વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

સીએસઆઇઆરએ લોંચ કરેલી કિસાન સભા એપ ખેડૂતોને સપ્લાય ચેઇન અને ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડશે


કિસાન સભા ખેડૂતો, મંડીના ડિલરો, પરિવહનકારો, મંડીના બોર્ડના સભ્યો, સેવા પ્રદાતાઓ અને ઉપભોક્તાઓ કે ગ્રાહકોના હિતો જાળવવા અને સેવા આપવા 6 મુખ્ય મોડ્યુલ ધરાવે છે

Posted On: 01 MAY 2020 6:02PM by PIB Ahmedabad

હાલ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં ખેડૂતો બજારમાં તેમનો પાક પહોંચાડવા માટે, ખરીફ સિઝન માટે બિયારણ/ખાતરની ખરીદી વગેરે કરવા માટે મદદ મેળવવા ઇચ્છે છે. અત્યારે મજબૂત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ (પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન)ની તાતી જરૂર છે, જેથી ખેડૂતોના પાકો સારામાં સારી કિંમતે બજારમાં સમયસર પહોંચે.

 

સીએસઆઇઆર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર-સીઆરઆરઆઈ), નવી દિલ્હીએ આજે ખેડૂતોને સપ્લાય ચેઇન અને ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવા કિસાન સભા એપ લોંચ કરી હતી. આ એપ આઇસીએઆઈના ડીજી અને ડીએઆરઈના સચિવ ડો.ત્રિલોચન મોહપાત્રાએ રિમોટલી (દૂરસ્થ સ્થળેથી) લોંચ કરી હતી. ડો.મોહપાત્રાએ આ પોર્ટલ વિકસાવવા બદલ સીએસઆઇઆરને અભિનંદન આપ્યા હતા, જે કૃષિ ઉદ્યોગમાં ખેડૂતો, પરિવહનકારો અને અન્ય સંલગ્ન સંસ્થાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે. વળી આ એપ/પોર્ટલ એ પણ દર્શાવે છે કે, આઇસીએઆર અમલીકરણ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)નો ઉપયોગ કરી શકે છે અને સીએસઆઈઆર સાથે સંયુક્તપણે કામ કરી શકે છે.

આ પ્રસંગે ઉપસ્થિત સીએસઆઇઆરના ડીજી અને ડીએસઆઇઆરના સચિવ ડો. શેખર સી માંડેએ કહ્યું હતું કે, એપનું ડેવલપમેન્ટ અને લોંચ દેશમાં હાલના કટોકટીના સ્થિતિસંજોગોમાં ખેડૂતોને મદદ કરવાની સીએસઆઇઆરની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. અમે આ પહેલને આગળ વધારવા આઇસીએઆર, ઉદ્યોગ, એમએસએમઈ, ટ્રકર અને ખેડૂતો તથા તમામ ભાગીદારો સાથે જોડાણ કરવા આતુર છીએ.

 

આ એપના લોંચ પર ઉદ્યોગ, ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ, સીએસઆઇઆર-સીઆરઆરઆઈની ટીમ અને સીએસઆઇઆરના અન્ય વરિષ્ઠ વિજ્ઞાનીઓ રિમોટલી (દૂરસ્થ સ્થળેથી) ઉપસ્થિત રહ્યાં હતાં. સીએસઆઇઆર-સીઆરઆરઆઈના ડાયરેક્ટર ડો.સતિશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ કૃષિ બજાર સંગઠિત નથી અને ઘણું ઉત્પાદન નકામું જાય છે અથવા અત્યંત ઓછી કિંમતે વેચાય છે એટલે એક વિસ્તૃત પ્રાથમિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી તથા ડિલરો, પરિવહનકારો અને ખેડૂતો સાથે 6 દિવસનો લાંબો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે એશિયાની સૌથી મોટી આઝાદપુર મંડીમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેનો આશય હાલના વાતાવરણમાં વિવિધ સમસ્યાઓ અને જુદાં જુદાં પક્ષોની ચિંતાઓ સમજવાનો હતો. આ અભ્યાસ અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિસાન સભા એપ વિકસાવવામાં આવી હતી.

 

પોર્ટલ સમયસર અને અસરકારક સમાધાન પૂરું પાડવા માટે ખેડૂતો, પરિવહનકારો, સેવા પ્રદાતાઓ (જેમ કે જંતુનાશકો/ખાતરો/ડિલર્સ, કોલ્ડ સ્ટોર અને વેરહાઉસના માલિકો), મંડીના ડિલરો, ગ્રાહકો (જેમ કે મોટા રિટેલ આઉટલેટ, ઓનલાઇન સ્ટોર્સ, સંસ્થાગત ગ્રાહકો) અને અન્ય સંબંધિત સંસ્થાઓને જોડશે.

 

આ પોર્ટલ ખેતીવાડી સાથે સંબંધિત દરેક સંસ્થા માટે સિંગલ સ્ટોપ તરીકે કામ કરશે, પછી એ પાકનો સારામાં સારો ભાવ મેળવવા ઇચ્છતો ખેડૂત હોય કે પછી વધારે ખેડૂતો સુધી જોડાણ કરવા ઇચ્છતો મંડીનો ડિલર હોય અથવા મંડીઓમાંથી ખાલી ટ્રક લઈને જતાં ટ્રકર હોય.

 

કિસાન સભા કૃષિ સેવા ક્ષેત્રમાં લોકો માટે પણ કામ કરશે, જેમ કે ખાતર/જંતુનાશકોના ડિલરો, જેઓ તેમની સેવાઓ પૂરી પાડવા વધુ ખેડૂતો સુધી પહોંચી શકે છે.

આ કોલ્ડ સ્ટોર(ર્સ) અથવા ગોડાઉન(ન્સ) સાથે સંકળાયેલા લોકો માટે પણ ઉપયોગી પુરવાર થશે. કિસાન સભા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઇચ્છતાં લોકો માટે પણ ઉપયોગી પ્લેટફોર્મ પુરવાર થશે.

 

કિસાન સભા ખેડૂતો/મંડીના ડિલરો/પરિવહનકારો/મંડીના બોર્ડના સભ્યો/સેવા પ્રદાતાઓ/ઉપભોક્તાઓને સારામાં સારી સેવા આપવા 6 મુખ્ય મોડ્યુલ ધરાવે છે.

 

કિસાન સભાનો ઉદ્દેશ ખેડૂતોને સમયસર, સૌથી વધુ વાજબી વિવિધ લોજિસ્ટિક સહકાર પ્રદાન કરવાનો તથા વચેટિયાઓનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો કરીને અને ખેડૂતોને સંસ્થાગત ગ્રાહકો સાથે સીધા જોડીને તેમનું નફાનું ધોરણ વધારવાનો છે. એનાથી ખેડૂતોને નજીકની મંડીઓમાં સરખામણી કરીને પાકના સારામાં સારા દર મેળવવામાં મદદ પણ મળશે. વળી તેઓ પાકનું પરિવહન કરવા માટે ઓછામાં ઓછા ખર્ચે વાહન બુક કરાવી શકશે, જેથી તેમને મહત્તમ લાભ થશે.

 



(Release ID: 1620314) Visitor Counter : 281