પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે ભવિષ્ય માટે તૈયાર એવી બે સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરી


ભારતને પરંપરાગત ચિકિત્સાના વૈશ્વિક કેન્દ્ર તરીકે પસંદ કરવા બદલ WHOનો આભાર વ્યક્ત કર્યો

આંતરરાષ્ટ્રીય માપદંડો પૂરા કરે તેવા આયુર્વેદ અભ્યાસનો અમલ કરવાનું આહ્વાન કર્યું

આયુર્વેદ માત્ર એક વિકલ્પ નથી પરંતુ દેશના આરોગ્યનો આધાર છે: પ્રધાનમંત્રી

કોરોના સમયગાળાએ આયુર્વેદના ઉત્પાદનોના ઉપયોગ અને સંશોધનને આગળ ધપાવ્યું છે

Posted On: 13 NOV 2020 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 5મા આયુર્વેદ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશને ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓ સમર્પિત કરી હતી. આ સંસ્થાઓ, જામનગરની આયુર્વેદ અભ્યાસ અને સંશોધન સંસ્થા (ITRA) અને જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (NIA) છે. આ બંને સંસ્થાઓ દેશમાં આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓ છે. જામનગર સ્થિત સંસ્થાને સંસદીય અધિનિયમ અનુસાર રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (INI) તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જયપુર સ્થિત સંસ્થાને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા યુનિવર્સિટી દ્વારા માન્ય સંસ્થા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આયુષ મંત્રાલય દ્વારા 2016થી દર વર્ષે ધનવંતરી જયંતિ (ધનતેરસ)ને ‘આયુર્વેદ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી શ્રીપદ નાઇક, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે આ પ્રસંગે વીડિયો સંદેશો આપ્યો હતો અને આયુષમાન ભારત અંતર્ગત સાર્વત્રિક કરવેજ તેમજ આરોગ્ય સંબંધિત હેતુઓ પ્રાપ્ત કરવા માટે પરંપરાગત ચિકિત્સાના પૂરાવા આધારિત પ્રોત્સાહન માટેની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને બિરદાવી હતી. પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે ભારતને વૈશ્વિક કેન્દ્ર તરીકે પસંદ કરવા બદલ પ્રધાનમંત્રીએ WHO તેમજ મહાનિદેશકનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આયુર્વેદ એ ભારતીય ધરોહર છે અને ભારતનું પરંપરાગત જ્ઞાન અન્ય દેશોમાં પણ સમૃદ્ધ થઇ રહ્યું છે તે ખરેખર ખુશીની વાત છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદના જ્ઞાનને પુસ્તકો, ગ્રંથો અને ઘરગથ્થુ ઉપચારોમાંથી બહાર લાવવાની અને આ આધુનિક જરૂરિયાતો અનુસાર પ્રાચીન જ્ઞાનનો વિકાસ કરવાની જરૂર છે. તેમણે ટિપ્પણી કરી હતી કે 21મી સદીના આધુનિક વિજ્ઞાનમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીને આપણા પ્રાચીન ચિકિત્સા જ્ઞાન સાથે સંમિલિત કરીને દેશમાં નવું સંશોધન કરવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલાં, અહીં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં, આયુર્વેદ માત્ર એક વૈકલ્પિક ચિકિત્સા નથી પરંતુ દેશની આરોગ્ય નીતિના મુખ્ય પાયાઓમાંથી એક છે.

શ્રી મોદીએ માહિતી આપી હતી કે, લેહમાં સોવા-રિગ્પા સંબંધિત સંશોધન અને અન્ય અભ્યાસ માટે રાષ્ટ્રીય સોવા-રિગ્પા સંસ્થાનો વિકાસ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આજે, ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી બે સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહી છે જેને અપગ્રેડ કરવામાં આવી છે અને આ વિકાસમાં વધુ વિસ્તરણ પણ સામેલ છે.

આ બંને સંસ્થાઓને અપગ્રેડ કરવા બદલ તેમને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, હવે તેમના પર વધુ જવાબદારીઓ આવી ગઇ છે અને આશા છે કે, તેઓ એવા પ્રકારનો આયુર્વેદ અભ્યાસક્રમ તૈયાર કરશે જે આંતરરાષ્ટ્રીય ધોરણોને સંતોષતા હોય. તેમણે શિક્ષણ મંત્રાલય અને UGCને આયુર્વેદ ભૌતિકશાસ્ત્ર અને આયુર્વેદ રસાયણશાસ્ત્ર જેવી નવી અભ્યાસ પ્રશાખાઓ શરૂ કરવા માટેની સંભાવનાઓ ચકાસવા માટે પણ આહ્વાન કર્યું હતું. તેમણે સ્ટાર્ટઅપ્સ અને ખાનગી ક્ષેત્રોને વૈશ્વિક વલણો અને માંગનો અભ્યાસ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી આ ક્ષેત્રમાં તેમની સહભાગીતા પણ સુનિશ્ચિત થઇ શકે. સંસદના આ સત્ર દરમિયાન ભારતીય ચિકિત્સા પ્રણાલી રાષ્ટ્રીય પંચ અને રાષ્ટ્રીય હોમિયોપેથી પંચની પણ સ્થાપના કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એકીકૃત અભિગમને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ નીતિની મૂળભૂત કલ્પના એવી છે કે, આયુર્વેદિક શિક્ષણમાં એલોપેથિક પ્રવૃત્તિઓનું જ્ઞાન ફરજિયાત હોવું જોઇએ.

પ્રધાનમંત્રી એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે, કોરોનાના સમય દરમિયાન આખી દુનિયામાં આયુર્વેદિક ઉત્પાદનોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું હતું કે, અગાઉના વર્ષની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશમાંથી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસમાં 45%નો વધારો નોંધાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી હળદર, આદુ જેવા તેજાનાની નિકાસમાં થયેલી વૃદ્ધિ સમગ્ર દુનિયામાં આયુર્વેદિક ઉકેલોમાં તેમજ ભારતીય તેજાનાઓમાં લોકોના વિશ્વાસને ઝડપથી વેગ મળી રહ્યો હોવાનું દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, હવે સંખ્યાબંધ દેશોમાં હળદર સંબંધિત વિશેષ પીણાંની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે અને વિશ્વની પ્રતિષ્ઠિત તબીબી જર્નલોને પણ આયુર્વેદમાં નવી આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ફક્ત આયુર્વેદના ઉપયોગ પૂરતું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં નથી આવ્યું પરંતુ દેશ અને દુનિયામાં આયુષ સંબંધિત અદ્યતન સંશોધનમાં તેના ઉપયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે એક તરફ, ભારતમાં રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે તો બીજી તરફ કોવિડ સામે લડવા માટે આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સહકારમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમણે ટાંક્યું હતું કે, હાલમાં, દિલ્હી ખાતે આવેલ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા કે જેમણે દિલ્હી પોલીસના 80 હજારથી વધુ કર્મચારીઓમાં રોગ પ્રતિકારક શક્તિ સંબંધિત સંશોધન હાથ ધર્યું હતું તે સહિત 100થી વધારે સ્થળોએ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. આ કદાચ વિશ્વનો સૌથી મોટો સામૂહિક અભ્યાસ છે અને તેના પરિણામો ઘણા પ્રોત્સાહક છે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય પરીક્ષણો પણ શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આયુર્વેદિક ચિકિત્સા, ઔષધો તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતા પોષણયુક્ત ખોરાક પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આજે, હિમાલય પ્રદેશોમાં ગંગા નદીના કાંઠા વિસ્તારોમાં ખેડૂતોને બરછટ ધાન્ય તેમજ ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉછેર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વૈશ્વિક સુખાકારીમાં વધુને વધુ યોગદાન આપવા માટે ભારતના વ્યાપક આયોજન પર હાલમાં આયુષ મંત્રાલય કામ કરી રહ્યું છે, આપણી નિકાસમાં પણ વૃદ્ધિ થવી જોઇએ અને આપણા ખેડૂતોની આવકમાં પણ વધારો થવો જોઇએ. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, કોવિડ મહામારી શરૂ થઇ તે પછી, અશ્વગંધા, ગીલોય, તુલસી વગેરે આયુર્વેદિક ઔષધીઓની કિંમતમાં ઘણો વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ અશ્વગંધાની કિંમત લગભગ બમણી થઇ ગઇ છે અને તેનો સીધો લાભ આવી ઔષધીઓ ઉછેરતા આપણાં ખેડૂતોને મળી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કૃષિ મંત્રાલય, આયુષ મંત્રાલય અથવા અન્ય વિભાગોને સાથે મળીને ભારતમાં ઉપલબ્ધ સંખ્યાબંધ ઔષધીઓની ઉપયોગીતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આયુર્વેદ સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમથી દેશમાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, જામનગર અને જયપુરમાં આવેલી આ બે સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરવાથી આ દિશામાં તે ખૂબ જ લાભદાયી પુરવાર થશે.

ITRA, જામનગર: તાજેતરમાં સંસદીય અધિનિયમ દ્વારા બનાવવામાં આવેલ, આયુર્વેદ અભ્યાસ અને સંશોધન સંસ્થા (ITRA), વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ સંસ્થા તરીકે ઉભરી આવશે. ITRAમાં 12 વિભાગો, ત્રણ ક્લિનિકલ લેબોરેટરી અને ત્રણ સંશોધન લેબોરેટરી છે. તે પરંપરાગત ચિકિત્સામાં અગ્રેસર છે અને વર્તમાન સમયમાં અહીં 33 સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. ITRAની રચના જામનગર ખાતે આવેલા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પરિસંકુલમાં ચાર આયુર્વેદ સંસ્થાઓના એકત્રીકરણથી કરવામાં આવી છે. આયુર્વેદ ક્ષેત્રની આ પ્રથમ એવી સંસ્થા છે જેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (INI) તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. તેના સુધારેલા દરજ્જા સાથે, ITRA પાસે આયુર્વેદ શિક્ષણના માપદંડોમાં સુધારો કરવા માટે સ્વાયત્તતા રહેશે કારણ કે આ સંસ્થામાં આધુનિક, આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર અભ્યાસક્રમો પૂરા પાડવામાં આવશે. વધુમાં, આ સંસ્થા આયુર્વેદને સમકાલીન વેગ આપવા માટે આંતરશાખીય સહયોગને પણ આગળ ધપાવશે.

NIA, જયપુર: સમગ્ર દેશમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થા NIAને યુનિવર્સિટી દ્વારા માન્ય (ડે નોવો શ્રેણી) દરજ્જો પ્રાપ્ત થયો છે. 175 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતી NIA દ્વારા છેલ્લા કેટલાક દાયકાઓમાં અદ્યતન પ્રમાણભૂત આયુર્વેદને સાચવવામાં અને તેને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં NIAમાં 14 અલગ-અલગ વિભાગો છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને શિક્ષણોનો ગુણોત્તર ઘણો સારો છે અને વર્ષ 2019-20 દરમિયાન કુલ 955 વિદ્યાર્થીઓ તેમજ 75 ફેકલ્ટી અહીં ઉમેરાયા હતા. આ સંસ્થા આયુર્વેદ ક્ષેત્રમાં સંખ્યાબંધ અભ્યાસક્રમો ચલાવે છે જેમાં પ્રમાણપત્ર સ્તરથી માંડીને ડૉક્ટરેટ સ્તર સુધીના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી લેબોરેટરી સુવિધાઓ સાથે સંશોધન પ્રવૃત્તિઓમાં પણ NIA અગ્રેસર છે. વર્તમાન સમયમાં, આ સંસ્થામાં અલગ અલગ 54 સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા માન્ય (ડે નોવો શ્રેણી) દરજ્જા સાથે આ રાષ્ટ્રીય સંસ્થા આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સંશોધનના માર્ગે સર્વોચ્ચ ધોરણો પ્રાપ્ત કરીને નવા શિખરો સર કરવા માટે સજ્જ થઇ છે.

 

SD/GP/BT



(Release ID: 1672614) Visitor Counter : 338