ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના 71 આરઆર (રેગ્યુલર રિક્રૂટ, 2018ની બેચ) અધિકારીઓને તેમની દિક્ષાંત પરેડ નિમિત્તે શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ પ્રસંગે આઇપીએસ અધિકારીઓ સાથે વાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે: “પ્રધાનમંત્રી મોદીનાં પ્રેરક સંબોધને આપણા યુવાન અધિકારીઓનો નૈતિક જુસ્સો વધાર્યો હશે તથા પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત કરવા એ વિશે માર્ગદર્શન મળ્યું હશે”
“આ આઇપીએસ અધિકારીઓ દેશની સર્વોચ્ચ સમર્પિતતા સાથે સેવા કરે તેમજ દેશની સુરક્ષા અને અંખડિતતા જાળવે એવી શુભેચ્છા”: કેન્દ્રીય ગૃહ મંત્રી
“મને વિશ્વાસ છે કે, આ અધિકારીઓની સેવા પ્રત્યેની સમર્પિતતા અન્ય યુવાનોને ભારતીય પોલીસ સેવામાં સામેલ થવા પ્રેરિત કરશે”: કેન્દ્રીય ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી જી કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે પરેડમાં હાજરી આપી
Posted On:
04 SEP 2020 3:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે હૈદરાબાદ સ્થિત પ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી (એસવીપીએનપીએ)માં ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના 71 આરઆર (રેગ્યુલર રિક્રૂટ, 2018ની બેચ)ના અધિકારીઓની દિક્ષાંત પરેડ પર તેમની સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી પણ પરેડમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સહભાગી થયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરીને શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “તેમના પ્રેરક સંબોધનથી આપણા યુવાન અધિકારીઓનો નૈતિક જુસ્સો ચોક્કસ વધ્યો હશે અને આ સંબોધનમાંથી તેમને પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવવા એના પર માર્ગદર્શન મળ્યું હશે.”
પોલીસ અધિકારીઓની દિક્ષાંત પરેડ પર યુવાન આઇપીએસ અધિકારીઓને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, “તેઓ સર્વોચ્ચ સર્મપણ સાથે દેશની સેવા અદા કરે તેમજ દેશની સુરક્ષા અને અખંડિતતા જાળવે એવી શુભેચ્છા. મને ખાતરી છે કે, સેવા પ્રત્યે તેમની નિષ્ઠા અને સમર્પણ આપણા યુવાનોને ભારતીય પોલીસ સેવામાં સામેલ થવા પ્રેરિત કરશે.”
પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી ઉપરાંત રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી જી કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજના દિક્ષાંત પરેડમાં અલગથી હાજરી આપી હતી.
ગત વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રીએ 7 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં ઔપચારિક આદાનપ્રદાન દરમિયાન આ બેચના પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે યુવાન આઇપીએસ પ્રોબેશનર્સને દેશની સેવામાં સામેલ થવા બદલ ગર્વની લાગણી અનુભવવા પ્રેરિત કર્યા હતા તેમજ જનતાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સતત કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ગૃહ મંત્રીએ ભાર મૂક્યો હતો કે, જનતા અને સમાજમાં પોલીસ અંગેનો દ્રષ્ટિકોણ સકારાત્મક રીતે બદલવાની જરૂર છે.
28 મહિલા પ્રોબેશનર્સ સાથે 131 આઇપીએસ પ્રોબેશનર્સએ 42 અઠવાડિયોનો મૂળભૂત અભ્યાસક્રમના તબક્કા-1ની તાલીમ એકેડેમીમાં પૂર્ણ કરી હતી. તેઓ મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસ એનએએ)માં અને હૈદરાબાદમાં ડો. મેરી ચન્ના રેડ્ડી એચઆરડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ તેલંગાણામાં આઇએએસ, આઇએફએસ વગેરે જેવી અન્ય સેવાઓ સાથે ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા પછી 17 ડિસેમ્બર, 2018ના રોજ એકેડેમીમાં જોડાયા હતા.
એસવીપી એનપીએમાં મૂળભૂત અભ્યાસક્રમની તાલીમ દરમિયાન પ્રોબેશનર્સને વિવિધ ઇન્ડોર અને આઉટડોર વિષયોની તાલીમ આપવામાં આવે છે, જેમાં કાયદો, તપાસ, ફોરેન્સિક, લીડરશિપ અને મેનેજમેન્ટ, ક્રાઇમોનોલોજી, જાહેર વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા, નીતિમત્તા અને માનવાધિકારો, આધુનિક ભારતીય પોલિસીંગ, ફિલ્ડ ક્રાફ્ટ અને ટેક્ટિક્સ, શસ્ત્રોની તાલીમ અને નિશાનેબાજીનો સમાવેશ થાય છે.
SD/GP/BT
(Release ID: 1651328)
Visitor Counter : 180