પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' કર્યો

મહામારીના કારણે અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને તેમની આજીવિકા ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે સ્વનિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે: પ્રધાનમંત્રી

આ યોજના અંતર્ગત 7 ટકા સુધી વ્યાજમાં વળતર અને જો એક વર્ષમાં જ લોન ચુકતે કરવામાં આવે તો વધુ લાભો આપવામાં આવે છે: પ્રધાનમંત્રી

શેરી વિક્રેતાઓને તેમના વ્યવસાય અને ડિજિટલ વ્યવહારો માટે ઓનલાઈન પ્લેટફોર્મનું ઍક્સેસ આપવામાં આવશે: પ્રધાનમંત્રી

Posted On: 09 SEP 2020 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' યોજ્યો હતો. ભારત સરકાર દ્વારા 1 જૂન 2020ના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત ગરીબ શેરી વિક્રેતાઓ તેમની આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે તેમાં મદદરૂપ થવાના આશયથી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી 4.5લાખ શેરી વિક્રેતાઓએ આ યોજના અંતર્ગત નોંધણી કરાવી છે જેમાંથી અંદાજે 1.4 લાખ શેરી વિક્રેતાઓની સ્વીકૃત્તિ આપીને તેમને જ રૂપિયા 140 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ વિપરિત સંજોગોમાંથી ફરી બેઠાં થવા માટે શેરી વિક્રેતાઓએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમના આત્મવિશ્વાસ, ખંત તેમજ સખત પરિશ્રમને બિરદાવ્યા હતા.

તેમણે માત્ર બે મહિનાના સમયમાં જ, કોરોના મહામારીની અસરોને ધ્યાનમાં લીધા વગર 4.5 લાખ કરતાં વધારે શેરી વિક્રેતાઓને ઓળખી કાઢવા અને 1 લાખથી વધારે સ્ટ્રીટ વેન્ડર્સને ધિરાણ આપવા માટે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે મધ્યપ્રદેશ સરકારે કરેલા પ્રયાસોની પણ ઘણી પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ કુદરતી આપત્તિ, સૌથી પહેલાં ગરીબો પર પ્રહાર કરે છે અને તેમની નોકરી, ભોજન તેમજ બચત પર મોટી અસર કરે છે.

મોટાભાગના ગરીબ શ્રમિકો તેમના વતનમાં પરત ફર્યા તે મુશ્કેલ તબક્કાને તેમણે યાદ કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર આ મહામારીના સમયમાં પહેલા દિવસથી જ ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગીય લોકોને લૉકડાઉન અને મહામારીના પ્રભાવના કારણે પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયાસરત છે. તેમણે કહ્યું કે, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન દ્વારા શ્રમિકોને રોજગારી આપવા ઉપરાંત તેમને ખાદ્યાન્ન, રાશન, વિનામૂલ્યે રાંધણગેસના સિલિન્ડર આપવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસ કર્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે અન્ય એક સંવેદનશીલ અને નિઃસહાય વર્ગ પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેઓ શેરી વિક્રેતાઓ છે અને તે વેન્ડર્સને ખૂબ સસ્તા દરે મૂડી આપવા માટે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જાહેરાત કરી છે જેથી તેઓ પોતાની આજીવિકાના વેપારને ફરી શરૂ કરી શકે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આવું પ્રથમ વખત જ બન્યું છે કે, લાખો શેરી વિક્રેતાઓ સીધા જ સિસ્ટમ સાથે જોડાયેલા છે જેથી તેઓ તેમના લાભો મેળવવાનું શરૂ કરી શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વનિધિ યોજનાનો મૂળ ઉદ્દેશ શેરી વિક્રેતાઓને સ્વરોજગાર, સ્વાવલંબન અને સ્વાભિમાન આપવાનો છે.

આ યોજના વિશે પ્રત્યેક શેરી વિક્રેતાઓ દરેક બાબતોથી માહિતગાર હોય તે વાત પર પ્રધાનમંત્રી એ વિશેષ ભાર મુક્યો હતો. આ યોજના અત્યંત સરળ બનાવવામાં આવી છે જેથી સામાન્ય લોકો પણ તેની સાથે સરળતાથી જોડાઇ શકે. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ સામાન્ય સેવા કેન્દ્ર અથવા મ્યુનિસિપાલિટીની કચેરી મારફતે અરજી અપલોડ કરીને આ યોજનામાં નોંધણી કરાવી શકે છે અને તેણે કોઇ જ કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. આટલું જ નહીં, બેંકમાંથી બિઝનેસ કોરસપોન્ડસ અને મ્યુનિસિપલ સ્ટાફ પણ આવી શકે છે અને શેરી વિક્રેતાઓપાસેથી અરજી લઇ જઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ યોજનામાં વ્યાજ પર 7 ટકા સુધી વળતર આપવામાં આવે છે અને જો એક જ વર્ષમાં બેંકમાં લોન ચુકતે કરવામાં આવે તો તેમને વ્યાજમાં વળતર આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ડિજિટલ વ્યવહારો કરનારાને કૅશબૅકનો લાભ પણ આપવામાં આવે છે. આ પ્રકારે, કુલ બચત કુલ વ્યાજ કરતાં પણ વધી જાય છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ વ્યવહારોનું વલણ છેલ્લા 3-4 વર્ષમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે.

આ યોજના લોકોને નવી શરૂઆત કરવામાં અને સરળતાથી મૂડી મેળવવામાં મદદ કરે છે. પ્રથમ વખત, લાખો સ્ટ્રીટ વેન્ડર્સનું નેટવર્ક ખરા અર્થમાં સિસ્ટમ સાથે જોડાયું છે અને તેમને પોતાની ઓળખ મળી રહી છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આ યોજના કોઇપણ વ્યક્તિને વ્યાજના ચક્કરમાંથી સંપૂર્ણપણે મુક્ત થવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ, વ્યાજ વળતર 7% સુધી કોઇપણ પ્રકારે આપવામાં આવે છે. બેંકો અને ડિજિટલ ચુકવણીની સુવિધાઓ આપનારાઓ સાથે સહયોગથી નવી શરૂઆત કરવામાં આવી છે જેથી આપણા શેરી વિક્રેતાઓડિજિટલ દુકાનદારીના જમાનામાં પાછળ ના રહી જાય.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં, ગ્રાહકો રોકડ વ્યવહારના બદલે મોટાપાયે ડિજિટલ વ્યવહારો તરફ વળી રહ્યાં છે. તેમણે સ્ટ્રીટ વેન્ડર્સને અનુરોધ કર્યો હતો કે, તેઓ પણ ડિજિટલ વ્યવહારોની પ્રણાલીને અપનાવે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર હવે ઓનલાઈન પ્લેટફોર્મ લાવી રહી છે જેથી તમામ શેરી વિક્રેતાઓતેમના વ્યવસાયના વ્યવહારો ડિજિટલ માધ્યમથી કરી શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ઉજ્જવલા ગેસ યોજના, આયુષમાન ભારત યોજના વગેરેનો પ્રાથમિકતાના ધોરણે ઍક્સેસ મળી શકશે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ધન યોજના મારફતે 40 કરોડથી વધુ ગરીબ, મધ્યમ વર્ગીય લોકોએ બેંક ખાતાં ખોલાવ્યા છે અને હવે તેઓ સીધા જ તમામ લાભો તેમના ખાતાંમાં મેળવે છે અને તેમને ધિરાણ લેવા માટે પણ આના કારણે ઘણી સરળતા થઇ ગઇ છે. તેમણે ડિજિટલ આરોગ્ય મિશન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને આયુષમાન ભારત જેવી અન્ય આવી સંખ્યાબંધ યોજનાઓના લાભો ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં દેશમાં ગરીબોનું જીવન વધુ સરળ બનાવવા માટે કેટલાક પગલાંનો અમલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે શહેરો અને મોટા નગરોમાં પરવડે તેવા ભાડાં પર લોકોને મકાન પૂરાં પાડવા માટે મોટી યોજનાનો પ્રારંભ કર્યો છે.

તેમણે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના કારણે કોઇપણ વ્યક્તિ દેશમાં ગમે ત્યાંથી સસ્તું અનાજ ખરીદી શકે છે.

પ્રધાનમંત્રીએ આગામી 1000 દિવસમાં દેશના 6 લાખ ગામડાંઓને ઇન્ટરનેટથી જોડવા માટે હાલમાં ચાલી રહેલા ઓપ્ટિકલ ફાઇલ પાથરવાના કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આનાથી સમગ્ર ગ્રામીણ ભારત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સંકળાઇ જશે અને તેનાથી ગ્રામીણ આજીવિકાને નવો વેગ મળશે.

પ્રધાનમંત્રીએ સ્ટ્રીટ વેન્ડર્સને સ્વચ્છતા જાળવી રાખવા માટે અને કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે લાગુ કરવામાં આવેલા માપદંડોનું ચુસ્ત પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આનાથી તેમના વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં મદદ મળી રહેશે.

 

SD/GP/BT(Release ID: 1652710) Visitor Counter : 15