સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 માટે શ્રેષ્ઠ કામગીરીઓ
ધન્વંતરી રથ: અમદાવાદમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ લોકોના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે
Posted On:
04 JUL 2020 2:07PM by PIB Ahmedabad
પ્રવર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન, જ્યારે કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ત્યારે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનોખું અને અનન્ય દૃશ્ટાંત પૂરું પાડતા, ધન્વંતરી રથનો પ્રારંભ કર્યો છે જેમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ આપતી મોબાઇલ વાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમના ઘરઆંગણે સેવાઓ પૂરી પાડે છે. શહેરમાં સંખ્યાબંધ મોટી હોસ્પિટલો કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે તેથી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારી વગેરે બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ પણ સુનિશ્ચિતપણે એવા લોકોને પૂરી પાડી શકાય જેઓ હોસ્પિટલોની મુલાકાત લઇ શકતા નથી કારણ કે ઘણી હોસ્પિટલોમાં તો OPDની કામગીરી પણ બંધ છે.
AMC દ્વારા અપનાવવામાં આવેલા આ હસ્તક્ષેપ અંતર્ગત મોટી સંખ્યામાં ‘ધન્વંતરી રથ’ નામથી મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનમાં આયુષ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તેમજ AMCના શહેરી આરોગ્ય કેન્દ્રોના સ્થાનિક મેડિકલ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વાન શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે અને બિન-કોવિડ આવશ્યક તેવાઓ માટે OPD સેવાઓ પૂરી પાડે છે અને સમગ્ર અમદાવાદ શહેરમાં લોકોને તેમના ઘરઆંગણે ફિલ્ડ મેડિકલ કન્સલ્ટેશનની સેવા પણ આપે છે. આ મોબાઇલ મેડિકલ વાનમાં આયુર્વેદિક અને હોમિઓપેથિક દવાઓ, વિટામીન પૂરક દવાઓ, મૂળભૂત પરીક્ષણના ઉપકરણો તેમજ પલ્સ ઓક્સિમીટર સહિત તમામ આવશ્યક દવાઓ રાખવામાં આવે છે. જેઓ વિવિધ કારણોસર હોસ્પિટલના OPDની સેવાઓ મેળવી શકતા નથી તેવા લોકો સુધી પહોંચીને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા ઉપરાંત, ધન્વંતરી રથ દ્વારા જેમને વધુ સારવારની જરૂર હોય અથવા IPDમાં દાખલ થવું જરૂરી હોય તેમને પણ ઓળખી કાઢવામાં આવે છે અને તેઓ સમયસર હોસ્પિટલમાં પહોંચી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
AMC દ્વારા શહેરમાં 120 ધન્વંતરી રથ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ધન્વંતરી વાન દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4.27 લાખથી વધુ OPD કન્સલ્ટેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ હસ્તક્ષેપના કારણે અત્યાર સુધીમાં 20,143થી વધુ તાવના દર્દી, 71,048થી વધુ ઉધરસ, શરદી અને સળેખમના દર્દી, 462થી વધુ ગંભીર શ્વાસ સંબધિત સમસ્યાના દર્દીની સારવાર કરવામાં આવી છે અને તેમને તબીબી વ્યવસ્થાપન માટે શહેરી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે તેમજ હાઇપરટેન્શન, ડાયાબિટિસ અને અન્ય સહ-બીમારી ધરાવતા બીજા 826 દર્દીઓને તબીબી સારવાર માટે તેમની નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. ધન્વંતરી રથની શરૂઆત કરવાથી કોવિડ-19ના વ્યવસ્થાપનમાં પણ નોંધપાત્ર સકારાત્મક અસર જોવા મળી છે કારણ કે તેના કારણે કેટલાક ગુપ્ત કેસોને સમયસર ઓળખીને તેમની સારવાર કરવામાં આવી છે.
ઝડપથી ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી અને આ સમયમાં ચેપી બીમારીઓનો ફેલાવો વધુ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 15 જૂન 2020થી, મોબાઇલ મેડિકલ વાનની આરોગ્ય સેવાઓનો અવકાશ વધારીને તેમાં મેલેરિયા અને ડેંગ્યૂના પરીક્ષણો પણ શરૂ કરવામાં આવ્યા છે.
GP/DS
(Release ID: 1636425)
Visitor Counter : 600