

ઇઝ ઓફ ડુઇંગ ઉપરાંત વિશેષ કામગીરી

પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પૂરતાં મર્યાદિત નથી પરંતુ પરીક્ષણની સુવિધાઓ પૂરી પાડવી અને લોન્ચપેડ ઉપલબ્ધ કરાવવા સહિત દરેક તબક્કે જરૂરી હોય તેવા તમામ પ્રકારે મદદ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક વ્યવસ્થાતંત્ર પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સુધારાઓ દ્વારા, ભારત માત્ર અવકાશ બજારમાં સ્પર્ધાત્મક બને એટલા પૂરતા પ્રયાસો નથી બલ્કે, સૌથી ગરીબમાં ગરીબ લોકો સુધી પણ તેના લાભો પહોંચે તે સુનિશ્ચિત કરવાના પણ પ્રયાસો છે. તેમણે તમામ સહભાગીઓને હિંમતભેર વિચાર કરવા માટે અને સમાજ તેમજ દેશના લાભાર્થે કામ કરવા માટે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કમ્યુનિકેશન અને દિશાસૂચનમાં અવકાશ ક્ષેત્રની મહત્તાને રેખાંકિત કરી હતી. તેમણે સહભાગીઓને ખાતરી આપી હતી કે, અવકાશ સંશોધનના આ યુગમાં તેઓ ISROના સહયાત્રીઓ હશે અને આશા વ્યક્ત કરી હતી કે, દેશ ટૂંક સમયમાં અવકાશ અસ્કયામતોના વિનિર્માણનું કેન્દ્ર બની જશે.

આત્મનિર્ભર ભારત અભિયાનમાં સક્રિય સહભાગીઓ

સ્પેસ વિભાગ (DOS)ના સચિવ અને ISROના ચેરમેન ડૉ. કે. સીવને વિવિધ ઉદ્યોગો દ્વારા IN-SPACe પાસેથી મંજૂરીઓ અને અવકાશ વિભાગ પાસેથી સહકાર મેળવવા માટે કરવામાં આવેલી દરખાસ્તો અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 25થી વધારે ઉદ્યોગોએ પહેલાંથી જ તેમની અવકાશ પ્રવૃત્તિઓ માટે DOSનો સંપર્ક કર્યો છે.

આ વાર્તાલાપ દરમિયાન, સુધારાઓ અંગે પોતાના પ્રતિભાવો પ્રધાનમંત્રીને આપ્યા હતા. ભારતી એન્ટરપ્રાઇઝના શ્રી સુનિલ ભારતી, લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડના શ્રી જયંત પાટીલ, અગ્નિકુલ કોસ્મોસ પ્રા. લિ.ના શ્રી શ્રીનાથ રવિચંદ્રન, સ્કાયરૂટ એરોસ્પેસ લિમિટેડના શ્રી પવનકુમાર ચંદના, આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીસ પ્રા. લિ.ના કર્નલ એચ.એસ. શંકર, મેપમાયઇન્ડિયાના શ્રી રાકેશ વર્મા, PIXXEL ઇન્ડિયાના શ્રી અવૈસ અહેમદ અને સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાના શ્રીમતી શ્રીમથી કેસને આ સત્ર દરમિયાન તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ખાનગી સહભાગીતા માટે આ ક્ષેત્રને ખુલ્લું કરવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, આનાથી ભારતને અવકાશ ટેકનોલોજી ક્ષેત્રમાં સુપરપાવર બનવાની દિશામાં આગળ વધવા માટે ઘણી મદદ મળશે. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાનમાં કામ કરવા માટે દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના પ્રોજેક્ટ્સ માટે ISRO દ્વારા કરવામાં આવતી મદદની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ISRO સાથે ખાનગી કંપનીઓની ભાગીદારીથી દર વર્ષે વધુ રોકેટ લોન્ચ થવા ઉપરાંત રોકેટ એન્જિનના વિકાસમાં નવી ટેકનોલોજીકલ પ્રગતિ પણ થશે. તેમણે બાળકોને આ દિશામાં વધુ આગળ લઇ જવા માટે ISROની સુવિધાઓ તેમના માટે ખુલ્લી કરવાનું સૂચન પણ આપ્યું હતું.

 

SD/GP/BT


(Release ID: 1680658) Visitor Counter : 316