પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇની સમીક્ષા કરી
Posted On:
13 JUN 2020 6:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતે હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરવા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં મહામારીના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તરે સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી સહિત જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ ઉપર પણ વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, આરોગ્ય સચિવ, ICMRના મહાનિર્દેશક અને અધિકારપ્રાપ્ત જૂથોના અન્ય સંબંધિત સંયોજકો હાજર રહ્યાં હતાં.
તબીબી આપાતકાલીન પ્રબંધન યોજનાના અધિકારપ્રાપ્ત જૂથના સંયોજક અને નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે પ્રવર્તમાન સ્થિતિ અંગે અને મધ્યમગાળામાં કોવિડ-19ના કેસોના સંભવિત પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. તે બાબત ધ્યાન ઉપર લેવામાં આવી હતી કે કુલ કેસોમાંથી બે-તૃતિયાંશ કેસો 5 રાજ્યોમાં છે અને તેમાં પણ કેસોની સંખ્યા મોટા શહેરોમાં ખૂબ જ વધારે પડતી છે. આ પડકારજનક પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને, ખાસ કરીને મોટા શહેરોમાં પરીક્ષણની સંખ્યા વધારવાની સાથે સાથે દૈનિક કેસોમાં થઇ રહેલા વધારાનો અસરકારક રીતે સામનો કરવો પથારીઓની સંખ્યા અને સેવાઓમાં વધારો કરવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ હોસ્પિટલની પથારીઓ/ આઇસોલેશન બેડની શહેર અને જિલ્લા દીઠ જરૂરિયાતો અંગે અધિકારપ્રાપ્ત જૂથે કરેલી ભલામણોની નોંધ લીધી હતી અને તેના આધારે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓને રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને આપાતકાલીન આયોજન હાથ ધરવા નિર્દેશો આપ્યા હતાં. તેમણે મંત્રાલયને ચોમાસાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય તૈયારીઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી.
રાજધાની દિલ્હીમાં કોવિડ-19 મહામારીની વર્તમાન અને ઉભરી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને આગામી 2 મહિનાની સંભાવનાઓ અંગે ગહન વિચારણા થઇ હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19ના વધી રહેલા કેસોના કારણે ઊભરી રહેલા પડકારનો સંકલિત અને સર્વગ્રાહી સામનો કરવા માટે ઉપરાજ્યપાલ, રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી સાથે ભારત સરકાર, દિલ્હી સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આપાતકાલીન બેઠક યોજવા સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં મહામારી ઉપર સફળતાપૂર્વક રોકવા અને નિયંત્રણ મેળવવા અનેક રાજ્યો, જિલ્લાઓ અને શહેરો દ્વારા હાથ ધરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીના અનેક પ્રસંગોની નોંધ લીધી હતી અને તેની પ્રશંસા કરવામાં આવી હતી. અન્ય લોકોને પ્રેરણા અને નવીન વિચારો પુરા પાડવા આ સફળતા ગાથાઓ અને શ્રેષ્ઠ પ્રણાલીઓનો વ્યાપક પ્રસાર કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
GP/DS
(Release ID: 1631436)
Visitor Counter : 332
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam