પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એફએઓના 75મા સ્થાપના દિવસના ઉપક્રમે રૂ. 75ના મૂલ્યના વિશેષ સ્મૃતિ સિક્કાનું વિમોચન કર્યું
દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં એફએઓની ભૂમિકાની પ્રશંસા કરી
તાજેતરમાં વિકસાવાયેલ વિવિધ પાકોની 17 બાયોફોર્ટિફાઇડ જાતો રાષ્ટ્રને સમર્પિત કરી
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં સુધારા દેશની આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે
Posted On:
16 OCT 2020 4:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એફએઓની 75મા સ્થાપના દિવસની ઉજવણીના પ્રસંગે રૂ. 75ના મૂલ્યના વિશેષ સ્મૃતિ સિક્કાનું વિમોચન કર્યું. તેમણે તાજેતરમાં વિકસાવેલ વિવિધ પાકોની બાયોફોર્ટિફાઇડ જાતો રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દુનિયાભરના લોકોને શુભેચ્છા આપી હતી, જેઓ કુપોષણ દૂર કરવા સતત કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, અમારા ખેડૂતો સાથીદારો, આપણા અન્નદાતા, આપણા કૃષિ વિજ્ઞાનીઓ, આપણી આંગણવાડીની આશા કાર્યકર્તાઓ – કુપોષણ સામેની લડાઈના મુખ્ય સિપાહીઓ છે, કુપોષણ સામેની લડતનો પાયો છે. જ્યારે તેઓ તેમની મહેનત સાથે ભારતને દુનિયાનો અનાજનો કટોરો બનાવી દીધો છે, ત્યારે તેઓ સરકારને દરિદ્રનારાયણ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ પ્રયાસોને કારણે ભારત કોરોના કટોકટીના સમયગાળામાં પણ કુપોષણ સામે મજબૂત લડાઈ લડી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષોથી એફએઓએ દુનિયાભરમાં કૃષિ ઉત્પાદન વધારવા અને ભૂખમરાને નાબૂદ કરવા માટે મદદ કરી છે, જેમાં ભારત પણ સામેલ છે. એફએઓએ 130 કરોડથી વધારે ભારતીયોમાં પોષણ વધારવા અને એની સેવાઓ વધારવા મોટી ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનું નોબેલ શાંતિ પારિતોષિક વિશ્વ ખાદ્ય કાર્યક્રમને મળ્યું છે, જે એફએઓ માટે ઐતિહાસિક સિદ્ધિ છે. તેમણે કહ્યું હતું કે, ભારતને એફએઓ સાથે જોડાણ કરવાની અને કામ કરવાની ખુશી છે, જે ઐતિહાસિક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ડો. બિનય રંજન સેન એફએઓના ડાયરેક્ટર જનરલ હતા, ત્યારે તેમના નેતૃત્વમાં સંસ્થાએ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમણે દુષ્કાળની પીડા અનુભવી હતી અને તેમણે ભૂખમરાને બહુ નજીકથી જોયો હતો. તેમણે જે કામ કર્યું એ આજે પણ આખી દુનિયા માટે ઉપયોગી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એફએઓએ ગત દાયકાઓમાં ભારતની કુપોષણ સામેની લડાઈને બહુ નજીકથી જોઈ છે, પણ એમની કામ કરવાની ઘણી મર્યાદાઓ હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાવસ્થામાં ગર્ભવતી થઈ જવું, શિક્ષણનો અભાવ, માહિતીનો અભાવ, પીવાના પાણીની અપૂરતી સુવિધા, સ્વચ્છતાનો અભાવ વગેરે જેવા અનેક પરિબળોને કારણે આપણને ઇચ્છિત પરિણામો મળતા નહોતા.
પ્રધાનમંત્રીએ નિવેદન કર્યું હતું કે, વર્ષ 2014 પછી દેશમાં વર્ષોના અનુભવ સાથે નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, સરકારનાં સંકલિત અભિગમથી એક સંપૂર્ણ અભિગમ વિકસ્યો છે અને એકથી વધારે સ્તરે અસરકારક બહુસ્તરીય વ્યૂહરચના પર કામ કરવા પરંપરાગત કાર્યશૈલીનો અંત લાવવામાં આવ્યો છે. તેમણે કુપોષણ સામે લડવા રાષ્ટ્રીય પોષણ અભિયાન (પોષણ અભિયાન), સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયોનું નિર્માણ, મિશન ઇન્દ્રધનુષ, જલજીવન અભિયાન, ઓછી કિંમત ધરાવતા સેનિટેશન પેડનું વિતરણ વગેરે જેવી પહેલોની જાણકારી આપી હતી. તેમણે શાળાઓમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓની ભરતીનો એંકદર રેશિયો વધારવા જેવા પ્રયાસોના પરિણામો સારાં મળી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કુપોષણની સમસ્યાનું સમાધાન કરવા જાડા અનાજનું વાવેતર કરવા તથા પ્રોટિન, આયર્ન, ઝિંક વગેરેથી પોષક દ્રવ્યોથી ભરપૂર પાકો લેવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા જેવી મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કરવાનાં ભારતના પ્રસ્તાવને સંપૂર્ણ ટેકો આપવા બદલ એફએઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, એનાથી પોષક ખાદ્યપદાર્થોનાં સેવનને પ્રોત્સાહન મળશે, આ ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતામાં વધારો થશે અને નાનાં ખેડૂતોને ઘણો લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ખેડૂતો મોટા ભાગે તેમની જમીન પર બાજરા જેવા બરછટ અનાજ પેદા કરે છે, જ્યાં પાણીની સમસ્યા હોય છે અને જમીન બહુ ફળદ્રુપ હોતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, એનાથી ભારતની સાથે આખી દુનિયાને લાભ થશે.
પ્રધાનમંત્રીએ કેટલાંક પાકોની સામાન્ય જાતો થોડા સૂક્ષ્મ પોષક દ્રવ્યો ધરાવતી ન હોવાનું અને એટલે આ ઊણપની ભરપાઈ કરવા માટે બાયો-ફોર્ટિફાઇડ જાતો વિકસાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ઘઉં અને ડાંગર સહિત કેટલાંક સ્થાનિક અને પરંપરાગત પાકોની 17 બાયો-ફોર્ટિફાઇડ બિયારણની જાતો ઉપલબ્ધ છે, જે ખેડૂતોને આપવામાં આવે છે. આ પોષણ માટેના અભિયાનને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાભરના નિષ્ણાતોને કોરોના રોગચાળાને કારણે ભારતમાં ભૂખમરા અને કુપોષણની ચિંતા હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ચિંતાઓ વચ્ચે છેલ્લાં 7થી 8 મહિનાઓ દરમિયાન ભારતે 80 કરોડ ગરીબોને આશરે રૂ. 1.5 કરોડના મૂલ્યનું અનાજ નિઃશુલ્ક વહેંચ્યું છે, જેથી ગરીબો કુપોષણ અને ભૂખમરા સામે લડી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત ખાદ્ય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ હોવાથી રેશનમાં મસૂરની દાળ સાથે ચોખા કે ઘઉંને સામેલ કરવાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014 સુધી ખાદ્ય સુરક્ષા ધારો ફક્ત 11 રાજ્યોમાં અમલી હતો. વર્ષ 2014 પછી જ આ કાયદાનો અમલ સમગ્ર દેશમાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર દુનિયા કોરોનાના કારણે સંઘર્ષ કરી રહી છે, ત્યારે ભારતીય ખેડૂતોએ અનાજ કે ખાદ્યાન્નનું રેકોર્ડ ઉત્પાદન કર્યું છે અને સરકારે પણ ઘઉં, ડાંગર અને કઠોળ-દાળ જેવી ખાદ્યાન્નની ખરીદીમાં નવો રેકોર્ડ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સુધારાની પ્રક્રિયા સતત ચાલુ છે, જે આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પ્રત્યેની એની કટિબદ્ધતા દર્શાવે છે. તેમણે ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમની સરકારે કરેલા કૃષિલક્ષી વિવિધ સુધારાઓ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, એપીએમસી કાયદામાં સુધારાઓ કરવાનો આશય ભારતીય કૃષિ ક્ષેત્રને વધારે સ્પર્ધાત્મક બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાંક પગલાં એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યાં છે કે, ખેડૂતોને એમએસપી સ્વરૂપે દોઢ ગણો ભાવ મળે. એમએસપી અને સરકારી ખરીદી દેશની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. એટલે આ સુધારા ચાલુ રહે એ સ્વાભાવિક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાનાં ખેડૂતોને તાકાત આપીને, ખેડૂત ઉત્પાદક મંડળીઓ એટલે કે એફપીઓને તાકાત આપીને દેશમાં તેમનું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અનાજનો કચરો હંમેશા મોટી સમસ્યા બની જાય છે અને આવશ્યક ચીજવસ્તુઓના ધારામાં સુધારો આ સ્થિતિને બદલી નાંખશે. હવે સરકાર તેમજ ખાનગી કંપનીઓને ગામડાઓમાં વધારે સારી માળખાગત સુવિધાઓ ઊભી કરવાની વધારે તક મળશે.
એપીએમસી કાયદામાં સુધારા વિશે સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સુધારા પછી ખેડૂતો કોઈ પણ ખાનગી કંપની કે ઉદ્યોગ સાથે સમજૂતી કરશે, ત્યારે તેમને વાવેતર અગાઉ જ તેમની ઉપજના ભાવ નક્કી કરવાની સ્વતંત્રતા મળશે. એનાથી કિંમતની વધઘટ સાથે જોડાયેલી ચિંતામાંથી ખેડૂતોને મુક્તિ મળશે અને ખેતીવાડીમાં નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને વધારે વિકલ્પ આપવા ઉપરાંત સરકારે ખેડૂતોને કાયદેસર રક્ષણ પણ આપ્યું છે. જો ખેડૂત કોઈ પણ કારણસર સમજૂતી તોડવા ઇચ્છે, તો તેમને કોઈ પણ પ્રકારનો દંડ ચુકવવો નહીં પડે. પણ જો કોઈ કંપની કે ઉદ્યોગ ખેડૂત સાથે સમજૂતી તોડશે, તો તેમને દંડ ભરવો પડશે. તેમણે કહ્યું હતું કે, આ સમજૂતી ફક્ત પાકની ઉપજ સાથે સંબંધિત હશે અને એનાથી ખેડૂતની જમીન પર કોઈ પણ પ્રકારની કટોકટી પેદા નહીં થાય. આ રીતે એપીએમસી કાયદામાં સુધારાઓ કરીને ખેડૂતોને તમામ પ્રકારનું રક્ષણ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ સંબોધનના અંતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય ખેડૂતો તેમની આવક વધતા મજબૂત થશે, ત્યારે કુપોષણ સામેનું અભિયાન એટલું જ મજબૂત થશે. તેમણે ભારત અને એફએઓ વચ્ચે સમન્વય વધવાથી આ અભિયાનને વધારે વેગ મળશે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
SD/GP/BT
(Release ID: 1665297)
Visitor Counter : 501
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam