ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સ્પાઇસ હેલ્થ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ કોવિડ-19 RT-PCR લેબનું ઉદ્ઘાટન કર્યું


મોદી સરકાર કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે કટિબદ્ધ છે

આનાથી કોવિડ-19ના પરીક્ષણોની ક્ષમતા વધારવામાં મદદ મળશે

Posted On: 23 NOV 2020 7:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ખાતે મોબાઇલ કોવિડ-19 RT-PCR લેબનું ઉદ્ઘાટન કર્યું. સ્પાઇસ હેલ્થ અને ICMR દ્વારા સંયુક્ત રીતે આ લેબ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. DHRના સચિવ અને ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ, સ્પાઇસ જેટના ચેરમેન અને પ્રબંધ નિદેશક શ્રી અજયસિંહ અને સ્પાઇસ હેલ્થના CEO સુશ્રી અવનીસિંહ પણ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પરીક્ષણ લેબ તથા આગામી સમયમાં શરૂ થનારી આવી વધુ લેબથી કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. આ લેબને NABL દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે અને ICMR દ્વારા માન્યતા આપવામાં આવી છે. RT-PCR પરીક્ષણો કોવિડ-19ના પરીક્ષણ માટે સૌથી સચોટ નિર્ણય આપનારા અને સૌથી મહત્વપૂર્ણ છે. આ પરીક્ષણો રૂપિયા 499/-ની કિંમતે થઇ શકશે અને પરીક્ષણનો ખર્ચ ICMR દ્વારા ભોગવવામાં આવશે. આ પહેલ કોવિડ-19ના પરીક્ષણો વધુ પરવડે તેવા તેમજ સામાન્ય જનતા સુધી વધુ પહોંચપાત્ર બને તે હેતુથી હાથ ધરવામાં આવી છે.

આ પરીક્ષણનો રિપોર્ટ નમૂનો લીધા પછી 6 થી 8 કલાકમાં મળી જશે જ્યારે આવા જ પ્રકારના પરીક્ષણો કરવા માટે હાલમાં સરેરાશ 24 થી 48 કલાકનો સમય લાગે છે.

સ્પાઇસ હેલ્થ દ્વારા સમગ્ર દેશમાં પરીક્ષણ સુવિધાઓ (લેબોરેટરી) ઉભી કરવા માટે તેમજ નમૂનાના એકત્રીકરણ કેન્દ્રો શરૂ કરવા માટે ICMR સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ પરીક્ષણ સુવિધા સાથે તેમણે આ કાર્યનો પ્રારંભ કર્યો છે. વધુ આવી સુવિધાઓ આગામી સમયમાં દેશની રાજધાનીના વિવિધ ભાગોમાં શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આવી 10 લેબોરેટરી ઉભી કરવાનું આયોજન છે. આ લેબોરેટરીઓ સરેરાશ રોજના 1,000 સેમ્પલનું પરીક્ષણ કરી શકશે અને પરીક્ષણની ક્ષમતા ધીમે-ધીમે વધારીને દૈનિક 3,000 નમૂના સુધી લઇ જવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1675185) Visitor Counter : 232