નીતિ આયોગ

નીતિ આયોગે નિકાસ સજ્જતા સૂચકાંક (ઇપીઆઈ) 2020 પર અહેવાલ બહાર પાડ્યો

Posted On: 26 AUG 2020 1:53PM by PIB Ahmedabad

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ (સ્પર્ધાત્મકતા સંસ્થા) સાથે ભાગીદારીમાં નીતિ આયોગે આજે એક્ષ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્સ (ઇપીઆઇ – નિકાસ સજ્જતા સૂચકાંક) અહેવાલ બહાર પાડ્યો હતો. ભારતીય રાજ્યોની નિકાસ કરવા માટેની સજ્જતા અને કામગીરી ચકાસવા માટે પહેલી વાર તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ ઇપીઆઈનો ઉદ્દેશ પડકારો અને તકોને ઓળખવાનો; સરકારી નીતિઓની અસરકારકતા વધારવાનો અને નિયમનકારી માળખાને વધારે સુવિધાજનક બનાવવા પ્રોત્સાહન આપવાનો છે.

ઇપીઆઈના માળખામાં મુખ્યત્વે 4 આધારસ્તંભ છે – નીતિ; વ્યવસાયની ઇકોસિસ્ટમ; નિકાસની ઇકોસિસ્ટમ; નિકાસની કામગીરી. વળી આ માળખામાં 11 પેટા આધારસ્તંભો છે – નિકાસ સંવર્ધન નીતિ; સંસ્થાકીય માળખું; વેપારવાણિજ્યનું વાતાવરણ; માળખાગત સુવિધા; પરિવહન માધ્યમો થકી જોડાણ; ધિરાણની સુલભતા; નિકાસલક્ષી માળખાગત સુવિધા; વેપારને પ્રોત્સાહન; સંશોધન અને વિકાસનું માળખું; નિકાસમાં વૈવિધ્યકરણ અને વૃદ્ધિલક્ષી અભિગમ.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવકુમારે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસબજારમાં મોટો હિસ્સો ધરાવવાની પ્રચૂર સંભાવનાઓ ધરાવે છે. આ સંભવિતતા હાંસલ કરવા ભારત એના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશના નિકાસ વધારવાના પ્રયાસોમાં સક્રિયપણે સહભાગી બનાવે એ મહત્ત્વનું છે. આ દૂરદર્શિતાને સાકાર કરવાના પ્રયાસના ભાગરૂપે એક્ષ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્સ 2020 દેશના જુદાં-જુદાં રાજ્યોની સંભવિતતાઓ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરશે. અમને આશા છે કે, આ ઇન્ડેક્સ દ્વારા જે ઉપયોગી જાણકારીઓ મળશે એ તમામ હિતધારકોને રાષ્ટ્રીય અને પેટારાષ્ટ્રીય એમ બંને સ્તરો પર નિકાસની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે કહ્યું હતું કે, એક્ષ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્સ પેટા-રાષ્ટ્રીય સ્તરે અથવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે નિકાસને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરવા ડેટા-આધારિત પ્રયાસ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નિકાસક્ષમતાનું મૂલ્યાંકન મહત્ત્વપૂર્ણ માપદંડો પર થયું છે, જે નિકાસની સતત વૃદ્ધિ હાંસલ કરવા કોઈ પણ સામાન્ય આર્થિક એકમ માટે મહત્ત્વપૂર્ણ છે. આ સૂચકાંક રાજ્ય સરકારોને નિકાસ સંવર્ધનના સંબંધમાં પ્રાદેશિક કામગીરીના માપદંડો નક્કી કરવા માટે મદદરૂપ થશે, જેથી આ અહેવાલ વિવિધ રાજ્યોને નિકાસ કેવી રીતે વધારવી એ અંગે મુખ્ય નીતિગત ઉપયોગી જાણકારી પ્રદાન કરે છે.

આ એડિશન દર્શાવે છે કે, મોટા ભાગના ભારતીય રાજ્યો નિકાસની વિવિધતા, પરિવહન માધ્યમો થકી જોડાણ અને માળખાગત સુવિધાના પેટા આધારસ્તંભોમાં સરેરાશ સારી કામગીરી કરી રહ્યાં છે. આ ત્રણ પેટા આધારસ્તંભોમાં ભારતીય રાજ્યોનો સરેરાશ સ્કોર 50 ટકાથી વધારે હતો. ઉપરાંત નિકાસની વિવિધતા અને પરિવહન માધ્યમો થકી જોડાણમાં ઓછા પ્રમાણભૂત વિચલનને ધ્યાનમાં રાખીએ તો અતિ સારું પ્રદર્શન કરનાર થોડાં રાજ્યોની સરખામણીમાં સરેરાશ સ્કોર ધરાવતા રાજ્યો ઊંચા સ્કોર તરફનો ઝુકાવ ધરાવતા નથી. જોકે ભારતીય રાજ્યોએ નિકાસ સંબંધિત સ્પર્ધાત્મકતા સુધારવા અન્ય મુખ્ય માપદંડો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

સંપૂર્ણપણે જોઈએ તો દરિયાકિનારો ધરાવતા મોટા ભાગના રાજ્યોએ નિકાસમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ ટોચનાં ત્રણ સ્થાન ધરાવે છે. દરિયાકિનારાનો લાભ ધરાવતા આઠમાંથી છ રાજ્યો ટોચના 10માં સ્થાન ધરાવે છે, જે આ રાજ્યો નિકાસ વધારવા મજબૂત અને સુવિધાજનક પરિબળો ધરાવતા હોવાનો સંકેત આપે છે. ચારે બાજુ જમીનની સરહદ ધરાવતા રાજ્યોમાં રાજસ્થાને સૌથી સારી કામગીરી કરી છે અને એના પછી તેલંગાણા અને હરિયાણા છે. હિમાલયની પર્વતમાળાના રાજ્યોમાં ઉત્તરાખંડે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી છે અને પછી ત્રિપુરા અને હિમાચલપ્રદેશ સ્થાન ધરાવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને એના પછી ગોવા અને ચંદીગઢનું સ્થાન છે.

અહેવાલમાં એવું પણ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, નિકાસ વધારવા માટેનો અભિગમ અને આ માટેની સજ્જતા સમૃદ્ધ રાજ્યો પૂરતી મર્યાદિત નથી. વિકાસશીલ રાજ્યો પણ નિકાસ વધારવા માટે નીતિગત પગલાં લઈ શકે છે. આ રાજ્યોમાં નિકાસ વધારવા માટે સંવર્ધન પરિષદો કાર્યરત છે અને આ પરિષદોએ તેમના રાજ્યોની નિકાસ વધારવા માટે રાષ્ટ્રીય લોજિસ્ટિક્લ યોજનાઓ સાથે સમન્વય કરવો પડશે. છત્તીસગઢ અને ઝારખંડ બધી દિશાઓમાં જમીનની સરહદ ધરાવતા રાજ્યો છે, જેમની સરકારોએ નિકાસમાં વધારો કરવા કેટલાંક પગલાં લેવાની શરૂઆત કરી હતી. આવા સામાજિક-આર્થિક પડકારો ધરાવતા અન્ય રાજ્યો છત્તીસગઢ અને ઝારખંડે લીધેલા પગલાંઓ પર વિચાર કરી શકે છે તથા તેમની નિકાસ વધારવા માટે આ પગલાઓ અજમાવવા પ્રયાસ કરી શકે છે.

વૃદ્ધિલક્ષી અભિગમ ધરાવતા પેટા આધારસ્તંભો અંતર્ગત પૂર્વોત્તરના ઘણા રાજ્યો તેમના સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિકાસ વધારી શક્યાં હતાં. આ દર્શાવે છે કે, આ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો (જેમ કે મરીમસાલા)ના વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાથી નિકાસમાં વધારો થઈ શકે છે અને સાથે-સાથે આ રાજ્યોમાં ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે.

આ અહેવાલના તારણોને આધારે જોઈએ તો ભારતમાં નિકાસમાં વધારા આડે ત્રણ મૂળભૂત પડકારો છે – નિકાસ માટેની માળખાગત સુવિધાઓમાં પ્રદેશો વચ્ચે અને પ્રદેશોની અંદર અસમાનતા; વેપારવાણિજ્યને નબળો સાથસહકાર અને રાજ્યો વચ્ચે વૃદ્ધિલક્ષી અભિગમનો અભાવ; તથા જટિલ અને વિશિષ્ટ નિકાસને પ્રોત્સાહન આપવા સંશોધન અને વિકાસનું નબળું માળખું.

આ પડકારોનું સમાધાન કરવા મુખ્ય ઉપાયો પર ભાર મૂકવાની જરૂર છે. આ માટે નિકાસની માળખાગત સુવિધા સંયુક્તપણે વિકસાવવી; ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચેનું જોડાણ મજબૂત કરવું; અને આર્થિક સંબંધો વિકસાવવા માટે રાજ્ય સ્તરે વ્યવસ્થાઓ ઊભી કરવી. સ્થાનિક ઉત્પાદનો માટે નવી ડિઝાઇનો અને ધારાધોરણો સ્થાપિત કરીને તથા કેન્દ્ર સરકારના પર્યાપ્ત સાથસહકાર સાથે આ પ્રકારનાં ઉત્પાદનો માટે નવા અસરકારક પ્રયોગોની જાણકારી આપીને નવીન અભિગમોનો ઉપયોગ કરીને ઉપરોક્ત ઉપાયોને આગળ વધારી શકાશે.

આત્મનિર્ભર ભારત પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નિકાસ વધારવાની જરૂર છે. આ લક્ષ્યાંક રાજ્યો કેવી રીતે હાંસલ કરી શકે છે એના પર ઇપીઆઈ ઉપયોગી જાણકારી પ્રદાન કરે છે.

ઇપીઆઈનું અંતિમ માળખું રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા એક્ઝિમ બેંક, આઇઆઇએફટી અને ડીજીસીઆઇએસ જેવી સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો પર આધારિત હતું. આ માટે આંકડા મુખ્યત્વે રાજ્ય સરકારોએ પૂરાં પાડ્યાં હતાં. કેટલાંક સંકેતો માટે આરબીઆઈ, ડીજીસીઆઇએસ અને કેન્દ્ર સરકારના મંત્રાલયોની સલાહ લેવામાં આવી હતી.

 

માળખાગત કાર્ય

4 આધારસ્તંભ અને આ દરેકને પસંદ કરવા પાછળનો તર્ક નીચે આપ્યો છે:

                                                                    

  1. નીતિ: વિસ્તૃત વેપાર નીતિ નિકાસ અને આયાત માટે વ્યૂહાત્મક દિશા પ્રદાન કરે છે.

 

  1. વ્યવસાયની ઇકોસિસ્ટમ: વ્યવસાયની અસરકારક ઇકોસિસ્ટમથી રાજ્યોને રોકાણ આકર્ષવામાં મદદ મળશે અને વ્યક્તિઓથી લઈને સ્ટાર્ટ-અપ્સ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં મદદ મળી શકે છે.

 

  1. નિકાસ માટે ઇકોસિસ્ટમ: આ આધારસ્તંભનો ઉદ્દેશ વેપારવાણિજ્ય માટેના વાતાવરણનું મૂલ્યાંકન કરવાનો છે, ખાસ કરીને નિકાસ માટે.

 

  1. નિકાસની કામગીરી: આ એકમાત્ર આઉટપુટ કે કામગીરી આધારિત આધારસ્તંભ છે તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નિકાસ કામગીરી વિશે જાણકારી આપી છે.

 

અહીં સંપૂર્ણ અહેવાલ જુઓ:

https://niti.gov.in/sites/default/files/2020-08/Digital_ExportPreparednessIndex2020_0.pdf

લોંચ ઇવેન્ટની લિન્ક નીચે આપેલી છે:

https://www.youtube.com/watch?v=pQlW73yV4lY

 

SD/GP/BT


(Release ID: 1648766)