પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રી-ઇન્વેસ્ટ (RE-Invest) 2020નું ઉદ્ઘાટન કર્યું


મેગા વૉટ્સમાંથી ગીગા વૉટ્સ તરફ આગળ વધવાની યોજનાઓ સાકાર થઇ રહી છે: પ્રધાનમંત્રી

ભારતમાં છેલ્લા છ વર્ષમાં સ્થાપિત અક્ષય ઉર્જા ક્ષમતામાં અઢી ગણો વધારો થયો છે: પ્રધાનમંત્રી

ભારતે દર્શાવ્યું છે કે મજબૂત પર્યાવરણીય નીતિઓથી અર્થતંત્રને મજબૂત બનાવી શકાય છે: પ્રધાનમંત્રી

Posted On: 26 NOV 2020 6:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 3જી વૈશ્વિક અક્ષય ઉર્જા રોકાણ બેઠક અને એક્સપો (રી-ઇન્વેસ્ટ 2020)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ બેઠકનું આયોજન નવી અને અક્ષય ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે રી-ઇન્વેસ્ટ 2020ની થીમ ‘દીર્ધકાલિન ઉર્જા પરિવર્તન માટે આવિષ્કારો’ રાખવામાં આવી છે.  

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે ખૂબ જ ટુંકા સમયમાં અક્ષય ઉર્જા ક્ષેત્ર તેની ઉત્પાદન ક્ષમતામાં મેગા વૉટથી ગીગા વૉટ તરફ જઇ રહ્યું છે અને ‘એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ’ની પરિકલ્પના હવે સાર્થક થવા જઇ રહી છે, જેના વિશે આ બેઠકના અગાઉના સંસ્કરણોમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા છ વર્ષમાં ભારત અજોડ સફરમાં આગળ વધી રહ્યું છે. તેમણે ટાંક્યું હતું કે ભારતની ઉર્જા ઉત્પાદનની ક્ષમતા અને નેટવર્કમાં વિસ્તરણ થઇ રહ્યું છે જેથી ભારતના પ્રત્યેક લોકો તેમની પૂર્ણ સંભાવનાઓ સાથે કામ કરી શકે તે માટે વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકે. તેમણે દર્શાવ્યું હતું કે આજે તમામ મોટા દેશોમાં ભારત અક્ષય ઉર્જા ઉત્પાદનની ક્ષમતા દુનિયામાં 4થા સૌથી મોટા સ્થાને છે અને સતત ઝડપી ગતિએ વધારો થઇ રહ્યો છે. ભારતમાં હાલમાં અક્ષય ઉર્જાની ક્ષમતા 136 ગીગા વૉટ્સ છે જે આપણી કુલ ક્ષમતામાંથી અંદાજે 36% છે.

પ્રધાનમંત્રીએ એ વાતની પણ ખુશી વ્યક્ત કરી હતી કે વર્ષ 2017થી ભારતની વાર્ષિક અક્ષય ઉર્જાની ક્ષમતામાં વૃદ્ધિ કોલસા આધારિત ઉષ્મા ઉર્જા ક્ષમતા કરતાં વધારે છે. તેમણે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે છેલ્લા 6 વર્ષમાં ભારતમાં સ્થાપિત અક્ષય ઉર્જાની ક્ષમતામાં અઢી ગણો વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે અક્ષય ઉર્જા જ્યારે પરવડે તેવી સ્થિતિમાં પણ નહોતી તેવા શરૂઆતના તબક્કામાં જ આ ક્ષેત્રમાં રોકાણના કારણે ભારતને વધુ આગળ વધવામા મદદ મળી છે અને તેના કારણે ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે આપણે દુનિયાને બતાવી રહ્યાં છીએ કે, મજબૂત પર્યાવરણીય નીતિઓથી મજબૂત અર્થતંત્રનું નિર્માણ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અમે સુનિશ્ચિત કર્યું છે કે ઉર્જા કાર્યદક્ષતા માત્ર એક મંત્રાલય પૂરતી સિમિત નથી પરંતુ તેના બદલે સમગ્ર સરકાર માટે લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે. અમારી તમામ નીતિઓમાં ઉર્જા કાર્યદક્ષતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર વિચાર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સના વિનિર્માણમાં કામગીરી સાથે સંકળાયેલ પ્રોત્સાહનો (PLI)ની સફળતા પછી, અમે આવા જ પ્રોત્સાહનો ઉચ્ચ કાર્યદક્ષ સૌર મોડ્યૂલને આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ”નો માહોલ મળે તે સુનિશ્ચિત કરવાની અમારી સર્વોપરી પ્રાથમિકતા છે અને રોકાણકારોને સુવિધાઓ પ્રદાન કરવા માટે સમર્પિત પરિયોજના વિકાસ સેલની રચના કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી દાયદામાં વિરાટ અક્ષય ઉર્જા વિકાસની યોજનાઓ આવી રહી છે અને તેનાથી અંદાજે $20 બિલિયનની વ્યવસાયિક સંભાવનાઓનું દર વર્ષે સર્જન થશે તેવી શક્યતા છે. તેમણે રોકાણકારો, વિકાસકર્તાઓ અને વ્યવસાયોકને ભારતમાં અક્ષય ઉર્જાની સફરમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

SD/GP/BT

 



(Release ID: 1676211) Visitor Counter : 242