પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” પ્લેટફોર્મનો શુભારંભ કર્યો


કરવેરાની વ્યવસ્થાનો ઉદ્દેશ એને સતત, સાતત્યપૂર્ણ, સરળ, ફેસલેસ બનાવવાનો છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 130 કરોડ લોકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ કરવેરો અદા કરે છે એ નોંધપાત્ર રીતે કરદાતાઓની ઘણી ઓછી સંખ્યા છે

પ્રધાનમંત્રીએ લોકોને આત્મમંથન કરવા અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા નિયમ મુજબ આવકવેરાની ચુકવણી કરવા આગળ આવવા આહ્વાન કર્યું

કરવેરા અધિકારપત્ર પ્રસ્તુત કરવાની સાથે કરદાતાઓને નિષ્પક્ષ, શિષ્ટ અને તાર્કિક અભિગમની ખાતરી મળી છે : પ્રધાનમંત્રી

ફેસલેસ અપીલ દેશભરમાં 25 સપ્ટેમ્બરના રોજ એટલે કે દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીથી ઉપલબ્ધ થશે : પ્રધાનમંત્રી

“બેંકિંગ સુવિધાથી વંચિત લોકોને બેંકિંગની સુવિધાઓ આપવી, અસુરક્ષિત લોકોને સુરક્ષાકવચ પ્રદાન કરવું, ફંડની સુવિધાથી વંચિત લોકોને ફંડ પૂરું પાડવું અને પ્રામાણિક લોકોનું સન્માન કરવું” – એના પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: પ્રધાનમંત્રી

દરેક કાયદો અને દરેક નીતિ જનકેન્દ્રિત હોય અને સત્તાકેન્દ્રિત હોવાને બદલે જનતાને વધારે અનુકૂળ હોય એવું સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવે છેઃ પ્રધાનમંત્રી

Posted On: 13 AUG 2020 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ (પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિક કરદાતાઓનું સન્માન) માટે એક પ્લેટફોર્મનો શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે દેશમાં કરવેરા સાથે સંબંધિત માળખાગત સુધારાઓની પ્રક્રિયા નવી ઊંચાઈએ પહોંચી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટનું પ્લેટફોર્મ 21મી સદીને અનુરૂપ કરવેરાનું માળખું તથા વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઊભું કરવામાં આવ્યું છે. તેમણે સમજાવ્યું હતું કે, આ બહોળું પ્લેટફોર્મ ફેસલેસ કરવેરા આકારણી, ફેસલેસ અપીલ અને કરદાતાઓના અધિકારપત્ર જેવા મોટા સુધારા ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ફેસલેસ કરવેરા આકારણી અને કરદાતાઓનો અધિકારપત્ર આજથી લાગુ થઈ ગયો છે, ત્યારે દેશભરમાં નાગરિકો માટે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજંયતીથી શરૂ થશે. આ નવું પ્લેટફોર્મ ફેસલેસ હોવા ઉપરાંત કરદાતાઓનો કરવ્યવસ્થામાં વિશ્વાસ વધારવાનો અને તેમને નિર્ભય બનાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં છ વર્ષ દરમિયાન સરકારે “બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરવા, અસુરક્ષિત લોકોને સુરક્ષા આપવા અને ફંડ મેળવવાની સુવિધા ન ધરાવતા લોકોને ફંડ આપવા” પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમજ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટનું પ્લેટફોર્મ એ દિશામાં એક પ્રયાણ છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનિર્માણમાં પ્રામાણિક કરદાતાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રામાણિક કરદાતાઓનું જીવન સરળ બનાવવાની જવાબદારી સરકારની છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જ્યારે દેશના પ્રામાણિક કરદાતાઓનું જીવન સરળ બનશે, ત્યારે તેઓ વિકાસ કરવા અગ્રેસર થશે અને વધુ પ્રગતિ કરશે. પછી જ દેશ વિકસિત બનશે અને પ્રગતિની દિશામાં હરણફાળ ભરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે શરૂ થયેલી નવી સુવિધાઓ સરકારના લઘુતમ શાસન સાથે મહત્તમ વહીવટ પ્રદાન કરવાના સંકલ્પનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક નિયમ, દરેક કાયદો અને દરેક નીતિ એવી રીતે બનાવવા પર ભાર મૂકે છે કે, એ જનકેન્દ્રિત હોય, એ સત્તાકેન્દ્રિત હોવાને બદલે જનતાને વધારે અનુકૂળ હોય. તેમણે જણાવ્યું હતું કે, સરકારના વહીવટના નવા મોડલનો અમલ કરવાથી સારાં પરિણામો મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે એવું વાતાવરણ ઊભુ થયું છે, જેમાં તમામ કાર્યોનો અમલ કરવા માટે ભાર મૂકવામાં આવે છે, પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પ્રકારનું વાતાવરણ દબાણ અને સજાના ડરને કારણે ઊભું થયું નથી, પણ સંપૂર્ણ અભિગમની સમજણનું પરિણામ છે, જેને સ્વીકારવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે શરૂ કરેલા વિવિધ સુધારા વિકેન્દ્રિત કે દિશાહિન નથી, પણ સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય સાથે પરિણામદાયક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના કરવેરાનાં માળખાને પાયાગત સુધારાની જરૂર હતી, કારણ કે અગાઉ કરવેરાનું માળખું સ્વતંત્રતા અગાઉના સમયગાળા દરમિયાન ઊભું થયું હતું અને એના આધારે વિકસ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછીના સમયગાળામાં કરવેરા વ્યવસ્થામાં કેટલાંક ફેરફારો થયા હોવા છતાં એનું મૂળભૂત પાસું બદલાયું નહોતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉની કરવેરા વ્યવસ્થાની જટિલતાને અનુકૂળતા સાધવામાં મુશ્કેલી પડતી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સરકારે હવે સરળ કરેલા કાયદાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવું સરળ બનશે. આનું એક ઉદાહરણ જીએસટી છે, જેણે એકસાથે ડઝનબંધ કાયદાઓનું સ્થાન લીધું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરના કાયદા કરવેરા વ્યવસ્થામાં કાયદેસર ભારણમાં ઘટાડો કરે છે, જેમાં હવે હાઈકોર્ટમાં કેસ ફાઇલ કરવાની ટોચમર્યાદા રૂ. 1 કરોડ સુધીની અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવાની ટોચમર્યાદા રૂ. 2 કરોડ સુધીની નક્કી કરવામાં આવી છે. ‘વિવાદ સે વિશ્વાસ યોજના જેવી પહેલ મોટા ભાગના કેસમાં સમાધાન કોર્ટની બહાર કરવા માટેનો માર્ગ મોકળો કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ચાલુ આર્થિક સુધારાના ભાગરૂપે કરવેરાના વિવિધ સ્લેબને તાર્કિક કરવામાં આવ્યાં છે, જેમાં જ્યારે રૂ. 5 લાખ સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી છે, ત્યારે બાકીના સ્લેબમાં કરવેરાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે દુનિયામાં ભારત એવા દેશોમાં સામેલ છે, જ્યાં કોર્પોરેટ કરવેરાના દર સૌથી ઓછા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ ચાલુ આર્થિક સુધારાઓનો ઉદ્દેશ કરવેરાની વ્યવસ્થાને સરળ, સાતત્યપૂર્ણ, અવરોધમુક્ત, જટિલતાથી મુક્ત અને ફેસલેસ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, કરવેરાની સરળ અને સાતત્યપૂર્ણ વ્યવસ્થા કરદાતાઓની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરશે, એને વધારે જટિલ નહીં બનાવે. તેમણે જણાવ્યું હતું કે, કરવેરાની વ્યવસ્થાને જટિલતાથી મુક્ત બનાવવા પાછળનો આશય ટેકનોલોજીથી લઈને નિયમોનું સરળીકરણ છે. ફેસલેસ સિસ્ટમના સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે, કરવેરા સાથે સંબંધિત ચકાસણી, નોટિસ, સર્વે કે આકારણી એમ કોઈ પણ બાબતમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાની જરૂર નહીં રહે, જેથી વ્યવસ્થા વધારે અથવા સંપૂર્ણ પારદર્શક બનશે.

કરદાતાઓના અધિકારપત્રના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમાં કરદાતાઓને હવે તટસ્થ કે નિષ્પક્ષ, શિષ્ટ અને તાર્કિક અભિગમની ખાતરી મળી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અધિકારપત્રમાં કરદાતાઓની ગરિમા અને સંવેદનશીલતા જળવાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા આ અધિકારપત્રનો પાયો પારસ્પરિક વિશ્વાસ છે. એમાં કર આકારણી કરનાર કોઈ પણ સરકારી અધિકારી પાયાના પુરાવા વિના શંકા નહીં કરી શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2012-13માં કરવેરા સાથે સંબંધિત કેસમાં ચકાસણીનું પ્રમાણ 0.94 ટકા હતું, જે છેલ્લાં છ વર્ષમાં ઓછામાં ઓછા ચાર ગણું ઘટીને નાણાકીય વર્ષ 2018-19માં 0.26 ટકા થયું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, આ બાબત સરકારનો કરદાતાઓમાં રહેલો વિશ્વાસ સૂચવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં છ વર્ષના સમયગાળા દરમિયાન ભારતને કરવેરા સંબંધિત વ્યવસ્થા કે વહીવટમાં પરિવર્તનશીલ નવું મોડલ જોવા મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ પ્રયાસોને પરિણામે છેલ્લાં 6થી 7 વર્ષ દરમિયાન આવકવેરાના રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં આશરે 2.5 કરોડનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જોકે સાથે-સાથે એ વાત પણ નકારી શકાય નહીં, કે 130 કરોડ નાગરિકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ કરવેરો ચુકવે છે. શ્રી મોદીએ લોકોને આત્મમંથન કરવા અને નિયમ મુજબ કરવેરાની ચુકવણી કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો નાગરિકો નિયમ મુજબ કરવેરો અદા કરશે તો આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં મદદ મળશે.

 

SD/GP/BT


(Release ID: 1645510) Visitor Counter : 309