પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે દેવ દિવાળી મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 NOV 2020 9:50PM by PIB Ahmedabad

હર હર મહાદેવ! હર હર મહાદેવ! હર હર મહાદેવ!

કાશી કોટવાલની જાય! માતા અન્નપૂર્ણાની જય! માં ગંગાની જય!

જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ! નમો બુદ્ધાય!

તમામ કાશીવાસીઓને, તમામ દેશવાસીઓને કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ! તમામને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની પણ ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી શ્રીમાન રાધામોહન સિંહજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ આશુતોષજી, રવીન્દ્ર જૈસવાલજી, નીલકંઠ તિવારીજી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ ભાઈ સ્વતંત્ર દેવ સિંહજી, વિધાયક સૌરવ શ્રીવાસ્તવજી, વિધાન પરિષદ સદસ્ય ભાઈ અશોક ધવનજી, સ્થાનિક ભાજપાના મહેશચંદ્ર શ્રીવાસ્તવજી, વિદ્યાસાગર રાયજી, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવ અને મારા કાશીના વ્હાલા ભાઈઓ અને બહેનો!

નારાયણ ક વિશેષ મહિના માનૈ જાને વાલે પુણ્ય કાર્તિક માસ કે આપન કાશી કે લોગ કતીકી પુનવાસી કહૈલન. અઉર ઇ પુનવાસી પર અનાદિ કાલ સે ગંગા મેં ડૂબકી લગાવૈ, દાન પુણ્ય ક મહત્વ રહલ હૌ. બરસો બરસ સે શ્રદ્ધાલુ લોગન મેં કોઈ પંચગંગા ઘાટ તો કોઈ ષશાશ્વમેધ, શીતલા ઘાટ યા અસ્સી પર ડૂબકી લગાવત આયલ હૌ. પૂરા ગંગા તટ અઉર ગોદૌલિયા ક હરસુંદરી, જ્ઞાનવાપી ધર્મશાલા તો ભરલ પડત રહલ. પંડિત રામકિંકર મહારાજ પૂરે કાર્તિક મહિના બાબા વિશ્વનાથ કે રામ કથા સુનાવત રહલ. દેશ કે હર કોને સે લોગ ઉનકર કથા સુનૈ આવૈ.

કોરોના કાળમાં ભલે ઘણું બધુ બદલાઈ ગયું છે પરંતુ કાશીની આ ઉર્જા, કાશીની આ ભક્તિ, આ શક્તિ તેને કોઈ થોડી બદલી શકવાનું હતું. સવારથી જ કાશીવાસી સ્નાન, ધ્યાન અને દાનમાં લાગેલા રહ્યા છે. કાશી આમ જ જીવંત છે. કાશીની ગલીઓ આમ જ ઊર્જાથી સભર છે. કાશીના ઘાટ આમ પણ દિવ્યમાન જ છે. આ જ તો મારી અવિનાશી કાશી છે.

સાથીઓ,

મા ગંગાના સાનિધ્યમાં કાશી પ્રકાશનો ઉત્સવ ઉજવી રહી છે અને મને પણ મહાદેવના આશીર્વાદ વડે આ પ્રકાશ ગંગામાં ડૂબકી લગાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આજના દિવસે મને કાશીના છ લેન હાઇવેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પણ મળ્યો. સાંજે દેવ દિવાળીના દર્શન કરી રહ્યો છું. અહીંયા આવતા પહેલા કાશી વિશ્વનાથ કોરિડોરમાં પણ જવાનો અવસર મને મળ્યો અને હમણાં રાત્રે હું સારનાથ લેસર શૉનો પણ સાક્ષી બનવાનો છું. હું તેને મહાદેવના આશીર્વાદ અને આપ સૌ કાશીવાસીઓનો વિશેષ સ્નેહ માનું છું.

સાથીઓ,

કાશી માટે આ એક બીજો પણ વિશેષ અવસર છે! તમે સાંભળ્યું હશે, ગઇકાલે મન કી બાતમાં પણ મેં તેનો ઉલ્લેખ કર્યો હતો અને હમણાં યોગીજીએ પણ ખૂબ તાકાત સાથે ભરેલા અવાજમાં તે વાતનો પુનરોચ્ચાર કર્યો છે. 100 વર્ષ કરતાં પણ પહેલા માતા અન્નપૂર્ણાની જે મૂર્તિ કાશીમાંથી ચોરાઇ ગઈ હતી તે હવે પાછી પોતાના ઘરે પરત ફરી રહી છે. માતા અન્નપૂર્ણા ફરી એકવાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. કાશીની માટે આ બહુ મોટા સૌભાગ્યની વાત છે. આપણાં દેવી દેવતાઓની આ પ્રાચીન મૂર્તિઓ, આપણી આસ્થાના પ્રતિકની સાથે જ આપણી અમૂલ્ય વિરાસત પણ છે. એ વાત પણ સાચી છે કે આટલો પ્રયાસ જો પહેલા કરવામાં આવ્યો હોત તો આવી કેટલીય મૂર્તિઓ દેશને ઘણા સમય પહેલા જ પાછી મળી ચૂકી હોત. પરંતુ કેટલાક લોકોની વિચારધારા જુદી જ રહી છે. અમારી માટે વિરાસતનો અર્થ છે દેશની ધરોહર! જ્યારે કેટલાક લોકોની માટે વિરાસતનો અર્થ હોય છે, પોતાનો પરિવાર અને પોતાના પરિવારનું નામ! અમારી માટે વિરાસતનો અર્થ છે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા, આપણાં મૂલ્યો! તેમની માટે વિરાસતનો અર્થ છે પોતાની પ્રતિમાઓ, પોતાના પરિવારની તસવીરો! એટલા માટે તેમનું ધ્યાન પરિવારની વિરાસતને બચાવવામાં જ રહ્યું, અમારું ધ્યાન દેશની વિરાસતને બચાવવામાં, તેને સુરક્ષિત રાખવા ઉપર છે. મારા કાશીવાસીઓ, જરા કહો તો હું સાચા રસ્તે જઈ રહ્યો છું કે નહીં? હું બરાબર કરી રહ્યો છું કે નહીં? જુઓ તમારા બધાના આશીર્વાદથી જ આ બધુ થઈ રહ્યું છે. આજે જ્યારે કાશીની વિરાસત જ્યારે પાછી ફરી રહી છે તો એવું પણ લાગી રહ્યું છે કે જાણે કાશી માતા અન્નપૂર્ણાના આગમનના સમાચાર સાંભળીને સાજ-શણગારયુક્ત થઈ ગઈ હોય.

સાથીઓ,

લાખો દિવડાઓથી કાશીના ચોર્યાસી ઘાટ ઝગમગ થઈ ઉઠવા એ અદભૂત છે. ગંગાની લહેરોમાં આ  પ્રકાશ આ આભાને વધારે અલૌકિક બનાવી રહ્યો છે અને સાક્ષી કોણ છે જુઓ ને. એવું લાગી રહ્યું છે કે જાણે આજે પૂર્ણિમા પર દેવ દિવાળી ઉજવી રહેલ કાશી મહાદેવના મસ્તિષ્ક પર બિરાજમાન ચંદ્રમાની જેમ ચમકી રહી છે. કાશીની મહિમા જ આવી છે. આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – काश्यां हि काशते काशी सर्वप्रकाशिका અર્થાત તો આત્મજ્ઞાન વડે પ્રકાશિત થાય છે એટલા માટે કાશી સૌને સંપૂર્ણ વિશ્વને પ્રકાશ આપનારી છે, પથ પ્રદર્શિત કરનારી છે. દરેક યુગમાં કાશીના આ પ્રકાશમાંથી કોઈને કોઈ મહાપુરુષની તપસ્યા જોડાઇ જાય છે અને કાશી દુનિયાને રસ્તો બતાવતી રહે છે. આજે આપણે જે દેવ દિવાળીના દર્શન કરી રહ્યા છીએ, તેની પ્રેરણા પહેલા પંચગંગા ઘાટ પર સ્વયં આદિ શંકરાચાર્યજીએ આપી હતી. ત્યાર બાદ અહલ્યાબાઈ હોલકરજીએ આ પરંપરાને આગળ વધારી. પંચગંગા ઘાટ પર અહલ્યા બાઈ હોલકરજી દ્વારા તેમના દ્વારા સ્થાપિત 1000 દિવડાઓનો પ્રકાશ સ્તંભ પણ આ પરંપરાનો સાક્ષી છે.

સાથીઓ,

કહેવાય છે ને કે જ્યારે ત્રિપુરાસુર નામના દૈત્યએ સંપૂર્ણ સંસારને આતંકિત કરી નાખ્યું હતું, ત્યારે ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે તેનો અંત કર્યો હતો. આતંક, અત્યાચાર અને અંધકારના તે અંત પર દેવતાઓએ મહાદેવની નગરીમાં આવીને દિવડાઓ પ્રગટાવ્યા હતા, દિવાળી ઉજવી હતી, દેવોની તે દિવાળી જ દેવ દિવાળી છે. પરંતુ આ દેવતા કોણ છે? આ દેવતાઓ તો આજે પણ છે, આજે પણ બનારસમાં દિવાળી ઉજવી રહ્યા છે. આપણાં મહાપુરુષોએ, સંતોએ લખ્યું છે- लोक बेदह बिदित बारानसी की बड़ाई, बासी नर-नारि ईस-अंबिका-स्वरूप हैं અર્થાત કે કાશીના લોકો જ દેવ સ્વરૂપ છે. કાશીના નર-નારી તો દેવી અને શિવના સ્વરૂપ છે, એટલા માટે આ ચોર્યાસી ઘાટો પર, આ લાખો દિવડાઓને આજે પણ દેવતા જ પ્રજ્વલિત કરી રહ્યા છે, દેવતાઓ જ આ પ્રકાશ ફેલાવી રહ્યા છે. આજે આ દિવડા તે આરાધ્યો માટે પણ પ્રજ્વલિત થઈ રહ્યા છે કે જેમણે દેશની માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. જેઓ જન્મભૂમિ માટે શાહિદ થયા, કાશીની આ ભાવના દેવ દિવાળીની પરંપરાનું આ પાસું લાગણીશીલ બનાવી દે છે. આ અવસર પર હું દેશની રક્ષા કરવામાં પોતાની શહીદી વહોરનારા, પોતાની યુવાની હોમી દેનારા, પોતાના સપનાઓને માં ભારતીના ચરણોમાં ન્યોછાવર કરી દેનારા આપણાં સપૂતોનું હું નમન કરું છું.  

સાથીઓ,

ભલે સરહદો પર ઘૂસણખોરીના પ્રયાસો હોય, વિસ્તારવાદી તાકાતોનું દુઃસાહસ હોય કે પછી દેશની અંદર દેશને તોડવાનો પ્રયાસ કરનારી વ્યૂહરચનાઓ હોય, ભારત આજે બધાનો જવાબ આપી રહ્યું છે અને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પરંતુ તેની સાથે જ દેશ હવે ગરીબી, અન્યાય અને ભેદભાવના અંધકાર વિરુદ્ધ પણ પરિવર્તન માટે પરિવર્તનના દિવડાઓ પણ પ્રગટાવી રહ્યું છે. આજે ગરીબોને તેમના જિલ્લાઓમાં, તેમના ગામડાઓમાં રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી રોજગાર અભિયાન ચાલી રહ્યું છે. આજે ગામડાઓમાં સ્વામિત્વ યોજનાઓના માધ્યમથી સામાન્ય માનવીને તેના ઘર-મકાન પર કાયદાકીય અધિકાર આપવામાં આવી રહ્યો છે. આજે ખેડૂતોને તેમના વચેટિયાઓ અને શોષણ કરનારાઓમાંથી આઝાદી મળી રહી છે. આજે લારી, ફૂટપાથ અને ઠેલાવાળાઓને પણ મદદ અને રોકડ રકમ આપવા માટે બેન્કો સામે ચાલીને આવી રહી છે. હમણાં થોડા દિવસો પહેલા જ મેં ‘સ્વનિધિ યોજના’ના લાભાર્થીઓ સાથે કાશીમાં વાત પણ કરી હતી. તેની સાથે જ, આજે આત્મનિર્ભર અભિયાનની સાથે ચાલીને દેશ લોકલ માટે વોકલ પણ થઈ રહ્યો છે, થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? બરાબર યાદ રાખો છો કે ભૂલી જાવ છો મારા ગયા પછી? હું બોલીશ વોકલ ફોર, તમે બોલશો લોકલ, બોલશો ને? વોકલ ફોર લોકલ. આ વખતના પર્વ, આ વખતની દિવાળી જે રીતે ઉજવવામાં આવી, જે રીતે દેશના લોકોએ સ્થાનિક ઉત્પાદનો, સ્થાનિક ભેટ સોગાદોની સાથે પોતાના ઉત્સવો ઉજવ્યા તે ખરેખર પ્રેરણાદાયી છે. પરંતુ આ માત્ર તહેવારોની માટે જ નથી, તે આપણાં જીવનનો ભાગ બની જવા જોઈએ. આપણાં પ્રયાસોની સાથે-સાથે આપણાં ઉત્સવો પણ એક બાર ફરીથી ગરીબની સેવાના માધ્યમ બની રહ્યા છે.

સાથીઓ,

ગુરુ નાનક દેવજીએ તો પોતાનું આખું જીવન જ ગરીબ, શોષિત, વંચિતની સેવામાં સમર્પિત કર્યું હતું. કાશીનો તો ગુરુ નાનક દેવજી સાથે આત્મીય સંબંધ પણ રહ્યો છે. તેમણે એક બહુ લાંબો સમય કાશીમાં વ્યતીત કર્યો હતો. કાશીનું ગુરુબાગ ગુરુદ્વારા તો તે ઐતિહાસિક સમયનું સાક્ષી છે જ્યારે ગુરુ નાનક દેવજી અહિયાં પધાર્યા હતા અને કાશીવાસીઓને નવી રાહ ચીંધી હતી. આજે આપણે સુધારાઓની વાત કરીએ છીએ, પરંતુ સમાજ અને વ્યવસ્થામાં સુધારાઓના બહુ મોટા પ્રતિક તો ગુરુ અંક દેવજી પોતે જ રહ્યા હતા. અને આપણે એ પણ જોયું છે કે જ્યારે સમાજના હિતમાં, રાષ્ટ્ર હિતમાં પરિવર્તન થાય છે તો જાણે અજાણે વિરોધના સ્વરો જરૂરથી ઉઠે છે. પરંતુ જ્યારે તે સુધારાઓની સાર્થકતા સામે આવવા લાગે છે તો બધુ જ બરાબર થઈ જાય છે. આ જ શિક્ષા આપણને ગુરુ નાનક દેવજીના જીવનમાંથી મળે છે.

સાથીઓ,

કાશી માટે જ્યારે વિકાસના કાર્યો શરૂ કર્યા હતા, વિરોધ કરવાવાળાઓ માત્ર વિરોધ માટે વિરોધ ત્યારે પણ કર્યા કરતાં હતા, કર્યો હતો કે નહોતો કર્યો? કર્યો હતો ને? તમને યાદ હશે, જ્યારે કાશીએ નક્કી કર્યું હતું કે બાબાના દરબાર સુધી વિશ્વનાથ કોરિડોર બનશે, ભવ્યતા, દિવ્યતાની સાથે-સાથે શ્રદ્ધાળુઓની સુવિધાને પણ વધારવામાં આવશે, વિરોધ કરનારાઓએ ત્યારે તેને લઈને પણ ઘણું બધુ કહ્યું હતું. ઘણું બધુ કર્યું પણ હતું. પરંતુ આજે બાબાની કૃપાથી કાશીનું ગૌરવ પુનર્જીવિત થઈ રહ્યું છે. સદીઓ પહેલા, બાબાના દરબારમાં માં ગંગા સુધી જે સીધો સંબંધ હતો, તે ફરી પાછો સ્થાપિત થઈ રહ્યો છે.

સાથીઓ,

સારી નીતિ વડે જ્યારે સારા કર્મો કરવામાં આવે છે, તો વિરોધ હોવા છતાં તે સિદ્ધ થાય જ છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરથી મોટું આનું બીજું કયું ઉદાહરણ હોઇ શકે? દાયકાઓથી આ પવિત્ર કામને લટકાવવા ભટકાવવા માટે શું-શું નથી કરવામાં આવ્યું? કેવા કેવા ભય ઉત્પન્ન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે! પરંતુ જ્યારે રામજીની ઈચ્છા થઈ ગઈ તો મંદિર પણ બની રહ્યું છે.

સાથીઓ,

અયોધ્યા, કાશી અને પ્રયાગનું આ ક્ષેત્ર આજે આધ્યાત્મિકતાની સાથે-સાથે પ્રવાસનની અપાર સંભાવનાઓ માટે તૈયાર થઈ રહ્યું છે. અયોધ્યામાં જે ઝડપી ગતિએ વિકાસ થઈ રહ્યો છે, પ્રયાગરાજે જે રીતે કુંબનું આયોજન જોયું છે, અને કાશી આજે જે રીતે વિકાસના પથ પર અગ્રેસર છે, તેનાથી સંપૂર્ણ દુનિયાનો પ્રવાસી આજે આ ક્ષેત્રની દિશામાં જોઈ રહ્યો છે. બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર ક્ષેત્રની આસપાસ દુર્ગાકુંડ જેવા સનાતન મહત્વના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. બીજા મંદિરો અને પરિક્રમા પથને પણ સુધારવામાં આવી રહ્યો છે. ઘાટોના ચિત્રો ઝડપી ગતિએ બદલાઈ રહ્યા છે, તેણે સુબહ-એ-બનારસને ફરીથી અલૌકિક આભા પ્રદાન કરી છે. માં ગંગાનું પાણી પણ હવે નિર્મળ થઈ રહ્યું છે. આ જ તો પ્રાચીન કાશીનો આધુનિક સનાતન અવતાર છે, આ જ તો બનારસનો સદા જળવાઈ રહેનારો રસ છે.

સાથીઓ,

હવે અહિયાંથી હું ભગવાન બુદ્ધની સ્થળી સારનાથ જઈશ. સારનાથમાં સાંજના સમયે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અને લોક શિક્ષણ માટે પણ આપ સૌની જે લાંબા સમયથી માંગ રહેલી હતી તે હવે પૂરી થઈ ગઈ છે. લેઝર શૉમાં હવે ભગવાન બુદ્ધના કરુણા, દયા અને અહિંસાના સંદેશ સાકાર થશે. આ સંદેશ આજે વધારે પ્રાસંગિક થતાં જઈ રહ્યા છે જ્યારે દુનિયા હિંસા, અશાંતિ અને આતંકના ભયને જોઈને ચિંતિત છે. ભગવાન બુદ્ધ કહેતા હતા- ન હિ વેરેન વેરાની સમ્મન્તિ ધ કુદાચન અવેરેન હિ સમ્મન્તિ એસ ધમ્મો સનન્તો અર્થાત વેર દ્વારા વેર ક્યારેય શાંત નથી થતું હોતું. અવેરથી વેર શાંત થઈ જાય છે. દેવ દિવાળી દ્વારા દેવત્વનો પરિચય કરાવતી કાશીમાંથી પણ આ જ સંદેશ છે કે આપણું મન આ જ દિવડાઓની જેમ ઝગમગી ઉઠે. દરેકમાં હકારાત્મકતાનો ભાવ પ્રગટે. વિકાસનો પથ પ્રદર્શિત થાય. સંપૂર્ણ દુનિયા કરુણા, દયાના ભાવને પોતાની અંદર સમાવિષ્ટ કરે. મને વિશ્વાસ છે કે કાશીમાંથી નિકળનાર આ સંદેશ, પ્રકાશની આ ઉર્જા સંપૂર્ણ દેશના સંકલ્પોને સિદ્ધ કરશે. દેશે આત્મનિર્ભર ભારતની જે યાત્રા શરૂ કરી છે, 130 કરોડ દેશવાસીઓની તાકાત વડે આપણે તેને પૂરી કરીશું.

મારા વ્હાલા કાશીવાસીઓ, આ જ શુભકામનાઓ સાથે, આપ સૌને એક વાર ફરી દેવ દિવાળી અને પ્રકાશ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કોરોનાના કારણે સૌની માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તેના લીધે હું પહેલા તો અવારનવાર તમારી વચ્ચે આવતો હતો. પરંતુ આ વખતે મને આવવામાં સમય લાગી ગયો. જ્યારે આટલો સમય તમારી વચ્ચે નીકળી ગયો છે તો મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે મેં જાણે કઇંક ગુમાવી દીધું છે. એવું લાગી રહ્યું હતું કે તમને જોયા નથી, તમારા દર્શન થયા નથી. આજે જ્યારે આવ્યો તો મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું. તમારા દર્શન કર્યા, મન એટલું ઊર્જાવાન બની ગયું. પરંતુ હું આ કોરોના કાળખંડમા પણ એક દિવસ પણ તમારાથી દૂર નહોતો હું તમને જણાવું છું. કોરોનાના કેસ કઈ રીતે વધી રહ્યા છે, દવાખાનાની શું વ્યવસ્થા છે, સામાજિક સંસ્થાઓ કઈ રીતે કામ કરી રહી છે,કોઈ ગરીબ ભૂખ્યો તો નથી રહેતો ને. દરેક વાતમાં હું પ્રત્યક્ષ રીતે જોડાયેલ રહેતો હતો સાથીઓ અને હું માં અન્નપૂર્ણાની આ ધરતી પર તમે જે સેવા ભાવ સાથે કામ કર્યું છે, કોઈને ભૂખ્યા નથી રહેવા દીધા, કોઈને દવા વિનાના નથી રહેવા દીધા. એટલા માટે હું આ સેવા ભાવ માટે, આ સંપૂર્ણ અને સમય ખૂબ લાંબો ચાર ચાર, છ-છ, આઠ-આઠ મહિના સુધી સતત આ કામને કરતાં રહેવું દેશના દરેક ખૂણામાં થયું છે, મારી કાશીમાં પણ થયું છે અને તેનો મારા મન પર એટલો આનંદ છે, હું આજે તમારા આ સેવા ભાવ માટે, તમારા આ સમર્પણ માટે હું આજે ફરી માં ગંગાના તટ પરથી  આપ સૌ કાશીવાસીઓને નમન કરું છું. તમારા સેવાભાવને પ્રણામ કરું છું અને તમે ગરીબમાં ગરીબની જે ચિંતા કરી છે તેણે મારા મનને સ્પર્શી લીધું છે. હું જેટલી તમારી સેવા કરું તેટલી ઓછી છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે મારા તરફથી તમારી સેવામાં હું કોઈ ખોટ નહિ રહેવા દઉં.

મારી માટે આજે ગૌરવનું પર્વ છે કે આજે મને આવા ઝગમગતા માહોલમાં તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. કોરોનાને હરાવીને આપણે વિકાસના પથ પર ઝડપી ગતિએ આગળ વધીશું, માં ગંગાની ધારા જે રીતે વહી રહી છે. અડચણો, સંકટો હોવા છતાં વહી રહી છે, સદીઓથી વહી રહી છે. વિકાસની ધારા પણ એ જ રીતે વહેતી રહેશે. આ જ વિશ્વાસ લઈને હું પણ અહીંયાથી હવે દિલ્હી જઈશ. હું ફરી એકવાર આપ સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

જય કાશી! જય માં ભારતી!

હર હર મહાદેવ!

 

SD/GP/BT



(Release ID: 1677342) Visitor Counter : 210