સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ સાજા થયેલાની સંખ્યાએ 60 લાખનું સીમાચિહ્ન પાર કર્યું


સળંગ 8 દિવસ સુધી 1000 કરતાં ઓછી સંખ્યામાં મૃત્યુ નોંધાયા

ટોચના પાંચ રાજ્યો જે સૌથી વધુ કેસનું ભરણ ધરાવે છે તેઓ કુલ સાજા થયેલા દર્દીઓમાં અડધાથી વધારેનું યોગદાન આપે છે

Posted On: 11 OCT 2020 11:35AM by PIB Ahmedabad

આજે ભારત વધુ એક નવી ઊંચાઇએ પહોંચ્યું છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 60 લાખના સીમાચિહ્નને (60,77,976) પાર કરી ગઇ છે.

દરરોજ ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક રિકવરીનો દર સતત ઊંચા સ્તરે નોંધાઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં નવા 89,154 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

દેશવ્યાપી વધારવામાં આવેલા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલનું ચુસ્ત પાલન અને ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તેમજ અગ્ર હરોળમાં રહીને કામ કરી રહેલા કામદારોના સંપૂર્ણ સમર્પણના કારણે દેશમાં દૈનિક મૃત્યુના આંકડામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કુલ સાજા થતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે.

સળંગ છેલ્લા આઠ દિવસથી નવા મૃત્યુ પામી રહેલા દર્દીઓની દૈનિક સંખ્યા 1000 કરતાં ઓછી નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 918 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 8,67,496 છે. સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી કુલ સક્રિય કેસોની સંખ્યા આઠ લાખ કરતાં ઓછી હતી.

રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 86.17% નોંધાયો છે.

ભારતમાં સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હવાથી સૌથી વધુ સાજા થયેલા દર્દીઓના સંદર્ભમાં ભારતે વૈશ્વિક સ્તરે અગ્રતા ક્રમ જાળવી રાખ્યો છે.

કુલ સાજા થયેલા દર્દીઓમાંથી અડધા કરતાં વધારે (54.3%) દર્દીઓ સૌથી વધુ કેસોનું ભારણ ધરાવતા ટોચના પાંચ રાજ્યો (61% સક્રિય કેસો)માંથી સાજા થયા છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 80% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને છત્તીસગઢમાંથી સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા મામલે મહારાષ્ટ્ર સૌથી ટોચે છે જ્યાં નવા 26,000 કરતાં વધારે દર્દી સાજા થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 74,383 નોંધાઇ છે.

નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોમાંથી 80% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ સંખ્યામાં નવા કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ છે. બંને રાજ્યોમાં કુલ મળીને નવા 11,000 પોઝિટીવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 918 દર્દી મૃત્યુ પામ્યા છે. નવા મૃત્યુ પામેલામાંથી 84% દર્દી 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.  

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 33% મૃત્યુ સાથે વધુ 308 દર્દીઓ ગઇકાલે મૃત્યુ પામ્યા હતા જ્યારે તે પછીના ક્રમે કર્ણાટકમાં 102 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

 

SD/GP/BT



(Release ID: 1663512) Visitor Counter : 145