પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાણિજ્યિક ધોરણે ખાણકામ માટે કોલસાના બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો
ભારતે સ્પર્ધા, મૂડી, સહભાગીતા અને ટેકનોલોજી માટે કોલસા અને ખાણકામ ક્ષેત્રોને સંપૂર્ણ મુક્ત કરવા માટે મોટો નિર્ણય લીધો છે: પ્રધાનમંત્રી
કોલસા ક્ષેત્રમાં કરાયેલા સુધારાથી પૂર્વીય અને મધ્ય ભારત, આપણો આદિજાતિ પટ્ટો, વિકાસના સ્તંભ બની જશે: પ્રધાનમંત્રી
ખાણકામ અને ખનીજક્ષેત્રની મજબૂતી વગર આત્મનિર્ભરતા હાંસલ કરવી શક્ય નથી: પ્રધાનમંત્રી
Posted On:
18 JUN 2020 2:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાણિજ્યિક ધોરણે ખાણકામ માટે કોલસાના 41 બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરંભ કરાવ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી શ્રેણીબદ્ધ જાહેરાતોના ભાગરૂપે આ શરૂઆત કરવામાં આવી છે. કોલસા મંત્રાલયે FICCIના સહયોગથી કોલસાની ખાણોની હરાજીની પ્રક્રિયાનો આરંભ કરાવ્યો છે. કોલસાની ખાણોની ફાળવણી માટે બે તબક્કાની ઇલેક્ટ્રોનિક હરાજી પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
આ પ્રસંગે બોલતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત કોવિડ-19 મહામારીમાંથી બહાર આવશે અને રાષ્ટ્ર આ કટોકટીના તબક્કાને તકમાં પરિવર્તિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, કટોકટીના તબક્કાએ ભારતને આત્મનિર્ભર બનવાનો પાઠ શીખવ્યો છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત મતલબ આયાત પર નિર્ભરતા ઓછી કરવી અને આયાત પર ખર્ચાતા વિદેશી હુંડિયામણની બચત કરવી. તેમાં ભારત સ્થાનિક સ્તરે પોતાના સંસાધનો વિકસાવે છે જેથી દેશને વિવિધ ચીજો માટે આયાત પર નિર્ભર રહેવાની જરૂર ના પડે. આનો અર્થ એવો પણ થાય કે, આપણે હાલમાં જેની આયાત કરી રહ્યા છીએ તેવી આવશ્યક ચીજોના સૌથી મોટા નિકાસકાર બનીએ.
આ લક્ષ્ય હાંસલ કરવા માટે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્ર, દરેક ઉત્પાદન, દરેક સેવાને ધ્યાનમાં રાખવી જોઇએ અને સર્વગ્રાહી રીતે કામ કરવું જોઇએ જેથી ભારત દરેક ચોક્કસ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે લેવામાં આવેલું મોટું પગલું, ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક કોલસાના ખાણકામના ક્ષેત્રમાં સુધારો ચિહ્નિત નથી કરતો પરંતુ તેનાથી યુવાનો માટે લાખો રોજગારીની તકોના સર્જનની શરૂઆત પણ થઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે આપણે માત્ર વ્યાપારી ધોરણે કોલસાના ખાણકામ માટે હરાજીની પ્રક્રિયાનો આરંભ નથી કરી રહ્યા પરંતુ દાયકાઓથી લૉકડાઉનમાં પડેલા કોલસાના ક્ષેત્રને મુક્ત કરી રહ્યા છીએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં ચોથો મોટો કોલસાનો ભંડાર ધરાવે છે અને બીજા સૌથી મોટા કોલસાના ઉત્પાદક તરીકે ઓળખ ધરાવે છે, અને છતાં પણ બીજા સૌથી મોટા આયાતકાર પણ છે. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિ ઘણા દાયકાઓથી ચાલતી આવે છે અને કોલસાનું ક્ષેત્ર કેપ્ટિવ અને નોન- કેપ્ટિવ ખાણોમાં ફસાઇ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રને સ્પર્ધા અને પારદર્શકતામાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું તે સૌથી મોટી સમસ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોલસા ક્ષેત્રમાં અત્યાર સુધી રોકાણનો અભાવ રહ્યો છે અને તેની કાર્યક્ષમતા પર પણ પ્રશ્ન ઉભો થાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2014માં, કોલસા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોલ લિંકેજની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભારતે કોલસા અને ખાણકામ ક્ષેત્રને સંપૂર્ણપણે મુક્ત કરવા માટે અને સ્પર્ધા, મૂડી, સહભાગીતા તેમજ ટેકનોલોજી વધારવા માટે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ખાનગી ખાણકામ ક્ષેત્રમાં પ્રવેશી રહેલા નવા ખેલાડીઓને નાણાંની કોઇ સમસ્યા ના પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ખાણકામ અને ખનીજક્ષેત્રની મજબૂતી વગર આત્મનિર્ભરતા હાંસલ કરવી શક્ય નથી કારણ કે આ બંને ક્ષેત્રો આપણા અર્થતંત્રના મહત્વના આધારસ્તંભ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારાના કારણે, કોલસાનું ઉત્પાદન અને સમગ્ર કોલસાનું ક્ષેત્ર આત્મનિર્ભર બની જશે. હવે કોલસા માટે મુક્ત બજાર બની ગયું છે, જેથી કોઇપણ ક્ષેત્ર પોતાની જરૂરિયાત અનુસાર કોલસાની ખરીદી કરી શકે છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સુધારાથી માત્ર કોલસાના ક્ષેત્રને જ ફાયદો થશે તેવું નથી પરંતુ અન્ય ક્ષેત્રો જેમ કે, સ્ટીલ, એલ્યુમિનિયમ, ખાતરો અને સીમેન્ટ વગેરેને પણ આનાથી ફાયદો થશે. આનાથી વીજ ઉત્પાદનમાં પણ મદદ મળી શકશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખનીજક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાને કોલસા ક્ષેત્રમાં કરાયેલા સુધારાથી વધુ શક્તિ મળી છે કારણ કે આયર્ન, બોક્સાઇટ અને અન્ય ખનીજો કોલસાના ભંડારોની ખૂબ નજીકમાં આવેલી છે. તેમણે કહ્યું હતું કે, કોલસા વ્યાપારી ધોરણે ખાણકામ માટે આજથી શરૂ થયેલી હરાજીમાં ઉદ્યોગોના તમામ હિતધારકોમાં સૌને લાભ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આનાથી રાજ્ય સરકારોને વધુ આવક થશે અને દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માટે રોજગારીનું સર્જન થશે. આનાથી દરેક ક્ષેત્રમાં સકારાત્મક અસર જોવા મળશે.
કોલસાના ક્ષેત્રમાં સુધારાનો અમલ કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા કરવા માટે માટે ભારતની પ્રતિબદ્ધતા જરાય નબળી ના પડે તે સુનિશ્ચિત થાય તેનું પણ આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “કોલસામાંથી ગેસ બનાવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય અને કોલસાના ગેસિફિકેશન જેવા પગલાં લઇને પર્યાવરણનું રક્ષણ કરવામાં આવશે. કોલસાના ગેસનો ઉપયોગ પરિવહન અને રસોઇકામ માટે થઇ શકશે જ્યારે યુરિયા અને સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે વર્ષ 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાનું ગેસમાં રૂપાંતરણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને આપણી ચાર પરિયોજનાઓને આ હેતુ માટે ઓળખી લેવામાં આવી છે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું તેમાં રોકાણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોલસાના ક્ષેત્રમાં આવેલા આ સુધારાથી પૂર્વીય અને મધ્ય ભારત, આપણો આદિજાતિ પટ્ટો, દેશના વિકાસનો આધારસ્તંભ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં ખૂૂબ મોટી સંખ્યામાં મહત્વાકાંક્ષી જિલ્લાઓ આવેલા છે અને તેઓ પ્રગતી અને સમૃદ્ધિના ઇચ્છિત સ્તર સુધી પહોંચી શક્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં 16 મહત્વાકાંક્ષી જિલ્લામાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં કોલસાનો જથ્થો છે પરંતુ આ વિસ્તારના લોકોને તેનો પૂરતા પ્રમાણમાં લાભ મળ્યો નથી. આ જગ્યાના લોકોને રોજગારી માટે ખૂબ જ દૂરના મોટા શહેરોમાં સ્થળાંતરણ કરવું પડે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોલસાની ખાણોના વ્યાપારી ધોરણે ખાણકામનું પગલું પૂર્વીય અને મધ્ય ભારત માટે ખૂબ જ મદદરૂપ થશે કારણ કે, તેનાથી સ્થાનિક સમુદાયને પોતાના ઘરની નજીકમાં જ રોજગારીની તકો પ્રાપ્ત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારે કોલકાના ઉત્ખનન અને પરિવહન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પાછળ રૂપિયા 50 હજાર કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી વિપુલ સંખ્યામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોલસા ક્ષેત્રમાં સુધારા અને રોકાણના કારણે આ ક્ષેત્ર આદિજાતિ સમુદાયોના જીવનને વધુ સરળ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે. કોલસાના ઉત્પાદનના કારણે ઉભી થયેલી વધારાની આવકનો ઉપયોગ આ પ્રદેશમાં જાહેર કલ્યાણની યોજનાઓ માટે કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોને જિલ્લા ખનીજ ભંડોળમાંથી મદદ મળવાનું ચાલુ જ રહેશે, જેમાંથી ઘણા મોટા હિસ્સાનો ઉપયોગ આસપાસના વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓનો વિકાસ કરવા માટે થશે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, આ હરાજી એવા સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી ફરી તેની સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. વપરાશ અને માંગ કોવિડ-19 પહેલાંના સ્તરે ફરી ઝડપથી પહોંચી રહ્યા છે. તેમણે એવા ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં કોવિડ-19ના પહેલાંના સમયમાં જે સ્તર હતું એટલી માંગ ફરી ઝડપથી આવી રહી છે જેમાં વિદ્યુત વપરાશ, પેટ્રોલિયમ ઉત્પાદનો માટે માંગ, ઇ-વે બિલ, ટોલ એકત્રીકરણ, રેલવે નૂર ટ્રાફિક, ડિજિટલ રિટેઇલ ટ્રાન્ઝેક્શન વગેરેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગ્રામણી અર્થતંત્રમાં પણ હવે સુધારો આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ખરીફ વાવેતર અંતર્ગત પાક ઉછેરના કુલ ક્ષેત્રફળ અને ઘઉંની ખરીદીમાં પણ આ વર્ષે વૃદ્ધિ થઇ છે. આનો અર્થ એવો થયો કે, ખેડૂતોના ખિસ્સામાં વધુ નાણાં પહોંચ્યા છે. આ તમામ સૂચકો આપણને કહી રહ્યા છે કે, ભારતીય અર્થતંત્ર ફરી મોટી છલાંગ લગાવવા અને આગળની દિશામાં પ્રગતી કરવા માટે તૈયાર થઇ ગયું છે.
પ્રધાનમંત્રીએ શુભેચ્છા વ્યક્ત કરી હતી કે, ભારત બહુ જલદી કટોકટીના આ તબક્કામાંથી બહાર આવી જશે કારણ કે તે અગાઉ પણ ઘણી મોટી કટોકટીઓમાંથી બહાર આવ્યું છે. પ્રધાનંમત્રીએ પ્રબળપણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત આત્મનિર્ભર બનશે અને ભારતની સરળતા તેમજ વિકાસ નિશ્ચિત છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલાં આપણી N-95 માસ્ક, કોરોના પરીક્ષણ કીટ્સ, PPE અને વેન્ટિલેટર્સની જરૂરિયાતો કેટલા પ્રમાણમાં હતી અને આપણે કેવી રીતે મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી તેને પૂરી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ખૂબ જ ટૂંકા સમયમાં આપણે તબીબી ઉત્પાદનોના મહત્વપૂર્ણ નિકાસકાર બની જઇશું. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, તેઓ વિશ્વાસ અને મનોબળ જાળવી રાખે કે, આપણે ચોક્કસપણે આત્મનિર્ભર ભારત બની શકીએ છીએ.
GP/DS
(Release ID: 1632332)
Visitor Counter : 370
Read this release in:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada