પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારી સંબંધિત તૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજાઇ
Posted On:
11 JUL 2020 1:33PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં અન્ય લોકો ઉપરાંત, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધન, નીતિ આયોગના સભ્ય, કેબિનેટ સચિવ અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ દેશના વિવિધ ભાગોમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ જાણી હતી અને વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પણ માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, આપણે ચોક્કસપણે વ્યક્તિગત સ્વચ્છતા અને સાર્વજનિક સ્થળોએ સામાજિક શિસ્તનું પાલન કરવાની જરૂરિયાતોનું વારંવાર પુનરાવર્તન કરવું જોઇએ. કોવિડ અંગે લોકોમાં જાગૃતિનો વ્યાપકરૂપે પ્રચાર કરવો જોઇએ અને સંક્રમણને ફેલાતું રોકવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવા જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સંબંધે કોઇપણ પ્રકારની આળસને કોઇ જ અવકાશ નથી.
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આ મહામારીની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય તેમજ સ્થાનિક પ્રશાસને કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે એવા પણ નિર્દેશો આપ્યા હતા કે સમગ્ર NCR વિસ્તારમાં કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લાવવા માટે અન્ય રાજ્ય સરકારોએ પણ આ પ્રકારના દૃષ્ટિકોણને અનુસરવો જોઇએ.
અમદાવાદમાં શરૂ કરવામાં આવેલા 'ધનવંતરી રથ’ દ્વારા સર્વેલન્સ અને ઘર આધારિત સંભાળના સફળ ઉદાહરણનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો અને નિર્દેશો આપ્યા હતા કે, અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરીનું અનુસરણ કરી શકાય. પ્રધાનમંત્રીએ એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, તમામ અસરગ્રસ્ત રાજ્યો તેમજ ઉચ્ચ ટેસ્ટ પોઝિટીવિટી વાળા સ્થળોને વાસ્તવિક સમયમાં રાષ્ટ્રીય સ્તરે દેખરેખ અને દિશાનિર્દેશ ઉપલબ્ધ કરાવવા જોઇએ.
DS/BT
(Release ID: 1638004)
Visitor Counter : 304
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam