આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

શેરી વિક્રેતાઓ પાસેથી લોન અરજીઓ મેળવવા ઉપયોગકર્તાને સુવિધાજનક ડિજિટલ ઇન્ટરફેસ પ્રદાન કરવા મોબાઇલ એપનો શુભારંભ કરવામાં આવ્યો


રાજ્યોને શેરી વિક્રેતાઓના આર્થિક ઉત્કર્ષ માટે મુદ્રા/ડીએવાય-એનયુએલએમ જેવી અન્ય યોજનાઓનો લાભ આપવા પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી તેઓ પરંપરાગત ઠેલાઓને સ્થાને આધુનિક ઠેલા ખરીદી શકે

રાજ્યોને સાનુકૂળ વાતાવરણમાં પોતાની ફરિયાદો રજૂ કરવા લાભાર્થીને મદદ કરવા એક મંચ રચવા જણાવવામાં આવ્યું

પીએમ સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને શહેરી અર્થતંત્રમાં ઔપચારિક રીતે મિશ્રિત કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓની સુલભતા પ્રદાન કરીને સંપૂર્ણપણે ગરીબી નાબૂદ કરવાના પેકેજનો લાભ આપવાનો છે

આ યોજના 24 માર્ચ, 2020ના રોજ કે એ પહેલા વેપાર કરતા 50 લાખથી વધારે શેરી વિક્રેતાઓને લાભ આપવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શહેરની આસપાસના વિસ્તારો કે ગ્રામીણ વિસ્તારો સામેલ છે

આવાસ મંત્રીએ સત્તામંડળોને શેરી વિક્રેતાઓ માટેની યોજનાની સફળતા સુનિશ્ચિત કરવા સકારાત્મક ભૂમિકા ભજવવા આગ્રહ કર્યો

Posted On: 19 AUG 2020 1:34PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંઘ પુરી (સ્વતંત્ર હવાલો)એ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના સંદર્ભમાં શહેરી વિકાસ મંત્રીઓ, મુખ્ય સચિવો, શહેરી વિકાસ સચિવો/અગ્ર સચિવો, ડીજીપીઓ, 125 શહેરોના કલેક્ટરો/એસપી/એસએસપી/મ્યુનિસિપલ કમિશનરો/ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. પીએમ સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓ તેમનો ધંધો ફરી શરૂ કરી શકે એ માટે કાર્યકારી મૂડી માટે ધિરાણ પ્રદાન કરવાનો છે. જ્યારે આ યોજના શેરી વિક્રેતાઓને ધિરાણની સુવિધા પ્રદાન કરશે, ત્યારે તેઓ અવરોધમુક્ત વાતાવરણમાં વેપાર કરી શકે એ સુનિશ્ચિત કરવાની જરૂર પણ છે. આ બેઠકમાં મકાન અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રા પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે આદરણીય મંત્રીએ યુએલબીના પદાધિકારીઓ માટે એક મોબાઇલ એપનો શુભારંભ કર્યો હતો. આ એપનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓ પાસેથી લોનની અરજીઓ મેળવવા યુએલબીના પદાધિકારીઓ માટે યુઝર ફ્રેન્ડલી ડિજિટલ ઇન્ટરફેસ પ્રદાન કરવાનો છે.

માનનીય મંત્રીએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પ્રતિભાવ મેળવ્યા હતા. તેમણે શહેરી વિકાસ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પીએમ સ્વનિધિ યોજનાના સફળ અમલીકરણ માટે મુખ્ય હિતધારકો સાથે બેઠકો યોજવાની તથા શેરી વિક્રેતાઓની આજીવિકાનું રક્ષણ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

માનનીય શહેરી વિકાસ મંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન એવો નિર્ણય લેવાયો હતો કે, મંત્રાલય યોજનાના લાભાર્થીઓની સંપૂર્ણ સામાજિક-આર્થિક સ્થિતિની જાણકારી મેળવશે, જેનો ઉદ્દેશ તેમને પીએમએવાય (શહેરી), આયુષ્માન ભારત, ઉજ્જવલા, જન ધન યોજના, સૌભાગ્ય, ડીએવાય-એનયુએલએમ વગેરે અન્ય સરકારી કલ્યાણકારક યોજનાઓમાં સામેલ કરવાનો છે. આ ચર્ચા દરમિયાન શ્રી હરદીપ સિંઘ પુરીએ કહ્યું હતું કે, રાજ્યોને શેરી વિક્રેતાઓના આર્થિક ઉત્થાન માટે અન્ય યોજનાઓમાં સામેલ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમ કે પરંપરાગત ઠેલાઓને સ્થાને આધુનિક ઠેલા ખરીદવા મુદ્રા/ડીએવાય-એનયુએલએમ ધિરાણ આપવું. પોલીસ/મ્યુનિસિપલ અધિકારીઓની શેરી વિક્રેતાઓને બિનજરૂરી સતામણીના સંબંધમાં જવાબદારી નક્કી કરીને બેજવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. ઉપરાંત સાનુકૂળ વાતાવરણમાં પોતાની ફરિયાદો રજૂ કરવા લાભાર્થીને મદદ કરવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક ફોરમની રચના થશે, જેમાં પોલીસ/યુએલબીના પ્રતિનિધિ અને અન્ય સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ સામેલ હશે. આ રીતે રચિત ફોરમ મહિનામાં ઓછામાં ઓછી એક બેઠક કરશે.

શહેરી મંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ ફક્ત સૂક્ષ્મ ધિરાણ યોજના જ નથી, પણ સાથે-સાથે આ યોજના શેરી વિક્રેતાઓને શહેરી અર્થતંત્રમાં ઔપચારિક રીતે સામેલ કરવાનો વધારે મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશ પણ ધરાવે છે, જેથી લાભાર્થીઓને અન્ય વિવિધ સરકારી યોજનાઓ મળીને ગરીબી નાબૂદ કરવાનું સંપૂર્ણ પેકેજનો લાભ મળશે. એવો નિર્ણય લેવાયો છે કે, ડીએફએસ સાથે સંકલનમાં ધિરાણ સંસ્થાઓ સાથે વધારે બેઠકો યોજવામાં આવશે.

2 જુલાઈ, 2020ના રોજ પીએમ સ્વનિધિ પોર્ટલ પર એપ્લિકેશન ઓનલાઇન સબમિટ થવાની શરૂઆત થયા પછી અત્યાર સુધી 5.68 લાખથી વધારે અરજીઓ મળી છે અને એમાંથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.30 લાખથી વધારે અરજીઓને મંજૂરી મળી છે. શેરી વિક્રેતાઓના ઘરઆંગણે સૂક્ષ્મ ધિરાણની સુવિધા લેવાના ઉદ્દેશ સાથે મંત્રાલયે ધિરાણ સંસ્થાઓ માટે મોબાઇલ એપ લોંચ કરી છે અને આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

પીએમ સ્વનિધિને 01 જૂન, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને તેમની આજીવિકા મેળવવા માટે ધંધો શરૂ કરવા વાજબી વ્યાજદરે કાર્યકારી મૂડીગત લોન પ્રદાન કરવાનો છે. કોવિડ-19 લોકડાઉનને કારણે શેરી વિક્રેતાઓની આજીવિકાને પણ માઠી અસર થઈ છે. આ યોજનાનો લક્ષ્યાંક 50 લાખથી વધારે શેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે, જેઓ 24 માર્ચ, 2020ના રોજ કે એ અગાઉ શહેરી વિસ્તારોમાં ફરતા હતા, જેમાં શહેરની આસપાસના વિસ્તારો કે ગ્રામીણ વિસ્તારો સામેલ છે. આ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓને રૂ. 10,000 સુધીની કાર્યકારી મૂડીગત લોનનો લાભ મળી શકે છે, જે એક વર્ષની મુદ્દ્તમાં માસિક હપ્તામાં ચુકવી શકાય છે. લોનની સમયસર કે વહેલાસર ચુકવણી પર વર્ષે વ્યાજમાં 7 ટકાની સબસિડી ત્રિમાસિક ધોરણે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થશે. લોનની વહેલાસર ચુકવણી પર કોઈ પેનલ્ટી લાગશે નહીં. આ યોજના મહિને રૂ. 1000ના રકમના કેશ બેક પ્રોત્સાહન દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. શેરી વિક્રેતાઓ લોનની સમયસર/વહેલાસર ચુકવણી પર ધિરાણની મર્યાદામાં વધારો કરવાની સુવિધાનો લાભ લઈ તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકે છે.

 

SD/GP/BT

 


(Release ID: 1646942) Visitor Counter : 266