પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 AUG 2020 3:37PM by PIB Ahmedabad

સિયાવર રામચંદ્રની જય!

જય સિયારામ.

જય સિયારામ.

આજે આ જયઘોષ માત્ર સિયારામની નગરીમાં જ નથી સંભળાઇ રહ્યો, પરંતુ તેની ગુંજ આખા વિશ્વભરમાં છે. તમામ દેશવાસીઓને અને વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારત ભક્તોને, રામ ભક્તોને, આજના આ પવિત્ર અવસર પર કોટિ-કોટિ અભિનંદન.

મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશ ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, પૂજ્ય નૃત્ય ગોપાલદાસજી મહારાજ અને આપણાં સૌના શ્રદ્ધેય શ્રી મોહન ભાગવતજી, આ મારુ સૌભાગ્ય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને આમંત્રિત કર્યો છે, આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું તેની માટે હ્રદયપૂર્વક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું.

રામ કાજુ કિન્હે બિનુ મોહિ કહાં બિશ્રામ.

ભારત આજે, ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયૂના કિનારે એક સ્વર્ણિમ અધ્યાયની રચના કરી રહ્યું છે. કન્યાકુમારીથી ક્ષીરભવાની સુધી, કોટેશ્વરથી કામાખ્યા સુધી, જગન્નાથથી કેદારનાથ સુધી, સોમનાથથી કાશી વિશ્વનાથ સુધી, સમ્મેત શિખરથી શ્રવણ બેલગોલા સુધી, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સાહિબ સુધી, અંદમાનથી અજમેર સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી, આજે સંપૂર્ણ ભારત રામમય છે. આખો દેશ રોમાંચિત છે, બધા મન દીપમય છે. આજે સંપૂર્ણ ભારત લાગણીશીલ પણ છે. સદીઓની પ્રતિક્ષા આજે સમાપ્ત થઈ રહી છે. કરોડો લોકોને આજે એ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેઓ પોતાને જીવતે જીવ આ પાવન દિવસને જોઈ રહ્યા છે.

સાથીઓ,

વર્ષોથી ટાટ અને ટેન્ટની નીચે રહી રહેલા આપણાં રામલલા માટે હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને પછી ફરીથી ઊભા થવું, સદીઓથી ચાલી રહેલ આ વ્યતિક્રમમાંથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ ગઈ છે. મારી સાથે ફરી એકવાર બોલો, જય સિયારામ, જય સિયારામ!!!

સાથીઓ,

આપણાં સ્વતંત્રતા સંગ્રામ વખતે કેટલીય પેઢીઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી નાખ્યું હતું. ગુલામીના કાલખંડમાં એક સમય એવો નહોતો જ્યારે આઝાદી માટે આંદોલન ના ચાલતું હોય, દેશનો કોઈ ભૂભાગ એવો નહોતો, જ્યાં આઝાદી માટે બલિદાન ના આપવામાં આવ્યું હોય. 15 ઓગસ્ટનો દિવસ તે અથાક તપનો, લાખો બલિદાનોના પ્રતિકનો છે, સ્વતંત્રતાની તે ઉત્કટ ઈચ્છા, તે ભાવનાનું પ્રતિક છે. બિલકુલ એ જ રીતે, રામ મંદિરની માટે કઈં કેટલીય સદીઓ સુધી, કેટ-કેટલીયે પેઢીઓએ અખંડ અવિરત એકનિષ્ઠ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે જ તપ, ત્યાગ અને સંકલ્પનો પ્રતિક છે.

રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષ વડે આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેમની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે, હું તે બધા જ લોકોને આજે નમન કરું છું, તેમને વંદન કરું છું. સંપૂર્ણ સૃષ્ટિની શક્તિઓ, રામ જન્મ ભૂમિના પવિત્ર આંદોલન સાથે જોડાયેલ દરેક વ્યક્તિ, જે જ્યાં પણ છે, આ આયોજનને જોઈ રહ્યો છે, તે ભાવ વિભોર છે, સૌને આશીર્વાદ આપી રહ્યો છે.

સાથીઓ,

રામ આપણાં મનમાં સ્થપાયેલા છે, આપણી અંદર ભળી ગયેલા છે. કોઈ કામ કરવું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામની તરફ જ જોઈએ છીએ. તમે ભગવાન રામની અદભૂત શક્તિ જુઓ. ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ નાબૂદ કરી દેવાના પ્રયાસો પણ ઘણા થયા, પરંતુ રામ આજે પણ આપણાં મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રી રામ ભારતની મર્યાદા છે, શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે.

આ જ આલોકમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર, શ્રી રામના આ ભવ્ય દિવ્ય મંદિર માટે ભૂમિ પૂજન થયું છે. અહિયાં આવતા પહેલા, મેં હનુમાનગઢીના દર્શન કર્યા. રામના બધા જ કામ હનુમાન જ તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી પણ હનુમાનજીની જ તો છે. હનુમાનજીના આશીર્વાદ વડે શ્રી રામ મંદિર ભૂમિ પૂજનનું આ આયોજન શરૂ થયું છે.

સાથીઓ,

શ્રી રામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતિક બનશે, આપણી શાશ્વત આસ્થાનું પ્રતિક બનશે, આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બનશે, અને આ મંદિર કરોડો કરોડ લોકોના સામૂહિક સંકલ્પ શક્તિનું પણ પ્રતિક બનશે. આ મંદિર આવનારી પેઢીઓને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આપતું રહેશે. આ મંદિરના બની ગયા પછી અયોધ્યાની માત્ર ભવ્યતા જ નહિ વધે, પરંતુ આ ક્ષેત્રનું સંપૂર્ણ અર્થતંત્ર પણ બદલાઈ જશે. અહિયાં દરેક ક્ષેત્રમાં નવા અવસરો ઊભા થશે, દરેક ક્ષેત્રમાં અવસરો વધશે. જરા વિચાર કરો, આખી દુનિયામાંથી લોકો અહિયાં આવશે, આખી દુનિયા પ્રભુ રામ અને માતા જાનકીના દર્શન કરવા આવશે. કેટલું બધુ બદલાઈ જશે અહિયાં.

સાથીઓ,

રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા, રાષ્ટ્રને જોડવાનો પ્રયાસ છે. આ મહોત્સવ છે – વિશ્વાસને વિદ્યમાન સાથે જોડવાનો. નરને નારાયણ સાથે જોડવાનો. લોકને આસ્થા સાથે જોડવાનો. વર્તમાનને અતિત સાથે જોડવાનો. અને સ્વયંને સંસ્કાર સાથે જોડવાનો. આજની આ ઐતિહાસિક ક્ષણો યુગો-યુગો સુધી, દિગ દિગંત સુધી ભારતની કૃતિ પતાકાને લહેરાવતી રહેશે. આજનો આ દિવસ કરોડો રામ ભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે.

આજનો આ દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનની ન્યાય પ્રિય ભારતને એક અનુપમ ભેંટ છે. કોરોના દ્વારા ઉત્પન્ન થયેલ સ્થિતિઓના કારણે ભૂમિ પૂજનનો આ કાર્યક્રમ અનેક મર્યાદાઓ વચ્ચે થઈ રહ્યો છે. શ્રી રામના કામમાં મર્યાદાનું જે ઉદાહરણ પ્રસ્તુત થવું જોઈએ, દેશે તેવું જ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ જ મર્યાદાનો અનુભવ આપણે ત્યારે પણ કર્યો હતો, જ્યારે માનનીય સર્વોચ્ચ અદાલતે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. આપણે ત્યારે પણ જોયું હતું કે, કઈ રીતે બધા જ દેશવાસીઓએ શાંતિ સાથે, બધાની ભાવનાઓનું ધ્યાન રાખીને વ્યવહાર કર્યો હતો. આજે પણ આપણે બધી બાજુ તેવી જ મર્યાદા જોઈ રહ્યા છીએ.

સાથીઓ,

આ મંદિરની સાથે માત્ર નવો ઇતિહાસ જ નથી રચાઇ રહ્યો, પરંતુ ઇતિહાસ પોતાની જાતનું પુનરાવર્તન પણ કરી રહ્યો છે. જે રીતે ખિસકોલીથી લઈને વાનર અને કેવટથી લઈને વનવાસી બંધુઓને ભગવાન રામના વિજયનું માધ્યમ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, જે રીતે નાના-નાના ગોવાળોએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉપાડવામાં મોટી ભૂમિકા નિભાવી, જે રીતે માવળે, છત્રપતિ વીર શિવજીની સ્વરાજ સ્થાપનાના નિમિત્ત બન્યા, જે રીતે ગરીબ પછાત, વિદેશી આક્રમણકારો સાથેની લડાઈમાં મહારાજ સુહેલદેવના સંબલ બન્યા, જે રીતે દલિતો પછાત આદિવાસીઓ, સમાજના દરેક વર્ગના આઝાદીની લડાઈમાં ગાંધીજીને સહયોગ આપ્યો, તે જ રીતે આજે દેશભરના લોકોના સહયોગ વડે રામ મંદિરના નિર્માણનું આ પુણ્ય કાર્ય પ્રારંભ થયું છે.

જે રીતે પત્થરો પર શ્રી રામ લખીને રામસેતુ બનાવવામાં આવ્યો, તે જ રીતે ઘરે-ઘરેથી, ગામે ગામથી શ્રદ્ધાપૂર્વક પૂજાયેલ શિલાઓ, અહિયાં ઉર્જાનો સ્ત્રોત બની ગઈ છે. દેશભરના ધામો અને મંદિરોમાંથી લાવવામાં આવેલ માટી અને નદીઓનું જળ, ત્યાંનાં લોકો, ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંની ભાવનાઓ, આજે અહીની શક્તિ બની ગઈ છે. ખરેખર આ ના ભૂતો ના ભવિષ્યતિ છે. ભારતની આસ્થા, ભારતના લોકોની સામૂહિકતાની આ અમોઘ શક્તિ, સંપૂર્ણ દુનિયાની માટે અધ્યયનનો વિષય છે, સંશોધનનો વિષય છે.

સાથીઓ,

શ્રી રામચંદ્રને તેજમાં સુર્ય સમાન, ક્ષમામાં પૃથ્વીને સમકક્ષ, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને યશમાં ઇન્દ્રની જેમ માનવામાં આવ્યા છે. શ્રી રામનું ચરિત્ર સૌથી વધુ જે કેન્દ્ર બિંદુ પર ફરે છે, તે છે સત્ય પર અડગ રહેવું. શ્રી રામે સામાજિક સમરસતાને પોતાના શાસનની આધારશિલા બનાવી હતી. તેમણે ગુરુ વસિષ્ઠ પાસેથી જ્ઞાન, કેવટ પાસેથી પ્રેમ, શબરી પાસેથી માતૃત્વ, હનુમાનજી અને વનવાસી બંધુઓ પાસેથી સહયોગ અને પ્રજા પાસેથી વિશ્વાસ પ્રાપ્ત કર્યો.

ત્યાં સુધી કે એક ખિસકોલીના અસ્તિત્વને પણ તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. તેમનું અદભૂત વ્યક્તિત્વ, તેમની વીરતા, તેમની ઉદારતા, તેમની સત્યનિષ્ઠા, તેમની નિર્ભીકતા, તેમનું ધૈર્ય, તેમની દ્રઢતા, તેમની તાત્વિક દ્રષ્ટિ યુગો-યુગો સુધી પ્રેરણા આપતી રહેશે. રામ પ્રજાને એકસમાન પ્રેમ કરે છે, પરંતુ ગરીબો અને દિન દુખીઓ પર તેમની વિશેષ કૃપા રહે છે. એટલા માટે તો માતા સીતા, રામજી માટે કહે છે-

‘દિન દયાલ બિરીદુ સંભારી’

એટલે કે જે દિન છે, જે દુખી છે, તેમનું બગડેલું કામ બનાવનાર શ્રી રામ છે.

સાથીઓ,

જીવનનું કોઈપણ એવું પાસું નથી, જ્યાં આપણાં રામ પ્રેરણા ના આપતા હોય. ભારતની એવી કોઈ ભાવના નથી જેમાં પ્રભુ રામ ઝળકતા ના હોય. ભારતની આસ્થામાં રામ છે, ભારતના આદર્શોમાં રામ છે! ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે! હજારો વર્ષ પહેલા વાલ્મીકિની રામાયણમાં જે રામ પ્રાચીન ભારતના પથનું પ્રદર્શન કરી રહ્યા હતા, જે રામ મધ્યયુગમાં તુલસી, કબીર અને નાનકના માધ્યમથી ભારતને બળ આપી રહ્યા હતા, તે જ રામ આઝાદીની લડાઈ વખતે બાપુના ભજનોમાં અહિંસા અને સત્યાગ્રહની શક્તિ બનીને ઉપસ્થિત હતા! તુલસીના રામ સગુણ રામ છે, તો નાનક અને કબીરના રામ નિર્ગુણ રામ છે!

ભગવાન બુદ્ધ પણ રામ સાથે જોડાયેલા છે, તો સદીઓથી આ અયોધ્યા નગરી જૈન ધર્મની આસ્થાનું પણ કેન્દ્ર રહી છે. રામની આ જ સર્વવ્યાપક્તા ભારતની વિવિધતામાં એકતાનું જીવન ચરિત્ર છે! તમિલમાં કંબ રામાયણ તો તેલુગુમા રઘુનાથ અને રંગનાથ રામાયણ છે. ઉડિયામાં રૂડપાદ કાતેડપદી રામાયણ તો કન્નડામાં કુમુદેન્દુ રામાયણ છે. તમે કાશ્મીર જશો તો તમને રામાવતાર ચરિત મળશે, મલયાલમમાં રામ ચરિત મળશે. બંગલામાં કૃત્તિવાસ રામાયણ ,છે તો ગુરુ ગોવિંદ સિંહે તો પોતે જ ગોવિંદ રામાયણ લખી છે. જુદી-જુદી રામાયણમાં જુદી-જુદી જગ્યાઓ પર રામ જુદા-જુદા રૂપમાં મળશે, પરંતુ રામ બધી જગ્યાએ છે, રામ સૌના છે. એટલા માટે રામ ભારતની ‘અનેકતામાં એકતા’નું સૂત્ર છે.

સાથીઓ,

વિશ્વમાં કેટલાયે દેશો રામના નામને વંદન કરે છે, ત્યાંનાં નાગરિકો, પોતાને શ્રી રામ સાથે જોડાયેલા માને છે. વિશ્વની સૌથી વધુ મુસ્લિમ જન સંખ્યા જે દેશમાં છે, તે છે ઈન્ડોનેશિયા. ત્યાં આપણાં દેશની જ જેમ ‘કાકાવિન રામાયણ, સ્વર્ણદ્વીપ રામાયણ, યોગેશ્વર રામાયણ જેવી કેટલીય અનોખી રામાયણ છે. રામ આજે પણ ત્યાં પૂજનીય છે. કંબોડિયામાં ‘રમકેર રામાયણ છે, લાઓમાં ‘ફ્રા લાક ફ્રા લામ રામાયણ છે, મલેશિયામાં ‘હિકાયત સેરી રામ’ તો થાઈલેન્ડમાં ‘રામાકેન’ છે! તમને ઈરાન અને ચીનમાં પણ રામના પ્રસંગ અને રામ કથાઓનો વૃત્તાંત મળશે.

શ્રીલંકામાં રામાયણની કથા જાનકી હરણના નામે સંભળાવવામાં આવે છે, અને નેપાળનો તો રામ સાથે આત્મીય સંબંધ, માતા જાનકી સાથે જોડાયેલો છે. એ જ રીતે દુનિયાના ખબર નહીં કેટ-કેટલાય દેશો છે, કેટલાય છેડા છે, જ્યાંની આસ્થામાં અથવા અતિતમાં, રામ કોઈને કોઈ રૂપમાં રચેલા પચેલા છે. આજે પણ ભારતની બહાર ડઝનબંધ એવા દેશો છે જ્યાં, ત્યાંની ભાષામાં રામકથા, આજે પણ પ્રચલિત છે. મને વિશ્વાસ છે કે, આજે આ દેશોમાં પણ કરોડો લોકોને રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થવાથી ઘણી સુખદ અનુભૂતિ થઈ રહી હશે. આખરે રામ બધાના છે, બધામાં છે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે, શ્રી રામના નામની જેમ જ અયોધ્યામાં બનનાર આ ભવ્ય રામ મંદિર ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતનું દ્યોતક બનશે. મને વિશ્વાસ છે કે, અહિયાં નિર્માણ પામનારું રામ મંદિર અનંતકાળ સુધી સંપૂર્ણ માનવતાને પ્રેરણા આપતું રહેશે. એટલા માટે આપણે એ બાબતની પણ ખાતરી કરવાની છે કે, ભગવાન શ્રી રામનો સંદેશ, રામ મંદિરનો સંદેશ, આપણી હજારો વર્ષો જૂની પરંપરાનો સંદેશ, કઈ રીતે આખા વિશ્વ સુધી સતત પહોંચે. કઈ રીતે આપણાં જ્ઞાન, આપણી જીવન દ્રષ્ટિ વડે વિશ્વ પરિચિત થાય, આ આપણી, આપણી વર્તમાન અને ભાવિ પેઢીઓની જવાબદારી છે. તેને જ સમજીને આજે દેશમાં ભગવાન રામના ચરણ જ્યાં જ્યાં પડ્યા, ત્યાં રામ સર્કિટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યા તો ભગવાન રામની પોતાની નગરી છે! અયોધ્યાની મહિમા તો પોતે ભગવાન શ્રી રામે ગાઈ છે-

“જન્મભૂમિ મમ પૂરી સુહાવની.”

અહિયાં રામ કહી રહ્યા છે, મારી જન્મભૂમિ અયોધ્યા અલૌકિક શોભા નગરી છે. મને ખુશી છે કે, આજે પ્રભુ રામની જન્મભૂમિની ભવ્યતા, દિવ્યતા વધારવા માટે અનેક ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે!

સાથીઓ,

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે- “રામ સદ્રશો રાજા, પૃથ્વિયામ્ નીતિવાન અભૂત” અર્થાત કે, સંપૂર્ણ પૃથ્વી પર શ્રી રામ જેવો નીતિવાન શાસક ક્યારેય થયો જ નથી. શ્રી રામની શિક્ષા છે- “નહીં દરિદ્ર કોઉ દુખી ન દીના”. કોઈપણ દુખી ના હોય, ગરીબ ના હોય. શ્રી રામનો સામાજિક સંદેશ છે- “પ્રહષ્ટ નર નારીક:, સમાજ ઉત્સવ શોભિત:” નર-નારી બધા જ સમાન રૂપે સુખી થાય. શ્રી રામનો નિર્દેશ છે- “કચ્ચિત્ તે દયિત: સર્વે, કૃષિ ગોરક્ષ જીવિન:” ખેડૂત, પશુપાલક બધા હમેશા ખુશ રહે. શ્રી રામનો આદેશ છે- “કશ્ચિદવૃદ્ધાન્ચબાલાન્ચ, વૈદ્યાન મુખ્યાન્ રાઘવ. ત્રિભી: એતૈ: વુભૂષસે”. વડીલોની, બાળકોની, ચિકિત્સકોની હંમેશા રક્ષા થવી જોઈએ. શ્રી રામનું આહ્વાન છે- “જૌસભીતઆવાસરનાઈ, રખિ હઉંતા હિ પ્રાન કી નાઈ”. જે શરણમાં આવે, તેની રક્ષા કરવાનું બધાનું કર્તવ્ય છે. શ્રી રામનું સૂત્ર છે – “જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી”. પોતાની માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી હોય છે. અને ભાઈઓ અને બહેનો, આ પણ શ્રી રામની જ નીતિ છે- “ભયબિનુંહોઇન પ્રીતિ”. એટલા માટે આપણો દેશ જેટલો શક્તિશાળી હશે, તેટલી જ પ્રીતિ અને શાંતિ બનેલી રહેશે.

રામની આ નીતિ અને રીતિ સદીઓથી ભારતનું માર્ગદર્શન કરતી આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આ જ સૂત્રો, આ જ મંત્રોના આલોકમાં, રામ રાજ્યનું સપનું જોયું હતું. રામનું જીવન, તેમનું ચરિત્ર જ ગાંધીજીના રામરાજ્યનો માર્ગ છે.

સાથીઓ,

સ્વયં પ્રભુ શ્રી રામે કહ્યું છે-

દેશકાલ અવસર અનુહારી, બોલે વચન બિનીત બિચારી.

અર્થાત, રામ સમય, સ્થાન અને પરિસ્થિતિઓ મુજબ બોલે છે, વિચારે છે, કરે છે.

રામ આપણને સમયની સાથે આગળ વધવાનું શીખવાડે છે, ચાલતા શીખવાડે છે. રામ પરિવર્તનના પક્ષધર છે, રામ આધુનિકતાના હિમાયતી છે. તેમની આ જ પ્રેરણાઓ સાથે, શ્રી રામના આદર્શોની સાથે ભારત આજે આગળ વધી રહ્યું છે!

સાથીઓ,

પ્રભુ શ્રી રામે આપણને કર્તવ્યપાલનની શિક્ષા આપી છે, પોતાના કર્તવ્યોને કઈ રીતે નિભાવવામાં આવે તેની શિક્ષા આપી છે. તેમણે આપણને વિરોધથી નીકળીને, બોધ અને શોધનો પથ પ્રદર્શિત કર્યો છે. આપણે પારસ્પરિક પ્રેમ અને બંધુત્વના બંધન વડે રામ મંદિરની આ શિલાઓને જોડવાની છે. આપણે ધ્યાન રાખવાનું છે, જ્યારે-જ્યારે માનવતાએ રામને માન્યા છે, વિકાસ થયો છે, જ્યારે-જ્યારે આપણે ભટક્યા છીએ વિનાશન રસ્તા ખૂલ્યા છે. આપણે બધાની ભાવનાઓનું ધ્યાન રાખવાનું છે. આપણે સૌના સાથ વડે, સૌના વિશ્વાસ સાથે, સૌનો વિકાસ કરવાનો છે. પોતાના પરિશ્રમ, પોતાની સંકલ્પ શક્તિ દ્વારા એક આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.

સાથીઓ,

તમિલ રામાયણમાં શ્રી રામ કહે છે-

“કાલમ્ તાય, ઇણ્ડ ઇનુમ ઇરૂત્તિ પોલામ્”

ભાવ એ છે કે, હવે મોડું નથી કરવાનું, હવે આપણે આગળ વધવાનું છે.

આજે ભારતની માટે પણ, આપણાં સૌની માટે પણ, ભગવાન રામનો એ જ સંદેશ છે. મને વિશ્વાસ છે, આપણે સૌ આગળ વધીશું, દેશ આગળ વધશે. ભગવાન રામનું આ મંદિર યુગો-યુગો સુધી માનવતાને પ્રેરણા આપતું રહેશે, માર્ગદર્શન કરતું રહેશે! જો કે, કોરોનાના કારણે જે રીતે સંજોગો છે, પ્રભુ રામનો મર્યાદાનો માર્ગ આજે હજુ વધારે જરૂરી છે.

વર્તમાનની મર્યાદા છે, બે ગજની દૂરી- માસ્ક છે જરૂરી. મર્યાદાઓનું પાલન કરીને તમામ દેશવાસીઓને પ્રભુ રામ સ્વસ્થ રાખે, સુખી રાખે, એ જ પ્રાર્થના છે. બધા જ દેશવાસીઓ પર માતા સીતા અને શ્રી રામના આશીર્વાદ હંમેશા બનેલા રહે. એ જ શુભકામનાઓ સાથે, બધા દેશવાસીઓને ફરી એકવાર અભિનંદન!

બોલો સિયાપતિ રામચંદ્રની.. જય!!

 

SD/GP/BT


(Release ID: 1643634) Visitor Counter : 631