પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


દિવાળીમાં સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા અપીલ કરી

વારાણસીનું જોડાણ હંમેશા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છેઃ પ્રધાનમંત્રી

Posted On: 09 NOV 2020 1:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આજે રૂ. 220 કરોડના મૂલ્યની 16 યોજનાઓ શરૂ કરાવી હતી અને જાણકારી આપી હતી કે વારાણસીમાં રૂ. 400 કરોડના મૂલ્યની 14 અન્ય યોજનાઓ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

આજે ઉદ્ઘાટન કરવામાં આવેલી વિવિધ પરિયોજનામાં સારનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ, લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગરનું અપગ્રેડેશન, સીવરેજ સાથે સંબંધિત કાર્યો, ગાયના રક્ષણ અને સંરક્ષણ માટે માળખાગત સુવિધાઓ, બિયારણનો સંગ્રહ કરવા માટે બહુહેતુક બિયારણ સંગ્રહસ્થાન, 100 એમટીની ક્ષમતા ધરાવતું કૃષિ ઉત્પાદનનો સંગ્રહ કરવા માટેનું ગોદામ, આઇપીડીએસનો બીજો તબક્કો, સંપૂર્ણાનંદ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે એક રહેણાક સંકુલ, વારાણસી સિટી સ્માર્ટ લાઇટિંગ વર્ક તેમજ 105 આંગણવાડી કેન્દ્રો અને 102 ગૌઆશ્રય કેન્દ્રો સામેલ છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વારાણસી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન પણ શહેરની વિકાસયોજનાઓનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે આ વિકાસલક્ષી યોજનાઓ વારાણસીમાં કેવી રીતે ગંગા નદીની સાફસફાઈ, આરોગ્ય સેવાઓ, માર્ગ, માળખાગત સુવિધાઓ, પ્રવાસન, વીજળી, યુવાનો સાથે સંબંધિત બાબતો, રમતગમત, ખેડૂત વગેરે જેવા દરેક ક્ષેત્રમાં વિકાસની ગતિનો લાભ મેળવે છે તે તેનું ઉદાહરણ છે. તેમણે જાહેરાત કરી હતી કે આજે ગંગા કાર્યયોજના અંતર્ગત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ પૂર્ણ થયું છે. તેમણે વારાણસીમાં હાથ ધરવામાં આવતા માળખાગત કાર્યો વિશે જાણકારી આપી હતી, જેમ કે વિવિધ ઘાટનું સુશોભન, પ્રદૂષણ ઘટાડવા સીએનજીની શરૂઆત, દશાશ્વમેઘ ઘાટ પર ટૂરિસ્ટ પ્લાઝા.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ગંગા નદીને સ્વચ્છ કરવા માટેના આ પ્રયાસો કાશી માટે સંકલ્પ પણ છે અને કાશીના યુવાનો માટે નવી તકોનો માર્ગ પણ છે. અહીં તબક્કાવાર રીતે વિવિધ ઘાટની સ્થિતિ સુધરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ગંગા નદી પરના વિવિધ ઘાટોની સ્વચ્છતા અને સુંદરતા સાથે સારનાથને પણ નવો લૂક મળ્યો છે. તેમણે કહ્યું હતું કે આજે શરૂ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ સારનાથની ભવ્યતામાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે આજે કાશીનો મોટો ભાગ લટકતાં ઇલેક્ટ્રિક વાયરોની સમસ્યામાંથી મુક્ત પણ થઈ રહ્યો છે. અંડરગ્રાઉન્ડ વાયર પાથરવાનો અન્ય એક તબક્કો આજે પૂર્ણ થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત સ્માર્ટ એલઇડી લાઇટ શેરીઓને રોશન કરશે અને એની સુંદરતામાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે વારાણસીનું જોડાણ વધારવા હંમેશા પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું હતું કે નવી માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી કાશીના લોકો અને પ્રવાસીઓનો ટ્રાફિક જામમાં સમય વેડફાય નહીં. તેમણે શહેરની સાથે બાબતપુરને જોડતા માર્ગને વારાણસીની નવી ઓળખ પણ ગણાવ્યો હતો. તેમણે વારાણસી એરપોર્ટમાં બે પેસેન્જર બોર્ડિંગ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પુલને જરૂરી ગણાવ્યાં હતાં, કારણ કે છ વર્ષ અગાઉ વારાણસીમાંથી દરરોજ 12 ફ્લાઇટનું સંચાલન થતું હતું, જે અત્યારે વધીને 48 થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, વારાણસીમાં આધુનિક માળખાગત સુવિધા અહીંના રહેવાસીઓ અને પ્રવાસીઓ એમ બંને પ્રકારના લોકો માટે જીવનને સરળ બનાવે છે. તેમણે વારાણસી શહેરમાં હાથ ધરવામાં આવેલા માર્ગ સંબંધિત માળખાગત કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લાં 6 વર્ષથી વારાણસીમાં સ્વાસ્થ્યલક્ષી માળખાગત સુવિધાઓ પર પણ અભૂતપૂર્વ કામગીરી થઈ છે. તેમણે રામનગરમાં લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલના આધુનિકીકરણ જેવા આરોગ્યલક્ષી માળખાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે અત્યારે વારાણસીમાં સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તથા પૂર્વાંચલ સહિત સંપૂર્ણ પૂર્વ ભારતને લાભ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હવે પૂર્વાંચલના લોકોને નાની-નાની જરૂરિયાતો માટે દિલ્હી અને મુંબઈ જવાની જરૂર નહીં પડે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વારાણસી અને પૂર્વાંચલના ખેડૂતો માટે ગોદામથી લઈને પરિવહન સુધીની ઘણી સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે, જેમ કે સેન્ટર ઓફ ધ ઇન્ટરનેશનલ રાઇસ ઇન્સ્ટિટ્યૂટ, મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓના કાર્ગો કેન્દ્રનું નિર્માણ વગેરે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની સુવિધાઓ ઊભી થવાથી ખેડૂતોને ઘણો લાભ થઈ રહ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ચાલુ વર્ષે વારાણસી વિસ્તારમાંથી પહેલી વાર ફળફળાદિ, શાકભાજીઓ અને ડાંગરની વિદેશમાં નિકાસ થઈ છે. તેમણે કહ્યું હતું કે આજે 100 એમટીની સંગ્રહક્ષમતા ધરાવતા ગોદાનનું ઉદ્ઘાટન થયું છે, જે કાશીમાં ખેડૂતો માટે સંગ્રહસુવિધાઓ વધારશે. તેમણે જણાવ્યું હતું કે જનસામાં બહુહેતુક બિયારણ ગોદામ અને વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાનના મોટા આધારસ્તંભો ગ્રામીણ ગરીબો અને ખેડૂતો છે તથા તેઓ જ આ અભિયાનના સૌથી મોટા લાભાર્થીઓ પણ છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સુધારાનો લીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આજે ફેરિયાઓને સરળ લોન મળી રહી છે, જેથી રોગચાળા પછી તેઓ તેમના ધંધાપાણી ફરી શરૂ કરી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગામડામાં રહેતા લોકોને તેમની જમીન અને ઘરમાં રહેવા માટેના કાયદેસર અધિકારો પ્રદાન કરવા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કર્યા પછી ગામડાઓમાં મિલકત સાથે સંબંધિત વિવાદો માટેનો અવકાશ નહીં રહે. તેમણે ઉમેર્યું હતું કે ગામડાની જમીન કે ઘર પર બેંકમાંથી લોન મેળવવી સરળ બની રહેશે.

પ્રધાનમંત્રીએ દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજની લોકોની શુભેચ્છા પાઠવી હતી તથા દિવાળીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એનાથી સ્થાનિક ઓળખ વધારે મજબૂત બનશે.

 

SD/GP/BT



(Release ID: 1671404) Visitor Counter : 236