યુવા બાબતો અને રમત મંત્રાલય

ખેલ મંત્રાલયે છ ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્રોને ચાર વર્ષના સમયગાળા માટે આર્થિક સહાય પેટે રૂપિયા 67.32 કરોડનું બજેટ ફાળવ્યું

Posted On: 07 NOV 2020 4:38PM by PIB Ahmedabad

ખેલ મંત્રાલય દ્વારા છ ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્રો (KISCE)ને માન્યતા આપવામાં આવી છે અને તેને હવે વર્ષ 2020-21 અને તે પછીના ચાર વર્ષ માટે ફાળવવામાં આવેલા અંદાજે રૂપિયા 67.32 કરોડના કુલ બજેટમાંથી અપગ્રેડ કરવામાં આવશે. ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓને ઓળખીને તેમના કૌશલ્યમાં વધારો કરવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દરેક રાજ્યોમાં પસંદ કરવામાં આવેલા કેન્દ્રો અને તેમના માટે મંજૂર કરવામાં આવેલી આર્થિક સહાયની વિગતો નીચે પ્રમાણે છે:

આસામ: સ્ટેટ્સ સ્પોર્ટ્સ એકેડેમી, સારુસજાઇ – રૂ. 7.96 કરોડ

મેઘાલય: જે એન એસ કોમ્પલેક્સ, શિલોંગ, મેઘાલય – રૂ. 8.39 કરોડ

દમણ અને દીવ: ન્યૂ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિલ્વાસા – રૂ. 8.05 કરોડ

મધ્યપ્રદેશ: એમ પી સ્ટેટ એકેડેમી – રૂ. 19 કરોડ

મહારાષ્ટ્ર: શ્રી શિવાજી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, બાલેવડી, પૂણે – રૂ. 16 કરોડ

સિક્કિમ: પાલજોર સ્ટેડિયમ, ગંગટોક – રૂ. 7.91 કરોડ

આ પહેલ અંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રોનું સર્જન એ ભારતને ઓલિમ્પિક્સ 2028માં ટોચના 10 દેશોમાં સ્થાન અપાવવાની અમારી દૂરંદેશીના ભાગરૂપે છે. જ્યાં સુધી આપણે વિશ્વ સ્તરીય વિશેષ તાલીમ પૂરી ના પાડીએ ત્યાં સુધી, આપણે એથેલેટ્સ ઓલિમ્પિક્સમાં સિદ્ધિ હાંસલ કરશે તેવી અપેક્ષા ના કરી શકીએ. આ પ્રત્યેક કેન્દ્રોમાં ચોક્કસ રમતગમતની શાખાઓમાં વિશ્વ સ્તરીય તાલીમ આપવામાં આવશે અને દેશમાં એવી મુખ્ય સુવિધાઓ બની જશે જ્યાં ટોચના એથલેટ્સ જે-તે રમતોમાં તાલીમ પૂરી પાડશે. મને ઘણી ખુશી છે કે, પ્રત્યેક રાજ્યએ ખૂબ જ સકારાત્મકતા અને ઉત્સાહ સાથે આ કેન્દ્રો માટે સહકાર આપ્યો છે.

આ કેન્દ્રોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, રમત વિજ્ઞાન કેન્દ્રોનું નિર્માણ દ્વારા સહકાર આપવામાં આવશે અને ગુણવત્તાપૂર્ણ કોચ તેમજ રમત વિજ્ઞાન માનવ સંસાધનો જેમ કે, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ નિષ્ણાતો અને તેવી અન્ય પ્રકારની મદદ પણ કરવામાં આવશે. ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાના ઉપકરણો પૂરા પાડવામાં આવશે. એકેડેમી પાસે ઉચ્ચ કામગીરી આપતા મેનેજર પણ ઉપલબ્ધ રહેશે જેથી રમત વિજ્ઞાન ઇનપુટની ગુણવત્તા અને કામગીરી વ્યવસ્થાપન સુનિશ્ચિત થઇ શકે.

ખેલ મંત્રાલય દ્વારા દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ભાગીદારી દ્વારા વર્તમાન રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપગ્રેડેશન અને KISCEના સર્જનનું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં રમતગમત માટે એક મજબૂત ઇકોસિસ્ટમ ઉભી કરવાના આશય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રત્યેક KISCEને 14 ઓલિમ્પિક રમતોમાં વિશેષ રમત અનુસાર સહકાર આપવામાં આવશે જેમાંથી એક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને મહત્તમ ત્રણ રમતો માટે સહકાર આપવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1671020) Visitor Counter : 218