PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
13 JUL 2020 6:35PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 13.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતમાં સાજા થયેલાની સંખ્યા 5.5 લાખ કરતાં વધારે; 19 રાજ્યોમાં સાજા થવાનો દર રાષ્ટ્રના સરેરાશ સાજા થવાના 63.02% દર કરતાં વધારે; રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર 2.64%ની સરખામણીએ 30 રાજ્યોમાં મૃત્યુદર ઓછો
કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારો સાથે મળીને કેન્દ્ર દ્વારા લેવામાં આવતા શ્રેણીબદ્ધ પૂર્વ-સક્રિય અને પૂર્વ અસરકારક તેમજ સંકલિત પગલાંના કારણે દેશમાં કોવિડ-19માંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર વૃદ્ધિ નોંધાઇ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,850 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે જ્યારે દેશમાં આજદિન સુધીમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 5.53.470 થઇ ગઇ છે. આજે કોવિડમાંથી સાજા થવાનો દર વધીને 63.02% નોંધાયો છે. 19 રાજ્યમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. હાલમાં દેશમાં કોવિડના 3,01,609 સક્રિય કેસો છે અને તમામને હોસ્પિટલોમાં, કોવિડ સંભાંળ કેન્દ્રોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યાની સરખામણીએ સાજા થયેલા દર્દીની સંખ્યા 2,51,861 વધારે છે. ગંભીર કેસોના તબીબી વ્યવસ્થાપન પર વિશેષ ભાર આપવાની વ્યૂહનીતિના કારણે ભારતમાં મૃત્યુદર ઘટીને 2.64% થઇ ગયો છે. 30 રાજ્યોમાં મૃત્યુદર દેશના સરેરાશ મૃત્યુદર કરતાં ઓછો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,19,103 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણની સંખ્યા 1,18,06,256 થઇ ગઇ છે. આજે પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ પરીક્ષણોનો આંકડો 8555.25 નોંધાયો છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638320
પ્રધાનમંત્રીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાતચીત કરી; ગૂગલના CEOએ ભારતમાં મહામારી સામેની લડતમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO શ્રી સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે શ્રી પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે અને જરૂરી સાચવેતી અંગે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગૂગલે જે પ્રકારે સક્રિયતાપૂર્ણ ભૂમિકા નિભાવી તે બદલ પ્રધાનમંત્રીએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીના હજી પણ વધુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી. ભારતમાં ગૂગલ દ્વારા ખૂબ જ મોટાપાયે રોકાણ અને વિકાસની વ્યૂહાત્મક ભાગીદારીઓ વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી મુક્ત અને ખુલ્લા અર્થતંત્રોમાંથી એક છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638298
ફાર્માસ્યુટિકલ વિભાગ ત્રણ જથ્થાબંધ દવાના પાર્ક અને ચાર તબીબી ઉપકરણ પાર્ક માટે સ્થળો પસંદ કરવાની માર્ગદર્શિકાઓને અંતિમરૂપ આપી રહ્યો છે: શ્રી ગૌડા
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ વિભાગ માર્ગદર્શિકાઓને અંતિમરૂપ આપી રહ્યો છે જે દેશમાં આગામી સમયમાં તૈયાર થનારા ત્રણ જથ્થાબંધ દવાના પાર્ક અને ચાર મેડિકલ ઉપકરણ પાર્કના સ્થળોની ઉદ્દેશપૂર્ણ પસંદગી કરવા માટે આધાર તૈયાર કરશે. જથ્થાબંધ દવાના પાર્કને પ્રોત્સાહન આપવાની યોજનાથી રૂપિયા 46,400 કરોડના જથ્થાબંધ દવાના ઉત્પાદનમાં વધારો થશે જ્યારે તબીબી ઉપકરણ પાર્કને પ્રોત્સાહન આપવાથી રૂપિયા 68,437 કરોડના તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં વધારો થશે તેવી અપેક્ષા છે. આ યોજનાઓથી નોકરીઓના સર્જનમાં પણ નોંધપાત્ર વધારો થશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638311
નાણાં પંચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સાથે બેઠક યોજી
15મા નાણાં પંચે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધન અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મંત્રાલય દ્વારા પ્રવર્તમાન કોવિડ-19ના અનુસંધાનમાં રાજ્યો અનુસાર કરવામાં આવેલી દરખાસ્તોમાં સુધારા કરવા અંગેના ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે; નાણાં ખેંચના અનુસંધાનમાં બેક લોડિંગની સંભાવનાઓ ચકાસવા માટે; અને XVFCના ઉચ્ચ સ્તરીય સમૂહ દ્વારા આરોગ્ય મંત્રાલય બાબતે આપવામાં આવેલા સૂચનો પર વિચાર કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની શરૂઆતમાં XVFCના અધ્યક્ષ શ્રી એન.કે. સિંહે જાહેરાત કરી હતી કે, મહામારીની વિલક્ષણ સ્થિતિને ધ્યાનમાં રાખતા, પંચે નિર્ણય લીધો છે કે, તેના અંતિમ અહેવાલમાં આરોગ્ય માટે એક અલગ પ્રકરણ ઉમેરવામાં આવશે. મંત્રાલયે પંચ સમક્ષ રજૂ કરેલા વિગતવાર પ્રેઝન્ટેશનમાં રાષ્ટ્રીય આરોગ્ય નીતિ (NHP) 2017ના લક્ષ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં સામેલ છે: આરોગ્ય ખર્ચમાં 2025 સુધીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ સાથે GDPના 2.5% સુધી વધારો કરવો; કુલ આરોગ્ય ખર્ચમાંથી બે તૃત્યાંશ હિસ્સો પ્રાથામિક આરોગ્ય ખર્ચ માટે ફાળવવો; અને 2020 સુધીમાં રાજ્ય ક્ષેત્ર આરોગ્ય ખર્ચમાં તેમના બજેટના 8 ટકાથી વધુ વૃદ્ધિ કરવી.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638331
નીતિ આયોગે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય રાજકીય મંચમાં ભારતની બીજી સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા રજૂ કરી
નીતિ આયોગે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ (HLPF)માં ટકાઉક્ષમ વિકાસ 2020 અંગે ભારતની બીજી સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા (VNR) રજૂ કરી હતી. HLPF એક અગ્રણી આંતરરાષ્ટ્રીય મંચ છે જે 17 ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યો (SDG) થતી પ્રગતી અંગે ફોલોઅપ અને સમીક્ષાની કામગીરી કરે છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમારે સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા રજૂ કરી હતી. પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં ડૉ. રાજીવ કુમારે પ્રવર્તમાન મહામારીના કારણે ઉભા થયેલા પડકારોનો સાથે મળીને સામનો કરી રહેલા તમામ સાથી દેશો સાથે ભારત એકજૂથ હોવાની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત આ મહામારી સામે ભારતની પ્રતિક્રિયાની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આયોગના ઉપાધ્યક્ષે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “SDGના લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં આપણી પ્રગતીને પ્રવેગ આપવા માટે આપણી વચ્ચે રહેલાં તમામ ભાગલા અને મતભેદો આપણે નાબૂદ કરવા જોઇએ અને પ્રવર્તમાન પરિસ્થિતિને તકમાં રૂપાંતરિત કરવા માટે સાથે મળીને પ્રયાસો કરવા જોઇએ.”
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638261
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીએ બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની 184મી AGMમાં સંબોધન આપ્યું
કોવિડ-19 મહામારીએ દુનિયા બદલી નાંખી છે પરંતુ ભારતીય લોકો, વ્યાવસાયિકો અને ઉદ્યોગો આ કટોકટી સામે ઝુક્યા નથી અને લવચિકતા તેમજ સાતત્યના અનન્ય ગુણો સાથે તેની સામે અડગ રીતે ઉભા રહ્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે સતત નવી નવી રીતો શોધી રહ્યા છે અને કટોકટીના સમયને તકમાં પરિવર્તિત કરી રહ્યા છે. નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ પહેલાં અને કોવિડ પછીની દુનિયા અલગ હશે અને આપણે કોવિડ પછીની બહેતર દુનિયામાં આગળ વધવા માટે તૈયાર થઇ રહ્યા છીએ.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638272
ભારતીય રેલવેતંત્ર 2030 સુધીમાં “ગ્રીન રેલવે” (સંપૂર્ણ શૂન્ય કાર્બન ઉત્સર્જન) બનવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યું છે; મુખ્ય કનેક્ટિવિટી માટેનું 365 કિમીનું કામ કોવિડના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે
રેલવે મંત્રાલય, વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલવેનું ગ્રીન રેલવેમાં રૂપાંતરણ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ તેમજ જળવાયુ પરિવર્તનની સમસ્યાને નાથવા માટે આ દિશામાં સંખ્યાબંધ મોટી પહેલ હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અપનાવેલી વ્યૂહરચનાના ભાગરૂપે રેલવેનું વિદ્યુતિકરણ, લોકોમોટિવ્સ અને ટ્રેનોની ઉર્જા કાર્યદક્ષતામાં વધારો કરવો અને ઇન્સ્ટોલેશન ઠીક કરવા, તમામ ઇન્સ્ટોલેશન/સ્ટેશનો માટે ગ્રીન પ્રમાણપત્ર, કોચમાં બાયો ટોઇલેટ લગાવવા અને અક્ષય ઉર્જાના સ્રોતો અપનાવવા વગેરે પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા 40,000 રૂટ કિમી (RKM) (BG રૂટ્સના 63%)થી વધુનું વિદ્યુતિકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે. કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન 365 કિમી મુખ્ય કનેક્ટિવિટીનું કામ પૂરું કરવામાં આવ્યું છે. કોવિડ દરમિયાન પૂરાં કરવામાં આવેલા મુખ્ય કનેક્ટિવિટીના કામમાં મુંબઇ- હાવરા વાયા અલ્હાબાદ રૂટ માટે કટની- સતના વિભાગ (99 RKM)નું કામ સામેલ છે જેનાથી હાવરા જવા માટે એક વૈકલ્પિક રૂટ મળશે. તેવી જ રીતે, ઇન્દોર- ગુના-બીના રૂટ પર પચોરે-માક્સી (88 RKM) વિભાગનું કામ પણ પૂરું કરવામાં આવ્યું છે જેનાથી માક્સી- ભોપાલ-બીના માટે વૈકલ્પિક રૂટ મળશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638269
કટ અને પોલિશ્ડ હીરાની પરત આયાત કરવા માટે ત્રણ મહિનાની મુદત લંબાવવામાં આવી
કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ઘણી મોટી રાહત આપતા, જે કટ અને પોલિશ્ડ હીરાને પ્રમાણપત્ર અને ગ્રેડિંગ માટે વિદેશમાં મોકલવામાં આવ્યા હતા તેની પરત આયાત કરવા માટેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. આ મુદત વધારો એવા તમામ કટ અને પોલિશ્ડ હીરા માટે લાગુ પડશે જેને 1 ફેબ્રુઆરી 2020થી 31 જુલાઇ 2020 દરમિયાન પરત આયાત કરવાના હતા પરંતુ કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પરત લાવી શકાયા નથી. પરત આયાતની લંબાવેલો સમયગાળો બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી (BCD) અને IGSTની ચુકવણી વગરનો રહેશે. આ સુવિધા છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક રૂપિયા 5 કરોડથી વધુનું નિકાસનું ટર્નઓવર ધરાવતા હોય તેવા નિકાસકારો માટે ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638218
દક્ષિણ પૂર્વ રેલવે ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ રેલવે સ્ટેશનની અંદર અને આસપાસમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને રેશન પૂરું પાડી રહ્યા છે
દક્ષિણ પૂર્વ રેલવે (SER) ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સે કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોનાને સેવાઓ પૂરી પાડીને ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. જ્યારથી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં, SER ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ દ્વારા 76,821 તૈયાર રાંધેલા ભોજન અને 3,16,084 સુકા રેશનના પેકેટનું રેલવે સ્ટેશનની અંદર અને આસપાસમાં પોતાના ક્ષેત્રમાં રહેતા નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કર્યું છે. સુકા રેશનના પેકેટમાં ચોખા, દાળ, મસાલા, ડુંગળી, બટાકા, સોયાબીન, લસણ, ખાદ્યતેલ વગેરે ચીજો સામેલ કરવામાં આવી છે. જે સમયે લોકો બહાર આવવાની હિંમત નહોતા કરતા તેવા સંજોગોમાં SERના રેન્જર્સ, રોવર્સ અને અન્ય યુવા સ્કાઉટ્સ અને ગાઇડ્સ આગળ આવ્યા અને સમાજના ગરીબ વર્ગની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ કરી. તેમણે 25,876 ફેસમાસ્કનું ઉત્પાદન કરીને નિઃસહાય અને ગરીબ લોકોમાં વિતરણ કર્યું હતું જેથી કોવિડ-19નો ફેલાવો રોકી શકાય.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638165
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ રાજ્યમાં વધુ એક વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક 32 ઉપર પહોંચી ગયો છે. કોટ્ટાયમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારવાર હેઠળ રહેલા 71 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું, આ વ્યક્તિના ચેપનો સ્રોત હજુ સુધી જાણી શકાયો નથી. વાયનાડમાં નિરીક્ષણ હેઠળ રહેલા વધુ એક વ્યક્તિનું પણ મૃત્યુ નીપજ્યું છે. જોકે તેના પરીક્ષણના અહેવાલની રાહ જોવાઇ રહી છે. ગંભીર ચેપગ્રસ્ત વિસ્તારોમાં આજથી 23 જુલાઇ સુધી ત્રિપલ લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. મસ્ત્ય મંત્રી જે. મર્સિકુટ્ટીઅમ્માએ જણાવ્યું હતું કે સરકાર મહામારીનો ફેલાવો અટકાવવા માટે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં લૉકડાઉન લાદવાનું વિચારી રહી છે. માછીમારોને માછીમારી માટે સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવશે. બીજી તરફ વંદેભારત મિશન અંતર્ગત 13 ઉડાનો મારફતે કોચીમાં 2,680 જેટલા વિદેશમાં ફસાયેલા લોકો આવી પહોંચ્યા છે. ગઇકાલે કુલ 435 કેસો નોંધાયા હતા, જેમાંથી 206 કેસ સંપર્ક મારફતે ચેપગ્રસ્ત થયા હતા. અત્યારે 3,743 દર્દીઓ સારવાર હેઠળ છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાં નવા 50 કોવિડ-19ના કેસો નોંધાતા કુલ આંકડો 1,468 ઉપર પહોંચી ગયો છે. આરોગ્યમંત્રીએ પુડુચેરીમાં 'સંવેદનશીલ વિસ્તારો'માં લોકોના પરીક્ષણ કરવા માટે ધારાસભ્યોની સહાયતા માંગી છે. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં કુલ સંખ્યા 3,000નો આંકડો પાર કરી ગઇ છે, જેથી અધિકારીઓએ દેખરેખ વધારી દીધી છે. જિલ્લામાં અત્યાર સુધી 3,131 કેસો નોંધાઇ ચૂક્યાં છે અને 25 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. કોવિડ-19માંથી સાજા થયા બાદ 72 જેટલા પોલીસ કર્મચારીઓ ફરી ફરજ ઉપર હાજર થયા છે. તામિલનાડુમાં ગઇકાલે 4,244 નવા કેસો નોંધાયા હતા અને 68 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 1,38,470 છે, જેમાંથી 46,969 સક્રિય કેસો છે, 1,966 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 17,469 છે.
- કર્ણાટકઃ કોવિડનો ફેલાવો રોકવા માટે મુખ્યમંત્રીએ આજે તમામ જિલ્લા કલેક્ટરો, CEO અને SP સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોટાભાગના જિલ્લા કલેક્ટરોએ કોવિડનો ફેલાવો રોકવા માટે લૉકડાઉન લાદવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પહેલેથી ધારવાડ અને દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરો 15મી જુલાઇથી એક અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરી ચૂક્યાં છે. રાજ્ય સરકાર હોટલો અને રહેણાંક પરિસરોમાં વધુ કોવિડ સંભાળ કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરી રહી છે. BBMPએ સંપર્ક તપાસ માટે તેના પ્રયાસો બેગણા કરવાનો અને હોમ ક્વૉરેન્ટાઇન નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે 2,627 નવા કેસો નોંધાયા હતા અને 71 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. બેંગ્લોર શહેરમાંથી 1,525 કેસો નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 38,843 છે, જેમાંથી 22,746 કેસો સક્રિય છે અને 684 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- આંધ્રપ્રદેશઃ રાજ્ય આરોગ્ય અને તબીબી વિભાગે કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર રેપિડ એન્ટિજેન કિટ્સનો ઉપયોગ કરીને પરીક્ષણ હાથ ધરવા સંબંધિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓને આદેશ આપ્યાં છે. દરેક જિલ્લાને 20,000 રેપિડ એન્ટિજેન કિટ્સ પૂરી પાડવામાં આવી છે. રવિવારે કોવિડના કારણે તિરુપતિમાં તેલુગુ ન્યૂઝ ચેનલમાં કામ કરી રહેલા વરિષ્ઠ પત્રકારના મૃત્યુ બાદ, જિલ્લા I&PR વિભાગે આજે પત્રકારો માટે કોવિડ પરીક્ષણનું આયોજન કર્યું હતું. ગોલાપુડ (વિજયવાડા)ના જથ્થાબંધ બજારમાં વેપારીઓમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા વધારાના કારણે તેમણે સ્વૈચ્છિક રીતે આજથી લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે 1,933 નવા કેસો નોંધાયા હતા અને 19 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 29,168 છે, 13,428 કેસો સક્રિય છે અને 328 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- તેલંગણાઃ ICMRના તબીબી આંકડાઓની રાષ્ટ્રીય સંસ્થાએ તબીબી પરીક્ષણોના વિશ્લેષણ વિશે આયુષે કોવિડ-19 દવાના તબીબી પરીક્ષણમાં કરેલી પ્રગતિ વિશેના વધુ આંકડાઓ બહાર પાડ્યાં છે. આ આંકડાઓ તેલંગણા અને આંધ્રપ્રદેશમાં એલોપથીના આંકડા કરતાં વધી ગયા હતા. ગઇકાલે સુધી 34,671 કેસો નોંધાયા છે, જેમાંથી 11,883 કેસો સક્રિય છે, 356 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 22,482 દર્દીઓને રજા આપવામાં આવી છે.
- હરિયાણાઃ 'કોવિડ-19 પડકારો અને તકો'ના વિષય ઉપર યોજાયેલા વ્યાવસાયિક વાર્તાલાપ 'મુખ્યમંત્રી સાથે યુવામંથન' વેબિનાર દરમિયાન વાતચીત કરતાં હરિયાણાના મુખ્યમંત્રીએ રાજ્યના યુવાનોને અપીલ કરી હતી કે તેમણે કોવિડ-19 મહામારીના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓને તેમના જીવનના ઉત્સાહ અને આશાઓ ઉપર હાવી થવા દેવી જોઇએ નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન પહોંચે તે માટે રાજ્યમાં આશરે 70 લાખ જેટલા વિદ્યાર્થીઓને ઑનલાઇન વર્ગો અને ટેલિવિઝનના મારફતે દૂરસ્થ શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
- મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 7,827 નવા કોરોના પોઝિટીવ દર્દીઓ ઓળખી કાઢવામાં આવ્યાં હતા. રાજ્યમાં કુલ કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 2,54,427 પર પહોંચી ગઇ છે. તેમાંથી આજ દિન સુધી રાજ્યમાં હોસ્પિટલોમાંથી 1,40,325 દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યમાં કુલ 10,116 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જે કોઇપણ દેશની સરખામણીમાં સૌથી વધારે છે. કુલ સક્રિય કેસોની સંખ્યા 91,457 છે. પૂણેમાં આજ રાત્રીથી 23મી જુલાઇ સુધી લૉકડાઉનનો અમલ કરાવવામાં આવશે. મુંબઇમાં નવા 1,263 કેસો નોંધાતા શહેરનો કુલ આંકડો 92,720 ઉપર પહોંચી ગયો છે. મુંબઇમાં કેસો બેગણા થવાનો દર 50 દિવસ અને સાજા થવાનો દર 70% છે, જે બંને રાજ્યની સરેરાશ કરતા વધારે છે.
- ગુજરાતઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 879 કેસો નોંધવામાં આવ્યાં છે અને રવિવાર સુધી કુલ 10,613 કેસો સક્રિય હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 2,045 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા 513 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ, કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 29,162 થઇ ગઇ છે. અમદાવાદના ધનવંતરી રથની પહેલને ખૂબ વખાણવામાં આવી છે. આ રથની મદદથી અમદાવાદમાં અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પાંચ લાખથી વધારે OPD પરામર્શ હાથ ધરવામાં આવ્યા છે.
- રાજસ્થાનઃ નવા નોંધાયેલા 95 પોઝિટીવ કેસો સાથે રાજ્યમાં કોવિડ-19નો કુલ આંક વધીને 24,370 ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધી (આજે સવારે 10.30 સુધી) 514 લોકોના મરણ નીપજ્યાં છે. કુલ 10,54,00 નમૂનાઓ પરીક્ષણ માટે એકત્ર કરવામાં આવ્યાં છે. 17,753 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 17,238 છે.
- મધ્યપ્રદેશઃ રવિવારે મધ્યપ્રદેશમાં 431 નવા કેસો નોંધાયા હતા. આ સાથે રાજ્યનો કુલ આંકડો 17,632 પર પહોંચી ગયો છે. બીજી તરફ કુલ સક્રિય કેસોની સંખ્યા 4,103 છે અને અત્યાર સુધી 12,876 લોકો સાજા થયા છે. રવિવારે સૌથી વધારે 95 કેસો ભોપાલમાંથી, ત્યારબાદ ઇન્દોરમાંથી 84 કેસો, જબલપુરમાંથી 24 કેસો અને બરવાનીમાંથી 20 કેસો નોંધાયા હતા. હોટસ્પોટ ઇન્દોરમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા 5,260 છે, જ્યારે રાજધાની ભોપાલમાં અત્યાર સુધી 3,502 કેસો નોંધાયા છે.
- છત્તીસગઢઃ રવિવારે 150 નવા પોઝિટીવ કેસો ઓળખી કાઢવામાં આવતા રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા 4,081 પર પહોંચી ગઇ છે. સક્રિય કેસોની સંખ્યા 909 છે. રવિવારે 83 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી, કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,153 છે. રાયપુરમાંથી 96 નવા કેસો નોંધાયા હતા.
- ગોવાઃ રવિવારે કોવિડ-19ના નવા 85 પોઝિટીવ કેસો પ્રકાશમાં આવતા રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 2,453 પર પહોંચી ગઇ છે. વધુમાં શનિવારે 2 વ્યક્તિઓના મૃત્યુ પણ નીપજ્યા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે. આ સિવાય એક જ દિવસમાં 59 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે જ ગોવામાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,487 પર પહોંચી ગઇ છે. તાજેતરમાં પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, રાજ્યમાં 952 કેસો સક્રિય છે.
- અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં કોવિડ-19 પરીક્ષણ માટે કુલ 31,520 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા 219 છે, જ્યારે 1,657 નમૂનાઓના પરિણામોની રાહ જોવાઇ રહી છે. રસ્તાઓ ઉપર બિનજરૂરી અવર-જવરને નિયંત્રિત કરવા માટે ઇટાનગર કેપિટલ કોમ્પલેક્સમાં વિવિધ સ્થળો પર પોલીસ જવાનોનો પહેરો મૂકી દેવાયો છે.
- આસામઃ આસામના મુખ્યમંત્રી શ્રી સરબાનંદ સોનોવાલે આજે દિબ્રુગઢના રોહમોરિયામાં ધોવાણની પ્રવૃતિઓ અટકાવવા માટે રૂ.25 કરોડની ત્રણ યોજનાઓની જાહેરાત કરી હતી.
- મણિપુરઃ મણિપુરના ઇમ્ફાલમાં આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુખ્યમંત્રીને ભારતીય સ્ટેટ બેન્કની પ્રાદેશિક કચેરી દ્વારા 350 PPE કિટ અને 3 વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું હતું.
- નાગાલેન્ડઃ કોહિમા જિલ્લા પ્રશાસને કોવિડ-19 પોઝિટીવ વ્યક્તિની ઓળખ થયા બાદ AG કોલોનીના ઉપરવાસના કેટલાક વિસ્તારોને ચેપગ્રસ્ત વિસ્તારો તરીકે પાડ્યાં છે.
- મિઝોરમઃ મિઝોરમ સ્કૂલ શૈક્ષણિક મંડળ HSSLC અને HSLC (પૂરક)ના પરિણામો આવતીકાલે જાહેર કરશે.
- સિક્કિમઃ સિક્કિમમાં જિલ્લા દીઠ કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા આ મુજબ છેઃ પૂર્વ જિલ્લો - 88, પશ્ચિમ જિલ્લો -22, દક્ષિણ જિલ્લો -42, ઉત્તર જિલ્લો - 2. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 153 છે.
FACTCHECK


(Release ID: 1638401)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam