પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ત્રણ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું


ગુજરાતના ખેડૂતો માટે 'કિસાન સૂર્યોદય યોજના'નો પ્રારંભ કર્યો

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 24 OCT 2020 2:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં 3 મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

શ્રી મોદીએ ખેડૂતોને 16 કલાક વીજળી પૂરવઠો આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. તેમણે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ પરિસરમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ અને ટેલિ-કાર્ડિઓલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગિરનાર ખાતે નવનિર્મિત રોપ-વેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસના દૃઢ સંકલ્પ અને સમર્પણ ભાવના માટે ગુજરાત હંમેશા દૃષ્ટાંતરૂપ મોડેલ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સુજલામ-સુફલામ અને સૌની યોજના પછી, કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતે ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કરવાના દિશામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વીજક્ષેત્રે વર્ષોના સમયગાળામાં થયેલું કામ આ યોજનાઓ માટે આધારરૂપ બન્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વીજળીના ઉત્પાદનથી માંડીને તેના વીજ પરિવહન સુધીના બધા જ કાર્યો મિશન મોડ પર કરવામાં આવ્યા છે જેથી રાજ્યમાં વીજક્ષમતામાં વધારો કરી શકાય. તેમણે કહ્યું કે, 2010માં જ્યારે પાટણમાં સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, ભારત સમગ્ર દુનિયાને એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડનો માર્ગ ચિંધશે. પ્રધાનમંત્રીએ એ તથ્યની પ્રશંસા કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઉર્જામાં થયેલી પ્રગતિના કારણે ભારત સમગ્ર દુનિયામાં પાંચમા ક્રમે આવી ગયું છે અને હજુ સતત પ્રગતિ કરી રહ્યું છે.

કિસાન સૂર્યોદય યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ મોટાભાગના ખેડૂતોને સિંચાઇ માટે ફક્ત રાત્રિના સમયમાં જ વીજળી મળતી હતી અને તેમણે આખી રાત ઉજાગરા કરવા પડતા હતા. ગિરનાર અને જુનાગઢમાં ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓનો ભય પણ ખૂબ સતાવતો હતો. કિસાન સૂર્યોદય યોજના હેઠળ હવે ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન 3 તબક્કામાં વીજળી મળશે અને તેમના જીવનમાં એક નવી પરોઢનો અરૂણોદય થશે.

વર્તમાન પ્રણાલીમાં કોઇપણ પ્રકારે ખલેલ પાડ્યા વગર સંપૂર્ણપણે નવી વીજ પરિવહન ક્ષમતા તૈયાર કરીને આ કામ પાર પાડવામાં ગુજરાત સરકારે કરેલા પ્રયાસોની પણ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. આ યોજના હેઠળ, અંદાજે 3500 સર્કિટ કિલોમીટર નવી વીજ પરિવહન લાઇનો આગામી 2-3 વર્ષમાં પાથરવામાં આવશે અને આગામી દિવસોમાં એક હજારથી વધુ ગામડાંઓમાં તેનો અમલ કરવામાં આવશે જેમાંથી મોટાભાગના ગામડાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે સમગ્ર ગુજરાતને આ યોજના અંતર્ગત વીજ પૂરવઠો મળશે ત્યારે, આનાથી લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.

પ્રધાનમંત્રીએ ખેડૂતોના રોકાણમાં ઘટાડો કરીને અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવીને તેમની આવક બમણી કરવા માટે, બદલાતા સમય સાથે અવિરત કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ જેમ કે, હજારો FPOની રચના, નીમ કોટિંગ યુરિયા, સોઇલ હેલ્થ કાર્ડ અને અન્ય શરૂ કરવામાં આવી સંખ્યાબંધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કુસુમ યોજના, FPO, પંચાયતો અને તમામ આવા સંગઠનોને વેરાન જમીન પર નાના નાના સોલર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સહાયતા કરવામાં આવે છે અને ખેડૂતોના સિંચાઇના પંપ પણ સૌર ઉર્જા સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ઉત્પન્ન થયેલી વીજળીનો ઉપયોગ ખેડૂતો દ્વારા સિંચાઇની કામગીરી માટે કરવામાં આવે છે અને તેઓ બાકી વધેલી વીજળી વેચી પણ શકે છે.

પ્રધાનમંત્રીએ ખાસ નોંધ્યુ હતું કે, વીજળીની સાથે-સાથે ગુજરાતે સિંચાઇ અને પીવાલાયક પાણીના ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, એક સમયે લોકોને પાણી મેળવવા માટે કેટલોય પરિશ્રમ કરવો પડતો હતો અને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી પરંતુ આજે, એવા જિલ્લાઓ સુધી પણ પાણી પહોંચી ગયું છે જ્યાં અગાઉ કોઇએ પાણીની પહોંચવાની કલ્પના સુદ્ધા નહોતી કરી. તેમણે ગુજરાતમાં રણપ્રદેશો સુધી પણ પાણી પહોંચાડવામાં મદદરૂપ થનારી સરદાર સરોવર પરિયોજના અને વોટર ગ્રીડ જેવી પરિયોજનાઓ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 80 ટકા પરિવારોને પાઇપલાઇનના માધ્યમથી પીવાનું પાણી પહોંચી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત એવું રાજ્ય બની જશે જ્યાં પ્રત્યેક પરિવાર સુધી પીવાનું પાણી પાઇપલાઇનના માધ્યમથી પહોંચતું હોય. તેમણે કિસાન સૂર્યોદય યોજનાનું ઉદ્ઘાટન થતા, ખેડૂતોને ટીપે ટીપે વધુ પાકના મંત્રનો પુનરુચ્ચાર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિવસના સમયે વીજળી પૂરી પાડવાથી ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ ઉભી કરવામાં મદદ મળશે અને કિસાન સૂર્યોદય યોજનાથી રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇમાં વિસ્તરણ કરવામાં પણ મદદ મળી રહેશે.

આજથી પ્રારંભ કરવામાં આવેલા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી બહુ જૂજ હોસ્પિટલોમાંથી એક આ હોસ્પિટલ છે અને આ સમગ્ર ભારતની સૌથી મોટી હૃદયરોગની હોસ્પિટલ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતે અદ્યતન હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને પ્રત્યેક ગામડાંને બહેતર આરોગ્ય સુવિધાઓ અંતર્ગત આવરી લેવા માટે વિરાટ નેટવર્ક ઉભું કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના 21 લાખ લોકોએ આજદિન સુધીમાં આયુષમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારનો લાભ લીધો છે. ગુજરાતમાં શરૂ કરવામાં આવેલા 525થી વધુ જન ઔષધી કેન્દ્રોમાં સસ્તા ભાવે દવાઓ પૂરી પાડવામાં આવે છે અને આના કારણે ગુજરાતના સામાન્ય લોકોના લગભગ રૂપિયા 100 કરોડની બચત થઇ શકી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર મા અંબાનું પવિત્ર સ્થાનક છે. ત્યાં ગોરખનાથ શિખર છે, ગુરુ દત્તાત્રેય શિખર છે અને જૈન મંદિરો પણ આવેલા છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ સ્તરીય રોપ-વેનું અહીં ઉદ્ઘાટન થવાથી વધુને વધુ ભક્તો તેમજ પર્યટકો અહીં આવવા માટે આકર્ષાશે. તેમણે ઉમેર્યું હતું કે, બનાસકાંઠા, પાવાગઢ અને સાપુતારા ઉપરાંત ગુજરાતમાં ચોથો રોપ-વે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રોપ-વેના કારણે હવે નવી નોકરીની તકોનું સર્જન થશે અને લોકોની આર્થિક સદ્ધરતાની તકો પણ પ્રાપ્ત થશે. લોકોને ખૂબ સુવિધા પૂરી પાડતી પ્રણાલી લાંબા સમય સુધી વિલંબમાં પડી રહી તેનાથી લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેના પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે પર્યટન સ્થળોના વિકાસ દ્વારા સ્થાનિક લોકોને થતા આર્થિક લાભો ગણાવ્યા હતા. તેમણે તાજેતરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે શિવરાજપુર બીચ, સ્થાનિક લોકોને ખૂબ મોટાપાયે રોજગારી પૂરી પાડનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી જગ્યાઓ પણ ગણાવી હતી. તેમણે અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવનું પણ દૃશ્ટાંત આપતા કહ્યું હતું કે, ત્યાં પહેલાં કોઇને જવું ગમતું નહોતું. પરંતુ ત્યાં નવીનીકરણ કરવામાં આવ્યા પછી, દર વર્ષે લગભગ 75 લાખ લોકો આ તળાવની મુલાકાત લઇ રહ્યાં છે અને સંખ્યાબંધ લોકો માટે આ જગ્યા આવકનો સ્રોત બની શકી છે. તેમણે કહ્યું હતું કે, પર્યટન એક એવું ક્ષેત્ર છે જેમાં ઓછા રોકાણ સાથે સંખ્યાબંધ નોકરીઓની તકો ઉપલબ્ધ થઇ શકે છે. તેમણે ગુજરાતના લોકોને તેમજ સમગ્ર દુનિયામાં વસતા ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં આવેલા વિવિધ પર્યટન સ્થળોના તેઓ એમ્બેસેડર બને અને તેની પ્રગતિમાં યોગદાન આપે.

પૃષ્ઠભૂમિ:

કિસાન સૂર્યોદય યોજના

ખેડૂતોને સિંચાઇ માટે દિવસના સમય દરમિયાન વીજળી પૂરી પાડવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં તાજેતરમાં 'કિસાન સૂર્યોદય યોજના'ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, ખેડૂતોને સવારે 5થી રાત્રે 9 વાગ્યા દરમિયાન વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ 2023 સુધીમાં વીજ પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે રૂપિયા 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. કુલ 3490 સર્કિટ કિલોમીટર (CKM) સાથે 234 '66- કિલોવોટ'ની વીજ પરિવહન લાઇનો આ પરિયોજના અંતર્ગત નાંખવામાં આવશે તેમજ 220 KV સબસ્ટેશનો ઉભા કરવામાં આવશે.

દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગિર-સોમનાથને આ યોજના હેઠળ વર્ષ 2020-21 માટેની કામગીરીમાં સમાવી લેવામાં આવ્યા છે. બાકીના જિલ્લાઓને 2022-23 સુધીમાં તબક્કાવાર આવરી લેવામાં આવશે.

 

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ અને ટેલિ-કાર્ડિઓલોજી માટે મોબાઇલ એપ્લિકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ હવે ભારતની સૌથી મોટી હૃદય રોગની હોસ્પિટલ બની જશે અને વધુમાં દુનિયામાં વિશ્વ સ્તરીય તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સુવિધાઓ ધરાવતી જૂજ હોસ્પિટલોમાંથી એક તરીકે તેની ગણના થશે.

આ સંસ્થાનું હાલમાં રૂપિયા 470 કરોડના ખર્ચે વિસ્તરણ થઇ રહ્યું છે. આ પરિયોજના પૂર્ણ થઇ જશે ત્યારે અહીં બેડની સંખ્યા 450થી વધારીને 1251 કરવામાં આવશે. આ સંસ્થા દેશમાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક શિક્ષણ સંસ્થા બની જશે અને દુનિયાભરમાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલમાંથી એક બની જશે.

આ હોસ્પિટલની ઇમારત ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, અગ્નિશામક હાઇડ્રેન્ટ સિસ્ટમ અને ફાયર મિસ્ટ સિસ્ટમ જેવા સલામતીના સાધનોથી સુસજ્જ છે. આ રિસર્ચ સેન્ટર ભારતનું પ્રથમ ઓપરેશન થિયેટર સાથે અદ્યતન કાર્ડિયાક ICU ઓન વ્હીલ બની જશે જેમાં વેન્ટિલેટરની પણ સુવિધા રાખવામાં આવશે. IABP, હેમીઓડાયાલિસિસ, ECMO વગેરે 14 ઓપરેશન કેન્દ્રો અને 7 કાર્ડિયાક કેથેટ્રિઝેશન લેબ આ સંસ્થા ખાતે શરૂ કરવામાં આવશે.

 

ગિરનાર રોપ-વે

24 ઓક્ટોબર 2020ના રોજ ગિરનાર ખાતે રોપ-વેના ઉદ્ઘાટન સાથે ગુજરાત ફરી એક વખત વૈશ્વિક પર્યટનના નકશા પર ઉપસી આવશે. પ્રારંભિક તબક્કે, અહીં 25-30 કેબિન ઇન્સ્ટોલ કરવામાં આવશે જેમાં પ્રત્યેક કેબિનની ક્ષમતા 8 વ્યક્તિની રહેશે. 2.3 કિમીનું અંતર હવે માત્ર 7.5 મિનિટમાં જ આ રોપ-વેની મદદથી કાપી શકાશે. આ ઉપરાંત, રોપ-વેની મદદથી ગિરનારની પર્વતમાળા પર મનોરમ્ય હરિયાળીનો અદભૂત નજારો પણ માણી શકાશે.

 

SD/GP/BT



(Release ID: 1667306) Visitor Counter : 531