મંત્રીમંડળ
મંત્રીમંડળે વધારે અનાજ ફાળવવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગાળો જુલાઈથી પાંચ મહિના વધુ લંબાવીને નવેમ્બર, 2020 સુધી કરવાની મંજૂરી આપી
Posted On:
08 JUL 2020 4:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોવિડ-19નો સામનો કરવા આર્થિક ઉપાય તરીકે કેન્દ્રીય પૂલમાં ખાદ્યાન્નની વધારાની ફાળવણી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ની સમયમર્યાદા જુલાઈથી વધુ પાંચ મહિના લંબાવીને નવેમ્બર, 2020 સુધી કરવાની મંજૂરી આપી દીધી છે.
ભારત સરકારે દેશમાં કોવિડ-19થી પેદા થયેલા આર્થિક અવરોધોને કારણે ગરીબોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે માર્ચ, 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી)ની જાહેરાત કરી હતી. આ પેકેજમાં અન્ય બાબતો ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)નું અમલીકરણ સામેલ છે, જેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા, 2013 (એનએફએસએ) અંતર્ગત આવરી લેવામાં આવેલા લગભગ 81 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ વધારે અનાજ (ચોખા/ઘઉં) મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળાં કુટુંબ/લાભાર્થી કોઈ પણ નાણાકીય પરેશાનીનો સામનો કર્યા વિના સરળતાપૂર્વક ખાદ્યાન્ન મેળવી શકે. આ કાર્યક્રમ અંતર્ગત શરૂઆતમાં ત્રણ મહિના એપ્રિલ, મે અને જૂન માટે મફતમાં ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવ્યું હતું.
જોકે ગરીબો અને જરૂરિયાતમંદોને સતત મદદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પીએમ-જીકેએવાય યોજનાનો ગાળો આગામી 5 મહિના એટલે કે જુલાઈથી નવેમ્બર, 2020 માટે લંબાવવામાં આવ્યો છે.
આ અગાઉ પીએમ-જેકેએવાય અંતર્ગત આ વિભાગે 30 માર્ચ, 2020ના રોજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 120 લાખ મેટ્રિક ટન (એલએમટી) અનાજની ફાળવણી કરી હતી, જેનું વિતરણ ત્રણ મહિના (એપ્રિલ-મે-જૂન, 2020) દરમિયાન કરવાનું હતું. એ અનુસાર એફસીઆઈ અને રાજ્ય સરકારની અન્ય સંસ્થાઓને આ વિશેષ યોજના અંતર્ગત વિતરણ માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 120 એલએમટી અનાજમાંથી 116.5 એલએમટી (97 ટકા)થી વધારે અનાજની ડિલિવરી કરવામાં આવી છે. અત્યાર સુધી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંયુક્ત રીતે એપ્રિલથી જૂન, 2020ના ગાળા માટે લગભગ 107 એલએમટી (ફાળવવામાં આવેલા અનાજનો 89 ટકા હિસ્સો)નું વિતરણ કરવા વિશે સૂચના આપી છે. અત્યાર સુધી એપ્રિલમાં લગભગ 74.3 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં છે અને મે મહિનામાં 74.75 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં છે અને જૂન, 2020માં લગભગ 64.72 કરોડ લાભાર્થીઓને નિયમિતપણે એનએફએસએ અનાજ ઉપરાંત આ વધારાનું મફત અનાજનો પણ લાભ આપવામાં આવ્યો છે. હજુ વિતરણ ચાલુ છે અને વિતરણ કાર્ય પૂર્ણ થયા પછી વિતરણના આંકડાને અપડેટ કરવામાં આવશે. એટલું જ નહીં કેટલાંક રાજ્યોમાં વિવિધ લોજિસ્ટિક કારણોસર બેથી ત્રણ મહિનાના પીએમ-જીકેએવાય અનાજને એકસાથે વિતરણ કરવામાં આવે છે.
નિયમિત રીતે એનએફએસએ વિતરણ અંતર્ગત એપ્રિલ, મે અને જૂન, 2020 દરમિયાન એનએફએસએ અને પીએમ-જીકેએવાયના લગભગ 252 એલએમટી અનાજને એફસીઆઈ દ્વારા પોતાના મજબૂત સપ્લાય નેટવર્કનો ઉપયોગ આખા દેશમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. અંતરિયાળ અને દુર્ગમ સ્થળો પર અન્ય રીતે જેમ કે વાયુ અને જળ માર્ગો દ્વારા સતત અનાજ મોકલવામાં આવે છે, જેથી ત્યાંના લાભાર્થીઓને સમયસર એનો પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન પણ પુરવઠાની સાંકળને અત્યંત કુશળતાપૂર્વક જાળવી રાખીને એફસીઆઈ અને વિભાગે એનએફએસએ અને પીએમ-જીકેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજની સતત ડિલિવરી સુનિશ્ચિત કરી હતી. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં બાયોમેટ્રિક ધારાધોરણો પર અસ્થાયી રોક હોવા છતાં મુશ્કેલના સમયમાં આઇટી આધારિત પીડીએસ સુધારાનો લાભ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં કુલ 5.4 લાખ વાજબી ભાવની દુકાનો (એફપીએસ)માંથી લગભગ 4.88 લાખ (90.3 ટકા)નું ડિજિટલ ઇપીઓએસ મશીન નેટવર્ક અને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (ટીપીડીએસ) અને પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપનનું સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝેશન સામેલ છે.
ગયા વર્ષે 2019માં એપ્રિલ-મે-જૂન દરમિયાન આ વિભાગે એનએફએસએ અંતર્ગત આશરે કુલ 130.2 એલએમટી ખાદ્યાન્નોની ફાળવણી કરી હતી, જેમાંથી આશરે કુલ 123 એલએમટી (95 ટકા ખાદ્યાન્ન)ને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ઉઠાવ્યું હતું. એની સામે ચાલુ વર્ષે સમાન ગાળામાં એટલે કે એપ્રિલ-મે-જૂન 2020 દરમિયાન આ વિભાગે આશરે કુલ 252 એલએમટી ખાદ્યાન્નની વહેંચણી સમાન લાભાર્થીઓને કરી છે (એનએફએસએ અંતર્ગત 132 એલએમટી અને પીએમજીકેએવાય હેઠળ 120 એલએમટીની વહેંચણી), જેમાંથી 247 એલએમટીથી વધારે ખાદ્યાન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મેળવ્યું છે અને અત્યાર સુધી છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એનએફએસએના લાભાર્થીઓને 226 એલએમટીનું વિતરણ થયું છે, જે સામાન્ય સ્થિતિસંજોગોમાં લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વિતરણ થતા ખાદ્યાન્નની સરખામણીમાં લગભગ બેગણું છે.
પીએમજીકેએવાયને નવેમ્બર, 2020 સુધી વધુ 5 મહિના લંબાવવાની સાથે ખાદ્યાન્નનો સતત પુરવઠો અને વિતરણ જાળવવું પડશે. એનો અર્થ એ થયો કે, એની સાથે ખાદ્યાન્નના ખર્ચ અને વિતરણ પાછળ અંદાજે વધુ રૂ. 76062 કરોડનો ખર્ચ થશે.
GP/DS
(Release ID: 1637282)
Visitor Counter : 291
Read this release in:
Punjabi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam