કૃષિ મંત્રાલય
સંસદમાં ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 તથા કિંમતની ખાતરી પર ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા
આ કાયદાઓમાં ખેડૂતોના તમામ હિતો જાળવવામાં આવ્યાં છે; આદરણીય પ્રધાનમંત્રીએ પોતે ખાતરી આપી છે કે, એમએસપી પર ખરીદી ચાલુ રહેશે – કેન્દ્રીય કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર
Posted On:
20 SEP 2020 2:13PM by PIB Ahmedabad
આજે સંસદમાં દેશમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેનો ઉદ્દેશ ધરાવતા બે બિલ પસાર થઈ ગયા હતા. લોકસભામાં 17 સપ્ટેમ્બર, 2020ના રોજ ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 અને કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર થયા હતા અને રાજ્યસભામાં પણ આજે આ બંને બિલ પસાર થઈ ગયા હતા. આ બંને બિલ લોકસભામાં 14 સપ્ટેમ્બર, 2020ના રોજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રસ્તુત કર્યા હતા, જેના સંબંધમાં 5 જૂન, 2020ના રોજ વટહુકમો બહાર પાડવામાં આવ્યાં હતાં. હવે આ બંને કાયદાઓએ વટહુકમનું સ્થાન લીધું હતું.
આ બંને બિલ પર શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં છ વર્ષમાં કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવામાં આવ્યાં છે, જે ખેડૂતોને તેમના ખેતપેદાશ માટે લાભદાયક કિંમતો મળે તેમજ ખેડૂતોની આવક અને જીવનધોરણ સુધરે એ સુનિશ્ચિત કરે છે. તેમણે ફરી વાર સ્પષ્ટતા કરી હતી કે, લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થા ચાલુ જ રહશે, આ અંગે આદરણીય પ્રધાનમંત્રીએ પોતે ખાતરી આપી છે, વર્ષ 2014થી વર્ષ 2020 દરમિયાન એમએસપીમાં નોંધપાત્ર વધારો થયો છે તથા આગામી રવિ સિઝન માટે એમએસપી આગામી અઠવાડિયામાં જાહેર થશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આ કાયદાઓમાં ખેડૂતોના હિતો જળવાઈ રહે એ માટેની સંપૂર્ણ સુનિશ્ચિતતા કરવામાં આવી છે.
ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020
મુખ્ય જોગવાઈઓ –
- નવો કાયદો એક ઇકોસિસ્ટમ ઊભી કરશે, જેમાં ખેડૂતો અને વેપારીઓને કૃષિ ઉત્પાદનનું વેચાણ અને ખરીદી કરવાની પસંદગી મળશે.
- આ કાયદો રાજ્યો વચ્ચે અને રાજ્યોની અંદર અવરોધમુક્ત વેપારને પ્રોત્સાહન આપશે. વળી ખેડૂતો રાજ્ય કૃષિ ઉત્પાદન વેચાણ કાયદા અંતર્ગત અધિસૂચિત બજારોના સંકુલની બહાર પણ તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકશે
- ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવા બદલ કોઈ સેસ કે વેરો ભરવો નહીં પડે અને કોઈ પણ પ્રકારના પરિવહન ખર્ચનું વહન નહીં કરવું પડે
- બિલમાં ઇલેક્ટ્રોનિક રીતે સતત વેચાણ સુનિશ્ચિત કરવા માટે નાણાકીય વ્યવહાર માટેના પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે
- મંડીઓ ઉપરાંત ખેતર, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ યુનિટ વગેરે પર વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે
- ખેડૂતો તેમના ખેતપેદાશોનું સીધું વેચાણ કરી શકશે, જેથી તેમને સારામાં સારું મૂલ્ય મળશે અને વચેટિયાઓ દૂર થશે.
શંકા –
- લઘુતમ ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જશે
- જો કૃષિ ઉત્પાદનનું વેચાણ એપીએમસી બજારો બહાર કરવામાં આવશે, તો એપીએમસીની કામગીરી બંધ થઈ જશે
- ઇ-નામ જેવી સરકારી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલનું ભવિષ્ય શું રહેશે?
સ્પષ્ટતા –
- લઘુતમ ટેકાના ભાવે ખરીદી જળવાઈ રહેશે, ખેડૂતો એમએસપી દરે તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે, આગામી અઠવાડિયામાં રવિ સિઝન માટે એમએસપીની જાહેરાત થશે
- બજારો કામ કરતા બંધ નહીં થાય, વેપાર અગાઉની જેમ જળવાઈ રહેશે આ નવી વ્યવસ્થા અંતર્ગત ખેડૂતોને બજારો ઉપરાંત અન્ય સ્થળો પર તેમના ઉત્પાદનનું વેચાણ કરવાનો વિકલ્પ મળશે
- ઇ-નામ ટ્રેડિંગ સિસ્ટમ બજારોમાં પણ જળવાઈ રહેશે
- ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ખેતપેદાશનો વેપાર વધશે. એનાથી પારદર્શકતામાં વધારો થશે અને સમય બચશે
કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020
મુખ્ય જોગવાઈઓ –
- નવો કાયદો ખેડૂતોને પ્રોસેસર્સ, હોલસેલર્સ, એગ્રીગેટર્સ, મોટા રિટેલર્સ, નિકાસકારો વગેરે સાથે સમજૂતી કરવા સક્ષમ બનાવશે, જેથી તેમને સ્પર્ધા કરવા સમાન તક મળશે. ખેડૂતોને પાકની લણણી અગાઉ સુનિશ્ચિત કિંમત મળશે. બજારમાં વધારે કિંમતના કેસમાં ખેડૂતોને લઘુતમ કિંમતથી વધારે કિંમત મેળવવાનો અધિકાર મળશે
- એનાથી બજારનાં વલણનું જોખમ ખેડૂતને બદલે પ્રાયોજક પર રહેશે. અગાઉથી કિંમત નક્કી થવાને કારણે ખેડૂતોને બજારકિંમતમાં વધારા અને ઘટાડાથી રક્ષણ મળશે
- આ ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, શ્રેષ્ઠ બીજ અને અન્ય ગુણવત્તાયુક્ત કાચો માલ મેળવવા પણ સક્ષમ બનાવશે
- એનાથી ખેડૂતો માટે માર્કેટિંગના ખર્ચમાં ઘટાડો થશે, પરિણામે એમની આવકમાં વધારો થશે
- સમાધાન માટે સ્પષ્ટ સમયરેખા માટે અસરકાર રીતે વિવાદનું નિવારણ કરવા માટેની વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી છે
- કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને નવી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવશે
શંકા –
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતો દબાણ હેઠળ રહેશે અને તેઓ નિર્ધારિત કિંમત મેળવી નહીં શકે
- નાનાં ખેડૂતો કેવી રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે, પ્રાયોજકો તેમની સાથે આ પ્રકારની સમજૂતી નહીં કરે
- નવી વ્યવસ્થા ખેડૂતો માટે સમસ્યારૂપ બનશે
- જો વિવાદ થશે, તો મોટી કંપનીઓને ફાયદો થશે
સ્પષ્ટતા –
- ખેડૂત ખેતપેદાશ માટે તેમની પસંદગીની વેચાણકિંમત નક્કી કરવા કોન્ટ્રાક્ટમાં સંપૂર્ણ અધિકાર ધરાવશે. તેમને મહત્તમ 3 દિવસની અંદર ચુકવણી થઈ જશે
- દેશભરમાં 10000 ખેડૂત ઉત્પાદન મંડળીઓ (એફપીઓ)ની રચના થઈ છે. આ એફપીઓ નાનાં ખેડૂતોને એક મંચ પર લાવશે અને ખેતપેદાશ માટે વળતરદાયક કિંમત સુનિશ્ચિત કરવા કામ કરશે
- સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ખેડૂતને વેપારીઓ સુધી ઉત્પાદન પહોંચાડવાની જરૂર નહીં પડે. ખરીદી કરનાર ઉપભોક્તા ખેતરમાંથી ઉપજને સીધી લઈ જશે
- વિવાદના સ્થિતિસંજોગોમાં અવારનવાર કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1657019)
Visitor Counter : 1171
Read this release in:
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam