પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 અંગે મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 NOV 2020 6:54PM by PIB Ahmedabad

સૌથી પહેલાં હું તમામ આદરણીય મુખ્યમંત્રીઓનો આભાર માનું છું કે તેમણે પોતાનો સમય પણ ફાળવ્યો છે અને ખૂબ જ ગંભીરતા સાથે પોતાની વાત પણ રજૂ કરી છે. પણ, આપને મારો એ આગ્રહ છે કે અત્યાર સુધીમાં જે કોઈ ચર્ચાઓ, પરામર્શ થયો છે, તેમાં તમામ રાજ્યો સામેલ થયાં છે. અધિકારી સ્તરે પણ સામેલગીરી થઈ છે. દુનિયાના અનુભવો અંગે પણ વાત થઈ છે. આમ છતાં પણ મુખ્યમંત્રીઓનો પોતાનો એક વિશેષ અનુભવ હોય છે.  

જાહેર જીવનમાં કામ કરનારા લોકોની એક વિશેષ દ્રષ્ટિ હોય છે. કારણ કે આ બાબતે જો તમારાં સુચનો મળશે તો, મારો આગ્રહ છે કે લેખિત સ્વરૂપે શક્ય તેટલા વહેલાં સૂચનો રજૂ કરવાનો છે, કારણ કે આજે પણ ઘણા બધા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે આટલુ થશે તો, આટલુ થઈ શકે તો, તેનાથી પણ વધુ મુદ્દા હશે. આ મુદ્દા જો મળી જાય તો વ્યૂહરચના ઘડી કાઢવામાં ખૂબ જ આસાની થશે. અને આ બાબત કોઈના ઉપર લાદી શકાતી નથી. ભારત સરકાર નિર્ણય કરે કે આપણે આવું કરીશું. અને રાજ્ય સરકાર કહી શકે કે આવુ થઈ શકે તેમ નથી. આપણે બધાએ સાથે મળીને આ બાબતોને આગળ વધારવી પડશે. અને એટલા માટે તમામના વિષયોનું મોટું મહત્વ છે.   

કોરોના સંક્રમણ બાબતે જે પ્રેઝન્ટેશન થયાં છે. તેમાંથી પણ ઘણી જાણકારીઓ ઉભરી આવી છે. આજે મેં શરૂઆતમાં, જ્યાં સ્થિતિ થોડી બગડી ચૂકી છે તેવા રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. જ્યાં સુધી રસીનો સવાલ છે. રસીની સ્થિતિ અને વિતરણ અંગે થોડીક ચર્ચાઓ થઈ છે. એક પ્રકારે મીડિયામાં જે વાતો થાય છે તે થોડી અલગ બાબત છે. આપણે તો આ બાબતે અધિકૃત રીતે આગળ વધવું પડશે, કારણ કે આપણે સિસ્ટમનો એક હિસ્સો છીએ. આમ છતાં પણ ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થયું છે.   

એક એવો સમય હતો કે જ્યારે આપણા સૌની સામે એક અજાણી તાકાત સામે લડવોના પડકારો હતા. પરંતુ દેશના સંગઠિત પ્રયાસોના કારણે આ પડકારોનો મુકાબલો થઈ શક્યો છે. નુકસાનને ઓછામાં ઓછું કરી શકાયું છે.

આજે રિકવરી રેટ અને ફેટાલીટી રેટ (મૃત્યુ આંક) બંને બાબતોમાં ભારત દુનિયાના અનેક દેશોની તુલનામાં સ્થિતિ સંભાળી શકયો છે. આપણા સૌના અથાક પ્રયાસોથી દેશમાં સારવારથી માંડીને ટેસ્ટીંગ સુધીના એક મોટા નેટવર્ક માટે આજે સતત કામ કરી રહ્યું છે. આ નેટવર્કનો સતત વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે.

પીએમ કેયર્સના માધ્યમથી ઓક્સિજન અને વેન્ટીલેટર્સ ઉપલબ્ધ કરવાની કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. અમારી એ કોશિશ રહી છે કે દેશની મેડિકલ કોલેજો અને જિલ્લા હૉસ્પિટલોને ઓક્સિજન પેદા કરવાની કામગીરી બાબતે આત્મનિર્ભર બનાવી શકાય. એટલા માટે હાલમાં 150થી વધુ નવા ઓક્સિજન પ્લાન્ટસ સ્થાપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પીએમ કેયર્સ ભંડોળ મારફતે દેશના અલગ-અલગ હૉસ્પિટલોને હજારો નવાં વેન્ટીલેટર્સ પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે. વેન્ટીલેટર્સ માટે પીએમ કેયર્સ ભંડોળમાંથી રૂ. 2 હજાર કરોડ આપવાની વાત સ્વીકારી ચૂકાઈ છે.   

સાથીઓ,

આપણી પાસે કોરોના સાથેના મુકાબલાના 8થી 10 મહિનાનો પૂરતો ડેટા છે. કોરોનાના મેન્જમેન્ટ બાબતે વ્યાપક અનુભવ છે. આગળની પણ નીતિ ઘડી કાઢતી વખતે આપણે, વિતેલા કેટલાક મહિનાઓમાં દેશના લોકોએ, આપણા સમાજે કેવો પ્રતિભાવ આપ્યો છે મને લાગે છે કે તે બાબત આપણે પણ સમજવી પડશે. કોરોના દરમિયાન ભારતના લોકોનો વ્યવહાર પણ એક રીતે કહીએ તો અલગ-અલગ સ્થળે અલગ-અલગ પ્રકારનો રહ્યો છે.

જો આપણે વ્યાપક સ્વરૂપે તેની વાત કરીએ તો, પહેલો જે તબક્કો હતો તે ડરનો તબક્કો હતો, ભયનો હતો, કોઈને એ બાબત સમજમાં આવતી ન હતી કે પોતાની સાથે શું થશે અને પૂરી દુનિયાની હાલત પણ આવી જ હતી. દરેક વ્યક્તિ પેનિકમાં હતી અને તે રીતે દરેક વ્યક્તિ પ્રતિભાવ આપી રહી હતી. આપણે જોયું કે શરૂઆતના તબક્કામાં આત્મહત્યા કરવા સુધીની ઘટનાઓ બની છે.  

એ પછી ધીરે-ધીરે બીજો તબકકો આવ્યો. બીજા તબકકામાં લોકોમાં ભયની સાથે-સાથે બીજા લોકો માટે શંકાની ભાવના પણ ઉભી થઈ. તેમને થઈ ગયુ કે કોરોના થઈ ગયો એટલે બાબત ગંભીર બની ગઈ છે, દૂર ભાગો. એક રીતે કહીએ તો ઘરમાં પણ નફરતનું વાતાવરણ ઉભુ થતુ હતું અને બીમારીના કારણે સમાજ સાથેનો સંબંધ કપાઈ જવાનો પણ લોકોને ડર લાગતો હતો. આ કારણે કોરોના થયા પછી ઘણા લોકો સંક્રમણની બાબત છૂપાવવા લાગ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે આની તો જાણ જ નહીં કરવી જોઈએ. નહીં તો સમાજથી અળગા થઈ જવાશે. હવે આ બાબતમાં પણ થોડી-થોડી ગંભીરતા આવી રહી છે. લોકો ધીરે-ધીરે સમજવા લાગ્યા છે અને આ સ્થિતિમાંથી બહાર આવવા લાગ્યા છે.   

એ પછી ત્રીજો તબક્કો આવ્યો. ત્રીજા તબક્કામાં લોકો ઘણી હદ સુધી સમજવા લાગ્યા હતા અને હવે સંક્રમણને સ્વીકારવા પણ લાગ્યા હતા. અને જાહેર પણ કરવા લાગ્યા હતા કે મને આ તકલીફ છે, હું આઈસોલેશન કરી રહ્યો છું, હું ક્વોરેન્ટાઈન કરી રહ્યો છું. તમે પણ કરો. આનો અર્થ એ થયો કે લોકો એક બીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા.

જુઓ, તમે પણ જોયુ હશે કે લોકોમાં વધુ ગંભીરતા પણ આવવા માંડી છે. અને આપણે જોયુ છે કે લોકો સતર્ક પણ થવા લાગ્યા છે. અને આ ત્રીજા તબક્કા પછી આપણે ચોથા તબક્કામાં પહોંચ્યા છીએ. જેમાં કોરોનાથી રિકવરીનો દર વધ્યો છે. આથી લોકોને લાગે છે કે વાયરસ નુકસાન કરી રહ્યો નથી. તે કમજોર થઈ ગયો છે. ઘણા બધા લોકો એવું પણ વિચારવા લાગ્યા છે કે જો બીમાર થઈ ગયા છીએ તો સારા પણ થઈ જઈ શકીશું.

આ કારણે બેદરકારીનો આ તબક્કો ઘણો બધો વ્યાપક બની ગયો છે. આને આ કારણે મેં તહેવારોની શરૂઆતમાં જ ખાસ રાષ્ટ્રના નામે સંદેશો બહાર પાડીને તમામ લોકોને હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે ઢીલાશ રાખશો નહી, કારણ કે કોઈ રસી નથી. દવા નથી. આપણી પાસે માત્ર એક જ રસ્તો બચ્યો છે કે આપણે કેવી રીતે જાતે દરેક વ્યક્તિને બચાવી શકીએ. આપણાથી જે ભૂલો થઈ છે તે જ એક જોખમ બની ગઈ છે, થોડીક ઢીલાશ આવી ગઈ છે.  

આ ચોથા તબક્કામાં આપણે લોકોને કોરોનાની ગંભીરતા તરફ વધુ જાગૃત બનાવવા જ જોઈએ. આપણે એકદમ રસી તરફ શીફટ થઈએ, જેમને જે કામ કરવાનું હશે તે કરશે આપણે તો કોરોના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. કોઈ પણ હાલતમાં ઢીલાશ રખાય નહી તેનું ધ્યાન રાખવાનુ છે. હા, શરૂઆતમાં કેટલાંક બંધન એટલા માટે લાગુ કરવાં પડયાં હતાં કારણ કે વ્યવસ્થા પણ વિકસિત કરવાની હતી. લોકોને થોડાક શિક્ષિત પણ કરવાના હતા. થોડોક આગ્રહ રાખીશુ તો પરિસ્થિતિ સંભાળી લઈ શકીશું. જે-જે બાબતો આપણે તૈયાર કરીએ તેને એ રીતે જ અમલમાં મુકીએ હવે કોઈ આગળ વધે નહીં તેની ચિંતા આપણે જરૂર કરવાની રહેશે. જેથી કોઈ નવી ગરબડ ઉભી થાય નહીં. આપદાના ઉંડા સમુદ્રમાંથી નીકળીને આપણે કિનારા તરફ આગળ ધપી રહ્યા છીએ. આપણા સૌની સાથે એ જૂની શેર શાયરી ચાલે છે અને એવુ લાગે છે કે ...

हमारी किश्ती भी

वहां डूबी जहां पानी कम था।

આવી સ્થિતિ આપણે હવે આવવા દેવાની નથી.

સાથીઓ,

આજે આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ કે જે દેશોમાં કોરોના ઓછો થઈ રહ્યો હતો, તમને ચાર્ટ બતાવવામાં આવ્યો છે કે ત્યાં કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણે ત્યાં પણ કેટલાંક રાજ્યોમાં આ ચિંતાજનક તરાહ જોવા મળી છે. એટલા માટે આપણે સૌએ શાસન અને પ્રશાસને અગાઉ કરતાં પણ વધુ જાગૃત બનીને અને વધુ સતર્ક બનવાની જરૂર છે. આપણે ટ્રાન્સમિશનને ઓછું કરવા માટેના આપણા પ્રયાસોને જરા વધુ ગતિ આપવાની છે. ટેસ્ટીંગ હોય, કન્ફર્મેશન, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ડેટા સાથે જોડાયેલી કોઈ પણ ઉણપને આપણે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ બાબતો ઠીક કરવાની છે. પોઝિટિવીટી રેટના 5 ટકાના વ્યાપમાં લાવવાનો છે અને હું માનુ છું કે નાના-નાના એકમો ઉપર ધ્યાન આપવાનુ રહેશે કે ત્યાં કેમ વધારો થયો છે. અડધો કેમ વધ્યો, બમણો કેમ થયો, આ બધી આપણે રાજ્યના સ્તરે ચર્ચા કરવાને બદલે જેટલી સ્થાનિક સ્તરે ચર્ચા કરીશું તો આપણે કદાચ તે સ્થિતિને ઝડપથી હલ કરી શકીશું.

બીજુ આપણે સૌએ અનુભવ કર્યો છે કે આર્ટીફિશિયલ ટેસ્ટનુ પ્રમાણ વધવુ જોઈએ. જે ઘરોમાં આઈસોલેટ કરવામાં આવેલા દર્દી છે, તેમનું મોનિટરીંગ વધુ બહેતર પ્રકારે થવુ જોઈએ. તમે પણ જાણો છો કે જો ત્યાં થોડી પણ વધારે ઢીલાશ દાખવવામાં આવી તો તે દર્દી વધુ ગંભીર હાલત સાથે હૉસ્પિટલમાં પહોંચે છે, તે પછી આપણે તેને બચાવી શકતા નથી. ગામ અને સમુદાયના સ્તરે જે હેલ્થ સેન્ટર્સ છે તેમને પણ આપણે વધુ સજ્જ કરવા પડશે. ગામની આજુબાજુ પણ માળખાગત સુવિધાઓ યોગ્ય રીતે જળવાઈ રહે તે પણ આપણે જોવાનું રહેશે.

આપણાં લોકોનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે મૃત્યુ દરને 1 ટકા કરતાં પણ નીચે લાવી શકાય અને મેં જે રીતે કહ્યું તે મુજબ નાના-નાના વિસ્તારોમાં જો એક મૃત્યુ થાય તો તે શા માટે થયું તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે સ્થિતિને સંભાળી શકશો અને સૌથી મોટી બાબત જાગૃતિ અભિયાનની છે અને એમાં કોઈ ઊણપ રહેવી જોઈએ નહીં. કોરોનાથી બચવા માટે મેસેજીંગ કરવા માટે સમાજને પણ સાથે જોડી રાખવાની જરૂર છે. જે રીતે થોડા સમય પહેલાં દરેક સંગઠન, દરેક પ્રભાવિત વ્યક્તિને આપણે જે રીતે સાંકળ્યા હતા તે રીતે તેમને સક્રિય કરવા પડશે.

સાથીઓ,

તમે સારી રીતે જાણો છો કે કોરોનાની રસી બાબતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા પ્રકારના સમાચારો આવી રહ્યા છે. આજે દુનિયામાં પણ અને દેશમાં પણ. આજે જે રીતે તમને પ્રેઝન્ટેશનમાં પૂરી વિગત સાથે બતાવવામાં આવ્યું તે રીતે કોરોનાની રસીનું કામકાજ લગભગ આખરી તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર પણ આ ગતિવિધિ તરફ ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. આપણે સૌના સંપર્કમાં છીએ, પરંતુ હજુ સુધી એ નક્કી થયું નથી કે વેક્સીનના એક ડોઝની કિંમત શું હશે, બે ડોઝ આપવા પડશે કે ત્રણ ડોઝ આપવા પડશે તે પણ નક્કી નથી. તેની કિંમત કેટલી હશે અને કેવી રીતે નક્કી કરાશે તે પણ નક્કી નથી. આનો અર્થ એ થયો કે આ તમામ સવાલોના જવાબ અત્યારે આપણી પાસે નથી, કારણ કે તેને બનાવનારા જે લોકો છે, દુનિયામાં જે પ્રકારના કોર્પોરેટ વર્ગના લોકો છે તેમની વચ્ચે પણ સ્પર્ધા ચાલી રહી છે. દુનિયાના દેશોને પણ તેમના પોતાના રાજદ્વારી હિતો હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા બાબતે પણ આપણે પ્રતિક્ષા કરવાની રહે છે. આ બાબતોને આપણે વૈશ્વિક સંદર્ભમાં આગળ ધપાવવાની રહેશે. આપણે ભારતમાં રસી વિકસાવનારા અને ઉત્પાદકો સાથે પણ સંપર્કમાં છીએ. આ ઉપરાંત વૈશ્વિક નિયંત્રણ સંસ્થાઓ, અન્ય દેશોની સરકારો, ભિન્ન પ્રકારની સંસ્થાઓ અને સાથે-સાથે આંતરરાષ્ટ્રીય કંપનીઓ, આ તમામની સાથે જેટલો સંપર્ક વધારી શકાય, એટલે કે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન થઈ શકે તેના માટે પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સાથીઓ,

કોરોના સામેની આપણી લડાઈમાં આપણે શરૂઆતથી જ દરેક દેશવાસીઓનો જીવ બચાવવાની બાબતે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. હવે રસી આવ્યા પછી આપણી અગ્રતા એ રહેશે કે તમામ લોકો સુધી રસી કેવી રીતે પહોંચાડવામાં આવે એ બાબતે તો કોઈ વિવાદ હોઈ શકે નહીં, પરંતુ કોરોનાની રસી બાબતે જોડાયેલું ભારતનું અભિયાન, આપણાં દરેક નાગરિક માટે એક પ્રકારે રાષ્ટ્રીય કટિબધ્ધતા જેવું છે. આટલું મોટું રસીકરણ અભિયાન સરળતાથી ચાલે, પધ્ધતિસરનું બની રહે અને જળવાઈ પણ રહે. આ બધુ લાંબુ ચાલવાનું છે અને એટલા માટે આપણે સૌએ, દરેક સરકારે, દરેક સંગઠને સંગઠીત થઈને સંકલન સાથે એક ટીમ તરીકે કામ કરવું જ પડશે.

સાથીઓ,

રસી બાબતે ભારતનો જે અનુભવ છે તે દુનિયાના મોટા-મોટા દેશો પાસે નથી. આપણાં માટે જેટલી ઝડપ જરૂરી છે તેટલી જ જરૂરિયાત સલામતીની પણ છે. ભારત જે કોઈ રસી પોતાના નાગરિકોને આપશે તે દરેક વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઉતરશે. જ્યાં સુધી રસીના વિતરણની વાત છે, તો તેની તૈયારી પણ આપ સૌ રાજ્યોએ સાથે મળીને કરવાની છે.

વેક્સીન અગ્રતાના ધોરણે કોને લગાવવામાં આવે તેની રાજ્યો સાથે મળીને વિચારણા કરવા માટેનો મુદ્દો તમારી સમક્ષ રાખવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ મુજબ કહે છે અને આપણે તે પ્રમાણે ચાલીએ તો તે સારૂં છે, પરંતુ આપણે આ નિર્ણય બધાંએ સાથે મળીને જ કરવાનો છે. દરેક રાજ્યના સૂચનોનું એમાં મહત્વ રહેશે, કારણ કે તેમને ધારણા છે કે તેમના રાજ્યમાં કેવી સ્થિતિ છે. આપણને કેટલા કોલ્ડ ચેઈન સ્ટોરેજની જરૂર પડશે તેની પણ વિચારણા કરવાની રહેશે.

મને લાગે છે કે રાજ્યોને અત્યાર સુધીમાં આગ્રહ રાખીને આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરી દેવી જોઈએ. ક્યાં ક્યાં આ શક્ય બનશે, તેના માપદંડ કેવા રહેશે, તે અંગે તો વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તેનું અમલીકરણ કરવા માટે આપણે સૌએ સજ્જ રહેવું પડશે અને જરૂર જણાશે તો વધારાના પૂરવઠા અંગે પણ ખાત્રી કરવાની રહેશે અને તેનું એક વિસ્તૃત આયોજન ઘણી જલ્દીથી રાજ્ય સરકારો સાથે મળીને નક્કી કરવામાં આવશે. અમારા રાજ્યોની અને કેન્દ્રની ટીમ એક બીજા સાથે સતત વાતચીત કરી રહી છે અને કામ ચાલી રહ્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને થોડાંક સમય પહેલાં જ આગ્રહ કર્યો હતો કે રાજ્ય સરકારના સ્તરે એક સ્ટીયરીંગ કમિટી અને રાજ્ય તથા જિલ્લા સ્તરે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. હું તો માનું છું કે બ્લોક સ્તર સુધી જેટલી ઝડપથી થઈ શકે તેટલી ઝડપથી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને કોઈને કોઈ વ્યક્તિને તો કામ સોંપવું જ પડશે. આ સમિતિઓની બેઠકો નિયમિત મળતી રહે, તેમને તાલીમ મળે, તેમનું મોનિટરીંગ કરવામાં આવે અને ઓનલાઈન જે ટ્રેનિંગ આપવાની હોય છે તે પણ શરૂ કરી દેવામાં આવે. આપણે આપણાં રોજબરોજના કામોની સાથે કોરોના સાથે લડતા રહીને ઝડપથી એક વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે તેવો મારો આગ્રહ રહેશે.

તમે જે કોઈ સવાલો કર્યા છે, કઈ રસી કઈ કિંમતે આવશે તે પણ નક્કી નથી. મૂળ ભારતીય રસી અત્યારે તો બે સ્તરે આગળ છે, પરંતુ બહારના લોકો સાથે મળીને આપણાં લોકો કામ કરી રહ્યા છે. દુનિયામાં જે રસી બની રહી છે તેના ઉત્પાદન માટે પણ ભારતના લોકો સાથે મળીને વાત કરવાની રહે છે. કંપનીઓને સાથે રાખીને આ તમામ વિષયોમાં, આપણે જાણીએ છીએ કે કોઈ દવા 20 વર્ષથી લોકપ્રિય થઈ છે અને 20 વર્ષથી લોકો તેનો ઉપયોગ કરી રહ્યા હોય છે, પરંતુ કેટલાક લોકોને તેનું રિએક્શન આવે છે. આજે પણ આવે છે. 20 વર્ષ પછી પણ આવે છે. તો, આમાં પણ આવી સંભાવના રહે છે. નિર્ણયને માપદંડના ત્રાજવાથી જ માપવો જોઈએ. નિર્ણય તેની જે ઓથોરિટીઝ છે તે ઓથોરિટીએ સર્ટિફાઈડ કરેલી વ્યવસ્થા મુજબ જ થવો જોઈએ.

આપણે લોકો સમાજ જીવનની ચિંતા કરીએ છીએ, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ વૈજ્ઞાનિક નથી. આ બાબતે આપણી નિપુણતા નહીં હોવાથી આપણે દુનિયામાં જે વ્યવસ્થા ગોઠવાયેલી છે તેની નીચે આવતી ચીજોનો આખરે સ્વીકાર કરીને આપણે આગળ વધીશું, પરંતુ હું તમને આગ્રહ કરૂં છું કે તમારા મનમાં ખાસ કરીને રસી બાબતે જો કોઈ યોજનાઓ હોય અને કઈ રીતે તેને નીચે સુધી પહોંચાડશો તો તે અંગેની વિગતવાર યોજના મને લેખિત સ્વરૂપે મોકલી આપશો તો નિર્ણય કરવામાં આસાની થશે. તમારા વિચારોની તાકાત ઘણી મોટી છે. રાજ્યોનો અનુભવ પણ ખૂબ જ મહત્વનો બની રહે છે, કારણ કે ત્યાંથી જ આ બાબતોને આગળ ધપાવવાની છે અને એટલા માટે જ હું ઈચ્છા રાખું છું કે તમે ખૂબ જ ઝડપી, એક પ્રકારે સુરક્ષાત્મક સામેલગિરી દાખવતા રહો એવું બની શકે છે, પણ મારી એ અપેક્ષા છે, પરંતુ મેં અગાઉ કહ્યું તે મુજબ રસી, રસીની જગાએ છે, તે કામમાં આવશે, તે અંગે કામ થશે, પણ કોરોના સામેની લડાઈ સહેજ પણ ઢીલી પડવી જોઈએ નહીં, સહેજ પણ ઢીલાશ આવવી જોઈએ નહીં. મારી આપ સૌને આ વિનંતી છે.

આજે તામિલનાડુ અને પોંડિચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાની મને તક મળી હતી. હું સવારે આંધ્રમાં ફોન કરી શક્યો ન હતો. એક વાવાઝોડુ આપણાં પૂર્વ સાગર કાંઠે સક્રિય થયું છે તે કાલે કદાચ તામિલનાડુ, પોંડિચેરી અને આંધ્રના કેટલાક હિસ્સા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સરકારની તમામ ટીમ ખૂબ જ સક્રિય છે. બધા લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે.

મેં આજે બે આદરણીય મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. આંધ્રના મુખ્યમંત્રીની સાથે હવે પછી વાત કરીશ, પરંતુ સૌના માટે પૂરી રીતે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ સાથે મળીને પ્રથમ કામ લોકોનું સ્થળાંતર કરાવવાનું છે, લોકોને બચાવવાનું છે અને એ જ બાબત ઉપર આપણે ભાર મૂકવાનો છે. વધુ એક વખત હું આપ સૌનો ખૂબ જ આભારી છું. તમે સૌએ સમય ફાળવ્યો છે, પરંતુ હું આગ્રહ કરીશ કે તમે ઝડપથી મને કોઈને કોઈ માહિતી મોકલતા રહેશો.

ધન્યવાદ !!

 

SD/GP/BT



(Release ID: 1675560) Visitor Counter : 177