વહાણવટા મંત્રાલય

જાહેર જનતા પાસેથી અભિપ્રાય અને સૂચનો મેળવવા માટે ભારતીય બંદર બિલ, 2020નો મુસદ્દો પ્રસ્તુત


ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં બિલ પરિવર્તનકારક બની રહેશે, ખાસ કરીને વધારે રોકાણ આકર્ષવા માટેઃ શ્રી મનસુખ માંડવિયા

Posted On: 11 DEC 2020 2:26PM by PIB Ahmedabad

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ભારતીય બંદર બિલ, 2020નો મુસદ્દો જાહેર જનતાના અભિપ્રાય મેળવવા માટે પ્રસ્તુત કર્યો છે, જે ભારતીય બંદર ધારા, 1908 (વર્ષ 1908નો ધારા નંબર 15)ને રદ કરશે અને એનું સ્થાન લેશે.

ભારતીય બંદર બિલ, 2020ના મુસદ્દાનો મૂળ આશય દેશના વિવિધ બંદરનો અસરકારક વહીવટી અને વ્યવસ્થાપન કરીને ભારતીય દરિયાકિનારાનો મહત્તમ ઉપયોગ કરવા માટે બંદર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા વિવિધ બંદરની માળખાગત વૃદ્ધિ અને ટકાઉ વિકાસ કરવાનો છે. સૂચિત બિલ વિવિધ બંદરની જાળવણી કરવા પગલાં સૂચવશે, ખાસ કરીને દેશમાં મોટી સંખ્યામાં વિવિધ બંદર બિનકાર્યરત છે એની સાથે સંબંધિત પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને. વળી આ બિલ હાલના વિવિધ બંદરનું વ્યવસ્થાપન અને નવા વિવિધ બંદરનું સર્જન કરવા સંશોધિત, વિસ્તૃત નિયમનકારક માળખું ઊભું કરીને ભારતીય દરિયાકિનારા અને બંદર ક્ષેત્રમાં વધુને વધુ રોકાણને સુનિશ્ચિત કરશે.

બિલનો અન્ય એક આશય નીચેની વિવિધ પદ્ધતિઓને અનુસરીને ભારતમાં બંદર ક્ષેત્રના ટકાઉ વિકાસ અને વૃદ્ધિ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવાનો પણ છેઃ

  1. દરિયાઈ બંદર નિયમનકારક સત્તામંડળની રચના
  2. દરિયાકિનારો ધરાવતા રાજ્યોની સરકારો, રાજ્ય મેરિટાઇમ બોર્ડ અને અન્ય હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરીને રાષ્ટ્રીય બંદર નીતિ અને રાષ્ટ્રીય બંદર યોજનાની રચના.
  3. વિશેષ નિર્ણાયક પંચોની રચના, જેનાં નામ દરિયાઈ બંદર પંચ અને દરિયાઈ બંદર લવાદ પંચ હશે, જે બંદર ક્ષેત્રમાં કોઈ પણ સ્પર્ધાત્મકતાવિરોધી કામગીરીને નિયંત્રણમાં રાખશે તથા ઝડપી અને વાજબી ફરિયાદ નિવારણ વ્યવસ્થા તરીકે કામ કરશે.

સૂચિત બિલની નવી અને આધુનિક જોગવાઈઓ સલામતી, સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ, કામગીરીના ધારાધોરણો અને બંદરની ટકાઉક્ષમતાને સુનિશ્ચિત કરશે. બિલ સુનિશ્ચિત કરશે કે, ભારત એક પક્ષ હોય એવી તમામ નવીન અને અત્યાધુનિક આચારસંહિતાઓ પણ અનુકૂળ રીતે સમાવિષ્ટ થાય. આ ખરાં અર્થમાં દરિયાઈ સલામતી અને સુરક્ષાને પ્રોત્સાહન આપશે. આ બિલ બંદર અને બંદર નેટવર્કનો વૈજ્ઞાનિક ધોરણે વિકાસ હાંસલ કરવા માટે જરૂરી ગેપ ભરશે.

બિલ પ્રવેશ માટેના અવરોધો દૂર કરીને, પ્રક્રિયાઓને સરળ બનાવીને તથા બંદર ક્ષેત્રની વૃદ્ધિને સક્ષમ બનાવતી અને એના માટે આયોજન કરતી સંસ્થાઓ અને એજન્સીઓની રચના કરીને ભારતીય દરિયાઈ અને બંદર ક્ષેત્રમાં સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનું રોકાણ વધારવાની તકો પ્રદાન કરવા ઇચ્છે છે. વેપારવાણિજ્ય સરળ કરવા બિલ દરિયાઈ ક્ષેત્રમાં સ્થાનિક રોકાણના સ્વનિર્ભર વાતાવરણને વેગ આપશે, જે સરકારના આત્મનિર્ભર ભારતની પહેલોને સુસંગત હશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, અમે નેશનલ પોર્ટ ગ્રિડની રચના કરવા કામ કરી રહ્યાં છીએ. બિલ ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં પરિવર્તનકારક બનશે, ખાસ કરીને વધુને વધુ રોકાણ લાવશે. બિલ વિવિધ બંદરોની માળખાગત વૃદ્ધિ અને ટકાઉ વિકાસને વેગ આપશે તથા ઝડપથી આ ઉદ્દેશ પાર પડે એવી સુનિશ્ચિતતા કરશે. પરિણામે એનાથી ભારતીય દરિયાઈ ક્ષેત્રના કામગીરીમાં ઝડપથી ફેરફારો આવશે અને દરિયાઈ કામકાજ સાથે સંબંધિત સુધારાઓને વેગ મળશે, જે ભવિષ્યમાં ભારતીય દરિયાઈ ક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરશે.

ભારતીય બંદર બિલ 2020નો મુસદ્દો જાહેર જનતા પાસેથી સૂચનો અને અભિપ્રાય મેળવવા માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ મુસદ્દો તમે http://shipmin.gov.in/sites/default/files/IPAbill.pdf પરથી મેળવી શકશો અને સૂચનો 24 ડિસેમ્બર, 2020 સુધી sagar.mala[at]nic[dot]in પર મોકલી શકાશે.

 

SD/GP/BT

 (Release ID: 1679993) Visitor Counter : 212