પ્રધાનમંત્રીનું કાર્યાલય

75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 SEP 2020 7:48PM by PIB Ahmedabad

અધ્યક્ષ મહોદય,

સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.

અધ્યક્ષ મહોદય,

આજની તુલનામાં 1945ની દુનિયા ચોક્કસપણે ખૂબ જ અલગ હતી. સમગ્ર વિશ્વનું વાતાવરણ, સાધન અને સંપત્તિ સમસ્યાઓના ઉકેલ માટે કંઈક અલગ જ રીતે કામ કરી રહ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે વિશ્વ કલ્યાણની ભાવના સાથે જે સંસ્થાનું નિર્માણ થયું, જે સ્વરૂપે નિર્માણ થયું તે બધુ તે સમયની પરિસ્થિતિ અનુસાર થયું હતું. આજે આપણે બિલકુલ અલગ પરિસ્થિતિમાં છીએ. 21મી સદીમાં આપણાં વર્તમાનની, આપણાં ભવિષ્યની આવશ્યકતાઓ અને પડકારો કંઈક અલગ જ છે. એટલા માટે આજે હું સમગ્ર વૈશ્વિક સમુદાય સામે એક મોટો સવાલ રજૂ કરૂં છું કે જે સંસ્થાની રચના તે સમયની પરિસ્થિતિ મુજબ થઈ હતી તેનું સ્વરૂપ શું આજે પણ પ્રાસંગિક છે ? સદી બદલાતી જાય અને આપણે ના બદલાઈએ તો પરિવર્તનની તાકાત પણ કમજોર થઈ જતી હોય છે. જો આપણે વિતેલા 75 વર્ષના સંયુક્ત રાષ્ટ્રની સિદ્ધિઓ તરફ નજર માંડીએ તો આપણને એવા અનેક ઉદાહરણ જોવા મળશે કે જે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભીર મનોમંથનની જરૂરિયાત ઉભી કરે છે. એ વાત સાચી છે કે, એવું કહેવમાં આવે છે કે હજુ ત્રીજું વિશ્વ યુધ્ધ થયું નથી, પરંતુ એ બાબત નકારી શકાય તેમ નથી કે અનેક યુધ્ધ થયા છે, અનેક ગૃહ યુધ્ધો પણ થયા છે, અનેક આતંકી હુમલાઓએ સમગ્ર દુનિયાને ધ્રૂજાવી મૂકી છે અને લોહીની નદીઓ પણ વહાવી દીધી છે.

આ યુધ્ધમાં, આ ઘટનાઓમાં જે લોકો માર્યા ગયા હતા તે પણ આપણી જેમ માનવો જ હતા. એ લાખો માસૂમ બાળકો કે જેમણે દુનિયા પર છવાઈ જવું હતું, તે બાળકો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. અનેક લોકોને પોતાની જીવનભરની મિલકત ગુમાવવી પડી છે. પોતાના સપનાંને સાકાર કરવાની ભાવના ત્યજી દેવી પડી છે. એ સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો શું પૂરતા છે ? છેલ્લા 8- 9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. આ એક મહામારી સામે કામ પાર પાડવામાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે ? એક પ્રભાવશાળી પ્રતિભાવ ક્યાં છે ?

અધ્યક્ષ મહોદય,

સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં પરિવર્તન, વ્યવસ્થાઓમાં પરિવર્તન, સ્વરૂપમાં પરિવર્તન વગેરે આજના સમયની માંગ છે. સંયુક્ત રાષ્ટ્રને ભારતમાં જે સન્માન પ્રાપ્ત થયું છે તે સન્માન ઘણાં ઓછા દેશોને પ્રાપ્ત થયું હશે. તેને પૂરા થવામાં ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આજે ભારતના લોકોને એ બાબતની ચિંતા છે કે આ પ્રક્રિયા તેના તાર્કિક અંત સુધી કેટલા સમયમાં પહોંચશે. આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણય કરનારા માળખાથી અલગ રાખવામા આવશે ? ભારત એક એવો દેશ કે જયાં દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. એક એવો દેશ કે જ્યાં વિશ્વના 18 ટકા કરતાં વધુ લોકો નિવાસ કરે છે, એક એવો દેશ કે જ્યાં સેંકડો ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે, અનેક પંથ છે, અનેક વિચારધારાઓ છે. જે દેશને સેંકડો વર્ષો સુધી વિશ્વની અર્થ વ્યવસ્થાને નેતૃત્વ કરવામાં અને તેને સેંકડો વર્ષો સુધી ગુલામી, બંનેમાં જીવવું પડ્યું છે.

અધ્યક્ષ મહોદય,

અમે જ્યારે મજબૂત હતા ત્યારે પણ અમે દુનિયાને કોઈ સતામણી કરી નથી. અમે જ્યારે મજબૂર હતા ત્યારે દુનિયા પર કોઈ બોજ નાંખ્યો નથી.

અધ્યક્ષ મહોદય,

જે દેશમાં થઈ રહેલા પરિવર્તનોની અસર દુનિયાના ઘણાં મોટા ભાગ પર પડે છે તે દેશે ક્યાં સુધી પ્રતિક્ષા કરવી પડશે ?

અધ્યક્ષ મહોદય,

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જે આદર્શો સાથે કરવામાં આવી હતી તે અને ભારતની મૂળભૂત વિચારધારા, બંને એક બીજા સાથે ખૂબ જ મળતી આવે છે, અલગ નથી. સંયુક્ત રાષ્ટ્રના આ હોલમાં વસુધૈવ કુટમ્બકમ જેવો શબ્દ અનેક વખત ગૂંજી ચૂક્યો છે. અમે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ. અમારી આ સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારધારાનો એક હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે હંમેશા વિશ્વ કલ્યાણને અગ્રતા આપી છે. ભારત એ દેશ છે કે જેણે શાંતિની સ્થાપના માટે આશરે 50 જેટલા શાંતિ મિશનમાં પોતાના બહાદુર સૈનિકોને મોકલી આપ્યા હતા. ભારત એવો દેશ છે કે જેણે શાંતિની સ્થાપના માટે પોતાના અનેક વીર સૈનિકો ગુમાવ્યા છે. આજે પ્રત્યેક ભારતવાસી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું યોગદાન જોઈને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની વ્યાપક ભૂમિકા જોઈ રહ્યો છે.

અધ્યક્ષ મહોદય,

2 ઓક્ટોબરને અહિંસા અંગેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે અને 21 જૂનને ઈન્ટરનેશનલ યોગ દિવસ તરીકે મનાવાય છે. આ બંનેની પહેલ ભારતે કરી હતી. આપત્તિ સામે ટકી શકે તેવી માળખાગત સુવિધાઓ (કોએલિએશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) અને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ એ પણ ભારતનો જ પ્રયાસ છે. ભારતે હંમેશા સમગ્ર માનવજાતના હિત અંગે જ વિચાર કર્યો છે, નહીં કે પોતાના અંગત સ્વાર્થ બાબતે. ભારતની નીતિઓ હંમેશા આ વિચારધારા આધારિત રહી છે. ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીથી માંડીને એક્ટ ઈસ્ટ પોલિસી સુધી આ ક્ષેત્રમાં સૌને માટે સલામતી અને વિકાસની ભાવના વ્યક્ત થઈ છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્ર અંગેના અમારા વિચારોમાં પણ સૌને આ વિચારધારાની ઝલક વર્તાતી રહી છે. ભારતની ભાગીદારીના માર્ગદર્શક સિધ્ધાંતો પણ આ જ સિધ્ધાંત નક્કી કરે છે. ભારત જ્યારે કોઈની સામે મિત્રતાનો હાથ લંબાવે છે ત્યારે તે મિત્રતા કોઈ ત્રીજા પક્ષકારની વિરુદ્ધમાં હોતી નથી. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે ત્યારે એ ભાવના પાછળ કોઈ સાથી દેશને મજબૂર કરવાની ભાવના કામ કરતી નથી. અમે અમારી વિકાસ યાત્રામા પ્રાપ્ત થયેલા અનુભવોનું આદન- પ્રદાન કરવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી.

અધ્યક્ષ મહોદય,

મહામારીના આ મુશ્કેલ સમયમાં ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીએ 150 કરતાં વધુ દેશોને આવશ્યક દવાઓ પહોંચાડી છે. વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશ તરીકે આજે પણ હું વિશ્વના સમુદાયને એવું આશ્વાસન પૂરૂં પાડવા માંગુ છું કે ભારતની રસી ઉત્પાદન અને રસી પહોંચાડવાની ક્ષમતા સમગ્ર માનવજાતને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામમાં આવવાની છે. અમે ભારતમાં અને અમારી પડોશમાં ક્લિનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કા તરફ પહોંચી રહ્યા છીએ. રસીની ડિલીવરી માટે કોલ્ડચેઈન અને સંગ્રહની ક્ષમતા વધારીને ભારત સૌને મદદ કરશે.

અધ્યક્ષ મહોદય,

આવતા વર્ષે જાન્યુઆરી માસમાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવશે. દુનિયાના અનેક દેશોએ ભારત પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ સાથી દેશોનો આભાર માનું છું. વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હોવાની પ્રતિષ્ઠા અને તેના અનુભવનો અમે દુનિયાના હિત માટે ઉપયોગ કરીશું. અમારો માર્ગ જન કલ્યાણથી જગ કલ્યાણ સુધીનો છે. ભારતનો અવાજ હંમેશા શાંતિ, સુરક્ષા અને સમૃધ્ધિ માટે ગાજતો રહેશે. ભારતનો અવાજ માનવતા, માનવ જાતિ અને માનવીય મૂલ્યોના દુશ્મન- આતંકવાદ, હથિયારોની ગેરકાનૂની તસ્કરી, ડ્રગ્ઝ, મનીલોન્ડરીંગ વગેરેની વિરૂધ્ધમાં હંમેશા ગાજતો રહેશે. ભારતનો સાંસ્કૃતિક વારસો, સંસ્કાર, હજારો વર્ષોનો અનુભવ હંમેશા વિકાસશીલ દેશોને તાકાત આપતો રહેશે. ભારતનો અનુભવ, ભારતની ઉતાર- ચઢાવ ભરેલી વિકાસ યાત્રા વિશ્વ કલ્યાણના માર્ગને મજબૂત કરશે.

અધ્યક્ષ મહોદય,

વિતેલા થોડાંક વર્ષોમાં રિફોર્મ- પર્ફોર્મ- ટ્રાન્સફોર્મના આ મંત્રએ કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. આ અનુભવ વિશ્વના અનેક દેશો માટે એટલો જ ઉપયોગી છે, જેટલો અમારા માટે છે. માત્ર ચારથી પાંચ વર્ષના ગાળામાં 400 મિલિયન કરતાં વધુ લોકોને બેંકીંગ પધ્ધતિ સાથે જોડવાનું કામ આસાન ન હતું, પરંતુ ભારતે આ કામ કરી બતાવ્યું છે. આજે ભારતનો સમાવેશ ડીજીટલ વ્યવહારો બાબતે દુનિયાના અગ્રણી દેશોમાં થાય છે. છેલ્લા માત્ર 4 થી 5 વર્ષના ગાળામાં 600 મિલિયન લોકોને ખૂલ્લામાં હાજતે જવામાંથી મુક્તિ આપવાનું કામ પણ આસાન ન હતું, પરંતુ ભારતે તે કામ કરી બતાવ્યું છે. માત્ર બે થી ત્રણ વર્ષના ગાળામાં 500 મિલિયન લોકોને મફત સારવારની સુવિધા સાથે જોડવાનું કામ પણ આસાન ન હતું, પરંતુ ભારતે તે કરી બતાવ્યું છે. આજે ભારત ડીજીટલ વ્યવહારોની દુનિયામાં વિશ્વમાં મોખરે છે. આજે ભારત પોતાના કરોડો નાગરિકોને ડીજીટલ સંપર્ક પૂરો પાડીને શક્તિકરણ અને પારદર્શકતા સુનિશ્ચિત કરી રહ્યો છે. આજે ભારત વર્ષ 2025 સુધીમાં તેના દરેક નાગરિકને ટીબીથી મુક્ત કરવા માટેનું અભિયાન ચલાવી રહ્યો છે. હાલમાં ભારતે પોતાના ગામડાંઓમાં 150 મિલિયન ઘરમાં પાઈપથી પીવાનું પાણી પૂરૂ પાડવાની ઝૂંબેશ ચલાવી રહ્યો છે. થોડાંક દિવસ પહેલાં જ ભારતે પોતાના 6 લાખ ગામડાંઓને બ્રોડબેન્ડ ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવાની ખૂબ મોટી યોજનાની શરૂઆત કરી છે.

અધ્યક્ષ મહોદય,

મહામારી પછી, જે સ્થિતિ ઉભી થઈ તેની વચ્ચે અમે ‘આત્મનિર્ભર’ ભારતનું વિઝન લઈને આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત અભિયાન એ વિશ્વના અર્થતંત્ર માટે પણ અનેક પ્રકારે બળ પૂરૂં પાડનારૂં એક પરિબળ બની રહેશે. ભારતે આજે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તમામ યોજનાઓના લાભ, કોઈપણ ભેદભાવ વગર દરેક નાગરિક સુધી પહોંચે. આજે દુનિયાની સૌથી મોટી માઈક્રો ફાયનાન્સીંગની યોજનાનો સૌથી વધુ લાભ ભારતની મહિલાઓને મળી રહ્યો છે. ભારતનો સમાવેશ દુનિયાના એવા દેશોમાં થાય છે કે જ્યાં મહિલાઓને 26 સપ્તાહની પેઈડ મેટર્નીટી રજાઓનો લાભ મળે છે. ભારતમાં ટ્રાન્સજેન્ડર્સના અધિકારોને સુરક્ષા આપવા માટે પણ કાનૂની ફેરફાર કરવામાં આવ્યા છે.

અધ્યક્ષ મહોદય,

ભારત વિશ્વ પાસેથી શીખીને, વિશ્વને પોતાના અનુભવો વહેંચતા રહીને આગળ વધવા માંગે છે. મને એ બાબતે વિશ્વાસ છે કે પોતાના 75 વર્ષ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને તેના તમામ સભ્ય દેશો આ મહાન સંસ્થાની પ્રાસંગિકતા જાળવી રાખવા માટે કટિબધ્ધ બનીને કામ કરતા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં સમતુલા અને સંયુક્ત રાષ્ટ્રનું સશક્તિકરણ, વિશ્વ કલ્યાણ માટે એટલું જ અનિવાર્ય છે. આવો, સંયુક્ત રાષ્ટ્રના 75મા વર્ષ પ્રસંગે આપણે સૌ સાથે મળીને પોતાની જાતને વિશ્વ કલ્યાણ સાથે જોડીએ. અને વધુ એક વખત પોતાને સમર્પિત કરવા માટેનું વચન લઈએ.

ધન્યવાદ !

 

SD/GP/BT


(Release ID: 1659452) Visitor Counter : 681