વહાણવટા મંત્રાલય

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે તરતા માળખા માટે ટેકનિકલ વિવરણોની માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો


મંત્રાલયનો ઉદ્દેશ ભારતીય દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વિવિધ ઉપયોગો માટે તરતી જેટ્ટીઓને પ્રોત્સાહન આપવાનો છે

Posted On: 07 DEC 2020 2:34PM by PIB Ahmedabad

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તરતા માળખાઓ માટે ટેકનિકલ વિવરણોની માર્ગદર્શિકાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશ્વસ્તરીય તરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની અને તેને ઉપયોગ માટે તૈનાત કરવાની દૂરંદેશી સાથે માર્ગદર્શિકાઓનો આ મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવ્યો છે

તરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેના સહજ ફાયદા હોવાથી, તેને એક આકર્ષક ઉકેલ તરીકે જોવામાં આવે છે અને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંપરાગત ઘાટો અને કોંક્રીટમાંથી બનાવેલા અચલ ઢાંચાઓની સરખામણીએ તરતી જેટ્ટીના લાભો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  • તે ઓછો ખર્ચાળ ઉકેલ છે અને પરંપરાગત માળખાની સરખામણીએ તેનું નિર્માણ ઘણું સસ્તામાં થઇ જાય છે.
  • પરંપરાગત જેટ્ટીની સરખામણીએ તરતું માળખું તૈયાર કરવાનું કામ ખૂબ જ ઝડપથી થાય છે. સામાન્યપણે, તરતું માળખું 6-8 મહિનામાં બાંધી શકાય છે જ્યારે પરંપરાગત માળખુ તૈયાર કરવામાં 24 મહિના જેટલો સમય લાગી જાય છે.
  • પર્યાવરણ પર તેની અસર ખૂબ જ ઓછી પડે છે.
  • મોડ્યૂલર બાંધકામની ટેકનિકના કારણે તેનું વિસ્તરણ સરળતાથી થઇ શકે છે.
  • જો બંદરને ફરી કન્ફિગર કરવાનું થાય તો તેવી સ્થિતિમાં તેનું પરિવહન સરળતાથી થઇ શકે છે.
  • તે જેટ્ટી અને હોડીઓ વચ્ચે સતત ફ્રીબોર્ડ ઉપલબ્ધ કરાવે છે.

ખાસ કરીને મોટાં મોજાં ઉછળતા હોય તેવી રેન્જ સહિતના વિસ્તારોમાં પરંપરાગત ઘાટના કારણે ઓટના સમયમાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તેની સરખામણીએ તરતી જેટ્ટીઓ ખૂબ જ સગવડપૂર્ણ રહે છે. તરતી જેટ્ટીઓ, આવી જગ્યાઓ પર, અવિરત ફ્રીબોર્ડ ઉપલબ્ધ કરાવે છે, જહાજોના સ્ટોર્સનું સરળતાથી નૌકારોહણ કરી શકાય છે અને માછીમારોએ પકડેલી માછલીઓનું સીધુ જ અનલોડિંગ થઇ શકે છે. તેનાથી સતત ઉત્પાદકતામાં વધારો થાય છે અને લાંબાગાળે માછીમારોની સલામતી માટે પણ યોગ્ય પુરવાર થાય છે.

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરીને સફળતાપૂર્વક કેટલીક પ્રારંભિક પરિયોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. આમાં, ગોવા ખાતે ઉભી કરવામાં આવેલી મુસાફરો માટેની તરતી જેટ્ટી, સાબરમતી રિવરફ્રન્ટ અને સરદાર સરોવર ડેમ ખાતે વોટર એરોડ્રામ (સીપ્લેન સેવાઓ માટે) પણ સામેલ છે અને તેના શ્રેષ્ઠ પરિણામો મળી રહ્યાં છે. તમામ દરિયાકાંઠના વિસ્તારોમાં એકંદરે વિકાસ માટે અને દરિયાકાંઠામાં વસતા સમુદાયોના ઉત્કર્ષ માટે મંત્રાલયની આવી જ 80થી વધુ પરિયોજનાઓ હાલમાં આયોજનના તબક્કે છે.

મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આધારચિહ્ન અને પ્રમાણભૂત વિવરણો તૈયાર કરવામાં આવી રહ્યાં છે જેથી વિવિધ હિતધારકો સાથે સઘન ચર્ચા કર્યા બાદ તરતા માળખા માટે ટેકનિકલ વિવરણો નક્કી કરવામાં આવ્યા છે. આના માટે, મંત્રાલયે IIT ચેન્નઇને તરતી જેટ્ટી, વોટર એરોડ્રામ, તરતી મરીના, માછલીઓના લેન્ડિંગની સુવિધાઓ વગેરે ટકાઉક્ષમ તરતા માળખાનું ટેકનિકલ વિવરણ તૈયાર કરવાનું કામ સોંપ્યું છે જેથી સચોટ અને સ્પષ્ટ વિવરણ નિર્ધારિત કરી શકાય.

પ્રસ્તાવિત વિવરણ / ટેકનિકલ જરૂરિયાતોનું શિડ્યૂલ (SOTR) સાથે માર્ગદર્શિકાઓનો મુસદ્દો જાહેર જનતાના પ્રતિભાવો અને સૂચનો માટે બહાર પાડવામાં આવ્યો છે. માર્ગદર્શિકાનો મુસદ્દો http://shipmin.gov.in/sites/default/files/proforma_guidelines.pdf પરથી મેળવી શકાય છે. તેના માટેના પ્રતિભાવો અને સૂચનો 11.12.2020 સુધીમાં sagar.mala[at]nic[dot]in પર ઇમેલ દ્વારા મોકલવાના રહેશે.

સુશાસનમાં પારદર્શકતામાં વૃદ્ધિ લાવવી એ હંમેશા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારની પ્રાથમિકતા રહી છે. જાહેર પ્રતિભાવો મેળવવા માટે માર્ગદર્શિકાઓના મુસદ્દાને બહાર પાડવામાં આવ્યો તે આ દિશામાં પ્રગતિપૂર્ણ પગલું છે જે લાંબાગાળે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સમુદાયોને લાભદાયી નીવડશે અને તેમના ઉત્કર્ષ માટે એક સીમાચિહ્નરૂપ પગલું પુરવાર થશે.

 

SD/GP/BT

 



(Release ID: 1678822) Visitor Counter : 214