લઘુમતિ બાબતોનું મંત્રાલય

મુખ્તાર અબ્બાસ નકવીએ હજ 2021 માટેની માર્ગદર્શિકાઓ જાહેર કરી


રોગચાળાની સ્થિતિને કારણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના નીતિ-નિયમોની માર્ગદર્શિકાનો અમલ થશે અને હજ 2021 દરમિયાન એનું કડકપણે પાલન થશેઃ મુખ્તાર અબ્બાસ નકવી

હજ 2021 માટે અરજી કરવાની ઓનલાઇન પ્રક્રિયા આજથી શરૂ થઈ

હજ 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2020 છે

“મેહરમ” (પુરુષ સાથીદાર) વિનાની કેટેગરી અંતર્ગત મહિલાઓ દ્વારા હજ 2020 માટે કરવામાં આવેલી અરજી હજ 2021 માટે પણ માન્ય છે

હજ 2021 માટેની યાત્રામાં જોડાવાના 10 સ્થાન છે – અમદાવાદ, બેંગાલુરુ, કોચિન, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ અને શ્રીનગર

Posted On: 07 NOV 2020 3:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય લઘુમતી સમુદાય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ પરિવર્તનો સાથે હજ 2021ની જાહેરાત કરતા આજથી હજ 2021 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

શ્રી નકવીએ આજે મુંબઈમાં હજ હાઉસમાં હજ 2021ની જાહેરાત કરતાં કહ્યું હતું કે, કોરોના રોગચાળાને કારણે હજ 2021 દરમિયાન રાષ્ટ્રીય સ્તરની અને આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતી માટેનાં નીતિ-નિયમોની આચારસંહિતા કે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. હજ 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2021 છે. હજ પઢવાની ઇચ્છા ધરાવતા લોકો ઓનલાઇન, ઓફલાઇન અને હજ મોબાઇલ એપ દ્વારા અરજી કરી શકે છે.

શ્રી નકવીએ કહ્યું હતું કે, હજ 2021નો કાર્યક્રમ જૂન, જુલાઈ 2021 માટે છે અને હજની સંપૂર્ણ પ્રક્રિયાનો અમલ સાઉદી અરેબિયાની સરકાર અને ભારત સરકારે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત અને સાઉદી અરબના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે જાહેર કરેલી જરૂરી માર્ગદર્શિકાઓ મુજબ થઈ રહ્યો છે. હજ 2021ની પ્રક્રિયા લઘુમતી સમુદાય મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારતીય હજ સમિતિ, સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂતની કચેરી અને જેદાહમાં ભારતના કાઉન્સેલ જનરલ તથા અન્ય સંસ્થાઓ વચ્ચે ચર્ચાવિચારણા પછી બનાવવામાં આવી છે, જેમાં રોગચાળાના પડકારોના તમામ પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.  

 

શ્રી નકવીએ કહ્યું હતું કે, હજ 2021 માટેની વ્યવસ્થાઓ વિશેષ નીતિ, નિયમો અને નિયમનો, લાયકાતના માપદંડો, વયમર્યાદાના નિયંત્રણો, સ્વાસ્થ્ય અને ફિટનેસની જરૂરિયાતો તથા કોરોના રોગચાળા વચ્ચે સાઉદી અરેબિયાની સરકારે જાહેર કરેલી અન્ય પ્રસ્તુત શરતો સાથે કરવામાં આવી છે.

શ્રી નકવીએ કહ્યું હતું કે, રોગચાળાને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ પરિવર્તનો સાથે હજયાત્રાની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં ભારત અને સાઉદી અરેબિયા એમ બંનેમાં રહેવા માટેની વ્યવસ્થા, યાત્રાના રોકાણનો ગાળો, પરિવહન, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ સામેલ છે.

શ્રી નકવીએ ઉમેર્યું હતું કે, સાઉદી અરેબિયાની સરકાર દ્વારા રોગચાળાની સ્થિતિ વચ્ચે હજ 2021 માટે જરૂરી તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન થશે. કોરોના રોગચાળાને કારણે હજયાત્રા કરવા માટે વયમર્યાદાના માપદંડમાં ફેરફારો થઈ શકે છે. દરેક હાજી (યાત્રાળુ)એ હજયાત્રા માટેની સફર શરૂ થાય એના 72 કલાક અગાઉ આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસની આચારસંહિતા મુજબ કોરોના પરીક્ષણ કરાવવાની જરૂર પડશે. દરેક હાજીએ સાઉદી અરેબિયાની સફર શરૂ થાય એ અગાઉ નેગેટિવ પરિણામ સાથે માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળાએ ઇશ્યૂ કરેલ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.  

શ્રી નકવીએ કહ્યું હતું કે, રોગચાળાની સ્થિતિ તથા એર ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત પ્રતિભાવને ધ્યાનમાં રાખીને હજ 2021 માટે સફર શરૂ કરવાના સ્થાન ઘટાડીને 10 કરવામાં આવ્યાં છે. અગાઉ દેશભરમાંથી 21 સ્થાન પરથી હજયાત્રા શરૂ થતી હતી. હજ 2021 માટે 10 સ્થાન છે અમદાવાદ, બેંગાલુરુ, કોચિન, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ અને શ્રીનગર.

અમદાવાદ પોઇન્ટ સમગ્ર ગુજરાતને આવરી લેશે. બેંગાલુરુ સંપૂર્ણ કર્ણાટકને આવરી લેશે. કોચિન પોઇન્ટ (કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી, તમિલનાડુ, આંદમાન અને નિકોબાર), દિલ્હી પોઇન્ટ (દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓ), ગુવાહાટી પોઇન્ટ (અસમ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ), કોલકાતા પોઇન્ટ (પશ્ચિમ બંગાળ, ઓડિશા, ત્રિપુરા, ઝારખંડ, બિહાર), લખનઉ પોઇન્ટ (ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓને બાદ કરતા તમામ વિસ્તારો), મુંબઈ (મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દમણ અને દીવ, દાદર અને નગરહવેલી) અને શ્રીનગર પોઇન્ટ સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર, લેહ- લદાખ -કારગિલને આવરી લેશે.

હજ 2021 માટે મેહરમ (પુરુષ સાથીદાર) વિના મહિલાઓ દ્વારા હજ 2020 માટે ફાઇલ કરેલી અરજીઓ માન્ય છે. ઉપરાંત મેહરમ વિના હજ 2021 કરવા ઇચ્છતી મહિલાઓના નવા ફોર્મ પણ સ્વીકારવામાં આવે છે. મેહરમ વિનાની કેટેગરી અંતર્ગત તમામ મહિલાઓને લોટરી સિસ્ટમમાંથી મુક્તિ આપવામાં આવશે.

આ પ્રસંગે મુંબઈમાં સાઉદી અરેબિયાના રૉયલ વાઇસ કોન્સલ જનરલ મોહમ્મદ અબ્દુલ કરીમ અલ-ઇનાઝી, કેન્દ્રીય લઘુમતી મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય હજ સમિતિના સીઇઓ શ્રી એમ એ ખાન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

 

SD/GP/BT

 



(Release ID: 1671039) Visitor Counter : 378