સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત “આત્મનિર્ભર ભારત” બનીને આગળ કૂચ કરી રહ્યું છે


માત્ર એક મહિનામાં 23 લાખ PPEની નિકાસ કરીને વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું

કેન્દ્ર સરકારે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.28 કરોડ PPEનું વિતરણ કર્યું

Posted On: 14 AUG 2020 2:52PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે પ્રતિક્રિયા આપવા માટે અને તેના વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારના નેતૃત્ત્વમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને ક્રમબદ્ધ, પૂર્વ-સક્રિય અને પૂર્વ અસરકારક તેમજ સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિપૂર્વક વધારો કરવા અને સમગ્ર નેટવર્કને વધુ મજબૂત કરવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે, વિવિધ નીતિગત નિર્ણયો નિયમિત ધોરણે લેવામાં આવી રહ્યાં છે.

આ મહામારીનો પ્રારંભ થયો ત્યારથી જ, N95 માસ્ક, PPE કિટ્સ, વેન્ટિલેટર્સ વગેરે સહિત તમામ પ્રકારના તબીબી ઉપકરણોની આખી દુનિયામાં ભારે અછત વર્તાઇ રહી છે. પ્રારંભિક સમયમાં મોટાભાગની ચીજવસ્તુઓનું દેશમાં ઉત્પાદન નહોતું થતું અને તમામ જરૂરી ભાગો તેમજ ચીજોની ખરીદી વિદેશમાંથી કરવામાં આવતી હતી. મહામારીના કારણે સમગ્ર દુનિયામાં વધતી માંગના પરિણામે વિદેશી બજારોમાં પણ તેની ઉપબલ્ધતામાં ભારે અછત ઉભી થવા લાગી.

મહામારીની આ આફતને અવસરમાં ફેરવીને તબીબી ઉપકરણોના ઉત્પાદનનું સ્થાનિક બજાર વિકસાવવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કાપડ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ મંત્રાલય, ઉદ્યોગો અને આંતરિક વેપારને પ્રોત્સાહન મંત્રાલય (DPIIT), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને અન્ય વિભાગો તેમજ હિતધારકો સાથે મળીને ભારતે ખૂબ મોટાપાયે પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે.

સ્થાનિક સ્તરે ઉત્પાદનની મજબૂત થયેલી ક્ષમતા અને PPE માટે સ્થાનિક જરૂરિયાતો પૂરી થઇ શકતી હોવાથી આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને જુલાઇ 2020માં વિદેશ વ્યાપાર મહા નિદેશક (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી અધિસૂચના (અધિસૂચના નંબર. 16/2015-20, તા. 29 જૂન 2020)માં PPEની નિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ છુટછાટો આપવામાં આવી હોવાથી, જુલાઇ મહિનામાં જ ભારતે પાંચ દેશોમાં 23 લાખ PPEની નિકાસ કરી છે. આ પાંચ દેશોમાં યુ.એસ.એ., યુ.કે., યુ.એ.ઇ., સેનેગલ અને સ્લોવાનિયા છે. આના કારણે PPEના વૈશ્વિક નિકાસ બજારમાં ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી શક્યું છે.

મેક ઇન ઇન્ડિયાની લાગણીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં વણી લેવામાં આવી છે જેના પરિણામે, PPE સહિત વિવિધ તબીબી ઉપકરણોમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો દૃઢ સંકલ્પ વધુ મજબૂત થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને PPE, N95 માસ્ક, વેન્ટિલેટર્સ વગેરેનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે, રાજ્યો દ્વારા આ ચીજોની સીધી ખરીદી પણ કરવામાં આવી રહી છે. માર્ચથી ઑગસ્ટ 2020 દરમિયાન તેમણે 1.40 કરોડ સ્વદેશી PPEની ખરીદી તેમના પોતાના અંદાજપત્રીય સંસાધનોમાંથી કરી છે. આ સમયગાળા દરમિયાન જ, કેન્દ્ર સરકારે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓને 1.28 કરોડ PPEનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 

 

 


(Release ID: 1645780) Visitor Counter : 286