પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રોકાણકારોને જણાવ્યું – શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ માટે ભારત લાભદાયક તકો ધરાવે છે
કોવિડ પછીની દુનિયામાં માનસિકતા અને રીતોને ફરી સેટ કરવાની જરૂર પડશે
100 સ્માર્ટ સિટીઓએ 30 અબજ ડોલરના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે
પ્રધાનમંત્રીએ ત્રીજા વાર્ષિક બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને સંબોધન કર્યું
Posted On:
17 NOV 2020 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે લાલ જાજમ પાથરી હતી. ત્રીજા વાર્ષિક બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં વિડિયો કોન્ફરન્સ મારફતે આજે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો તમે શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે અનેક લાભદાયક તકો ધરાવે છે. જો તમે મોબિલિટી કે પરિવહનમાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે રોમાંચક તકો પૂરી પાડે છે. જો તમે ઇનોવેશનમાં રોકાણ કરવા નજર દોડાવતા હોવ, તો ભારત તમને વિવિધ ઉપયોગી તકો પૂરી પાડે છે. તમને આ તકો જીવંત લોકશાહી સાથે મળે છે. અહીં વ્યવસાયને અનુકૂળ આબોહવા છે. ભારતનું બજાર વિશાળ છે. વળી દેશમાં અત્યારે એવી સરકાર છે, જે ભારતને પસંદગીનું આંતરરાષ્ટ્રીય રોકાણ કેન્દ્ર બનાવવામાં કોઈ કચાશ નહીં રાખે.”
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 પછીની દુનિયામાં કામગીરી ફરી શરૂ કરવાની જરૂર પડશે. જોકે રિસેટ કર્યા વિના રિસ્ટાર્ટ (કામગીરીની પુનઃ શરૂઆત) શક્ય નહીં બને. આ રિસેટ – એટલે પ્રક્રિયાઓને ફરી સેટ કરવી અને કામ કરવાની રીતોને ફરી સેટ કરવી. મહામારીએ આપણને દરેક ક્ષેત્રમાં નવા નિયમો વિકસાવવા, નવી રીતો અપનાવવાની એક તક પ્રદાન કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જો આપણે ભવિષ્ય માટે મજબૂત સિસ્ટમ વિકસાવવા ઇચ્છતાં હોય, તો આ તકો ઝડપી લેવી જોઈએ. આપણે કોવિડ પછીની દુનિયાની જરૂરિયાતોનો વિચાર કરવો પડશે. સારી શરૂઆત આપણા શહેરી કેન્દ્રોને પુનઃ ધમધમતા કરશે.”
શહેરી કેન્દ્રોનો કાયાકલ્પ કરવાની થીમ પર પ્રધાનમંત્રીએ રિકવરી પ્રક્રિયામાં લોકોને કેન્દ્રમાં રાખવા પર ભાર મૂક્યો હતો. લોકોને સંસાધનનો સૌથી મોટો સ્ત્રોત અને સમુદાયોને સૌથી મોટા બિલ્ડિંગ બ્લોક ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહામારીએ ફરી ભારપૂર્વક જણાવ્યું છે કે, સમાજો અને વ્યવસાયો તરીકે આપણો સૌથી મોટો સ્ત્રોત આપણા લોકો છે. કોવિડ પછીની દુનિયાએ આ મુખ્ય અને મૂળભૂત સંસાધનને પ્રોત્સાહન આપવાની જરૂર પડશે.”
પ્રધાનમંત્રીએ રોગચાળાના સમયગાળા દરમિયાન શીખવા મળેલી બાબતોને આગળ ધપાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વચ્છ પર્યાવરણ વિશે વાત કરીને તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આપણે સ્વચ્છ પર્યાવરણ સામાન્ય હશે એવા પર્યાવરણને અનુકૂળ શહેરોનું નિર્માણ કરી શકીશું કે નહીં? કે પછી આ પ્રકારનાં શહેરોનું નિર્માણ અપવાદરૂપ ઘટના બની જશે?” શ્રી મોદીએ કહ્યું હતું કે, “અમે ભારતમાં શહેરી કેન્દ્રોનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જે શહેરની સુવિધાઓ ધરાવતા હોય, પણ એનો આત્મા ગ્રામીણ જીવન હોય.”
તેમણે ફોરમને ભારતીય શહેરી ક્ષેત્રમાં નવસંચાર કરવા સરકારે તાજેતરમાં લીધેલી પહેલો વિશે જાણકારી આપી હતી, જેમ કે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ (નિયમન) ધારા અને 27 શહેરોમાં મેટ્રો રેલ. પ્રધાનમંત્રીએ ફોરમને જાણકારી આપી હતી કે, “અમે વર્ષ 2022 સુધીમાં દેશમાં 1000 કિલોમીટરની મેટ્રો રેલ સિસ્ટમ વિકસાવવાના માર્ગે અગ્રેસર છીએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે બે તબક્કાની પ્રક્રિયા મારફતે 100 સ્માર્ટ સિટીઝની પસંદગી કરી છે. સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદની ફિલોસોફીને જાળવી રાખવા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા થઈ હતી. આ શહેરોએ લગભગ બે લાખ કરોડ રૂપિયા કે 30 અબજ ડોલરના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. વળી લગભગ એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા કે 20 અબજ ડોલરના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અથવા પૂર્ણ થવાની નજીક છે.”
SD/GP
(Release ID: 1673584)
Visitor Counter : 219
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam