મંત્રીમંડળ

ભારતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે સરકારે મંત્રાલયો/ વિભાગોમાં “સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથ (EGoS) અને પ્રોજેકટ ડેવલપમેન્ટ સેલ્સ (PDCs)”ની રચના કરી


ભારતમાં મૂડી રોકાણ વધારવા માટેની દરખાસ્ત

આ નિર્ણયોથી ભારત વધુ મૂડી રોકાણલક્ષી મથક બનશે અને રોકાણકારો માટે સહાયક બની દેશમાં મૂડી રોકાણનો પ્રવાહ સરળ બનાવશે. જેનાથી આપણાં સ્થાનિક ઉદ્યોગોને પણ વેગ મળશે

“સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથ (EGoS) અને પ્રોજેકટ ડેવલપમેન્ટ સેલ્સ (PDCs)” એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર માટેનું સપનું સાકાર કરવા માટે મહત્વનું પગલું બની રહેશે

તેનાથી મંત્રાલયો/ વિભાગો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે મૂડી રોકાણ અને તેને સંબંધિ પ્રોત્સાહક નીતિઓ અંગે એકરૂપતા (synergies) આવશે

અર્થતંત્રને વેગ મળશે અને વિવિધ ક્ષેત્રોમાં સીધી અને આડકતરી રોજગારીની અપાર સંભાવનાઓ ખૂલશે

Posted On: 03 JUN 2020 5:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી મંત્રી મંડળની બેઠકે ભારતમાં મૂડી રોકાણને આકર્ષવા માટે વિવિધ મંત્રાલયો/ વિભાગોમાંસચિવોના અધિકાર પ્રાપ્ત જૂથ (EGoS) અને પ્રોજેકટ ડેવલપમેન્ટ સેલ્સ (PDCs)” ની રચના માટે મંજૂરી આપી છે. નવી વ્યવસ્થા અમલમાં આવતાં ભારતનું વર્ષ 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું વિઝન સાકાર થઈ શકશે.

સરકાર મૂડી રોકાણલક્ષી એવી તંત્ર વ્યવસ્થા ઉભી કરવા માટે દ્રઢ નિશ્ચય ધરાવે છે કે જે સ્થાનિક રોકાણકારોની સાથે સાથે સીધા વિદેશી મૂડી રોકાણને મજબૂત સહયોગ આપતી હોય અને અર્થતંત્રને અનેકગણો વેગ આપતી હોય.

ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વ્યાપાર વિભાગ (DPIIT) એક સુસંકલિત અભિગમ ધરાવતા વ્યૂહાત્મક અમલીકરણ હાથ ધરવાની દરખાસ્ત ધરાવે છે કે જે આગળ જતાં મંત્રાલયો/ વિભાગો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો મૂડી રોકાણ અને તેને સંબંધિત પ્રોત્સાહક નીતિઓમાં એકરૂપતા લાવે.

હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારતે દેશમાં અને ખાસ કરીને નવા ભૌગોલિક વિસ્તારોમાં પોતાના મૂડી રોકાણનું વિવિધિકરણ કરવા માંગતી અને જોખમ નિવારવા ઈચ્છતી મોટી કંપનીઓ માટે સીધુ વિદેશી મૂડી રોકાણ આકર્ષવા માટેની તકો ઉભી થઈ છે. ઉપરાંત વિવિધ પ્રોડક્ટસ લાઈન્સમાં ઉત્પાદનને વેગ આપવા માટે અમેરિકા, યુરોપિયન યુનિયન, ચીન અને અન્ય સ્થળોએ મોટા બજારો માટે કામ આવી શકે તે પ્રકારે ઉત્પાદનને વેગ આપવાની નીતિ અનુસરવામાં આવી રહી છે. દરખાસ્તનો ઉદ્દેશ હાલની વૈશ્વિક આર્થિક સ્થિતિને કારણે ઉભી થયેલી તકોનો લાભ લેવાનો અને ભારતને ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન અપાવવાનો છે.

રોકાણકારોને ભારતમાં મૂડી રોકાણ કરવા માટે સહયોગ અને સુવિધા પૂરી પાડવા માટે તથા મહત્વના ક્ષેત્રોમાં વૃધ્ધિને વેગ આપવા માટે સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથ (EGoS) ને મંજૂરી આપવામાં આવી છે. જૂથનું સ્વરૂપ અને ઉદ્દેશ નીચે મુજબ રહેશેઃ

  • કેબિનેટ સચિવ (અધ્યક્ષ)
  • સીઈઓ, નીતિ આયોગ (સભ્ય)
  • સચિવ, ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર (કન્વીનર સભ્ય)
  • સચિવ, વાણિજ્ય વિભાગ (સભ્ય)
  • સચિવ, મહેસૂલ વિભાગ (સભ્ય)
  • સચિવ, આંતરિક બાબતોનો વિભાગ (સભ્ય)
  • સંબંધિત વિભાગના સચિવ, (હવે પછી પસંદગી કરવામાં આવશે)

સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથના ઉદ્દેશોઃ

  • નિર્ણયોમાં એકરૂપતા લાવવી અને વિવિધ વિભાગો તથા મંત્રાલયો પાસેથી સમયસર મંજૂરી મળે તેની ખાત્રી રાખવી.
  • ભારતમાં વૈશ્વિક રોકાણકારોનું વધુ મૂડી રોકાણ આકર્ષવું અને મૂડી રોકાણને સુવિધા તથા સગવડો પૂરી પાડવી.
  • વિવિધ વિભાગો મારફતે આગળ ધપાવાયેલા મૂડી રોકાણોનું નીચે મુજબના માપદંડોને આધારે મૂલ્યાંકન કરવું (1) પ્રોજેક્ટની રચના (2) વાસ્તવમાં કેટલું મૂડી રોકાણ આવશે. વધુમાં વિભાગોને અધિકાર પ્રાપ્ત જૂથ તરફથી વિવિધ તબક્કે પૂરા કરવાના લક્ષ્યાંકો આપવામાં આવશે.

મૂડી રોકાણપાત્ર પ્રોજેક્ટસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન માટે એકપ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ’ (PDC) ની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે અને તે દ્વારા ભારતમાં મૂડી રોકાણપાત્ર પ્રોજેક્ટસની પાઈપલાઈન વિસ્તારવામાં આવશે અને સમય જતાં સીધા મૂડી રોકાણના પ્રવાહમાં વધારાને પ્રોત્સાહિત કરવામાં આવશે. કેન્દ્રના દરેક સંબંધિત મંત્રાલયમાં સચિવના માર્ગદર્શન હેઠળ સંયુક્ત સચિવની કક્ષાથી ઓછો દરજ્જો ના ધરાવતા હોય તેવા અધિકારીની સચિવ પદે નિમણુંક કરવામાં આવશે, જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલના ઈનચાર્જ તરીકેની કામગીરી સંભાળશે અને તેમને મૂડી રોકાણ પાત્ર પ્રોજેક્ટ અંગે અભિગમ, વ્યૂહરચના, અમલીકરણ અને વિગતો આપવાની સત્તા રહેશે.

 

પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલના ઉદ્દેશો નીચે મુજબ રહેશેઃ

  • મૂડી રોકાણકારો પ્રોજેક્ટસમાં મૂડી રોકાણ કરી શકે/ અમલ કરી શકે તે માટે ફાળવણી માટેની ઉપલબ્ધ જમીનની વિગતો સહિત પ્રોજેક્ટને મંજૂરીઓ આપવાની કામગીરી કરશે.

 

  • મૂડી રોકાણને આકર્ષવા માટે જે મુદ્દાઓ હલ કરવાની જરૂર હોય તેની ઓળખ કરીને મૂડી રોકાણને આખરી સ્વરૂપ આપવાનું રહેશે અને દરખાસ્તને અધિકાર પ્રાપ્ત જૂથ સમક્ષ મૂકવાની રહેશે.

 

નિર્ણયથી ભારત વધુ મૂડી રોકાણલક્ષી ક્ષેત્ર બનશે અને પ્રધાનમંત્રી શ્રીના વિઝન મુજબ આત્મનિર્ભર ભારત મિશનને વેગ મળશે, એકમોને સહયોગ આપીને દેશમાં મૂડી રોકાણના પ્રવાહને સરળ બનાવવામાં આવશે તથા વિવિધ ક્ષેત્રોમાં સીધી અને આડકતરી રોજગારીની સંભાવનાઓ ખૂલશે, તેમજ અર્થતંત્રને વેગ મળશે.

 

GP/DS


(Release ID: 1629077) Visitor Counter : 741