સંરક્ષણ મંત્રાલય

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસ-2020ની ઉજવણીનું પૂર્વાવલોકન

Posted On: 14 AUG 2020 7:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભવ્ય લાલ કિલ્લાથી 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સમગ્ર દેશનું નેતૃત્વ કરશે. લાલ કિલ્લા પરથી તેઓ તિરંગો ફરકાવશે અને આ ઐતિહાસિક ઇમારત પરથી પરંપરાગત રીતે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

લાલ કિલ્લાના લાહોર દરવાજા પર સવારે 07.18 વાગે તેમના આગમન પર, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.

સંરક્ષણ સચિવ પ્રધાનમંત્રી સાથે દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GoC) લેફ્ટનન્ટ જનરલ વિજય કુમારનો પરિચય કરાવશે. ત્યારપછી, GoC પ્રધાનમંત્રીને સલામી મંચ તરફ દોરી જશે, જ્યાં આંતર-સેવાઓ અને પોલીસ ગાર્ડના જવાનો શ્રી નરેન્દ્ર મોદીને સલામી આપશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કરશે.

પ્રધાનમંત્રી માટેની ગાર્ડ ઓફ ઑનરની ટૂકડીમાં એક મુખ્ય અધિકારી તથા ભૂમિ દળ, વાયુ દળ, નૌકા દળ અને દિલ્હી પોલીસ એમ દરેક સેવામાંથી 24-24 જવાનોનો સમાવેશ કરવામાં આવશે. ગાર્ડ ઓફ ઑનર પ્રાચીરની નીચે ફેલાયેલા પટાંગણમાં સીધું જ રાષ્ટ્રધ્વજની સમક્ષ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે ભૂમિસેના સંકલનની સેવા આપી રહી હોવાથી ગાર્ડ ઓફ ઑનરની આગેવાની લેફ્ટનન્ટ કર્નલ ગૌરવ એસ. યેવાલકર દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રીના ગાર્ડ ઓફ ઑનરમાં ભૂમિસેનાની ટૂકડીની કમાન મેજર પલવિન્દર ગ્રેવાલ, નૌસેનાની ટૂકડીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર કે.વી.આર.રેડ્ડી, જ્યારે વાયુસેનાની ટૂકડીની કમાન સ્ક્વૉડ્રન લીડર વિકાસ કુમાર સંભાળશે. જ્યારે દિલ્હી પોલીસની ટૂકડીની કમાન અધિક નાયબ પોલીસ કમિશનર શ્રી જિતેન્દ્ર કુમાર મીણા સંભાળશે.

ગરવાલ રાઇફલ્સની બીજી બટાલિયનનો ઉદય 1 માર્ચ, 1901ના રોજ લાન્સડાઉન ખાતે લેફ્ટનન્ટ કર્નલ જે.ટી.ઇવેટના સક્ષમ નેતૃત્વ હેઠળ થયો હતો. તે એક સદીથી પણ વધારે સમયનો કિર્તીમાન અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી ભારતીય ભૂમિસેનાની શ્રેષ્ઠતમ સૈન્ય બટાલિયન પૈકીની એક છે. આ બટાલિયને પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અગિયાર યુદ્ધ પદકો જીત્યાં છે, જે તમામ માપદંડોમાં તેમની સર્વશ્રેષ્ઠ સેવાની સાક્ષી પૂરી પાડે છે.

સ્વતંત્રતા પછી આ બટાલિયને 1965ના યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો. તેમને 1994થી 1996 અને 2005થી 2007 દરમિયાન ચાલેલા 'ઓપરેશન રક્ષક'માં ભાગ લેવાની પણ તક પ્રાપ્ત થઇ હતી. આ બટાલિયને 80થી વધારે ત્રાસવાદીઓનો સફાયો કર્યો હતો.

ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા તરફ પ્રયાણ કરશે, જ્યાં તેમનું અભિવાદન સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિસેનાના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેનાના વડા એડમિરલ કરમબિર સિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદોરિયા દ્વારા કરાશે. GoC દિલ્હી પ્રધાનમંત્રીને રાષ્ટ્રધ્વજ લહેરાવવા પ્રાચીર ઉપરના મંચ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવશે ત્યાર બાદ, રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રીય ગાર્ડ્સ 'રાષ્ટ્રીય સલામી' આપશે. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે અને 'રાષ્ટ્રીય સલામી' દરમિયાન સૈન્યની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટલ સેન્ટર મિલિટરી બેન્ડ રાષ્ટ્રગાનની ધૂન વગાડશે. ગણવેશમાં સજ્જ તમામ સેવાના અધિકારીઓ ઊભા થશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે, તેમજ અન્ય ગણમાન્ય અતિથિઓને પણ ઊભા થઇને રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે વિનંતી કરવામાં આવશે. આ બેન્ડની કમાન સુબેદાર મેજર અબ્દુલ ગની સંભાળશે.

મેજર શ્વેતા પાંડે પ્રધાનમંત્રીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મદદ કરશે. તિરંગો લહેરાવવામાં આવશે તે સમયે જ સર્વોત્કૃષ્ટ 2233 ફિલ્ડ બેટરી (સેરેમોનિયલ)ના પરાક્રમી બંદૂકધારીઓ તાલમાં તાલ મિલાવીને ફાયરિંગ કરીને 21 બંદૂકની સલામી આપશે. આ સેરેમોનિયલ બેટરીનું સંચાલન લેફ્ટેનન્ટ કર્નલ જીતેન્દ્રસિંહ મહેતા કરશે અને ગન પોઝિશન ઓફિસર નાયબ સુબેદાર (AIG) અનિલ ચંદ રહેશે.

પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે ત્યારે ભૂમિ દળ, વાયુ દળ, નૌકા દળ અને દિલ્હી પોલીસના એમ દરેકના 32 -32 જવાનો અને એક મુખ્ય અધિકારી સાથેના રાષ્ટ્રધ્વજ ગાર્ડ દ્વારા રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. ભૂમિસેનાના મેજર સૂર્યપ્રકાશ આ આંતર સેવા ગાર્ડ અને પોલીસ ગાર્ડની કમાન સંભાળશે. ધ્વજારોહણ ગાર્ડની નૌસેનાની ટૂકડીની કમાન લેફ્ટેનન્ટ કમાન્ડર વિવેક ટિંગલૂ અને વાયુસેનાની ટૂકડીની કમાન સ્ક્વૉડ્રન લીડર મયંક અભિષેક સંભાળશે, જ્યારે દિલ્હી પોલીસની ટૂકડીની કમાન અધિક નાયબ પોલીસ કમિશનર શ્રી સુધાંશુ ધામા સંભાળશે.

રાષ્ટ્રધ્વજ ગાર્ડ માટે ભૂમિસેનાની ટૂકડી પ્રથમ ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાંથી લેવામાં આવી છે. પ્રથમ ગોરખા રાઇફલ્સની સર્વોત્કૃષ્ટ પાંચમી બટાલિયનનો પ્રારંભિક સમયમાં જાન્યુઆરી 1942 ધરમશાલા ખાતે ઉદય થયો હતો અને બાદમાં ડિસેમ્બર 1946માં તેને સક્રિય સેવામાંથી બહાર કરવામાં આવી હતી. બાદમાં સોલાન (હિમાચલ પ્રદેશ) ખાતે 01 જાન્યુઆરી 1965ના રોજ ફરી તેનો ઉદય થયો હતો.

1971માં પૂર્વ પાકિસ્તાનમાં ‘ઓપરેશન કેકટસ લિટી’ દરમિયાન આ બટાલિયને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો અને તે પરાક્રમ બદલ આ બટાલિયનને ત્રણ મહાવીર ચક્ર તેમજ બે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવી હતી. આ બટાલિયને 2008 થી 2009 દરમિયાન સુદાન ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે સેવા આપવાની પણ તક પ્રાપ્ત કરી હતી. આ બટાલિયન હાલમાં ભારતના રાષ્ટ્રપતિની સેરોમનિયલ આર્મી ગાર્ડની માનદ ફરજ નિભાવી રહી છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પ્રધાનમંત્રીના સંબોધનના સમાપન બાદ, નેશનલ કેડેટ કોર્પ્સના કેડેટ્સ રાષ્ટ્રગાન ગાશે. તમામ ઉપસ્થિત લોકો આ સમય પોતાની જગ્યાએ ઉભા થશે અને સાથે રાષ્ટ્રગાન ગાશે. આ સમયે ગણવેશમાં રહેલા સેવામાં તૈનાત લોકોએ સલામી આપવી જરૂરી નથી.

આ રાષ્ટ્રીય તહેવારની ઉત્સાહપૂર્ણ ઉજવણીમાં, વિવિધ શાળાઓમાંથી NCCના 500 કેડેટ્સ (ભૂમિદળ, નૌસેના અને વાયુસેના) ભાગ લઇ રહ્યા છે.

 

SD/GP/BT

 


(Release ID: 1645955) Visitor Counter : 235