પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો


ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠે વિવિધ ફિટનેસ ઉત્સાહિતો સાથે વાર્તાલાપ કર્યો

ફિટ ઇન્ડિયા સંવાદમાં દરેક વયજૂથના લોકોની ફિટનેસની રુચિઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ફિટનેસના અલગ-અલગ આયામોને આવરી લે છે: પ્રધાનમંત્રી

Posted On: 24 SEP 2020 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગના માધ્યમથી ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો હતો.

શ્રી મોદીએ આ પ્રસંગે યોજવામાં આવેલા ફિટ ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતવીરો, ફિટનેસના નિષ્ણાતો અન્ય લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદ પ્રાસંગિક અને અનૌપચારિક રીતે યોજાયો હતો જ્યાં સહભાગીઓએ પ્રધાનમંત્રી સાથે તેમના જીવનના અનુભવો અને તેમના ફિટનેસના મંત્રનું આદાનપ્રદાન કર્યું હતું.

 

જેવલીન થ્રોઅરમાં પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

પ્રધાનમંત્રીએ વિવિધ વર્લ્ડ પેરાલિમ્પિક કાર્યક્રમોમાં ભારતની કિર્તી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા બદલ શ્રી દેવેન્દ્ર ઝાઝરિયાની ખૂબ પ્રશંસા કરી હતી. તેઓ કેવી રીતે પોતાના જીવનમાં આવેલા પડકારોમાંથી બહાર આવ્યા અને વિશ્વ વિખ્યાત એથલેટ બન્યા તે અંગે પ્રધાનમંત્રીએ તેમને પૂછપરછ કરી હતી.

દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક શૉક લાગવાથી તેમણે એક હાથ ગુમાવ્યો ત્યારબાદ તેમના જીવનમાં કપરો સમય શરૂ થયો હતો. તેમણે કેવી રીતે એક સામાન્ય બાળક તરીકે વર્તન કરવું અને ફિટનેસ માટે કામ કરવું તે અંગે તેમની માતા પાસેથી મળેલી પ્રેરણા અંગે વિગતે વાત કરી હતી.

તાજેતરમાં તેમને ખભામાં થયેલી ઇજાનો તેમણે કેવી રીતે સામનો કર્યો અને કેવી રીતે રમતમાંથી નિવૃત્ત થવાના તેમના વિચારમાંથી કેવી રીતે બહાર આવ્યા તે અંગે પ્રધાનમંત્રીએ કરેલા પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવ્યું હતું કે, માનસિક અને શારીરિક પડકારોમાંથી બહાર આવવા માટે કોઈપણ વ્યક્તિએ સૌથી પહેલા તો પોતાની જાત પર ભરોસો કરવો પડે છે.

તેમણે કેટલીક શારીરિક કસરતો બતાવી હતી અને તેમણે ઇજાના સમય દરમિયાન ફિટનેસ માટે જે નિયમોનું પાલન કર્યું હતું તેના વિશે ચર્ચા કરી હતી.

આવું પ્રેરણાદાયક કામ કરવા બદલ પ્રધાનમંત્રીએ આ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાની પ્રશંસા કરી હતી અને તેમની માતાએ 80 વર્ષની ઉંમરે પણ પોતાની શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે તે બદલ તેમના વખાણ કર્યા હતા.

 

ફુટબોલની ખેલાડી અફસાન આશિક સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

જમ્મુ અને કાશ્મીરની રહેવાસી ફુલબોલની ગોલકીપરે જણાવ્યું હતું કે, દરેક મહિલા પોતાને તંદુરસ્ત રાખે તે જરૂરી છે કારણ કે તે પરિવારમાં એક માતા અને પાલક બંનેની ભૂમિકા નિભાવે છે. તેણે એમ.એસ. ધોનીની શાંત ચિત્ત સાથે કામ કરવાની શૈલી પરથી મળેલી પ્રેરણા અને કેવી રીતે તે પોતાની જાતને શાંત અને એકચિત્ત રાખવા માટે દરરોજ સવારે મેડિટેશન કરે છે તે અંગે આ ચર્ચા દરમિયાન વિગતે વાત કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના લોકો અત્યંક કઠોર હવામાનની સ્થિતિમાં પોતાને તંદુરસ્ત રાખવા માટે કઈ પંરપરાગત રીતો અપનાવે છે તે અંગે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું. અફસાને કેવી રીતે તેઓ પર્વતારોહણ કરે છે અને કેવી રીતે તેમનું તંદુરસ્તીનું સ્તર વધારે છે તે અંગે ચર્ચા કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના લોકો ઊંચાઇએ રહેતા હોવાથી તેમના ફેફસાની ક્ષમતા ઘણી સારી હોય છે અને તેઓ અન્ય કોઇપણ જગ્યાએ શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાય ત્યારે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થતી નથી.

અફસાને એક ગોલકીપર તરીકે તેણે કેવી રીતે માનસિક એકાગ્રતા જાળવવી પડે છે અને શારીરિક રીતે લવચિકતા રાખવી પડે છે તે અંગે પણ વિગતે ચર્ચા કરી હતી.

 

અભિનેતા અને મોડેલ મિલિંદ સોમન સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

મિલિંદ સોમનને ‘મેડ ઇન ઇન્ડિયા મિલિંદ’ તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની એક અનોખી શૈલીમાં જ મેક ઇન ઇન્ડિયાના મૌખિક સમર્થક છે. મિલિંદ સોમને જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના કારણે લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ આવી છે, તેઓ હવે પોતાની શારીરિક અને માનસિક મજબૂત અંગે જાગૃત થયા છે. તેમણે પોતાની માતાની તંદુરસ્તી અંગે ચર્ચા કરી હતી. સોમને જણાવ્યું હતું કે, જુના જમાનાના લોકો ઘણા તંદુરસ્ત હતા અને તેઓ ગામડાઓમાં પાણી લેવા માટે 40-45 કિમી જેટલુ ચાલતા હતા. પરંતુ વર્તમાન સમયમાં, શહેરોમાં ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ હોવાથી, આપણે બેઠાડું જીવન જીવવા લાગ્યા છીએ અને તેના કારણે સંખ્યાબંધ સમસ્યાઓને નોંતરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું તું કે, તંદુરસ્તીને કોઇ ઉંમર સાથે લેવાદેવા હોતા નથી અને મિલિંદ સોમનના માતા 81 વર્ષની વયે પણ પુશ અપ્સ સહિતની કસરતો કરીને પોતાની તંદુરસ્તી જાળવી રાખે છે તે બદલ તેમની પ્રશંસા કરી હતી.

મિલિંદ સોમને જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પોતાની પાસે જે કંઇપણ હોય તેનો ઉપયોગ કરીને પોતાને તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકે છે, તેમનામાં માત્ર આત્મવિશ્વાસ હોવો જોઇએ અને આમ કરવાનો મનમાં દૃઢ નિર્ધાર હોવો જોઇએ.

મિલિંદે પ્રધાનમંત્રીને સવાલ કર્યો હતો કે, લોકો તેમની ટિકા કરે છે તેનો કેવી રીતે તેઓ સામનો કરો છે? આ અંગે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, સંપૂર્ણ સમર્પણની ભાવના, દરેક વ્યક્તિની સેવા કરવાની લાગણી અને ફરજની નિષ્ઠા સાથે કોઈપણ કામ કરવામાં આવે તો તેનાથી જરાય તણાવ લાગતો નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મકતા એ વિચારસરણીની સ્વસ્થ રીતનું પ્રતીક છે પરંતુ કોઈપણ વ્યક્તિ બીજા સાથે હોડમાં ઉતરવાના બદલે પોતાની જાત સાથે સ્પર્ધા કરવી જોઈએ.

 

પોષણ નિષ્ણાત ઋજુતા દિવાકર સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

ઋજુતા દિવાકરે જુના જમાનાની ભોજનની રીતભાતો એટલે કે દાળ-ભાત અને ઘી ખાવાની સંસ્કૃતિ ફરી અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે સ્થાનિક ઉપજો ખાઇએ તો, આપણા ખેડૂતો અને આપણા સ્થાનિક અર્થતંત્રને પણ લાભ થશે. વોકલ ફોર લોકલનો અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ અંગે વાત કરી હતી જેમાં લોકો હવે કેવી રીતે ઘી બનાવવું તે શીખી રહ્યાં છે અને હળદરવાળા દૂધનું મહત્વ પણ તેમને સમજાઇ રહ્યું છે.

દિવાકરે જેનાથી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે એવા કોઇપણ ખોરાકથી દૂર રહેવાની વાત કરી હતી. દરેક પ્રાંતનો એક વિશેષ ખોરાક હોય છે અને ઘરનું ભોજન હંમેશા મદદરૂપ નીવડે છે છે. જો આપણે પેકિંગમાં મળતા અને પ્રસંસ્કરણ કરેલા ખાદ્ય પદાર્થો ખાવાનું બંધ કરીને ઘરે બનાવેલું ભોજન વધારે લઇશું તો, આપણે સરળતાથી સંખ્યાબંધ લાભો મેળવી શકીએ છીએ.

 

સ્વામી શિવધ્યાનમ સરસ્વતી સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

સ્વામી શિવધ્યાનમ સરસ્વતીએ જણાવ્યું હતું કે, તેમણે ખૂબ જ જાણીતી ઉક્તિ सर्वजन हिताय, सर्वजन सुखाय પરથી પ્રેરણા મેળવી છે જેનો અર્થ છે ‘સૌનું કલ્યાણ થાય, સૌ ખુશ રહે.’

તેમણે પોતાના ગુરુઓએ વિશે અને યોગનો પ્રચાર કરવા માટે તેમની પાસેથી મળેલી પ્રેરણા વિશે વાત કરી હતી. તેમણે પ્રાચીન કાળમાં ગુરુકુળમાં અનુસરવામાં આવતી ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે પરંપરામાં વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું.

તેમણે યોગને માત્ર એક કસરત નહીં પરંતુ જીવન જીવવાની એક રીત ગણાવ્યા હતા જેનો પ્રારંભ ગુરુકુળના દિવસોમાં થયો હતો.

પ્રધાનમંત્રીએ બદલાતી જીવનશૈલી અનુસાર યોગમાં અનુકૂલનતાઓ લાવવા અંગે ચર્ચા કરી હતી.

 

વિરાટ કોહલી સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

પ્રધાનમંત્રીએ વિરાટ કોહલી સાથે તેમના ફિટનેસ રૂટિન અંગે વાર્તાલાપ કર્યો હતો. વિરાટે જણાવ્યું હતું કે, તમારી શારીરિક મજબૂતીની સાથે સાથે માનસિક મજબૂતી પણ આવે છે.

દિલ્હીના પ્રખ્યાત છોલે-ભટૂરે તેમણે કેવી રીતે છોડી દીધા તેવો પ્રશ્ન પ્રધાનમંત્રીએ કરતા વિરાટે જવાબમાં, શિસ્તપૂર્ણ ડાયેટ સાથે ઘરે બનાવેલા સાદા ભોજનથી ફિટનેસનું સ્તર વધારવામાં મળતી મદદ અંગે વિગતે વાત કરી હતી.

શ્રી મોદીએ કેલરી લેવાનું કેવી રીતે જાળવી રાખવું તે અંગે ચર્ચા કરી હતી. વિરાટે જણાવ્યું હતું કે, પચ્યા વગરના ખોરાકની પ્રક્રિયા કરતા શરીરને અમુક સમય જોઈએ છે. પ્રધાનમંત્રીએ યોયો ટેસ્ટ અંગે વાત કરી હતી અને ફિટનેસ કલ્ચરમાં તે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જ્યારે વિરાટને સવાલ કર્યો કે શું તમને ક્યારેય થાક નથી લાગતો ત્યારે વિરાટે જણાવ્યું હતું કે, પૂરતી ઊંઘ, ભોજન અને તંદુરસ્તી હોય તો સપ્તાહના ચાલુ દિવસોમાં શરીર ફરી તેની જરૂરિયાતની ઉર્જા પ્રાપ્ત કરી લે છે.


શિક્ષણવિદ મુકુલ કાનિટકર સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

મુકુલ કાનિટકરે જણાવ્યું હતું કે, ફિટનેસ એ માત્ર શરીર માટે જ નહીં પરંતુ માનસિક અને શારીરિક તંદુરસ્તી માટેની પણ પરિકલ્પના છે. તેમણે આરોગ્ય સંબંધિત સંસ્કૃતિનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. સૂર્ય નમસ્કાર કરવાની લોકોને સલાહ આપવા તેમણે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે તંદુરસ્ત વ્યક્તિ વચ્ચેનો સંવાદ ગણાવ્યો હતો.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020માં ફિટનેસને અભ્યાસક્રમના હિસ્સા તરીકે સમાવવા બદલ અને દરેક વ્યક્તિને ફિટ ઇન્ડિયાની દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપવા બદલ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિટનેસ એ મન (લાગણી), બુદ્ધિ (જ્ઞાન) અને ભાવના (વિચારો)નું સંયોજન છે.

 

સમાપનમાં પ્રધાનમંત્રીએ કરેલા નિવેદનો 

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા સંવાદમાં દરેક વયજૂથના લોકોની ફિટનેસની રુચિઓ અંગે વાર્તાલાપ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ફિટનેસના અલગ અલગ પરિમાણો પર આધારિત છે.

શ્રી મોદીએ એ તથ્યો પર પ્રકાશ પાડ્યો હતો કે, ફિટનેસ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કર્યા પછી દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ફિટનેસ તરફ વળી રહ્યાં છે. લોકોમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગેની જાગૃતિ સતત વધી રહી છે અને સક્રિયતામાં પણ વધારો થયો છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, યોગ, કસરત, ચાલવુ, દોડવું, આરોગ્યપ્રદ ભોજનની આદતો, આરોગ્યપ્રદ જીવનશૈલી હવે આપણી સજાગતાનો હિસ્સો બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા ચળવળે કોરોનાના સમયમાં અનેક પ્રતિબંધો વચ્ચે પણ તેનો પ્રભાવ અને સાંદર્ભિકતા પૂરવાર કરી બતાવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત રહેવું એ કેટલાક લોકો વિચારી રહ્યાં છે એટલું અઘરું કામ નથી. જો થોડી શિસ્ત પાળવામાં આવે અને થોડો પરિશ્રમ કરવામાં આવે તો, હંમેશા તંદુરસ્ત રહી શકાય છે. તેમણે દરેકના આરોગ્ય માટે ‘ફિટનેસ ડોઝ, અડધો કલાક રોજ’ મંત્ર આપ્યો હતો. તેમણે દરેક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગ કરવાનો અથવા બેડમિંટન, ટેનિસ અથવા ફુટબોલ, કરાટે અથવા કબડ્ડી જેવી રમત રમવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે યુવા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયે સાથે મળીને ફિટનેસ પ્રોટોકોલ બહાર પાડ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાઇ ગઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠન – WHOએ ડાયેટ, શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્ય અંગે વૈશ્વિક વ્યૂહનીતિ તૈયાર કરી છે. તેમણે શારીરિક પ્રવૃત્તિઓ અંગે વૈશ્વિક ભલામણો પણ બહાર પાડી છે. આજે ઑસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટન અને અમેરિકા જેવા સંખ્યાબંધ દેશોએ ફિટનેસ માટેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે અને તેના પર કામ કરી રહ્યાં છે. આવા દેશોમાં સાથે સાથે ખૂબ જ મોટાપાયે અભિયાનો ચલાવવામાં આવે છે અને વધુને વધુ નાગરિકો દૈનિક કસરતના રૂટિનમાં જોડાઇ રહ્યાં છે.

 

SD/GP/BT



(Release ID: 1658852) Visitor Counter : 301