વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલયે ભારતીય બંદરો અને ચાર્ટર્ડ ફ્લાઇ્ટસ પર 1 લાખથી વધારે ક્રૂ સભ્યોના બદલાવ માટે સુવિધા પૂરી પાડી


ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ક્રૂમાં બદલાવ કરનારો એકમાત્ર દેશ

શ્રી મનસુખ માંડવિયાએ મહામારી દરમિયાન ફસાયેલા નાવિકોને સુવિધા પૂરી પાડવાના પ્રયત્નોની પ્રશંસા કરી

Posted On: 25 AUG 2020 3:26PM by PIB Ahmedabad

જહાજ મંત્રાલયે ભારતીય બંદરો ઉપર અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા 1,00,000 ક્રૂના બદલાવની સુવિધા પૂરી પાડી છે. તે સમગ્ર વિશ્વમાં ક્રૂની અદલા-બદલીની સૌથી મોટી સંખ્યા છે. ક્રૂના બદલાવમાં એક જહાજના ક્રૂના સભ્યોની અન્ય જહાજના સભ્યો સાથે અદલા-બદલી અને જહાજ ઉપર ચઢવા અને જહાજ ઉપરથી ઉતરવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

કોરોના મહામારી દરમિયાન સમુદ્રી ક્ષેત્ર સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા ક્ષેત્ર પૈકીનું એક હતું. આ તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ, તમામ ભારતીય બંદરો કાર્યરત રહ્યાં હતાં અને તેના દ્વારા સમગ્ર મહામારી દરમિયાન આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ભારત અને વિશ્વ માટે સરળ પૂરવઠા શ્રૃંખલાનો મુખ્ય આધાર સમુદ્રી નાવિકો હતા. સમુદ્રી નાવિકોએ સમગ્ર વિશ્વમાં વિવિધ દેશો દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉન અને હેરફેરના નિયંત્રણો તથા જહાજ ઉપર ચઢવા અને ઉતરવાની પ્રક્રિયા બંધ રહેવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્ય કક્ષાના જહાજ પરિવહન મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ જહાજ પરિવહન મહાનિદેશક દ્વારા હાથ ધરવામાં આવેલા અવિરત પ્રયત્નોની, ખાસ કરીને આ મુશ્કેલ સમય દરમિયાન ફસાયેલા નાવિકોને સુવિધા પૂરી પાડવાના પગલાની પ્રશંસા કરી હતી. મંત્રીએ મહાનિદેશકને સમુદ્રી નાવિકોને સુવિધા પૂરી પાડવા મજબૂત ફરિયાદ નિવારણ માળખું ઊભું કરવાની સૂચના આપી હતી. તેમણે તે બાબત સુનિશ્ચિત કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે, સમુદ્રી નાવિકો આ મુશ્કેલ સમય દરમિયાન મંત્રાલયનો સંપર્ક સાધવા માટે સક્ષમ હોવા જોઇએ અને કોઇપણ સમુદ્રી નાવિકને નબળા ફરિયાદ નિવારણ માળખાના કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

મહામારીના સમયગાળા દરમિયાન સમુદ્રી પરિવહન જાળવી રાખવા માટે જહાજ પરિવહન મહાનિદેશકે સમુદ્રી સફર માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રોની સમય મર્યાદામાં વધારો, પ્રવાસ ઑનલાઇન ઇ-પાસ સુવિધા વગેરે જેવી વિવિધ પહેલો હાથ ધરી હતી. જહાજ પરિવહન મંત્રીને પૂરી પાડવામાં આવેલી જાણકારીમાં જહાજ પરિવહન મહાનિદેશક શ્રી અમિતાભ કુમારે જણાવ્યું હતું કે,ચાર્ટર્ડ ફ્લાઇટ્સના સમુદ્રી નાવિકોના પ્રમાણીકરણ અને ઑનલાઇન જહાજ નોંધણીની સાથે-સાથે ફસાયેલા સમુદ્રી મુસાફરોની વિગતો અપલોડ કરવા તથા ચાર્ટરને ઑનલાઇન લાઇસન્સ આપવા માટે ઑનલાઇન સુવિધાનું સર્જન કરવામાં આવ્યું હતું.

જહાજ પરિવહન મહાનિદેશકને ઇ-મેઇલ, ટ્વિટ્સ અને પત્રો મારફતે હિતધારકો પાસેથી 2,000થી વધુ સંદેશાઓ પ્રાપ્ત થયા હતા અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે ત્વરિત પ્રતિક્રિયાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જહાજ પરિવહન મહાનિદેશક દ્વારા ટૂંકાગાળાના અભ્યાસક્રમો માટે ઇ-લર્નિંગ અને ઑનલાઇન વર્ચ્યુઅલ અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યાં હતો અને ઇ-લર્નિંગ માટે 35,000થી વધારે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. ઑનલાઇન અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી સમુદ્રી નાવિકો માટે ઑનલાઇન નિર્ગમન પરીક્ષા હાથ ધરવામાં આવી રહી છે અને હવે તેઓ કોવિડ-19 મહામારીના આ અભૂતપૂર્વ સમયગાળામાં પોતાના ઘરેથી જ સુવિધાજનક રીતે પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકે છે.  

 

SD/GP/BT 



(Release ID: 1648520) Visitor Counter : 243