વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ ભારતમાં લાઇટહાઉસ પર્યટનનો વિકાસ કરવા માટે આહ્વાન કર્યું

Posted On: 07 JUL 2020 12:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે.

અધિકારીઓએ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના DG અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

 

GP/DS

 



(Release ID: 1636971) Visitor Counter : 276