પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો


દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ કરાયો હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું

આ યોજના દ્વારા માછલીના ઉત્પાદકોને નવી માળખાકીય સુવિધા, આધુનિક ઉપકરણો અને નવા બજારો આપવામાં આવશે: પ્રધાનમંત્રી

આગામી 3 થી 4 વર્ષમાં માછલીની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક: પ્રધાનમંત્રી

Posted On: 10 SEP 2020 3:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે શરૂ થયેલી આ તમામ યોજનાઓ પાછળનો આશય આપણા ગામડાઓનું ઉત્થાન કરવાનો અને 21મી સદીમાં ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાનો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મત્સ્ય સમ્પદા યોજના પણ આ જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના દેશના 21મા રાજ્યમાં રૂ. 20,000 કરોડના રોકાણ સાથે શરૂ કરવામાં આવી છે. આ રોકાણ આગામી 4થી 5 વર્ષમાં કરવામાં આવશે. એમાંથી આજે રૂ. 1700 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ શરૂ થયા છે.

તેમણે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત પટણા, સીતામઢી, મઘેપુરા, કિશનગંજ અને સમસ્તીપુરમાં ઘણી સુવિધાઓનું ઉદ્ઘાટન થયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજના નવી માળખાગત સુવિધાઓ, આધુનિક ઉપકરણ પ્રદાન કરશે તથા મત્સ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓના ઉત્પાદકોને નવા બજારોની પહોંચ પ્રદાન કરશે તેમજ કૃષિ અને અન્ય માધ્યમો દ્વારા તેમના માટે આજીવિકા અને રોજગારી માટેની તકોમાં વધારો થશે.

તેમણે કહ્યું હતું કે, આઝાદી પછી પહેલી વાર દેશમાં મત્સ્ય ક્ષેત્ર માટે આટલી મોટી યોજના શરૂ થઈ છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, આ ક્ષેત્રના મહત્ત્વને ધ્યાનમાં રાખીને અને મત્સ્યપાલન સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓનું ખાસ સમાધાન કરવા ભારત સરકારમાં એક અલગ મંત્રાલયની રચના કરવામાં આવી છે. આ મંત્રાલય મત્સ્યપાલન અને વેચાણ જેવી કામગીરી કરતા આપણા માછીમારો અને સાથીદારોને વિવિધ સુવિધા આપશે.

દેશનો લક્ષ્યાંક આગામી 3થી 4 વર્ષમાં માછલીની નિકાસ બમણી કરવાનો પણ છે. એનાથી મત્સ્યપાલન ક્ષેત્રમાં રોજગારીની નવી લાખો તકોનું સર્જન થશે. આજે આ ક્ષેત્રમાં મારાં મિત્રો સાથે વાત કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મત્સ્યપાલનનો મોટો આધાર સ્વચ્છ પાણીની ઉપલબ્ધી છે અને ગંગામૈયાને સ્વચ્છ કરવાનું આપણું અભિયાન સ્વચ્છ પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, મત્સ્ય ક્ષેત્રને ગંગા નદીની આસપાસના વિસ્તારોમાં નદી પરિવહન પર ચાલી રહેલી કામગીરીથી પણ લાભ મળી રહ્યો છે. ચાલુ વર્ષે 15 ઓગસ્ટના રોજ મિશન ડોલ્ફિનની જાહેરાત થઈ છે. આ મિશન પણ મત્સ્ય ક્ષેત્ર પર સકારાત્મક અસર કરશે.

પ્રધાનમંત્રીએ બિહાર સરકારની દરેક ઘરને પીવાનું સ્વચ્છ પાણી પૂરી પાડવાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 4થી 5 વર્ષમાં બિહારમાં ફક્ત 2 ટકા ઘરને પાણી પુરવઠાના જોડાણ મળ્યાં હતાં અને અત્યારે બિહારમાં 70 ટકાથી વધારે ઘર પીવાનું સ્વચ્છ પાણીનો પુરવઠા મેળવવા માટે જોડાણ ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે બિહાર સરકારના પ્રયાસો ભારત સરકારના જલજીવન અભિયાનને વધુ ટેકો આપી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, કોરોના કટોકટીના આ સમયગાળા દરમિયાન પણ બિહારમાં આશરે 60 લાખ ઘરોમાં નળમાંથી પાણી મળવાની સુનિશ્ચિતતા થઈ છે અને આ ખરેખર મોટી સિદ્ધિ કે સફળતા છે. તેમણે કટોકટી દરમિયાન પણ આપણા ગામડાઓમાં કેવી રીતે કામ ચાલ્યું એનું ઉદાહરણ ટાંક્યું હતું. આ જ સમયગાળા દરમિયાન દેશમાં લગભગ તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કટોકટી આવી હોવા છતાં આપણા ગામડાઓમાંથી અનાજ, ફળફળાદિ, શાકભાજી અને દૂધ સતત બજારોમાં, ડેરીઓ સુધી આવતું હતું, જે હકીકતમાં આપણા ગામડાઓની ક્ષમતા પ્રદર્શિત કરે છે.

એટલું જ નહીં કોરોના રોગચાળા દરમિયાન મુશ્કેલ સ્થિતિસંજોગો વચ્ચે પણ ડેરી ઉદ્યોગો વિક્રમ ખરીદી પણ કરી છે. તેમણે જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિએ દેશના 10 કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધી સહાય હસ્તાંતરિત કરી છે, ખાસ કરીને બિહારમાં 75 લાખ ખેડૂતોના બેંક ખાતાઓમાં.

તેમણે કહ્યું હતું કે, આ કામગીરી પ્રશંસનીય પણ છે, કારણ કે બિહાર કોરોના કટોકટીની સાથે પૂરનો સામનો પણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંનેએ ઝડપથી રાહત કામગીરી પૂર્ણ કરવા વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે.

તેમણે મફતમાં અનાજ પૂરી પાડવાની યોજનાના ફાયદા પર ભાર મૂક્યો હતો. વળી તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ યોજના દ્વારા બિહારમાં જરૂરિયાતમંદ દેશવાસીઓ અને બહારથી પરત ફરેલા દરેક શ્રમિક પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે. આ કારણોસર મફતમાં અનાજ આપવાની યોજના જૂન પછી દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કટોકટીને કારણે દેશના વિવિધ શહેરોમાંથી પોતાના વતનમાં પરત ફરેલા કામદારો હવે પશુ સંવર્ધન તરફ વળી ગયા છે. તેમને બિહાર સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓના લાભ પણ મળે છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દેશના ડેરી ક્ષેત્રની કામગીરીનું વિસ્તરણ કરવા સતત જુદાં જુદાં પ્રયાસ કરી રહી છે, જેમાં નવા ઉત્પાદનો બનાવવા, નવીનતાઓ લાવવી વગેરે સામેલ છે, જેથી ખેડૂતો અને પશુપાલકોને વધારે આવક મળે. આની સાથે-સાથે દેશમાં પશુચારાની ગુણવત્તા સુધારવા, પશુઓના આશ્રયસ્થાનની સ્વચ્છતા જાળવવા તથા તેમનું સ્વાસ્થ્ય જાળવવા અને તેમને વધારે પોષક ખાદ્ય પદાર્થો પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ લક્ષ્યાંક પાર પાડવાની સાથે આજે મફતમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો આશય પગ અને મુખના રોગ તથા બ્રુસેલોસિસ (બેક્ટેરિયાથી પશુઓને થતો તાવ) સામે 50 કરોડથી વધુ પશુઓને રસી આપવાનો છે. પશુઓને વધારે સારો ચારો મળે એ માટે વિવિધ યોજનાઓ અંતર્ગત જુદી જુદી જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, મિશન ગોકુલ દેશમાં સ્વદેશી જાતો વિકસાવવા માટે ચાલી રહ્યું છે. એક વર્ષ અગાઉ દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ શરૂ થયો હતો અને આજે એનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે બિહાર ગુણવત્તાયુક્ત સ્વદેશી જાતિઓના વિકાસ માટે મોટું કેન્દ્ર બની ગયું છે. બિહારમાં આજે રાષ્ટ્રીય ગોકુલ અભિયાન અંતર્ગત પૂર્ણિયા, પટણા અને બરૌની ઊભી થયેલી આધુનિક સુવિધાઓને કારણે ડેરી ક્ષેત્ર વધારે મજબૂત થશે. પૂર્ણિયામાં નિર્મિત કેન્દ્ર ભારતમાં સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક છે. એનાથી બિહારની સાથે પૂર્વ ભારતના મોટા વિસ્તારને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કેન્દ્ર બચહૌર અને લાલ પૂર્ણિયા જેવી બિહારની સ્વદેશી જાતિઓના વિકાસ અને સંરક્ષણને વધુ પ્રોત્સાહન પણ આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ગાય વર્ષમાં એક વાછરડાને જન્મ આપે છે. પણ આઇવીએફ ટેકનોલોજીની મદદ સાથે વર્ષમાં ઘણા વાછરડાને જન્મ આપવાનું શક્ય બન્યું છે. અમારો લક્ષ્યાંક દરેક ગામડામાં આ ટેકનોલોજી પહોંચાડવાનો છે. તેમણે કહ્યું હતું કે, પશુઓની સારી જાતની સાથે તેમની સારસંભાળ રાખવા સાચી વૈજ્ઞાનિક માહિતી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. આજે ઇ-ગોપાલા એપ લોંચ થઈ હતી, જે ઓનલાઇન ડિજિટલ માધ્યમ બનશે. આ એપ ખેડૂતોને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પશુચારો પસંદ કરવા અને વચેટિયાઓમાંથી મુક્તિ મેળવવા ખેડૂતોને મદદ કરશે. આ એપ પશુધનની સારસંભાળ રાખવા, ઉત્પાદકતા વધારવા, પશુધનનું સ્વાસ્થ્ય અને ભોજન વગેરે તમામ પ્રકારની માહિતી આપશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આ કામ પૂર્ણ થયું છે, ત્યારે ઇ-ગોપાલા એપમાં એનિમલ આધાર નંબર એ પશુ સાથે સંબંધિત તમામ માહિતી સરળતાપૂર્વક આપશે. આ પશુધનના માલિકો માટે પશુઓનું વેચાણ અને ખરીદી કરવાનું સરળ બનાવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કૃષિ, પશુ સંવર્ધન અને મત્સ્યપાલન જેવા ક્ષેત્રોનો ઝડપથી વિકાસ કરવા ગામડામાં આધુનિક માળખાગત સુવિધાનું નિર્માણ કરવું અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. બિહાર કૃષિ સાથે સંબંધિત શિક્ષણ અને સંશોધન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે.

તેમણે કહ્યું હતું કે, બહુ ઓછા લોકોને દિલ્હીમાં પુસા સંસ્થા વિશે જાણકારી છે. અહીં પુસાનો સંદર્ભ બિહારના સમસ્તીપુર નજીક પુસા નગર સાથે છે. અંગ્રેજોના શાસન દરમિયાન સમસ્તીપુરમાં પુસામાં રાષ્ટ્રીય સ્તરનું કૃષિ સંશોધન કેન્દ્ર સ્થાપિત થયું હતું. તેમણે આઝાદી પછી આ પરંપરાને આગળ વધારવા માટે ડો. રાજેન્દ્રપ્રસાદ અને જનનાયક કર્પૂરી ઠાકુર જેવા દીર્ઘદ્રષ્ટા નેતાઓની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસોમાંથી પ્રેરણા લઈને વર્ષ 2016માં ડો. રાજેન્દ્રપ્રસાદ યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પછી યુનિવર્સિટીમાં અને એની સાથે સંલગ્ન કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમો ઉમેરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ કામગીરીને આગળ વધારતા સ્કૂલ ઓફ એગ્રિ-બિઝનેસ એન્ડ રુરલ મેનેજમેન્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું છે. ઉપરાંત નવી હોસ્ટેલ, સ્ટેડિયમ અને ગેસ્ટ હાઉસ પણ ઊભા કરવામાં આવ્યાં છે.

કૃષિ ક્ષેત્રની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશમાં 3 કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયો સ્થાપિત કરવામાં આવી છે, જે 5થી 6 વર્ષ અગાઉ એક જ હતી. બિહારમાં મહાત્મા ગાંધી સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું હતું, જેનો ઉદ્દેશ દર વર્ષે બિહારમાં આવતા પૂરની સ્થિતિમાં ખેતપેદાશોને બચાવવાનો છે. એ જ રીતે મોતીપુરમાં માછલી માટે પ્રાદેશિક સંશોધન અને તાલીમ કેન્દ્ર, મોતીહારીમાં પશુ સંવર્ધન અને ડેરી વિકાસ કેન્દ્ર તથા આ પ્રકારની સંસ્થાઓ શરૂ થઈ હતી, જેનો આશય કૃષિ ક્ષેત્રને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડવાનો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નજીકના ગામડાઓમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના ક્લસ્ટર્સ અને સંશોધન કેન્દ્રો સ્થાપિત કરવા પડશે તથા આ સાથે આપણે જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના સિદ્ધાંતને હાંસલ કરી શકીશું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ વિકસાવવા એફડીઓ, સહકારી જૂથોને ટેકો આપવા અને વિશેષ માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ. 1 લાખ કરોડનું કૃષિ માળખાગત વિકાસ ભંડોળ સ્થાપિત કર્યું છે.

મહિલા સ્વયંસહાય જૂથોને સારો ટેકો મળી રહ્યો છે અને છેલ્લાં 6 વર્ષમાં આ સહાયમાં 32 ગણો વધારો થયો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસનું એન્જિન ગામડાઓને બનાવવા અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંક પૂર્ણ કરવા ગામડાઓને મદદ કરવાની દિશામાં વિવિધ પ્રયાસો ચાલી રહ્યાં છે.

 

SD/GP/BT



(Release ID: 1653166) Visitor Counter : 202