પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
એકતા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી અને એકતા દિવસની પરેડમાં સહભાગી થયા
ભારત એની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સજ્જઃ પ્રધાનમંત્રી
મજબૂત આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા 130 કરોડ ભારતીયો સાથે મળીને કામ કરી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી
રાજકીય પક્ષોને દેશની સુરક્ષા સાથે સંબંધિત હિતમાં આતંકવાદને ટેકો ન આપવા અને આપણા સુરક્ષા દળોનો નૈતિક જુસ્સો વધારવા માટે અપીલ કરી
આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદના વધતા જોખમ સામે એક થવા અપીલ કરી
Posted On:
31 OCT 2020 11:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં “લોહપુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પ અર્પણ કર્યા હતા, એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આ પ્રસંગે આયોજિત એકતા પરેડના સાક્ષી બન્યાં હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેવિડયાના સંપૂર્ણ કે સંકલિત વિકાસ માટે ઉદ્ઘાટન થયેલા વિવિધ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને સી-પ્લેન સર્વિસ દ્વારા સરદાર સાહેબના દર્શન કરવાનો લાભ પણ મળશે.
મહર્ષિ વાલ્મિકી દ્વારા સાંસ્કૃતિક એકતા
પ્રધાનમંત્રીએ નિવેદન કર્યું હતું કે ભારત અત્યારે જે એકતા અનુભવે છે એનાથી વધારે એકતા ઊભી કરવા થોડી સદીઓ અગાઉ આદિકવિ મહર્ષિ વાલ્મિકીએ ભારતને વધારે જીવંત, ઊર્જાવંત અને સાંસ્કૃતિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, વાલ્મિકી જયંતિ જોગાનુજોગે એકતા દિવસે આવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દેશમાં જે રીતે એની ઉજવણી થઈ રહી છે એ દેશની સહિયારી ક્ષમતા, તથા હાલ ચાલુ કોરોના રોગચાળાનો સામનો કરવાની દેશની ઇચ્છાશક્તિને અભૂતપૂર્વ રીતે વ્યક્ત કરે છે.
એકતાનું નવું પાસું
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અત્યારે કાશ્મીર એના વિકાસ આડેના અવરોધોને દૂર કરીને વિકાસના નવા માર્ગે અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે આજે દેશમાં એકતાનું નવું પાસું સ્થાપિત થયું છે. તેમણે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં શાંતિને ફરી સ્થાપિત કરવા માટે સરકારે લીધેલા પગલાં અને આ રાજ્યોના વિકાસ માટે હાથ ધરવામાં આવેલી પહેલો વિશે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશ પછી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આ સરદાર પટેલના ભારતની સાંસ્કૃતિક ભવ્યતાને પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.
આત્મનિર્ભર ભારત
પ્રધાનમંત્રીએ ટિપ્પણીએ કરી હતી કે, આજે 130 કરોડ દેશવાસીઓ રાષ્ટ્રનું નિર્માણ કરવા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. આપણો દેશ મજબૂત અને સક્ષમ છે, જેમાં દરેક નાગરિક માટે સમાનતા હોવી જોઈએ. વળી આપણા દેશમાં પુષ્કળ તકો પણ છે. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર રાષ્ટ્ર જ એની પ્રગતિ માટે આત્મવિશ્વાસ ધરાવી શકે છે અને પોતાની સુરક્ષા કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ કારણે જ દેશ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવાના માર્ગે અગ્રેસર થઈ રહ્યો છે.
સરહદી વિસ્તારોનો વિકાસ તથા ભારતની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરહદો પ્રત્યે ભારતનો પરિપ્રેક્ષ્ય અને અભિગમ પણ બદલાઈ રહ્યો છે. પડોશી દેશોની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતની જમીન પર ડોળો કરનાર લોકોને ઇંટનો જવાબ પત્થરથી મળી રહ્યો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સરહદો પર સેંકડો કિલોમીટરના માર્ગો, ડઝન જેટલા પુલો અને અનેક ટનલોનું નિર્માણ કરી રહ્યો છે. તેમણે દ્રઢતા વ્યક્ત કરી હતી કે, હાલ ભારત એની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સજ્જ છે.
આતંકવાદ સામે એકતા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ પ્રયાસો વચ્ચે ઘણા નવા પડકારો છે, જેનો ભારત અને આખી દુનિયા અત્યારે સામનો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો આતંકવાદના સમર્થનમાં ઉતરી આવ્યાં છે એ અત્યારે દુનિયા માટે ચિંતાજનક બાબત છે. તેમણે દુનિયાના તમામ દેશો, તમામ સરકારો, તમામ ધર્મોને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાતની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માનવજાતની ખરી ઓળખ શાંતિ, ભાઈચારો અને પારસ્પરિક આદર છે. તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદ કે હિંસાથી કોઈનું ક્યારેય કલ્યાણ ન થઈ શકે. તેમણે કહ્યું હતું કે, આપણી વચ્ચે વિવિધતામાં એકતાનું અસ્તિત્વ છે તથા આપણો દેશ આ બાબતે અસાધારણ છે. તેમણે યાદ અપાવી હતી કે, ભારતની આ એકતા જ દેશની ખરી તાકાત છે, જે અન્ય લોકોને વિચારતા રાખે છે. તેઓ આ એકતાને તોડી પાડવા, એને નબળી પાડવા ઇચ્છે છે. તેમણે આ પ્રકારના બળોને ઓળખવાની અને સતત સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પુલ્વામાનો હુમલો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ આજે અર્ધલશ્કરી દળોની પરેડને જોઈ રહ્યાં છે, ત્યારે તેમને પુલ્વામા હુમલાની યાદ આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ એ હુમલાને ક્યારેય ભૂલી ન શકે અને આપણા બહાદુર સપૂતો શહીદ થયાનું આખા દેશને દુઃખ થયું હતું. તેમણે કહ્યું હતું કે, આ હુમલા પર થઈ રહેલા નિવેદનોને દેશ ક્યારેય નહીં ભૂલે. તેમણે ઉમેર્યું હતું કે, પડોશી દેશની સંસદમાં આ હુમલા વિશે તાજેતરમાં નિવેદનો થયા છે, જેથી સત્ય બહાર આવ્યું છે.
તેમણે દેશમાં રમાઈ રહેલા વિકૃત રાજકારણની ટીકા કરી હતી, જેમાં સંપૂર્ણ સ્વાર્થ અને અભિમાન દેખાય છે. પુલ્વામામાં હુમલો થયા પછી જે રાજકારણ રમાયું એ પોતાના રાજકીય હિત પોષવા લોકો કઈ હદ સુધી જઈ શકે છે એનું આદર્શ ઉદાહરણ છે. તેમણે આ પ્રકારના રાજકીય પક્ષોને દેશના સુરક્ષાના હિતમાં કામ કરવા અને આપણા સૈન્ય દળોની નૈતિકતા વધારવા માટે કામ કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમારા સ્વાર્થ સંતોષવા માટે તમે જાણે-અજાણે રાષ્ટ્રવિરોધી તત્ત્વોના હાથમાં રમી રહ્યાં છો, તમે તમારા દેશ માટે કે તમારા પક્ષના હિત માટે કામ કરી શકતા નથી. તેમણે ભાર મૂક્યો હતો કે, આપણા બધાનું સર્વોચ્ચ હિત રાષ્ટ્રહિત હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આપણે દરેકના હિતનો વિચાર કરીએ છીએ, ત્યારે જ આપણે પ્રગતિ કરી શકીશું.
આ સંબોધન અગાઉ પ્રધાનમંત્રી ગુજરાત રાજ્યના પોલીસ દળ, સેન્ટ્રલ રિઝર્વ આર્મ્ડ ફોર્સ (સીઆરએએફ), સરહદી સુરક્ષા દળ (બીએસએફ), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ) અને રાષ્ટ્રીય સુરક્ષા દળની રંગબેરંગી પરેડના સાક્ષી બન્યા હતા. પરેડમાં સીઆરપીએફની મહિલા અધિકારીઓની રાઇફલ ડ્રિલ પણ સામેલ હતી. આ પ્રસંગે ભારતીય વાયુ દળના જગુઆર કે હેલિકોપ્ટરે પણ ફ્લાય-પાસ્ટ કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે ભારતના જનજાતિઓના વારસાને રજૂ કરતા સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતા એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી પણ બન્યાં હતાં.
SD/GP/BT
(Release ID: 1669040)
Visitor Counter : 254
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam