પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં સંબોધન કર્યું


કાયદાની ભાષા સરળ અને સામાન્ય નાગરિકને સમજાય એવી હોવી જોઈએઃ પ્રધાનમંત્રી

એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર ચર્ચા જરૂરી છેઃ પ્રધાનમંત્રી

કેવાયસી – નૉ યોર કોન્સ્ટિટ્યૂશન સૌથી મોટું સુરક્ષા કવચ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 26 NOV 2020 2:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ ગાંધીજીની પ્રેરણા અને સરદાર વલ્લભભાઈ પટેલની કટિબદ્ધતાને યાદ કરવાનો છે. તેમણે આ પ્રસંગે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને પણ યાદ કર્યા હતા. વર્ષ 2008માં આ જ દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તેમણે આ હુમલાનો સામનો કરવામાં શહીદ થયેલા સુરક્ષા દળના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા જણાવ્યું હતું કે અત્યારે ભારત નવી રીતે આતંકવાદ સામે લડી રહ્યો છે અને સુરક્ષા દળોને ઉચિત સન્માન આપી રહ્યો છે.

શ્રી મોદીએ કટોકટીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 1970ના દાયકામાં સત્તાના વિભાજનની ગરિમાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ થયો હતો, પણ બંધારણમાંથી જ એનો જવાબ મળી ગયો હતો, કારણ કે બંધારણમાં જ લોકશાહીના તમામ આધારસ્તંભ વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન આપવામાં આવ્યું છે. કટોકટી પછી એમાંથી બોધપાઠ મેળવીને ધારાસભા, કાર્યકારિણી અને ન્યાયતંત્ર આગળ વધ્યાં હતાં અને બંધારણમાં દરેક આધારસ્તંભની સત્તાને મર્યાદિત કરવાની વ્યવસ્થા વધારે મજબૂત થઈ હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ શક્ય બન્યું હતું, કારણ કે સરકારની ત્રણ પાંખોમાં 130 કરોડ ભારતીયોને વિશ્વાસ છે અને આ વિશ્વાસ સમયની સાથે મજબૂત થયો છે, વધ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણા બંધારણની ક્ષમતા મુશ્કેલ સ્થિતિસંજોગોમાં આપણને મદદ કરવાની તાકાત ધરાવે છે. ભારતીય મતદાન વ્યવસ્થા મજબૂત છે અને કોરોના રોગચાળા દરમિયાન આ બાબત સાચી પુરવાર થઈ છે. તેમણે સાંસદો દ્વારા તાજેતરમાં વધુ કામગીરી કરવા બદલ અને કોરોના સામે લડવામાં વેતનમાં કાપ મૂકીને મદદ કરવા બદલ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટમાં વિલંબ કરવાની માનસિકતા સામે ચેતવણી આપી હતી. આ માટે તેમણે સરદાર સરોવરનું ઉદાહરણ આપ્યું હતું, જે વર્ષોથી સુધી અટકી ગયો હતો અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને એનો લાભ વર્ષો સુધી મળ્યો નહોતો. છેવટે જ્યારે ડેમનું નિર્માણ પૂર્ણ થયું, ત્યારે લાખો લોકોને એનો લાભ મળી રહ્યો છે.

શ્રી મોદીએ મૂળભૂત ફરજોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મૂળભૂત ફરજોને અધિકારો, ગરિમા અને આત્મવિશ્વાસનો સ્ત્રોત ગણવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણું બંધારણ અનેક ખાસિયતો ધરાવે છે, પણ એનું એક અતિ વિશિષ્ટ પાસું એમાં મૂળભૂત ફરજોના મહત્ત્વ પર આપવામાં આવેલો ભાર છે. મહાત્મા ગાંધી આને લઈને બહુ ઉત્સુક હતા. તેમણે અધિકારો અને ફરજોને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા હતા. તેઓ માનતા હતા કે, એક વાર આપણે આપણી ફરજો અદા કરીએ, પછી અધિકારો આપમેળે આપણી ફરજોનું રક્ષણ કરશે.

પ્રધાનમંત્રીએ બંધારણના મૂલ્યોના પ્રસાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જેમ કેવાયસી – નૉ યોર કસ્ટમર ડિજિટલ સુરક્ષાનું મુખ્ય પાસું છે, તેમ કેવાયસી – નૉ યોર કોન્સ્ટિટ્યુશન (તમારા બંધારણને જાણો) બંધારણમાં લોકશાહી મૂલ્યોને જાળવવા માટે આપેલી જોગવાઈઓ વિશે જાણકારી આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, આપણા કાયદાની ભાષાને સરળ અને સામાન્ય નાગરિકને સમજાય એવી બનાવવી જોઈએ, જેથી તેઓ દરેક કાયદાને સરળતાપૂર્વક અને સ્પષ્ટતા સાથે સમજી શકે. તેમણે એવું પણ કહ્યું હતું કે, જૂનાં અને બિનઉપયોગી કાયદાઓને દૂર કરવા માટેની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે, જૂનાં કાયદાઓને સુધારીને નવા કાયદા બનવાની સાથે જૂનાં કાયદા નાબૂદ કરવાની વ્યવસ્થા ઓટોમેટિક હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે ચર્ચા કરવાની અપીલ પણ કરી હતી. તેમણે દરેક સ્તરે – લોકસભા, વિધાનસભાઓ કે સ્થાનિક પંચાયત સ્તરની ચૂંટણીઓ એકસાથે યોજવા વિશે વાત કરી હતી. આ માટે સામાન્ય મતદારોની યાદીનો ઉપયોગ કરી શકાશે. ધારાસભાઓના ક્ષેત્રમાં ડિજિટલ નવીનતાઓને આ માટે વાસ્તવિક રીતે ઉપયોગમાં લેવી જોઈએ.

પ્રધાનમંત્રીએ પ્રિસાઇડીંગ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થી સંસદનું આયોજન કરવા અને એને માર્ગદર્શન આપવાનું સૂચન પણ કર્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1676064) Visitor Counter : 247