પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની રસીની ડિલિવરી, વિતરણ અને વ્યવસ્થાપન અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી


ડેટા બેઝ, કોલ્ડ ચેઇનમાં વૃદ્ધિ અને પરિવહન વ્યવસ્થાતંત્રને સજ્જ કરવામાં આવી રહ્યું છે

રસીની ડિલિવરી અને દેખરેખ માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ હિતધારકો સાથે મળીને પરીક્ષણ કરવામાં આવ્યું છે

કોવિડ-19 રસીના વિતરણ માટે આરોગ્ય કર્મચારીઓ, અગ્ર હરોળના કર્મચારીઓ અને અન્ય સંવેદનશીલ સમૂહોને પ્રાથમિકતાના સમૂહો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા

Posted On: 20 NOV 2020 10:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 રસીની ડિલિવરી, વિતરણ અને વ્યવસ્થાપન અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ સંશોધકો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો અને ફાર્મા કંપનીઓ દ્વારા રસી તૈયાર કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રસંશા કરી હતી અને નિર્દેશો આપ્યા હતા કે, તમામ પ્રયાસો રસીના સંશોધન, વિકાસ અને વિનિર્માણ માટે સુગમ કરવામાં આવે.

ભારતમાં પાંચ રસી વિકાસના પ્રગત તબક્કામાં છે જેમાંથી ચાર રસી તબક્કા II/III અને એક રસી તબક્કા I/II સુધી પહોંચી ગઇ છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, કતાર, ભૂતાન, સ્વિટ્ઝર્લેન્ડ, બહેરીન, ઑસ્ટ્રિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભારતીય રસીના વિકાસ અને તેના ઉપયોગમાં ભાગીદારી માટે ઉંડો રસ દાખવ્યો છે.

પ્રથમ ઉપલબ્ધતાની તકના આધારે રસી આપવાના પ્રયાસો રૂપે, આરોગ્ય સંભાળ અને અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓનો ડેટા બેઝ, કોલ્ડ ચેઇનમાં વૃદ્ધિ અને રિસિંજ, સોય વગેરેની ખરીદીની કામગીરીઓ અગ્રીમ તબક્કે છે.

રસીકરણની પૂરવઠા શ્રૃંખલાને ઉન્નત કરવામાં આવી છે અને બિન-રસી પૂરવઠાઓમાં પણ વૃદ્ધિ કરવામાં આવી છે. તબીબી અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઓને રસીકરણ કાર્યક્રમમાં તાલીમ અને અમલીકરણમાં સામેલ કરવામાં આવશે. દરેક સ્થળ અને દરેક વ્યક્તિ સુધી સપ્રમાણતાના સિદ્ધાંત અનુસાર રસી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સતત એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ તમામ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નિયામકો સાથે સહયોગથી કામ કરવાના નિર્દેશો આપ્યા છે જેથી ભારતીય સંશોધન અને વિનિર્માણમાં ચુસ્તતા અને સર્વોચ્ચ વૈશ્વિક માપદંડો સુનિશ્ચિત થઇ શકે.

કોવિડ-19 માટે રસી વ્યવસ્થાપનના રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહ (NEGVAC) દ્વારા રાજ્ય સરકારો અને તમામ સંબંધિત હિતધારકો સાથે વિચારવિમર્શ સાથે પ્રથમ તબક્કામાં પ્રાથમિકતા સમૂહમાં રસીકરણના અમલીકરણના પ્રયાસોને વેગવાન કર્યા છે.

રસીના વ્યવસ્થાપન અને વિતરણ માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને રાજ્યો તેમજ જિલ્લા સ્તરના હિતધારકો સાથે ભાગીદારીમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કટોકટીમાં ઉપયોગની અધિકૃતતા અને દવાના ઉત્પાદન અને ખરીદી સંબંધિત તમામ પરિબળોની સમીક્ષાક રી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રસીના આ તબક્કા IIIના પરીક્ષણોના પરિણામો આવતાની સાથે જ, આપણા મજબૂત અને સ્વતંત્ર નિયમનકારો આના ઉપયોગ માટેની અધિકૃતતા માટે ઝડપથી અને સઘન પરીક્ષણ કરશે.

કોવિડ સુરક્ષા મિશન અંતર્ગત કોવિડ-19ના રસીકરણ માટે સંશોધન અને વિકાસ માટે સરકારે રૂપિયા 900 કરોડની આર્થિક સહાય પૂરી પાડી છે.

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, રસીકરણની કવાયતનો વહેલી તકે અમલ કરવા માટે ઝડપથી નિયમનકારી મંજૂરીઓ અને સમયસર ખરીદી માટે સમય આધારિત આયોજન તૈયાર કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ રસીના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા બહોળા પ્રયાસોની પ્રસંશા કરી હતી. તેમણે એ બાબતે પણ ભાર મૂક્યો હતો કે, મહામારીના પ્રવર્તમાન પરિદૃશ્યને ધ્યાનમાં રાખતા માસ્ક પહેરવું, એકબીજા વચ્ચે અંતર જાળવવું સ્વચ્છતા રાખવા જેવા નિવારાત્મક પગલાંમાં રાહતનો કોઇ જ અવકાશ નથી.

આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, આરોગ્ય સચિવ, ICMRના મહાનિદેશક, PMOના અધિકારીઓ અને ભારત સરકારના સંબંધિત વિભાગોના સચિવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP/BT


(Release ID: 1674642) Visitor Counter : 175